સ્વતંત્રતાદિવસ : ગાંધીજીએ મીઠાનો કાયદો આ રીતે તોડ્યો હતો - આંખો દેખ્યો અહેવાલ
12 માર્ચ 1930ના દિવસે ગાંધીજીએ અમદાવાદથી દાંડીકૂચની શરૂઆત કરી હતી. સવારે સાડા છ વાગ્યે 78 સત્યાગ્રહીઓ સાથે ગાંધીજીએ મીઠાના કાયદાને તોડવા માટે દાંડી તરફ કૂચનો આરંભ કર્યો હતો.

ઇમેજ સ્રોત, Keystone/Getty Images
ગાંધીજી સાથે આ માર્ચમાં સૌથી યુવાન વયે જોડાનારા ગુજરાતના જાણીતા કવિ અને પત્રકાર કૃષ્ણલાલ શ્રીધરાણીનો બીબીસીએ વર્ષ 1955માં ઇન્ટર્વ્યૂ કર્યો હતો.
તેમણે ગાંધીજી સાથે જોડાયેલી ઘણી વાતો અને સંસ્મરણો વાગોળ્યા હતા.
કૃષ્ણલાલે બીબીસીને આપેલા ઇન્ટર્વ્યૂમાં દાંડીયાત્રા બાદ કઈ રીતે ગાંધીજીએ મીઠાનો કાયદો તોડ્યો એ વિશે નજરોનજરનો અહેવાલ કહ્યો હતો.

'તેઓ પાણીમાં પણ ગયા નહોતા'
તેઓના જણાવ્યા પ્રમાણે વહેલી સવારનો સમય હતો. દાંડીમાં ખૂબ જ સરસ દરિયા કિનારો છે.
"તેઓ પાણીમાં પણ ગયા નહોતા. દરિયાનું પાણી કિનારે આવીને પાછું જાય, ત્યારે હંમેશા થોડું મીઠું રહી જાય છે."
તેઓએ આ ઐતિહાસિક ક્ષણને આ રીતે વર્ણવી હતી, "તેમણે તેમાંથી ચપટી મીઠું ઉપાડ્યું અને તેમની બાજુમાં ઊભેલા વ્યક્તિને આપ્યું. એમનું નામ અત્યારે મને યાદ નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ રીતે તેમણે મીઠાના કાયદાનો ભંગ કર્યો. તેમના મુજબ ત્યારબાદ ફોટોગ્રાફર્સે ફોટા પાડ્યા. જે પછી પ્રાર્થના થઈ હતી. આ પછી તેઓ બધા તેમના રોજિંદા કામ પર પાછા ફર્યા હતા.
તેઓ કહે છે "સાચું કહું તો મોટા પ્રમાણમાં મીઠું એકઠું કરવાનો અમારો ઇરાદો પણ નહોતો, એ ગમે ત્યાં થઈ શક્યું હોત."
"પરંતુ આખો દેશ આ કાયદો તોડવા માટે ગાંધીજીના ઇશારાની રાહ જોઈ રહ્યો હતો. બપોરે અમને સમાચાર મળ્યા કે દેશભરમાં લોકો મીઠાના કાયદાનો ભંગ કરી રહ્યા છે."
દાંડીમાર્ચના સત્યાગ્રહીઓએ 12મી માર્ચની પહેલી સાંજ અસલાલીમાં ગાળી હતી. ત્રીજા દિવસે ગાંધીજીની સાથે બીજા બે સત્યાગ્રહીઓ પણ જોડાયા હતા. કુલ સંખ્યા ગાંધીજી સહિત 81 સત્યાગ્રહીઓ સુધી પહોંચી હતી.
નવાગામ, માતર, નડિયાદ અને આણંદના રસ્તે આ સંઘ પાંચ એપ્રિલે નવસારી થઈને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના ગામ દાંડી પહોંચ્યો હતો.
છઠ્ઠી એપ્રિલે સવારે સાડા છ વાગ્યે મહાત્મા ગાંધીએ દાંડીના દરિયાકાંઠે મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો.

દાંડીયાત્રા અને દાંડીપુલ

ઇમેજ સ્રોત, Getty Images
દાંડીયાત્રા સાથે અમદાવાદનો દાંડીપુલ જોડાયેલો છે. સાબરમતી આશ્રમની નજીક આવેલા આ પુલ પરથી થઈને જ ગાંધીજી સત્યાગ્રહીઓ સાથે દાંડી પહોંચ્યા હતા.
જોકે, આ પુલ તંત્રની ઉપેક્ષાનો ભોગ બની રહ્યો હોય એવી ફરિયાદ ઉઠી રહી છે. ગાંધી આશ્રમના સંચાલક અમૃત મોદી જણાવે છે, ''હાલમાં પુલને પ્રસંગોપાત ખોલવામાં આવે છે પણ લોકો તેનું મહત્વ સમજતાં નથી. ''
'' પુલ જ્યારે ખુલ્લો રાખવામાં આવતો ત્યારે લોકો તેના પર કપડાં સુકવતા. રાતે શૌચક્રિયા કરી જતાં.''
''એમના માટે આ પુલ એક સામાન્ય પુલ જ હતો. પુલનું ઐતિહાસિક મહત્વ એવા માટે છે કે ઐતિહાસિક દાંડી યાત્રા અહીંથી જ પસાર થઈ હતી. આવનારી પેઢીને એ બતાવવા માટે પણ તેનું સંરક્ષણ જરૂરી છે.''
સાબરમતી આશ્રમમાં રહેતા ધીમંત બઢીયા કહેવું છે, ''શહેરના લોકો ભાગ્યે જ દાંડીપુલનું મહત્ત્વ સમજે છે. 12મી માર્ચ 2018ના રોજ પણ દાંડીપુલ પર માત્ર 15 લોકો જ આવ્યાં હતાં.''
(નોંધ: આ લેખ સૌથી પહેલા વર્ષ 2018માં પ્રકાશિત કરાયો હતો.)

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













