‘પિરિયડ્સમાં મહિલાનો પૂજા કરવાનો અધિકાર કેવી રીતે છીનવી શકો?’

અનિકેત મિત્રા દ્વારા બનાવામાં આવેલું ગાફ્રિક્સ

ઇમેજ સ્રોત, Aniket mitra

ઇમેજ કૅપ્શન, અનિકેત મિત્રા દ્વારા બનાવામાં આવેલું ગાફ્રિક્સ
    • લેેખક, પ્રીત ગરાલા
    • પદ, બીબીસી ગુજરાતી

''જો કોઈ છોકરી પિરિયડ્સમાં છે અને તમે તેના હાથનું પાણી પીવો છો કે તેના હાથનું ખાવ છો, તો શું તમે મરી જાવ છો? જો આવી રીતે કંઈ થતું જ નથી તો પછી આ સમયમાં તેમને દૂર રાખવાનો ફાયદો શું છે. તમે કઈ રીતે કોઈ મહિલાની પૂજા અર્ચના કરવાનો અધિકાર છીનવી શકો? ''

આ શબ્દો છે કૉન્સેપ્ટ આર્ટિસ્ટ અનિકેત મિત્રાના. તેમણે જ્યારે પોતાના ઘરમાં મહિલાઓને વિવિધ મુશ્કેલીઓનો સામનો કરતા જોયાં, ત્યારે તેમણે એક ગ્રાફિક તૈયાર કર્યું હતું. જે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયું હતું.

આ ગ્રાફિક્સમાં એક સેનિટરી પૅડ પર લોહીનું કમળ દોરવામાં આવ્યું છે, જેમાં કમળ જીવનને દર્શાવે છે અને તેની નીચે શક્તિરૂપેન લખેલું છે એટલે કે શક્તિનું રૂપ.

આરતીની થાળી

ઇમેજ સ્રોત, PUNDALIK PAI

અનિકેત જણાવે છે કે જ્યારે મેં મારી પત્ની અને બહેનોની જેમ અનેક મહિલાઓની માસિક દરમિયાન કોઈપણ તહેવાર કે શુભ પ્રસંગમાં હાજરી ન આપી શકવાની પરિસ્થિતિ જોઈ, ત્યારે મને આ ગ્રાફિક્સ બનાવવાની પ્રેરણા મળી.

તમે આ વાંચ્યું કે નહીં?

અનિકેતે કહ્યું, ''મહિલા પિરિયડ્સમાં હોય ત્યારે તેઓ કોઈ તહેવારમાં કે શુભ પ્રસંગમાં હાજરી આપતી જોવા મળતી નથી. અમુક કિસ્સામાં તો મહિલા પોતાના ઘરના ચોક્કસ ભાગમાં જ રહેતી જણાય છે, તેમને રસોડા કે મંદિરની આસપાસ જવાની છૂટ પણ હોતી નથી.''

''એક ખુશીના માહોલમાં ઉજવણી કરવા કે પૂજા કરવા જ્યારે કોઈ મહિલા જાય, ત્યારે અચાનક પિરિયડ્સની જાણ થતાં અન્ય લોકોથી વિખેરાય જાય છે. પછી તેઓને ત્યાં જવાની મનાઈ થઈ જાય છે, જેમને હૃદયથી પૂજા-અર્ચના કરવી છે તેમની સાથે આ દરમિયાન અલગ વર્તન શા માટે?''

line

પિરિયડ્સ અંગેની વાતો

મંદિરમાં મહિલાઓ

ઇમેજ સ્રોત, Getty Images

પિરિયડ્સ અંગે જાગૃતિની વાત જણાવતા અનિકેત કહે છે, ''સુપ્રીમ કોર્ટે સબરીમાલા કેસમાં મહિલાઓની તરફેણમાં ચુકાદો આપ્યો છે, પરંતુ આજે પણ લોકો પોતાના પરિવારમાં આ બાબતને સોશિયલ ટેબૂ માને છે. ગેરમાન્યતાઓને પગલે લોકો સમાજને પાછળ ઘકેલી રહ્યા છે.''

''આસામમાં કામાખ્યા દેવીનું મંદિર આવેલું છે, ત્યાં એક ઉત્સવ ઉજવવામાં આવે છે, જેના મૂળ દેવીના માસિકધર્મ સાથે જોડાયેલા છે. આ દરમિયાન ત્રણથી ચાર દિવસ મંદિર બંધ રાખવામાં આવે છે.''

''આપણે દેવીઓની ઉત્સાહથી પૂજા અર્ચના કરી છીએ, પરંતુ આપણી વચ્ચે મહિલાઓનાં રૂપમાં દેવીઓ રહેલી છે તેના માટે આપણે કંઈ પણ કરતા નથી?''

line

ટ્રૉલિંગને કારણે પોસ્ટ ડિલીટ કરવી પડી

સોશિયલ મીડિયાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

અનિકેત કહે છે, ''લોકો મારી આ પોસ્ટને જોઈને મને ટ્રૉલ કરવા લાગ્યા. કેટલાક લોકોએ મને 'ધર્મવિરોધી' જણાવ્યો, તો કેટલાક લોકોએ મને 'દેશદ્રોહી' કહ્યો, પરંતુ હું મારી વાત કરું તો હું ભગવાનમાં ખૂબ જ આસ્થા ધરાવું છું.''

''મારા ઘરે રોજ પૂજાપાઠ કરવામાં આવે છે, તેમજ હું ગણેશ ચતૂર્થીથી લઈને દુર્ગાપૂજા સુધી અનેક ઉત્સવોની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરું છું, તો હું કઈ રીતે નાસ્તિક કે હિન્દુ વિરોધી હોઈ શકું? લોકોએ મારા પર એટલું દબાણ કર્યું કે મારે મારી આ પોસ્ટ સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરવી પડી.''

''ટ્વિટર પર લોકો મને ટ્રૉલ કરે છે અને ગાળો આપે છે, પરંતુ મારી સાથે આવું કરવાથી મહિલાઓ જે મુશ્કેલીઓનો સામનો કરે છે તે દૂર તો નથી થવાનીને? તમે મને બેથી ત્રણ દિવસ ગાળો આપશો પછી તમારા પાસે કોઈ અન્ય મુદ્દો આવી જશે તો આ ભૂલી જશો, પરંતુ તેનાથી શું ફાયદો?''

અનિકેત ઉમેરે છે, ''હું હૃદયથી માનું છું કે જે લોકો મને ગાળો આપે છે તે લોકો ખરાબ નથી, કેમ કે તેમની પાસે પૂર્ણ માહિતી નથી એટલે એ લોકો આવું કરે છે.''

''લોકોના ટ્રૉલિંગની સાથે-સાથે અનેક લોકોએ મને સપોર્ટ પણ કર્યો હતો. ઘણાં લોકોએ મારી પાસે આવી મારા કામને પણ બિરદાવ્યું હતું. અનેક લોકોએ મૅસેજ દ્વારા કે પોસ્ટ કરીને મારા કામના વખાણ પણ કર્યા હતા. હું માત્ર એટલું કહેવા માંગું છું કે જો મારી પોસ્ટથી કોઈ એક છોકરીના જીવનમાં પણ સુધારો આવે છે તો મને ગાળો ખાવી મંજૂર છે''

line

પત્ની પડખે ઊભા રહ્યાં

યુવક તથા યુવતીની તસવીર

અનિકેતે જણાવ્યું હતું કે આ સમયમાં પત્ની પ્રિયમે મને પૂરતો સપોર્ટ કર્યો હતો. પ્રિયમે જણાવ્યું હતું, ''એક સમય હતો જ્યારે અમારા માટે કોઈપણ બોલવા તૈયાર નહોતું.''

''તમે અત્યારે બોલવાનો પ્રયત્ન કરો છો, ત્યારે મને ખબર છે કે તમારી સામે વાવાઝોડું આવવાનું છે, પરંતુ આ સ્થિતિમાં તમે ડરો નહીં કેમ કે તમે કંઈ ખોટું કરતા નથી. ''

પ્રિયમ માને છે, ''મહિલાઓ માટે બોલનારા પુરુષો ખૂબ જ ઓછાં છે, મારા જેવી મહિલાઓને પિરિયડ્સ દરમિયાન જે ચાર દિવસ સહન કરવું પડે છે, તેવું પુરુષને માત્ર એક દિવસ પણ સહન કરવું પડેને તો તેમને ખબર પડી જશે કે મહિલાઓ સામે કેવો વ્યવહાર કરવો જોઈએ. ''

''અમે આ પીડા સાથે ઑફિસ પણ જઈએ છીએ, ઘરનું કામકાજ પણ કરીએ છીએ અને બધી જ જવાબદારીઓ પૂરી પાડીએ છીએ તો પણ કોઈપણ લોકો આ વિશે અમારી વાત કરતા નથી.''

line

જે સત્ય છે તે જ બોલું છું

સ્ત્રી

ઇમેજ સ્રોત, Getty Images

અનિતેક કહે છે, "માહોલ એવો બની ચૂક્યો છે કે મને ડર લાગે છે. હું કંઈ હીરો નથી, જે સત્ય છે તે જ બોલું છું. પરંતુ હું માત્ર એટલું કહેવા માંગીશ કે જો મારા આ પ્રયત્નથી કોઈ એક મહિલાનો આવનારો તહેવાર પણ સુધરશે તો હું માની લઈશ કે મારી મહેનત રંગ લાવી છે."

"હું માત્ર એટલું કહેવા માંગીશ કે આપણા ઘરની મહિલાઓ આપણી સૌથી મોટી શક્તિ છે. મહિલાઓનું સન્માન કરો, તેમને પ્રેમ આપો, તેમનો સાથ આપો."

line

સેક્સ અને પવિત્રતા

ડૉ. પ્રકાશ કોઠારી

ઇમેજ સ્રોત, Prakash Kothari

ઇમેજ કૅપ્શન, ડૉ. પ્રકાશ કોઠારીનો ફોટો

પ્રૉફેસર ઑફ સેક્સયુલ મેડિસીન અને કોલમિસ્ટ ડૉ. પ્રકાશ કોઠારીએ આ મુદ્દે વાત કરતા જણાવ્યું, ''દરેક પવિત્ર વસ્તુને કમળ સાથે જોડવામાં આવી છે તેમજ ક્યારેય સેક્સ કે તેની સાથે જોડાયેલી વસ્તુને હિન્દુ ધર્મમાં ખરાબ માનવામાં આવી નથી કે તેને પાપ સમજવામાં આવી નથી, પરંતુ તેની જગ્યાએ તેને પૂજનીય મનાય છે.''

''મંદિર જેવી પવિત્ર જગ્યાઓ પર તમને સેક્સ સાથે જોડાયેલી વિવિધ વસ્તુઓ જોવા મળશે, જેમ કે ખજૂરાઓનાં મંદિર કે બેલુર મંદિર. પહેલાં કદાચ સેક્સ ઍજ્યુકેશનનો આ પ્રકાર હતો કે સેક્સને ત્યારે નોર્મલ વસ્તુ માનવામાં આવતી હતી.''

''પુરાણો કે જૂના પુસ્તકો તમે વાંચશો તો તમને ખબર પડશે કે આ એક સંસારની આધારશીલા છે. એટલે મને આ ગ્રાફિક્સમાં કંઈ ખરાબ હોય તેવું જણાય રહ્યું નથી અને પવિત્રતા સાથે જોડાયેલું છે.''

મંદિરનો ફોટો

ઇમેજ સ્રોત, Getty Images

ડૉ. કોઠારી કહે છે, ''પહેલાં પિરિયડ્સ અંગે વિવિધ માન્યતાઓ જોવા મળતી હતી, પરંતુ માન્યતાઓ તે સમયના કલ્ચર સાથે જોડાયેલી હતી. તે સમયે મહિલાઓને વધુ કામ હોવાથી તેમને આ ચાર દિવસો આરામ મળી રહે તે માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હશે, પરંતુ આજે પુરુષ અને મહિલા એક સમાન કામ કરે છે.''

''સમાજ આપણો હજુ શિક્ષિત નથી એટલે આ મુદ્દાઓ અંગે વિવિધ વાતો સામે આવી રહી છે. બ્રહ્મચર્યની વાત કરીએ તો મોટાભાગના લોકો એવું માને છે કે લગ્ન ન કરવા કે વીર્યનું સ્ખલન ન કરવું, પરંતુ એવું નથી. બ્રહ્મચર્યનો સંસ્કૃતમાં અર્થ આત્માની શોધ.''

''એટલે આવી રીતે ધીમે-ધીમે લોકો શિક્ષિત થઈ રહ્યા છે અને ધીમે-ધીમે બદલાવ આવી રહ્યો છે, પરંતુ તમે એમ માનો કે બદલાવ એક રાતમાં આવે તો તે શક્ય નથી.''

line

પહેલી વખત જોતાં આ ગ્રાફિક જરાક અજૂગતું લાગ્યું

ફોટો

ઇમેજ સ્રોત, Dr, Vibhuti Patel

ઇમેજ કૅપ્શન, ડૉ. વિભૂતિબહેન પટેલ

આ અંગે જ્યારે બીબીસીએ ઍડ્વાન્સ સ્ટડી ફોર વિમેન સ્ટડીનાં પ્રોફેસર ડૉ. વિભૂતી પટેલ સાથે વાત કરી તો તેમણે જણાવ્યું, ''જ્યારે આ ગાફ્રિકને પહેલી વખત મેં જોયું, ત્યારે મને જરાક અજૂગતું લાગ્યું હતું.''

''કમળ એ આ આપણી સંસ્કૃતિમાં એક મહત્ત્વનું સ્થાન ધરાવે છે, ત્યારે તમે આવી રીતે સેનિટરી પૅડ પર જૂઓ એટલે મનમાં ન બેસે.''

''ડિઝાઈનર આ ગ્રાફિક્સ દ્વારા પિરિયડ્સ અંગે જાગૃતતા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તે બરાબર છે. હાલ, વિવિધ ફિલ્મો દ્વારા પર આ અંગે જાગૃતતા લાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે.''

''પિરિયડ્સ અંગે સમાજમાં પ્રવર્તતી માન્યતાઓ અંગે તેઓ વધુમાં જણાવે છે કે આ વસ્તુ લોકોની સમજણ પર આધાર રાખે છે. મારા ઘરની વાત કરું તો લાંબા સમયથી મારા પરિવારમાં આ વસ્તુઓ માનવામાં આવતી નથી, જ્યારે અનેક ઘરોમાં આજે પણ વિવધ માન્યતાઓને અનુસરવામાં આવે છે.''

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો