શું સનાતન સંસ્થા ‘ઉગ્ર હિંદુત્વ’ની કાર્યશાળા છે?

ઇમેજ સ્રોત, PUNEET BARNALA/BBC
- લેેખક, તુષાર કુલકર્ણી
- પદ, સંવાદદાતા બીબીસી મરાઠી
'સનાતન સંસ્થા' ફરી ચર્ચામાં છે. તાજેરતમાં 'ઇન્ડિયા ટુડે' દ્વારા એક વીડિયો બહાર પાડવામાં આવ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છેકે મહારાષ્ટ્રમાં 2008માં થયેલા વિસ્ફોટોમાં સંસ્થાએ ભૂમિકા ભજવી હતી.
થોડા સમય પહેલાં મહારાષ્ટ્ર એટીએસ (ઍન્ટિ ટેરરિસ્ટ સ્કવૉડ) દ્વારા ત્રણ કાર્યકર્તા વૈભવ રાઉત, શરદ કાળસ્કર અને સુધના જોગલેકરની ધરપકડ કરાઈ હતી.
એ વખતે એટીએસનો દાવો હતો છે કે ધરપકડ કરાયેલા ત્રણેય મુંબઈ, પુણે, સતારા અને મહારાષ્ટ્રના બીજા એરિયામાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટનું કાવતરું ઘડી રહ્યા હતા.
એવી ચર્ચા હતી કે વૈભવ રાઉતના તાર 'સનાતન સંસ્થા' સાથે જોડાયેલા છે.
એ ત્રણ વ્યક્તિની ધરપકડ બાદ સનાતન સંસ્થા અને હિંદુ જન જાગૃતિ મંચ સમિતિ ફરીથી એક વાર વિવાદોના કેન્દ્રમાં આવી ગઈ છે.
આ પ્રસંગે સવાલ એ છે કે આ બન્ને સંગઠન એક જ છે કે અલગ-અલગ?
આપને આ પણ વાંચવું ગમશે
આ સંગઠન શું કરે છે? કેવું પ્રશિક્ષણ આપે છે? કોણ લોકો આ સંગઠનનું સંચાલન કરે છે? શું તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમે આ સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષે આક્ષેપ કર્યો હતો, "તપાસ એજન્સીઓએ વૈભવ રાઉતના ઘરમાં બૉમ્બ અને બૉમ્બ તૈયાર કરવાનો સામાન એકઠો કર્યો હતો.”
“જેનાથી એ સાબિત થાય છે કે સનાતન સંસ્થા આતંકવાદી પ્રવૃતિ સાથે જોડાયેલી છે."
જ્યારે કોંગ્રેસ પક્ષે સનાતન સંસ્થા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.
મહારાષ્ટ્રના ગૃહ રાજ્યમંત્રી દીપક કેસરકરએ કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સનાતન સંસ્થા પર પ્રતિબંધ મૂકવાનો નવો અને મજબૂત પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલમાં આવ્યો હતો.


ઇમેજ સ્રોત, SANATAN SANSTHA
આ આક્ષેપો અને વિવાદોની વચ્ચે સનાતન સંસ્થાના એક પ્રવક્તા ચેતન રાજહંસે કહ્યું, "હિંદુવાદી કાર્યકર્તા વૈભવ રાઉત સનાતન સંસ્થાના સાધક નથી.”
“પરંતુ તે હિંદુત્વવાદી સંગઠનોના કાર્યક્રમમાં ભાગ લેતા રહ્યા છે. અમારું માનવું છે કે હિંદુત્વ અને ધર્મ માટે કામ કરનારી કોઈ પણ વ્યક્તિ સનાતન સંસ્થાનો કાર્યકર્તા છે."
રાજહંસનું કહેવું છે કે સનાતન સંસ્થા પર પ્રતિબંધ લગાવવાની માગણી એક કાવતરું છે.
તમે આ વાંચ્યું કે નહીં?
કોઈ બૉમ્બ ધડાકા સાથે સનાતન સંસ્થાનું નામ જોડાયું હોય તેવું પહેલી વાર બન્યું નથી.
સનાતન સંસ્થા પર પ્રતિબંધ મૂકવાની માંગણી પણ પહેલી વાર થઈ રહી નથી.
અગાઉ સનાતન સંસ્થા સાથે જોડાયેલા કાર્યકર્તાઓના નામ ગડકરી રંગાયતન બૉમ્બ બ્લાસ્ટ કેસ, મડગાંવ બૉમ્બ ધડાકા, ગોવિંદ પંસારે, નરેન્દ્ર ડાભોલકર, અને ગૌરી લંકેશની હત્યામાં આવ્યા હતા.
ત્યારે અહીં એવી બૉમ્બ વિસ્ફોટની ઘટનાઓ રજૂ કરાઈ રહી છે, જેને લઈને સનાતન સંસ્થા પર આરોપ લગાવાયા હતા.

ગડકરી રંગાયતન બૉમ્બ વિસ્ફોટ

ઇમેજ સ્રોત, AFP
4 જૂન, 2008માં મુંબઈના થાણેના ગડકરી રંગાયતન થિયેટરના પાર્કિંગમાં એક બૉમ્બ ધડાકો થયો હતો.
આ ધડાકામાં સાત લોકો ઘાયલ થયા હતા. આ ધડાકામાં વિક્રમ ભાવે અને રમેશ ગડકરી દોષિત ઠર્યા હતા.
બન્નેના તાર સનાતન સંસ્થા સાથે જોડાયેલા હતા. જે દિવસે ધડાકો થયો એ દિવસે રંગાયતનમાં મરાઠી નાટક 'અમ્હી પચપુતે'નું મંચન થવાનું હતું.
સનાતન સંસ્થાનું માનવું છે કે આ નાટક હિંદુ ધર્મની વિરુદ્ધ છે.
તપાસ એજન્સીઓના મતે આ નાટકનો વિરોધ કરવા માટે જ બૉમ્બ ધડાકા કરાયા હતા.
જોકે,સનાતન સંસ્થાનો એવો દાવો હતો કે તેમના કાર્યકર્તાઓને આ ઘટનામાં ફસાવવામાં આવ્યા.

મડગાંવ બ્લાસ્ટ
ગોવાના મડગાંવમાં સનાતન સંસ્થાના એક કાર્યકર મલગોંડા પાટિલનું બૉમ્બ બનાવતી વખતે 16 ઑક્ટોબર 2009ના રોજ મૃત્યુ થયું હતું.
ગોવાના ગૃહ વિભાગ દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી હતી.
મલગોંડા પાટિલ, ગડકરી રંગાયતનમાં થયેલા ધડાકા અને ત્યાર બાદ સાંગલીમાં થયેલા ધડાકામાં તપાસ હેઠળ હતા.
સનાતન સંસ્થાએ સ્વીકાર્યુ હતું કે મડગોંડા પાટિલ તેમના કાર્યકર્તા હતા.
સનાતન સંસ્થાના પ્રવક્તા ચેતન રાજહંસ કહે છે, "આ કેસમાં પણ સનાતન સંસ્થાને જબરજસ્તી ફસાવવામાં આવી છે."
"સંસ્થાએ તો પોતાના સાધક મડગોંડા પાટીલને ગુમાવ્યા છે. આ કેસમાં અન્ય તમામ આરોપીઓને પુરાવાના અભાવે છોડી મૂકાયા હતા."
"આ તમામ લોકો જેલની બહાર છે, પરંતુ ખોટા કેસના કારણે તેમના જીવનના મહત્ત્વપૂર્ણ બે વર્ષ બરબાદ થયા."

નરેન્દ્ર ડાભોલકર હત્યા કેસ

ઇમેજ સ્રોત, FACEBOOK/NARENDRA DABHOLKAR
મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના સ્થાપક અને તર્કશાસ્ત્રી, લેખક, ડૉ. નરેન્દ્ર ડાભોલકરની હત્યા 20 ઑગસ્ટ 2013ના રોજ પુણેમાં કરવામાં આવી હતી.
આ ઘટનાના એક શકમંદ વીરેન્દ્ર તાવડે, હિંદુ જનજાગૃતિ સમિતિના સભ્ય હતા.
વીરેન્દ્ર તાવડેના તાર સનાતન સંસ્થા પણ જોડાયેલા હતા.
તાવડેની વર્ષ 2016માં ધરપકડ કરાઈ હતી. સીબીઆઈનું કહેવું છે કે સનાતન સંસ્થાના વધુ એક કાર્યકર્તા સારંગ આકોલકર પણ આ કેસમાં શંકાના ઘેરામાં છે.
જોકે, તેઓ હજુ સુધી ફરાર છે. તાજેતરમાં જ જેમની ધરપકડ થઈ છે તે વૈભવ રાઉત, હિંદુ ગૌવંશ રક્ષા સમિતિના સભ્ય છે.
તેઓ સનાતન સંસ્થાની પ્રવૃતિઓ સાથે જોડાયેલા હતા.

ગોવિંદ પાનસરે મર્ડર કેસ
કોલ્હાપુરના ડાબેરી નેતા ગોવિંદ પાનસરે અને તેમનાં પત્ની ઉમાને 15 ફેબ્રુઆરી 2015ના રોજ સવારે ગોળી મારવામાં આવી હતી.
તેઓ સવારે ચાલીને પરત ઘરે જઈ રહ્યાં હતાં, ત્યારે તેમને ગોળી મારવામાં આવી હતી.
પાનસરે દંપતીને હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં પાંચ દિવસ બાદ સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું.
આ ઘટનામાં પોલીસે 15 સપ્ટેમ્બર 2015ના રોજ સાંગલીથી સમીર ગાયકવાડની ધરપકડ કરી હતી.
સમીર ગાયકવાડ સનાત સંસ્થા સાથે જોડાયેલા હતા.

સનાતન સંસ્થા અને હિંદુ જનજાગૃતિ સમિતિ અલગ-અલગ સંગઠન છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
આ બન્ને સંસ્થાના પ્રવક્તાનું કહેવું છે કે સનાતન સંસ્થા અને હિંદુ જનજાગૃતિ સમિતિ બન્ને અલગ-અલગ સંસ્થા છે.
સનાતન સંસ્થાના પ્રવક્તા ચેતન હંસરાજ કહે છે "સનાતન સંસ્થાની સ્થાપના આધ્યાત્મના શિક્ષણ માટે કરવામાં આવી છે."
"જ્યારે હિંદુ જનજાગૃતિ સમિતિનો સંબંધ કેટલાક હિંદુ સંગઠનો સાથે છે. સનાતન સંસ્થા તેમાની એક છે."
પરંતુ જાણકારોના મતે આ બન્ને સંસ્થાઓ એક સિક્કાની જ બે બાજુ છે.
સકાળ મીડિયા સમૂહના અખબાર 'સિંપલ ટાઇમ્સ'ના સંપાદક અલ્કા ધુપકર કહે છે, ''ભલે આ સંસ્થાઓના નામ અલગ-અલગ હોય, પરંતુ અંતે તો તે એક જ સંસ્થા છે.''
અલકા ધુપકરે સનાતન સંસ્થા પર અનેક સ્પેશિયલ સ્ટોરી કરી છે.
અલ્કા કહે છે, "મોટાભાગના લોકોએ જ્યારે આ સંસ્થાનું નામ પણ સાંભળ્યુ ન હતું, ત્યારે આ સંસ્થાના પ્રતિનિધિઓ એન્જિનિયરીંગ કૉલેજોમાં જઈને વિદ્યાર્થિઓને તેમાં જોડાવા માટે અપીલ કરતા હતા."
"વાલીઓએ આ વિષયમાં પોલીસને ફરિયાદ પણ કરી હતી, પરંતુ તેને નજરઅંદાજ કરાઈ હતી."
પરંતુ, સનાતન સંસ્થા સાથે જાડાયેલા હિંદુ વકીલ ઍસોસિએશનના પ્રમુખ સજીવ પુનાલેકર આ આક્ષેપોને નકારે છે.
તેઓ કહે છે " સનાતન સંસ્થા દ્વારા યુવાનો માટે કરવામાં આવતા કાર્યક્રમોમાં કોઈ પણ જોડાઈ શકે છે."
"અમારા કોઈ પણ કાર્યક્રમો ખાનગી નથી. સમાજના દરેક વર્ગના યુવાનો આ કાર્યક્રમમાં જોડાય છે."
"જે વાલીઓ સંસ્થાની વિરુદ્ધમાં છે તેજ આ પ્રકારના પાયાવિહોણા આક્ષેપો મૂકે છે."

'2023 સુધીમાં હિંદુરાષ્ટ્રની સ્થાપના'

ઇમેજ સ્રોત, FACEBOOK/SANATAN SANSTHA
સનાતન સંસ્થાની વેબસાઇટ પર સંસ્થાનું લક્ષ્ય કંઈક આવું લખાયેલુ છે.
સમાજની મદદથી રાષ્ટ્રની સુરક્ષા અને ધાર્મિક વિચારોને પ્રોત્સાહાન આપવું.
દરેક બાબતોમાં આદર્શ હોય તેવા હિંદુ ધર્મ આધારિત રાષ્ટ્રની સ્થાપના કરવી.
'પરાતપરા ગુરુ ડૉક્ટર અઠવાલે યાંચે વિચારધન: દ્વિતિય ખંડ' નામના પુસ્તકમાં લખયાયું છે,
"વર્ષ 1998માં ડૉ.અઠાવલે એ પહેલી વાર વર્ષ 2023 સુધીમાં ભારતમાં રામરાજ્ય અથવા હિંદુરાષ્ટ્રની સ્થાપનાનો વિચાર વહેતો મૂક્યો હતો."
"સાવરકર, સંઘના સ્થાપક ડૉ. હેડગેવાર, ગોળવલકર વગેરે જેવા મહાન લોકોએ પણ હિંદુરાષ્ટ્રની સ્થાપનાની જોર-શોરથી વાત કરી હતી."
"પરંતુ અફસોસ છે કે આઝાદી બાદ હિંદુ ભારત ધર્મનિર્પેક્ષ રાષ્ટ્ર બની ગયું અને હિંદુરાષ્ટ્રની ઉત્તમ વિચારધારા નિષ્તેજ થઈ ગઈ.
અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના સભ્ય સંજય સાવકર કહે છે " શરૂઆતમાં સનાતન સંસ્થા પાસે વધુ કામની અપેક્ષા ન હતી."
"તેઓ ફક્ત આધ્યાત્મનો પ્રચાર પ્રસાર કરતા હતા. વર્ષ 1999 સુધી તો તેઓ ખ્રિસ્તી કે ઇસ્લામ ધર્મની ટીકા પણ કરતા ન હતા."
"પ્રારંભે જ વિવાદ ન થાય તેના માટે કદાચ આ રણનીતિ અપનાવામા આવી હશે."
"પરંતુ, આગળ જતા તેઓ આક્રમક રીતે હિંદુત્વનો પ્રચાર-પ્રસાર કરવા લાગ્યા હતા."
સનાતન સંસ્થા દ્વારા પ્રકાશિત તમામ લેખો વાંચતા જાણવા મળે છે કે તેઓ લોકતંત્ર પર વિશ્વાસ રાખતા નથી.
સનાતન સંસ્થાના એક લેખમાં લખાયું છે, "જનપ્રતિનિધિ કે રાજનેતા નહીં, પરંતુ એક સંત જ હિંદુરાષ્ટ્રની સ્થાપના કરવા માટે સક્ષમ છે. હિંદુરાષ્ટ્રમાં કોઈ ચૂંટણી થશે નહીં."
આ લેખમાં આગળ સર્મથકોને કહેવાયું છે, "આસુરી શક્તિઓની વિરુદ્ધ પગલાં ભરવા પડશે"
પરંતુ સનાતન સંસ્થા સીધી રીતે ક્યાંય એવું નથી કહેતી કે હિંદુરાષ્ટ્રની સ્થાપના કેવી રીતે થશે. હિંસા માટે કેવું સ્થાન હશે તેનો પણ કોઈ ખુલાસો નથી.
'સિંપલ ટાઇમ્સ'નાં અલ્કા ધુપકર કહે છે, "સનાતન સંસ્થાની વિચારધારા કટ્ટર દક્ષિણપંથી છે. તેઓ હિંસાની હિમાયત કરે છે. તેમનો હેતુ હિંદુરાષ્ટ્રની સ્થાપના છે."
"આ લક્ષ્યની આડે આવનારનો સફાયો કરવો તેમની રણનીતિનો ભાગ છે."
અલ્કા ધુપકર વર્ષ 2015માં ગોવા સ્થિત રામનાથી આશ્રમમાં પણ જઈ આવ્યા છે.
તેઓ સતત સનાતન સંસ્થાની પ્રવૃતિઓનું રિપોર્ટિંગ કરતાં રહે છે.
જ્યારે સનાતન સંસ્થાનું કહેવું છે "અમારું મૂળ લક્ષ્ય સમાજ અને ઘર્મમાં જાગૃતિ લાવવાનું છે. અમે આ કામ કાયદેસર રીતે અને શાંતિપૂર્ણ માર્ગે કરીએ છે."
"ગૌરી લંકેશ, ડાભોલકર અને પાનસરેની હત્યાના આરોપીઓને હજુ સુધી શોધી શકાયા નથી તેથી સંસ્થા પર નિશાન તાકવામાં આવી રહ્યું છે."
"પોતાને વિકાસપ્રેમી કહેતા લોકો હંમેશા હિંદુત્વ વિરુદ્ધ લખતા રહ્યાં છે, પરંતુ સનાતન સંસ્થાએ કાયમ કાયદાકીય રીતે તેમનો વિરોધ કર્યો છે. "

ડૉક્ટર જયંત બાલાજી અઠાવલે કોણ છે?

ઇમેજ સ્રોત, PUNEET BARNALA/BBC
ડૉ. જયંત બાલાજી અઠાવલે, સનાત સંસ્થાના સ્થાપક છે. તેઓ મનોવૈજ્ઞાનિક છે.
સનાતન સંસ્થાની વબેસાઇટ મુજબ, ભારત આવતા પહેલાં તેઓ બ્રિટનમાં સાત વર્ષ સુધી મેડિકલ પ્રૅક્ટિસ કરી ચુક્યા છે. ઇંદોરના ભક્ત મહારાજ તેમના ગુરુ હતા.
વેબસાઇટ મુજબ ડૉક્ટર અઠાવલેએ 1 ઑગસ્ટ, 1991માં 'સનાતન ભારતીય સંસ્કૃતિની સ્થાપના કરી હતી.'
23 માર્ચ 1999માં તેમણે સનાતન સંસ્થાની સ્થાપના કરી હતી.
તાજેતરમા જ ગોવાના રામનાથી આશ્રમમાં તેમની 75મી જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી.
આ અવસરે ડૉ. અઠાવલે એ કૃષ્ણનો વેશ ધારણ કર્યો હતો.
કાર્યક્રમ દરમ્યાન તેઓ સિંહાસન પર બેઠા હતા. ત્યાર બાદ ડૉ. અઠાવલેના જાહેર કાર્યક્રમો ઓછા થઈ ગયા છે.


ઇમેજ સ્રોત, FACEBOOK/SANATAN SANSTHA
સનાતન સંસ્થાના પ્રવક્તા ચેતન રાજહંસ કહે છે, "વધુ ઉંમર હોવાના લીધે ડૉ. અઠાવલેની ઉર્જામાં ઘટાડો થયો છે. તેથી જાહેર કાર્યક્રમોમાં હાજર રહી શકતા નથી."
"તેઓ વર્ષ 2009 બાદ આશ્રમની બહાર ગયા નથી. પાછલા આઠ-દસ વર્ષથી તેઓ ગોવાના રામનાથી આશ્રમમાં જ રહે છે."
સનાતન સંસ્થાની વેબસાઇટ પર સભ્યો દ્વારા દાવા કરવામાં આવ્યા છે.
કેટલાક સભ્યોનો દાવો છે કે તેમણે ડૉ. અઠાવલેની આજુબાજુ એક આભામંડળ જોયું છે.
તેઓ નજીક આવે ત્યારે એક અલગ પ્રકારની સુગંધ પ્રસરી જાય છે. તેમનો ચહેરો ભગવાન શ્રી કૃષ્ણ જેવો દેખાય છે.
અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના અધ્યક્ષ શ્યામ માન દાવો કરે છે કે ડૉ. અઠાવલેએ સમ્મોહન દ્વારા યુવાને એકઠા કર્યા છે.
તેઓ કહે છે, "ડૉ.અઠાવલે ખૂબ જ ચતુર ડૉક્ટર છે. તેઓ ઍરિક્સોનિયન સમ્મોહન દ્વારા અનુયાયીઓના મગજને નિયંત્રિત કરે છે."

'નિર્વસ્ત્ર થયા વગર નાહવું જોઈએ'

ઇમેજ સ્રોત, SANATANSANTHA
સનાતન સંસ્થા પોતાના સભ્યોને અનેક શિક્ષા આપે છે.
સંસ્થા દાંત સાફ કરવાના પ્રકારથી લઈને રાતે કેવી રીતે સુવું તેના પ્રકારો પણ સમજાવે છે.
કેટલીક સલાહો
- નિર્વસ્ત્ર થયા વગર સ્નાન કરવું, નહીંતર દાનવી શક્તિઓ તમારું નુકસાન કરી શકે છે.
- ઊભાં રહીને મૂત્ર વિસર્જન ન કરવું.
- ટૉઇલેટ ગયા માટીથી હાથ ધોવા, ટૉઇલેટ પેપરનો ઉપયોગ ન કરવો.
સનાતન સંસ્થાનો તર્ક
- રાતે અરીસામાં જોવાનું ટાળવું જોઈએ નહીંતર માહોલમાં હાજર શેતાની આત્માઓ અરીસામાં દેખાતા ચહેરા પર હુમલો કરી શકે છે.
- દાંત ચોખ્ખા કરવા માટે નિર્જીવ બ્રશના સ્થાને આંગળીનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તે શારીરિક અને માનસિક વરખની સફાઈ કરે છે.
- શ્રાદ્ધ દરમ્યાન દાંત ચોખ્ખા કરવા જોઈએ નહીં, કારણ કે એ સમયે પિતૃઓની આત્મા પૃથ્વી પર આવ-જા કરે છે. શ્રાદ્ધ પક્ષમાં પોતાના ઘરની આજુ બાજુ ફરે છે. આ દિવસો દરમ્યાન ભોજન કર્યા બાદ કોગળા પણ કરવા નહીં કારણ કે, તેના લીધે ચમત્કારીક કિરણોનો પ્રભાવ ઘટી જાય છે.
જોકે, જાણકારો આવી સલાહોનું ખંડન કરે છે. દાંતના ડૉક્ટર કહે છે કે શ્રાદ્ધ પક્ષમાં બ્રશ ન કરવાની સલાહ અંધવિશ્વાસ છે.
ડૉ. રવિચંદ્ર જોષી કહે છે, "આંગળીઓ વડે દાંત સાફ કરવાથી પેઢાની માલિસ થઈ જાય છે, પરંતુ દાત ચોખ્ખા નથી થતા."
"દાંતોની વચ્ચે ફસાયેલા કચરાની સફાઈ માટે બ્રશ કરવું જરૂરી છે."
"મૃત વ્યક્તિઓની ચિંતા કર્યા વગર જીવિત વ્યક્તિઓએ પોતાની તબિયતની કાળજી રાખવી જોઈએ."

આધુનિક ટેકનિકના ઉપયોગનો વિરોધ

ઇમેજ સ્રોત, SANATANSANSTHA
- હૅર ડ્રાયરથી વાળ ન સુકાવવા જોઈએ, કારણ કે તેનાથી માયાવી શક્તિઓ ખેંચાઈ આવે છે અને શરીરમાં વિકારો પેદા કરે છે.
- વૉશિંગ મશીનનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે તેના ઉપયોગથી વાતાવરણમાં નુકસાનકારક વિકિરણો પેદા થાય છે.
વેબસાઇટની જેમ સનાતન સંસ્થાના અખબાર 'સનાતન પ્રભાત'માં પણ આ પ્રકારની સલાહો પ્રકાશિત થાય છે.
અખબાર પર સતત અવૈજ્ઞાનિક અને તર્કહીન વાતો છાપવાના આક્ષેપો લાગતા રહે છે.
અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ આ પ્રકારના તમામ દાવાઓને સાબિતી સાથે ખોટા ઠેરવ્યા છે.
સનાતન સંસ્થા મુજબ મહિલાઓ અને પુરુષો માટે અલગ અલગ નિયમો છે.
તેમના અનેક તર્કોને માનવા શક્ય નથી. તેઓ અનેક એવી વાતો કહે છે જે પુરુષો માટે નુકસાન કારક છે પરંતુ મહિલાઓના ભલા માટે છે.
- પુરૂષોએ લાંબા વાળા રાખવા જોઈએ નહીં. કારણ કે તેનાથી પુરૂષો ભાવુક થઈ જાય છે.
- મહિલાઓએ લાંબા વાળ જ રાખવા જોઈએ, કારણ કે તેના હલન ચલનથી તેમની અંદર જે ભાવનાઓ ઉત્પન્ન થાય છે તેનાથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. મહિલાઓએ લાંબા વાળ રાખવા જોઈએ, કારણ કે એ શક્તિનું પ્રતીક છે.

મુસલમાન અને ખ્રિસ્તીઓ વિરુદ્ધ કુપ્રચાર

ઇમેજ સ્રોત, SANATAM.ORG
સનાતન સંસ્થા હંમેશા હિદુઓને 'લવ જેહાદ' અને ધર્મ પરિવર્તન વિરુદ્ધ એકત્રિત થવાની અપીલ કરે છે.
ડૉ. અઠાવલે એ 'ધર્માંતર અને ધર્માતરિતાંચે શુદ્ધિકરણ' નામનું પુસ્તક લખ્યું છે.
જેમાં લખવામાં આવ્યું છે કે મુસલમાન લવ જેહાદ દ્વારા આ દેશમાં ખૂબ જ નુકસાન પહોંચાડી રહ્યાં છે, અને ખ્રિસ્તીઓ ધર્માંતરણ દ્વારા હિંદુ ધર્મને કંગાળ બનાવી રહ્યાં છે.
કારણ કે હિંદુ સમુદાયને કોઈ ધાર્મિક શિક્ષણ મળતું નથી, ન તો હિંદુઓમાં પોતાના ધર્મ પ્રત્યે ગૌરવની લાગણી છે તેથી તેઓ સરળતાથી લાલચમાં ફસાઈ જાય છે.
હિંદુ જનજાગૃતિ સમિતિની વેબસાઇટ પર મોટાભાગે અલ્પસંખ્યકોની વિરુદ્ધ વાતો મૂકવામાં આવે છે.
પત્રકાર ધીરેન્દ્ર જ્હાએ પોતાના પુસ્તક 'શેડો આર્મીઝ' માં એક લેખ સનાતન સંસ્થા પર લખ્યો છે.
જ્હાએ લખ્યું છે, "સનાતન સંસ્થાના આત્મરક્ષાના નિયમો સદસ્યોને બંદૂક ચલાવવાના પ્રકારો શિખવાડે છે.
તેમાં એવું પણ લખાયું છે કે ગોળી ચલાવતી વખતે નજર દુર્જન પર હોવી જોઈએ."
સનાતન સંસ્થાના સાહિત્ય અને ચિત્રો પર નજર નાખીએ તો સ્પષ્ટ થઈ જાય છે કે દુર્જન કોણ છે.
સંસ્થાની નજરે તર્કશાસ્ત્રી, મુસલમાન, ખ્રિસ્તી, અને એ દરેક વ્યક્તિ જે હિંદુવિરોધી છે તે દુર્જન છે.
ડૉ.અઠાવલેની પત્રિકા 'ક્ષત્રધર્મ સાધના'માં લખ્યું છે, ' પાંચ ટકા અનુયાયીઓને હથિયારોની તાલીમ આપવાની જરૂરીયાત છે. ભગવાન યોગ્ય સમયે હથિયારો ઉપલબ્ધ કરાવશે.'
આ પત્રિકામાં એવું પણ પ્રકાશિત થયું છે કે એનાથી કોઈ ફરક નથી પડતો કે કોઈને ગોળી ચલાવતા આવડે છે કે નહીં.
જ્યારે તે ભગવાનનું નામ લઈને ગોળી ચલાવે છે, તો ઈશ્વરની શક્તિથી ગોળી ચોક્કસપણે નિશાના પર જ લાગશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














