રાહુલ ગાંધીનો લઘુતમ આવકનો વાયદો ખરેખર કેટલો સંભવ?

ઇમેજ સ્રોત, CMO Chhattisgarh
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છત્તીસગઢના રાયપુરમાં આયોજીત એક ખેડૂત આભાર સંમેલનમાં મિનિમમ ઇનકમ ગેરંટી યોજના બનાવવાની વાત કરી છે.
રાહુલ ગાંધીએ અહીં કહ્યું, "વર્ષ 2019માં જીત્યા બાદ કૉંગ્રેસ સરકાર મિનિમમ ઇનકમ ગેરંટી યોજના શરૂ કરશે."
"એનો મતલબ એ છે કે હિંદુસ્તાનના દરેક ગરીબ વ્યક્તિના બૅન્ક એકાઉન્ટમાં એક નિશ્ચિત રકમ ન્યૂનતમ આવકના રૂપમાં હિંદુસ્તાનની સરકાર આપવા જઈ રહી છે."
તેમણે કહ્યું, "મતલબ હિંદુસ્તાનમાં કોઈ ભૂખ્યું નહીં રહે અને કોઈ ગરીબ નહીં રહે."
"કૉંગ્રેસ સરકાર છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી લઈને દરેક પ્રદેશમાં કરશે. અમે બે હિંદુસ્તાન ઇચ્છતા નથી."
"એક હિંદુસ્તાન હશે જેમાં લઘુત્તમ આવક આપવાનું કામ કૉંગ્રેસ સરકાર કરશે."
છત્તીસગઢમાં કૉંગ્રેસ 15 વર્ષ બાદ સત્તામાં આવી છે. અહીં રાહુલ ગાંધીએ ખેડૂતોને લોન માફીનાં સર્ટિફિકેટ્સનું વિતરણ કર્યું હતું.
આ અંગે રાહુલ ગાંધીએ ટ્વીટ પણ કર્યું હતું. તેમણે લખ્યું કે આપણે ત્યાં સુધી નવા ભારતનું નિર્માણ ના કરી શકીએ જ્યાં સુધી આપણા લાખો ભાઈઓ-બહેનો ગરીબીમાં જીવી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહારાષ્ટ્ર રાજ્યના અને ભાજપના નેતા નાણાં મંત્રી સુધીર મુનગંટીવારે કહ્યું કે ઇંદિરા ગાંધીએ 1972માં ગરીબી હટાવવાની ઘોષણા કરી હતી તેનું શું થયું? આ બધી ઘોષણાઓ ચૂંટણીને સામે રાખીને કરવામાં આવી છે. તેને વધારે ગંભીરતાથી લેવાની જરૂર નથી.



આ લઘુત્તમ આવકની ગેરંટી શું છે?

ઇમેજ સ્રોત, CMO Chhattisgarh
રાહુલ ગાંધીએ ગરીબોને લઘુત્તમ આવકની ગેરંટીની વાત કરી છે પરંતું તેનો અર્થ ખરેખર શું થાય છે?
બીબીસી સાથે આ મામલે વાત કરતા આઈડીએફસીના વિઝિટીંગ ફેલો અને લેખક શંકર ઐય્યર કહે છે કે એવું માની લઈએ કે ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ તમામ લોકોને લઘુત્તમ આવકની યોજનાનું વચન આપવામાં આવ્યું હશે.
તેમણે કહ્યું, "જેથી આ યોજના હેઠળ કુલ 97 કરોડ લોકોને આવરી લેવાં પડશે."
"એવું માની લઈએ કે એક પરિવારમાં સામાન્ય રીતે સરેરાશ પાંચ સભ્યો છે. તો દેશમાં કુલ 20 કરોડ પરિવાર થયા."
"એક પરિવારને મહિને 1,000 રૂપિયા આપવામાં આવે તો તે સરકારને આશરે 2,40,000 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે."
"જે લગભગ ભારત સરકારના આ વર્ષના ખર્ચના 10 ટકા જેટલો થાય છે."
રાહુલની વાતનો સામાન્ય રીતે એવો અર્થ કાઢી શકાય કે આ એક પ્રકારની મૂળભૂત આવક છે અથવા ગરીબના ખાતામાં સીધા જ પૈસા ટ્રાન્સફર કરી શકાય.
એવું પણ હોઈ શકે કે તમામ પ્રકારની સબસીડી બંધ કરી દેવામાં આવે અને જેથી જે રૂપિયાની બચત થાય તે જરૂરિયાતવાળા લોકોને આપી શકાય.


હિંદુ બિઝનેસ લાઇનના ડેપ્યુટી એડિટર શિશિર સિંહાએ કહ્યું, "યૂનિવર્સલ બેઝિક ઇનકમ સ્કીમનું એક સ્વરૂપ શરૂ કરવા માટે સરકારની અંદર પણ ચર્ચા ચાલી રહી છે."
"જોકે, એક ચિંતા એ છે કે તમામ સબસિડી સાથે આવી કોઈ યોજના પર અમલ કરવો સરકારી ખજાના પર બોજ વધારશે."
"આ વખતે સબસિડી સાથે છેડછાડ કરવી રાજકીય રીતે ઘણું નુકસાન પહોંચાડી શકે છે."
"જોકે, તો પણ એ આશા રાખવી જોઈએ કે સરકાર વચ્ચનો કોઈ રસ્તો કાઢશે."
"એક વિકલ્પ એ પણ છે કે વચ્ચગાળાના બજેટમાં વિઝનની રીતે યૂનિવર્સલ બેઝિક ઇનકમને લાગુ કરવાની ઇચ્છા જાહેર કરી સમયબદ્ધ કાર્યક્રમનો ઉલ્લેખ કરવામાં આવી શકે."

રાહુલનો આઇડિયા નવો નથી

ઇમેજ સ્રોત, Getty Images
ગરીબો માટેની લઘુત્તમ આવકનો વિચાર એ સાર્વત્રિક મૂળભૂત આવક પરથી ઊતરી આવેલો છે.
જેમાં દેશના દરેક નાગરિકને એક ચોક્કસ ભથ્થું આપવામાં આવે છે.
2016-17ના ઇકૉનૉમિક સર્વે ઑફ ઇન્ડિયામાં સાર્વત્રિક મૂળભૂત આવકનું એક મૉડલ રજૂ કરવામાં આવ્યું હતું.
ઇકૉનૉમિક સર્વે ઑફ ઇન્ડિયામાં દર વર્ષે દરેક વ્યક્તિ માટે 7,620 રૂપિયાની ફિક્સ આવક નક્કી કરવામાં આવી હતી.
સર્વેમાં એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે આ પ્રકારના મૉડલ પાછળ ભારતના જીડીપીના 4.9 ટકા જેટલો ખર્ચ થશે.
રાહુલ ગાંધીએ જે વિચાર 2019ની ચૂંટણી પહેલાં રજૂ કર્યો છે તે નવો નથી.
આ પહેલાં 2014ની લોકસભાની ચૂંટણી પહેલાં યૂપીએ સરકારે જ આ પ્રકારની એક સ્કિમની વાત કરી હતી.
એવા પણ મીડિયા અહેવાલો છે કે મોદી સરકાર બજેટમાં ખાતામાં સીધા નાણાં ટ્રાન્સફર કરવાની કોઈ સ્કિમ લઈને આવી શકે છે.

કાયદાકીય પડકાર કેવા હશે?

ઇમેજ સ્રોત, FACEBOOK/RAHULGANDHI
આર્થિક અને બંધારણીય મામલાના જાણકાર એડવોકેટ વિરાગ ગુપ્તા તેને લાગુ કરવાના પડકાર તરફ ઇશારો કરી રહ્યા છે.
વિરાગ ગુપ્તા કહે છે, "તેમાં ત્રણ પડકાર છે. જ્યારે તમે બેઝિક ઇનકમની વાત કરો છો તો શું તમે લોકોને કાયદાકીય અધિકાર આપો છો."
"શું તેના માટે કાયદામાં કોઈ જોગવાઈ લાવવામાં આવી રહી છે? આ ઇનકમને આપવા માટે કાયદાકીય અડચણો શું રહેશે?"
તેમનું કહેવું છે, "પહેલો મહત્ત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે આ રાજકારણ છે કે કાયદો છે. જો રાજકારણ છે તો એ નિર્ભર કરશે કે મળશે કે નહીં. પરંતુ જો આ કાયદો છે તો એ સામાજિક સુરક્ષા બની જશે."
વિરાગ જણાવે છે, "બીજો સવાલ આંકડાઓ સાથે જોડાયેલો છે. ગરીબી રેખાની પરિભાષા નક્કી નથી."
"આધાર કાર્ડ આખા દેશના નાગરિકોને આપી દેવામાં આવ્યું છે. ભારતમાં રહેતા વિદેશી લોકોને પણ આધાર કાર્ડ આપવામાં આવ્યું છે."
"તેમાં બાંગ્લાદેશના લોકો પણ છે. તો શું જેમની પાસે આધારકાર્ડ છે, એ દરેક માટે બેઝિક ઇનકમ સુનિશ્ચિત કરવામાં આવશે?"

ગેરંટીનું પાસું

ઇમેજ સ્રોત, Getty Images
રાહુલ ગાંધીએ આ યોજનાની ઘોષણા કરતા 'ગેરંટી' શબ્દનો ઉપયોગ કર્યો છે.
તેમણે કહ્યું, "2019ની ચૂંટણી જીત્યાના તુરંત બાદ, કૉંગ્રેસ પાર્ટીની સરકાર ગેરંટીથી લઘુતમ આવક આપવા જઈ રહી છે."
"જો યુપીએ 1 અને 2ના કાર્યકાળ પર નજર કરવામાં આવે તો કૉંગ્રેસ સરકાર એટલે કે મહાત્મા ગાંધી નેશનલ રોજગાર ગેરંટી યોજના લઈને આવ્યા હતા."
રાજકારણ પર નજર રાખતા લોકો 2009ની સામાન્ય ચૂંટણીમાં કૉંગ્રેસની જીતનો શ્રેય મનરેગાને જ આપે છે.
તેવામાં સવાલ ઊઠે છે કે શું આ એક મનરેગા જેવી સ્કીમ છે કે કંઈક અલગ છે.
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર મનોજ પંત તેને મનરેગા જેવી સ્કીમના રુપમાં જ જુએ છે.
મનોજ પંતનું કહેવું છે, "એક રીતે આ મનરેગા જેવી સ્કીમ છે. પરંતુ મનરેગા કેટલાક દિવસોની મજૂરીની ગેરંટી છે. જ્યારે યુનિવર્સલ બેઝિક ઇનકમ વર્ષો સુધી અપાતી વસ્તુ છે."
આ તરફ વિરાગ ગુપ્તા તેના બીજા પાસા તરફ ઇશારો કરે છે.
તેઓ કહે છે, "મનરેગાનું ઉદાહરણ લઈ શકાય છે. પરંતુ તે ગેરંટી તો આપે છે, અધિકાર નહીં."
"વિદેશોમાં બેઝિક ઇનકમ અંતર્ગત લોકોનો અધિકાર હોય છે. સૌથી પહેલો સવાલ એ છે કે તમે તેને રાજકારણ માનો છો કે યોજના માનો છો કે કાયદો."
ચિદમ્બરમે ટ્વિટર અકાઉન્ટ પર લખ્યું છે, "કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છત્તીસગઢની ખેડૂત રેલીમાં એક ઐતિહાસિક ઘોષણા કરી છે અને તે ગરીબોમાં જીવનમાં એક બદલાવ લઈને આવશે."
"યુનિવર્સલ બેઝિક ઇનકમના સિદ્ધાંત પર છેલ્લા બે વર્ષોથી વિચાર થઈ રહ્યો છે અને હવે સમય આવી ગયો છે કે જ્યારે અમે આ સિદ્ધાંતને પોતાની જરુરિયાતના હિસાબે ગરીબો માટે અમલમાં લાવીએ."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













