'દાંડીયાત્રાનો ખજાનો અમદાવાદના 'ગુજરી બજાર'માં ખાંખાંખોળા કરતા મળ્યો'

ઇમેજ સ્રોત, Dr. Rizwan kadari
- લેેખક, ડૉ. રિઝવાન કાદરી
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગાંધીજીએ પોતાના સાથીઓ સાથે દાંડીયાત્રાનો પ્રારંભ કર્યો ત્યારે દેશ-વિદેશના પત્રકાર અને ફોટોગ્રાફર 'સત્યાગ્રહ આશ્રમ - સાબરમતી' મુકામે ઉપસ્થિત હતા.
27 વર્ષના ચિત્રકાર છગનલાલ જાદવ દાંડીયાત્રાના આરંભથી અંત સુધી જીવંત ચિત્ર આલેખનથી આ યાત્રાનું દસ્તાવેજીકરણ કરતા હતા.
છગનલાલ જાદવના આ ચિત્રો હવે પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થવા જઈ રહ્યા છે.
ગાંધીજી અને છગનલાલને જોડનાર ચિત્રપોથી મને અમદાવાદના 'ગુજરી બજાર'માં ખાંખાંખોળા કરતા મળી ગઈ.
આ ચિત્રપોથીમાં દાંડીકૂચનું ચિત્રાત્મક દસ્તાવેજીકરણ કરેલું હતું, આ પ્રકારનું દસ્તાવેજીકરણ જોઈને હું ચકિત થઈ ગયો હતો.
આ રેખાંકનોમાં જાણે કે ગાંધીયુગ જીવંત હોય એવું લાગે છે.

છગનલાલનું એ સંભારણું...

ઇમેજ સ્રોત, Dr. Rizwan kadari
છગનલાલની આ ચિત્રપોથી દાંડીયાત્રાનો એકમાત્ર જીવંત ચિત્રાત્મક દસ્તાવેજ બની રહ્યો છે.
'શોકધારા', 'પ્રકાશ', 'પ્રતિ', 'ગુનાહિતા', 'વિશ્વસ્વરૂપ', 'નિર્ણયની ક્ષણો', મંગલપ્રભાત' જેવાં છગનલાલની સર્જનશક્તિનાં અનેક સંભારણાં દેશ-વિદેશનાં મ્યુઝિયમ, આર્ટ ગેલેરી અને ખાનગી સંગ્રહોની શોભા વધારે છે. પરંતુ તેમનું એક સંભારણું જગત સામે ક્યારેય આવ્યું જ નહીં!
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

તમે આ વાંચ્યું કે નહીં?
અમદાવાદના 'ગુજરી બજાર'માંથી પ્રાપ્ત થયેલી ચિત્રપોથી જોઈને છગનલાલ જાદવના ઘનિષ્ઠ મિત્ર અને જાણીતા સાહિત્યકાર પ્રોફેસર નિરંજન ભગત તરત જ બોલી ઊઠ્યા, "અરે, આ તો દાંડીયાત્રાની ચિત્રપોથી છે. મને છગનભાઈએ અનેક વખત સંભારણાં સાથે બતાવી હતી..."
છગનલાલના શિષ્ય અને જાણીતા ચિત્રકાર અમિત અંબાલાલે પોતાનાં સ્મરણો તાજાં કરતાં જણાવ્યું કે, "મેં આ ચિત્રપોથીની સાથે તેમની એક ડાયરી પણ જોઈ હતી. જો તે તમને મળી હોત તો કદાચ આ ચિત્રો અંગે વધુ માહિતી પ્રાપ્ત થાત..."

કોણ હતા છગનલાલ?

ઇમેજ સ્રોત, Dr. Rizwan kadari
છગનલાલ જાદવ દાંડીયાત્રાના આયોજન માટેની 'અરુણોદય ટુકડી'ના સદસ્ય હોવાથી તેમને મહાત્મા ગાંધીની છ યાદગાર ક્ષણોના રેખાંકનની તક મળી હતી.
ગાંધીજીને પણ ખ્યાલ નહોતો કે તેમણે સ્થાપેલ 'અંત્યજ રાત્રીશાળા'નો દલિત વિદ્યાર્થી છગનલાલ દાંડીયાત્રાનું વિરલ દસ્તાવેજીકરણ કરશે!
1915, સપ્ટેમ્બર 11ના રોજ ગાંધીજીએ લોકવિરોધ વચ્ચે દૂદાભાઇ દાફડા નામના દલિત વણકરને સત્યાગ્રહ આશ્રમમાં પ્રવેશ આપીને જાણે એક પ્રકારનું રણશિંગું ફૂંકિયું અને આશ્રમની બાજુમાં આવેલા કોચરબ ગામમાં 'અંત્યજ રાત્રીશાળા' શરૂ કરી.

આ રાત્રીશાળામાં ભણવા છગન જાદવ નામનો બારેક વર્ષનો દલિત વિદ્યાર્થી 4-5 કિલોમિટર દૂર વાડજથી કોચરબ પગપાળા આવતો હતો.
આ રાત્રીશાળાના શિક્ષક પરીક્ષિતલાલ મજમુદાર પાસેથી તેણે અક્ષરજ્ઞાન મેળવ્યું. બાપુની છાયામાં એને એક હૂંફાળું જગત પ્રાપ્ત થયું.
બાપુના સાંનિધ્યમાં બાળ છગન મોટો થયો અને છગનલાલ તરીકે ઓળખાવા લાગ્યો.

નોકરી છોડી રાત્રીશાળામાં અભ્યાસ કર્યો

ઇમેજ સ્રોત, Dr Rizwan Kadri
ગાંધીજીએ છગનલાલને મિલની નોકરી છોડાવીને 'ગૂજરાત વિદ્યાપીઠ'માં પટાવાળા તરીકે રાખ્યા. સર્જનાત્મક કલાકાર છગનલાલની ક્ષમતાનું ગાંધીજી સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરતા હતા.
એવામાં છગનલાલના જીવનમાં ઉપરાઉપરી હતાશા આવી. તેમણે હતાશા ત્યજી નોકરીની સાથે ગૂજરાત વિદ્યાપીઠની રાત્રીશાળામાં આગળ અભ્યાસ વધાર્યો અને પછી એ જ શાળામાં શિક્ષક બન્યા.
છગનલાલ જાદવે ચિત્રકામની પદ્ધતિસરની તાલીમ લીધી ન હતી, પણ તેમની લગનીને જોઈ મહાત્મા ગાંધીએ ગૂજરાત વિદ્યાપીઠમાંથી શિષ્યવૃત્તિ અપાવી.

છગનલાલ ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રતિષ્ઠિત ચિત્રકાર કનુ દેસાઈના શિષ્ય બન્યા. મહાત્મા ગાંધીએ એક દિવસ છગનલાલ જાદવનો પરિચય કલાગુરુ રવિશંકર રાવળ સાથે કરાવ્યો.
૩૧ જુલાઈએ ગાંધીજીની આશ્રમની અંતિમ મુલાકાત તથા પ્રાર્થનાસભા પછી આશ્રમ ખાલી કરી જનારને વિદાય આપતા સમયની બાપુની વેદના છગનલાલે એ જ ચિત્રપોથીમાં અંકિત કરી.
અન્ય એક રેખાંકનમાં ખુદ ગાંધીજીએ છગનલાલને હસ્તાક્ષર કરી આપ્યા હોવાને કારણે આ ચિત્રપોથીનું ઐતિહાસિક મહત્ત્વ વધી ગયું.

મહત્ત્વના ચિત્રો

ઇમેજ સ્રોત, Dr. Rizwan kadari
- દાંડીયાત્રાનો જુસ્સો, 1930
- નવસારી, દાંડી અને કરાડી શિબિરનો વૃત્તાંત
- બાપુ સાથે જેલયાત્રા, 1930-1932
- સત્યાગ્રહીનું જેલજીવન
- સરદારની 'સરદારી', 1931
- આશ્રમ વિસર્જનનો વિષાદ, 1933
- હરિપુરામાં નેતાજીનું નેતૃત્વ, 1938

ચિત્રોનું પુસ્તક તૈયાર કર્યું

ઇમેજ સ્રોત, Dr. Rizwan kadari
ગુજરાતની 'મૉડર્ન આર્ટ મૂવમેન્ટટ'ના પિતામહ ગણાતા છગનલાલને નવા ચિત્રકારો 'છગનકાકા'ના વહાલસોયા નામથી સંબોધતા. ૮૪ વર્ષની વયે ૧૨ એપ્રિલ,૧૯૮૭ના રોજ 'છગનકાકા'નું અવાન થયું, પણ ગાંધીયુગના સંભારણા સ્વરૂપે રહી ગઈ તેમની અસલ ચિત્રપોથી.
આ ઐતિહાસિક ચિત્રપોથીમાં ૧૯૩૦થી ૧૯૩૮ સુધીનો સ્વતંત્રતાસંગ્રામનો ઘટનાક્રમ ચિત્રાત્મક સ્વરૂપે જળવાઈ રહ્યો છે.
દાંડીકૂચના 'મિજાજ'(Spirit)નો આજની પેઢીને પરિચય થાય તે હેતુથી અત્યાર સુધી અલોપ રહેલાં આ રેખાંકન અસલ સ્વરૂપમાં મહાત્મા ગાંધીની સાર્ધશતાબ્દી પ્રસંગે પ્રગટ થયું છે.
'અન્સીન ડ્રૉઇંગ ઑફ દાંડીયાત્રા (છગનલાલ જાદવના રેખાંકન)' નામથી પુસ્તક સ્વરૂપે આ ચિત્રોનું સંપાદન કર્યું છે.
1915માં ગીધીજીએ જે કોચરબમાં અંત્યજ રાત્રી શાળા કરી હતી. ત્યાં જ આ પુસ્તકનું લોકાર્પણ કરાઈ રહ્યું છે. આ માત્ર ચિત્રપોથી નથી, 1930 થી 1938 સુધીના આઝાદી આંદોલનનો ચિત્રાત્મક દસ્તાવેજ છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














