ઉનામાં અત્યાચારનો ભોગ બનેલા દલિતો કેમ છોડવા માગે છે હિંદુધર્મ?

- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા, ઉનાથી.
પોતાના ઘરની પરસાળમાં ખુરશી પર બેઠેલા 55 વર્ષના બાલુભાઈ સરવૈયા સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે, "અમે આગામી 29 એપ્રિલે તમામ હિંદુ દેવી-દેવતાના ફોટોગ્રાફ્સ અને મૂર્તિઓ અમારા ગામ નજીકની રાવલ નદીમાં પધરાવી દઈશું."
"ઉનામાં જે સ્થળે અમારું અપમાન કરવામાં આવ્યું હતું, અમને માર મારવામાં આવ્યો હતો અને પરેડ કરાવવામાં આવી હતી એ જ સ્થળે 29 એપ્રિલે અમે બૌદ્ધ ધર્મ અંગીકાર કરીશું."
બાલુભાઈ અને તેમનો પરિવાર ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામના દલિત ફળિયામાં એક નાનકડા ઘરમાં રહે છે. એ ઘરની દિવાલો પર દેવી-દેવતાઓનાં ચિત્રો જોવા મળે છે.
જોકે, ડો. બી.આર.આંબેડકરના ફોટોગ્રાફ અને ભગવાન બુદ્ધની મૂર્તિએ પણ બાલુભાઈના ઘરમાં તાજેતરમાં સ્થાન મેળવ્યું છે.

શું થયું હતું ઉનામાં?

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં જાહેર રસ્તા પર બાબુભાઈ સરવૈયા સહિતના પાંચ દલિતોને 2016ની અગિયારમી જુલાઈએ લાકડી વડે માર મારવામાં આવ્યો એ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.
ઘટનાને પગલે તત્કાલીન મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ, એ સમયે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, બહુજન સમાજ પાર્ટીનાં સર્વેસર્વા માયાવતી અને અન્ય નેતાઓની મુલાકાતને કારણે આ ઘટના પ્રત્યે દેશનું ધ્યાન ખેંચાયું હતું. આ ઘટનાથી સમગ્ર દેશને આઘાત લાગ્યો હતો.
તમને આ વાંચવું પણ ગમશે:
બાલુભાઈ સરવૈયા સહિતના પાંચેય દલિત પુરુષોએ ગૌહત્યા કરી હોવાનો આક્ષેપ ગૌરક્ષકોએ કર્યો હતો, પણ દલિત પુરુષોએ એવું કહ્યું હતું કે તેઓ મૃત ગાયોની ચામડી ઉતારી રહ્યા હતા.

"કમનસીબ અને ઐતિહાસક જગ્યા"
એ પાંચ દલિતો પૈકીના એક વશરામ સરવૈયાએ ઉનાના ઘટનાસ્થળની તાજેતરમાં મુલાકાત લીધી હતી અને કહ્યું હતું, "આ એ કમનસીબ અને ઐતિહાસક જગ્યા છે, જ્યાંથી દેશભરમાં દલિત ચળવળને વેગ મળ્યો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વશરામ સરવૈયાએ 2016 પછી પહેલીવાર ઘટનાસ્થળની મુલાકાત લીધી ત્યારે બીબીસી ગુજરાતીની ટીમ તેમની સાથે હતી.
2016ની ઘટનાનો ભોગ બનેલા દલિતોમાં અશોક સરવૈયા સૌથી નાની ઉંમરના છે.
વશરામ સરવૈયા જ્યાં પડ્યા હતા એ જગ્યા ભણી અશોક સરવૈયાએ ઇશારો કર્યો હતો અને એ ભયંકર ઘટનાનું વર્ણન કર્યું હતું.
અશોક સરવૈયાએ બીબીસી ગુજરાતીને કહ્યું હતું, "એ ઘટનાને યાદ કરતાં હું આજે પણ ભયભીત થઈ જાઉં છું. મને એવું લાગે છે કે તેઓ ફરી અહીં આવશે અને અમને ફટકારશે."
ઉના અત્યાચાર કાંડનો ભોગ બનેલા તમામ લોકો બેકાર છે અને એટલા અશક્ત છે કે ખેતમજૂરો તરીકે કામ કરી શકે તેમ નથી. એ દલિતો હજુ આઘાતમાંથી બહાર આવ્યા નથી.
દાખલા તરીકે, અત્યાચાર કાંડ પછી અશોક સરવૈયાએ ખેતમજૂર તરીકે કામ કરવાનો પ્રયાસ કર્યો હતો.
અશોકનાં 50 વર્ષનાં માતા વિમલાબહેને બીબીસી ગુજરાતીને કહ્યું હતું, "અશોક રાતે ઊંઘી શકતો નથી. તેને નઠારાં સપનાં આવે છે અને અડધી રાતે જાગી જાય છે. આજે પણ તેને નાના છોકરાની માફક સંભાળવો પડે છે."

બૌદ્ધધર્મ શા માટે?

ઉનામાં અત્યાચારનો ભોગ બનેલા લોકોના પરિવારોએ ઘટના બની ત્યારથી જ ધર્માંતર કરવાની તૈયારીમાં હતા.
વશરામ, રમેશ અને બેચરના પિતા બાલુભાઈ સરવૈયાએ બીબીસી ગુજરાતીને કહ્યું હતું, "અમે હિન્દુ ધર્મ છોડવાની હિંમત એકઠી કરી શકતા ન હતા."
વશરામ સરવૈયા પ્રારંભે વાત કરતાં ખચકાતા હતા. તેમણે દાવો કર્યો હતો કે હિન્દુત્વ તેમને આત્મસન્માન અને ગૌરવ અપાવવામાં નિષ્ફળ રહ્યું છે.
બૌદ્ધ ધર્મને વખાણતાં વશરામ સરવૈયાએ કહ્યું હતું, "એ વૈશ્વિક ધર્મ છે. ઉનાની ઘટના પછી હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવવાના કારણોની નોંધ દુનિયા જરૂર લેશે તેની મને ખાતરી છે."
અન્યાયનો ભોગ બનેલા અન્ય તમામ દલિતોને પણ પોતાની સાથે બોદ્ધ ધર્મ અપનાવવાની હાકલ વશરામ અને બાલુભાઈએ કરી હતી.
બાલુભાઈએ કહ્યું હતું, "તમે જોજો. એ દિવસે લોકો મોટી સંખ્યામાં અમારી સાથે જોડાશે."

ચુસ્ત હિન્દુથી બૌદ્ધધર્મી

બાલુભાઈનાં પત્ની કુંવરબહેનને બૌદ્ધ ધર્મ તથા ડો. બી.આર. આંબેડકરની વિચારધારાથી તાજેતરમાં વાકેફ કરવામાં આવ્યાં છે.
કુંવરબહેને કહ્યું હતું, "ડો. આંબેડકર દલિત તરીકે જન્મ્યા ન હોત તો આ દેશમાં દલિતો સાથે કૂતરા જેવો વ્યવહાર કરવામાં આવતો હોત તેવું હું માનું છું."
કુંવરબહેન હિન્દુ ધર્મનાં સજ્જડ ટેકેદાર હતાં. તેઓ 10 વર્ષથી દશામાની ભક્તિ કરતાં રહ્યાં છે અને દર વર્ષે દસ દિવસ ઉપવાસ કરે છે.
બાલુભાઈએ કહ્યું હતું, "મારાં પત્નીએ આખી જિંદગી દેવી-દેવતાઓની ભક્તિ કરી છે. તેમને રામાપીરમાં શ્રદ્ધા છે અને તેમણે ઉના આવતા દરેક હિન્દુ ગુરુઓના સત્સંગમાં ભાગ લીધો છે."
જોકે, હવે કુંવરબહેન તેમનાં ધર્મ પ્રત્યે ગુસ્સે થયાં હોય એવું લાગે છે.
કુંવરબહેને કહ્યું હતું, "અમે ભિખારીઓની જેમ જીવન જીવ્યાં છીએ અને આજે પણ જીવવાના અધિકારથી વંચિત છીએ. જે ધર્મ અમને માણસ જેવી જિંદગી ન આપી શકે એ ધર્મને હું શા માટે અનુસરું?"
ઉનાની ઘટના બની એ પહેલાંથી જ વશરામ બૌદ્ધ ધર્મ ભણી આકર્ષાયા હતા. તેમના ઘરમાં પણ ભગવાન બુદ્ધ અને ડો. બી.આર. આંબેડકરની નવી મૂર્તિઓ તથા ફોટોગ્રાફ્સને સ્થાન મળ્યું છે.

ગુજરાતમાં કેટલા બૌદ્ધધર્મીઓ?

2011ની વસતી ગણતરી અનુસાર, ગુજરાતમાં 30,483 બૌદ્ધધર્મીઓ છે.
જોકે, ડો. બી.આર. આંબેડકરે સ્થાપેલી બુધિસ્ટ સોસાયટી ઓફ ઇન્ડિયાના પ્રમુખ ડો. પી.જી. જ્યોતિકર માને છે કે ઉના કાંડ પછી ગુજરાતમાં બોદ્ધ ધર્મ અપનાવતા લોકોની સંખ્યામાં વધારો થયો છે.
ડો. જ્યોતિકર ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસ વિભાગના વડા હતા અને બૌદ્ધ ધર્મ અપનાવનારા દલિતોમાં તેઓ મોખરે હતા.
ડો. જ્યોતિકરે બીબીસી ગુજરાતીને કહ્યું હતું, "ડો. આંબેડકરને અનુસરીને મેં 1960માં બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો."
તેમણે જણાવ્યું હતું કે 2011ની વસતી ગણતરી પછી બૌદ્ધ ધર્મીઓનું પ્રમાણ બમણાથી વધુ થઈ ગયું છે. ગુજરાતમાં હાલ આશરે 70,000 બૌદ્ધ ધર્મીઓ હોવાનો તેમનો અંદાજ છે.
ડો. જ્યોતિકરે કહ્યું હતું, "ધર્મ બદલવાનું મુખ્ય કારણ આત્મસન્માન છે. દલિત યુવાનોની વધતી આકાંક્ષા અને ગૌરવના અભાવને કારણે તેમને હિન્દુ ધર્મ છોડવાની ફરજ પડી રહી છે."
"તેનું કારણ એ છે કે સમાજ દલિતોને આત્મસન્માન અપાવવામાં નિષ્ફળ રહ્યો છે."
ડો. જ્યોતિકરના જણાવ્યા અનુસાર, દલિતો પર થતા દરેક અત્યાચાર પછી બૌદ્ધ ધર્મ અપનાવતા લોકોની સંખ્યામાં વધારો થાય છે.

"હું મારી ગાયને પ્રેમ કરતો રહીશ"
ઉના કાંડ પહેલાં પણ બાલુભાઈ સરવૈયા પાસે ગીર ઓલાદની ગૌરી નામની ગાય છે એ બહુ ઓછા લોકો જાણે છે.
ઉના કાંડના એક મહિના પહેલાં બાલુભાઈ સરવૈયાએ ગૌરીની દવા માટે 6,000થી વધુ રૂપિયા ખર્ચ્યા હતા.
બાલુભાઈએ કહ્યું હતું, "ગામ નજીક આવેલા મારા ભાઈના ખેતરમાં મેં ગૌરીને રાખી છે. ગૌરીએ હવે એક વાછરડાને જન્મ પણ આપ્યો છે."
બાલુભાઈના જણાવ્યા અનુસાર, તેમના ગાય માટેના પ્રેમની વ્યાખ્યા ધર્મ કરી શકે નહીં. બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા પછી પણ તેઓ ગૌરીને તેમની સાથે રાખવાના છે અને તેની સેવા કરવાના છે.
કોઈ દલિત ગાયને ક્યારેય નુકસાન કરી જ ન શકે, એવું જણાવતાં બાલુભાઈએ કહ્યું હતું, "મુખ્યધારાના લોકોએ નાણાંની ઓફર કર્યા છતાં અમે માંદી ગાયની ચામડી ઊતારવાનું કામ ક્યારેય કર્યું નથી."

ઉના કાંડ પછી શું થયું?

ઉના કાંડ સંબંધે 45 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, પણ એ પૈકીના માત્ર 11 લોકો જ જેલમાં છે. બાકીના જામીન પર છૂટી ગયા છે.
વડગામના અપક્ષ વિધાનસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ ગુજરાત વિધાનસભામાં પૂછેલા એક સવાલના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે ઉના અત્યાચાર કાંડનો ભોગ બનેલાઓને વિશેષ લાભનું કોઈ વચન આપવામાં આવ્યું નથી.
ઉના અત્યાચાર કાંડને પગલે દલિતોના ટેકામાં રાષ્ટ્રીય ચળવળ શરૂ થઈ હતી અને આ કાંડનો ભોગ બનેલા લોકોને ટેકો આપ્યા બાદ જિજ્ઞેશ મેવાણી ઘરેઘરમાં જાણીતા થયા હતા.
દલિત કર્મશીલ માર્ટિન મેક્વાન માને છે કે આ ઘટના સંબંધે દલિતોનો જ નહીં, અન્ય અનેક કોમ તરફથી ટેકો તથા સહાનુભૂતિ પણ મળ્યાં હતાં.
માર્ટિન મેક્વાને કહ્યું હતું, "આજના ભારતમાં દલિતોની વાસ્તવિક હાલતનું ભાન ઉના અત્યાચાર કાંડે દેશને કરાવ્યું હતું."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















