દેશનાં 'સૌથી સમૃદ્ધ' રાજ્ય ગુજરાતમાં છે સંખ્યાબંધ કુપોષિત બાળકો

કુપોષિત બાળક
    • લેેખક, કિંજલ પંડ્યા-વાઘ
    • પદ, બીબીસી ન્યૂઝ, દેવગઢ બારિયા (ગુજરાત)

મેં આ અહેવાલ લખવાનું શરૂ કર્યું ત્યારે દીક્ષિતાની તબીયતની માહિતી મેળવવા દેવગઢ બારિયા હોસ્પિટલનાં બાળકોના ડૉક્ટર અંકિત દાણીને ફોન કર્યો હતો. તેમણે કહ્યું હતું, "દીક્ષિતા હવે નથી રહી. તમે અમારી હૉસ્પિટલની મુલાકાત લીધી તેના બે દિવસ બાદ જ તેનું મૃત્યુ થયું હતું."

નિરાશાની તે પળમાં હું અને મારી ટીમ દીક્ષિતા તથા તેનાં મમ્મી નર્મદાબહેનના જે ફોટોગ્રાફ્સ ખેંચ્યા હતા તે તત્કાળ જોવા લાગ્યાં લાગ્યાં.

10 મહિનાની વયની દીક્ષિતાનું વજન માત્ર ત્રણ કિલોગ્રામ હતું, જે જરૂરી લઘુતમ વજન કરતાં ઘણું ઓછું હતું. દીક્ષિતાને ન્યૂમોનિયા થયો હતો અને તે અત્યંત કુપોષિત હતી.

ડૉ. દાણીના જણાવ્યા મુજબ, ગોધરા નજીકની બારિયા સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારના કેસ અત્યંત સામાન્ય હોય છે.

તેના કારણો વિશે પૂછવામાં આવતા ડૉ. દાણીએ કહ્યું હતું, "તેનું કારણ માત્ર બાળકનું જ નહીં, પણ માતાઓનું કુપોષણ પણ છે."

"ઓછી આવક ધરાવતા પરિવારો, ખાસ કરીને આર્થિક રીતે પછાત આદિવાસી સમુદાયની મોટાભાગની માતાઓ પોતે જ કુપોષિત હોય છે. તેથી તેઓ દેખીતી રીતે કુપોષિત બાળકને જન્મ આપતી હોય છે."

પોતાનાં બાળકો સાથે મહિલાઓ

એ ઉપરાંત ઓછી આવક ધરાવતા વર્ગના લોકોમાં પોષણ સંબંધી જાગૃતિનો લગભગ અભાવ જ હોય છે.

વળી, તેમનામાં એવી માન્યતા પણ ઘર કઈ ગઈ છે કે બાળકને શક્ય હોય તેટલા લાંબા સમય સુધી સ્તનપાન જ કરાવતાં રહેવું જોઈએ.

આ જણાવતા ડૉ. દાણીએ ઉમેર્યું હતું કે અમારી સામેનો મુખ્ય પડકાર સ્તનપાન સંબંધી માન્યતાને તોડી પાડવાનો અને મહિલા તથા બાળકના પોષણ વિશે જાગૃતિ લાવવાનો છે.

બારિયાના તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. સિંહ મૂળ બિહારના છે અને હૉસ્પિટલમાં આદિવાસી પરિવારો સાથે એક દાયકાથી વધુ સમયથી કાર્ય કરી રહ્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ડૉ. સિંહે કહ્યું હતું, "અહીંના લોકોનો જીવનઆધાર દૈનિક વેતન છે. પૈસા કમાવા એ તેમના માટે રોજિંદો જંગ હોય છે અને પોષણ વિશે વિચારવું તેમની અગ્રતામાં છેલ્લા ક્રમે છે."

તેમણે ઉમેર્યું, "અમે અહીં ઘણાં લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે 'અમે રક્તદાન કરીશું તો આવતીકાલે ખેતરમાં કે કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કઈ રીતે કરીશું.' તેથી અમે તેમને ત્યાંથી જ માહિતગાર કરવાનું શરૂ કર્યું હતું."

"તેમને આર્થિક ટેકો કે રોજગારની ખાતરી ન આપવામાં આવે ત્યાં સુધી આ જાગૃતિનો પ્રસાર મુશ્કેલ છે."

'આનંદી' ગુજરાતમાં મહિલાઓ સંચાલિત સમુદાય આધારિત સંસ્થા છે.

'આનંદી' જેવી સંસ્થાઓ કુપોષણની સમસ્યાના સામના માટેનાં કાર્યમાં સરકારને મદદ કરે છે.

અરુંધતિ શ્રીધર

બારિયાની સિવિલ હૉસ્પિટલથી નવ કિલોમીટર દૂર આવેલા એક અંતરિયાળ આદિવાસી ગામ સ્થિત 'આનંદી'ના કેન્દ્ર ખાતે રોજ બપોરે ભોજનના સમયે માતાઓ તેમનાં બાળકોને જમાડવા આવે છે.

એક ચમચી ખાદ્યતેલ ભેળવીને રાંધેલી દાળ આખો કપ ભરીને એ માતાઓને આપવામાં આવે છે.

માતાઓ તેમનાં બાળકોને એ દાળ ખવડાવે છે, જ્યારે બાળકો રમકડાંથી રમતાં હોય છે અને એકમેકને ભોજન કરતા નિહાળતાં હોય છે.

ગ્રામ્ય મહિલાઓ સાથે સંવાદ સાધવામાં કુશળ અને તેમની સાથે કાયમી સંબંધ ધરાવતી સ્થાનિક કોમની મહિલાઓ 'આનંદી'ના કેન્દ્રોનું સંચાલન કરે છે.

'આનંદી'નાં પ્રોગ્રામ મેનેજર અરુંધતિ શ્રીધરે કહ્યું હતું, "અમે સરકારને એ જણાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે મહિલાઓ બાળકને જન્મ આપે એ પહેલાંથી જ તેમને પોષણ સંબંધી માહિતી આપવી જોઈએ, જેથી માતા અને બાળકને શરૂઆતથી જ પોષણ મળતું રહે."

"બાળક છ મહિનાની વય વટાવી જાય પછી પણ તેને નક્કર ખોરાક પૂરો પાડવાનું કામ સરકારે કરવું જોઈએ."

"ત્રણથી છ વર્ષનાં બાળકો માટે સરકાર હાલ બે યોજના-સંકલીત બાળવિકાસ યોજના (આઈસીડીએસ) અને રાષ્ટ્રીય આરોગ્ય યોજના (એનએચએસ) ચલાવે છે, પણ બાળક ત્રણ વર્ષનું થાય ત્યાં સુધીમાં કુપોષિત થઈ ચૂકયું હોય છે."

"ઉપરોક્ત યોજનાઓના ભાગરૂપે સરકાર છ મહિનાથી મોટી વયનાં બાળકોને ન્યૂટ્રિશનલ સપ્લિમૅન્ટ્સ પણ આપે છે.''

''એ સામગ્રી ઘરમાં રાંધીને બાળકને ખવડાવવાની હોય છે, પણ જે બાળકને એ ભોજન ઘરમાં મળે છે તેના પર દેખરેખની કોઈ વ્યવસ્થા નથી."

line

ગુજરાતમાં કુપોષણ પર આટલું ફોક શા માટે?

કુપોષિત બાળક અને તેમની માતા

ઐતિહાસિક રીતે અને વર્તમાનમાં દેશનાં સૌથી વધુ ઔદ્યોગિક અને સમૃદ્ધ રાજ્યો પૈકી એક ગુજરાતની ઝાટકણી વિવિધ એજન્સીઓ રાજ્યના લોકોના આરોગ્ય વિશેના ખરાબ આંકડા બદલ કાઢતી રહે છે.

દેશની સર્વોચ્ચ ઑડિટ સંસ્થા કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ(કેગ)એ આ પ્રકારના આંકડા એકત્ર કરવાની ગુજરાતની પદ્ધતિ સામે ગયા સપ્તાહે સવાલ ઉઠાવ્યા હતા.

બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘટ્યાના રાજ્ય સરકારના દાવાની કેગે ઝાટકણી કાઢી હતી. (સ્રોતઃ કેગનો રિપોર્ટ, પ્રકરણ પહેલું, પાના નંબર 12 અને 13)

તેનું કારણ એ છે કે કુપોષિત બાળકોના આ આંકડા નેશનલ ફેમિલી હૅલ્થ સર્વે(એનએફએચએસ)ના 2015-16ના સમાન સમયગાળાના આંકડાથી એકદમ અલગ હતા.

રાજ્ય સરકારના આંકડા જણાવે છે કે 2015-16માં રાજ્યમાં માત્ર 4.85 ટકા બાળકો જ કુપોષિત હતાં અને એ પૈકીનાં 0.65 બાળકો જ અત્યંત કુપોષિત હતાં.(સ્રોતઃ ગુજરાત સીએસઆર ઑથૉરિટી રિપોર્ટ પાના નંબર 9.)

અલબત્ત, એનએફએચએસ-4ના આંકડા અનુસાર, રાજ્યનાં 38 ટકા બાળકો સ્ટન્ટેડ, 26 ટકા વેસ્ટેડ, 29 ટકા બાળકો ઓછું વજન ધરાવતા અને 9.5 ટકા બાળકો અત્યંત વેસ્ટેડ હતાં.(સ્રોતઃ એનએફએચએસ 2015-16)

આ તફાવતનું કારણ રાજ્ય સરકારે અપનાવેલી અલગ પદ્ધતિ છે. કુપોષણના પ્રમાણનું આકલન કરવા માટે રાજ્ય સરકારે માત્ર ઓછું વજન ધરાવતાં બાળકોને જ ગણતરીમાં લીધાં હતાં, પરંતુ વિશ્વ આરોગ્ય સંગઠન સ્ટન્ટિંગ તથા વેસ્ટિંગની ગણતરી પણ કરે છે.

line

શું છે સ્ટન્ટિંગ અને વેસ્ટિંગ?

કુપોષિત બાળક

વયના પ્રમાણમાં બાળકની ઊંચાઈ ઓછી હોય તેને સ્ટન્ટિંગ કહેવાય છે.

સ્ટન્ટિંગને કારણે બાળકનું મગજ અપૂરતું વિકસે છે. તેમાં તેની માનસિક આવડત અને શીખવાની ક્ષમતાનો સમાવેશ થાય છે.

બાળપણમાં અભ્યાસમાં બાળકનો દેખાવ કંગાળ રહે છે. ડાયાબિટીસ, હાયપરટૅન્શન અને ભવિષ્યમાં મેદસ્વીતા જેવા પોષણ સંબંધી સંક્રામક રોગો બાળકને થવાનું જોખમ વધારે રહે છે.

વેસ્ટિંગ એક એવી અવસ્થા છે, જેમાં બાળકનું વજન તેમની વયના પ્રમાણની લઘુતમ જરૂરિયાત કરતાં પણ ઓછું હોય છે.

વેસ્ટિંગના પ્રમાણ પર બાળકના આયુષ્યનો આધાર હોય છે.

line

ભારતની ગંભીર સમસ્યા

આંગણવાડીનાં બાળકો

કુપોષણની સમસ્યાના નિવારણની દિશામાં નોંધપાત્ર કામગીરી થઈ છે. તેમ છતાં પરિસ્થિતિ હજુ ચિંતાજનક છે.

ભારતમાં પાંચ વર્ષથી નાની વયનાં 38 ટકા બાળકો સ્ટન્ટેડ હોય છે. (સ્રોતઃ યુનિસેફ)

સ્ટન્ટિંગ અને વેસ્ટિંગ જેવાં અપોષણનાં અન્ય સ્વરૂપો વિશ્વમાં મૃત્યુ પામતાં કુલ બાળકો પૈકીના અડધોઅડધનાં મૃત્યુ માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

ભારતનું અર્થતંત્ર પ્રભાવશાળી દરે વિકસી રહ્યું છે અને એશિયાનું ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે, પણ દેશમાં સ્ટન્ટેડ બાળકોનું પ્રમાણ વિશ્વમાં સૌથી વધારે છે.

વિશ્વનાં પાંચ વર્ષથી ઓછી વયનાં કુલ બાળકો પૈકીનાં 33 ટકા (46.8 મિલિયન) બાળકો ભારતમાં છે. (સ્રોતઃ યુનિસેફ)

દેવગઢ બારિયા ગામ

બારિયાની સિવિલ હોસ્પિટલમાં પાછા ફરીએ. કુપોષણની સમસ્યાના સામના માટે અત્યારે જે કંઈ કરવામાં આવી રહ્યું છે તેના કરતાં સરકારે ઘણું વધારે કામ કરવાની જરૂર છે, આ વાતનો ડો. અંકિત દાણી સ્વીકાર કરે છે.

ભારત સરકારના અગ્રણી નીતિવિચારક મંડળ નીતિ આયોગના ઉપાધ્યક્ષે કહ્યું હતું, "ભારતમાં કુપોષણની સમસ્યાને આપણે દૂર કરી શક્યાં નથી એ રાષ્ટ્રીય શરમની વાત છે."

"આપણાં બાળકોમાં કુપોષણની સમસ્યાને દૂર કરવાના કામને વર્તમાન સરકાર સર્વોચ્ચ અગ્રતા આપી રહી છે અને 2030 સુધીમાં દેશના કુપોષણમુક્ત કરવાનું લક્ષ્યાંક અમે નક્કી કર્યું છે."

આ લક્ષ્યાંકનું પરિણામ શું આવે છે તે જોવાનું રહેશે, પણ ભારતને કનડતી આ સમસ્યાને કારણે જે વર્તમાન પેઢીને ગૂમાવી રહ્યાં છીએ તેના નુકસાનનું શું?

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો