મુકેશ અંબાણીના પુત્રનાં લગ્ન કોની સાથે થઈ રહ્યાં છે?

ઇમેજ સ્રોત, INSTAGRAM/AMBANI_AKASH
ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીનાં લગ્ન આ વર્ષે ડિસેમ્બરમાં થવાનાં છે.
તેમનાં લગ્ન જાણીતા હીરા ઉદ્યોગપતિ રસેલ મહેતાના સૌથી નાના પુત્રી સાથે થઈ રહ્યાં છે.
સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ બંને પરિવારે તેમના કેટલાક નજીકના મિત્રો સાથે ગોવામાં સગાઈનું આયોજન કર્યું હતું.
આ પ્રસંગે તેમના નજીકના સગાસંબંધીઓને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ઇમેજ સ્રોત, INSTAGRAM/AMBANI_AKASH
લાંબા સમયથી લગ્નને લઈને વાતચીત કરી રહેલા બંને પરિવારો દ્વારા ગોવાની આ પાર્ટીમાં લગ્નના કાર્યક્રમને પણ અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું.
સોશિયલ મીડિયા પર પણ આ પ્રસંગની તસ્વીરો પોસ્ટ કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં મુકેશ અને નીતા અંબાણીની સાથે મુકેશ અંબાણીના માતા કોકિલાબહેન પણ હાજર હતાં.
આ સમાચાર આવવાની સાથે જ લોકોમાં એ જાણવાની ઉત્સુકતા વધી ગઈ છે કે આકાશ અંબાણીનાં લગ્ન જેમની સાથે નક્કી થયાં છે તે કોણ છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

હીરાના વેપારી છે શ્લોકાના પિતા

ઇમેજ સ્રોત, ROSYBLUE.COM
શ્લોકા, રસેલ મહેતા અને મોના મહેતાનું ત્રીજું સંતાન છે. રસેલ મહેતા રોઝી બ્લૂ ડાયંમડના મેનેજિંગ ડિરેક્ટર છે.
તેમની ગણતરી વિશ્વના મોટા હીરા વેપારીઓમાં થાય છે.
અંબાણી અને મહેતા પરિવાર એકબીજાથી ખૂબ જ પરિચિત છે. આકાશ અને શ્લોકા બંનેએ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં એક સાથે અભ્યાસ કર્યો હતો.
રસેલના પિતા અરુણકુમાર એમ. રમણિકલાલે 1960માં મુંબઈમાં બી. અરુણકુમાર એન્ડ કંપનીની સ્થાપના કરી હતી.
રોઝી બ્લૂએ પણ બી. અરુણકુમારના નામથી જ પોતાનો કારોબાર શરૂ કર્યો હતો.
ત્યારે બાદ કંપનીએ પોતાનો વ્યવસાય વધારતાં હાલ વિશ્વના 12 દેશોમાં તેની ઉપસ્થિતિ છે.

શ્લોકાએ ક્યાં કર્યો છે અભ્યાસ?

ઇમેજ સ્રોત, FACEBOOK/CONNECTFOR
2009માં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શ્લાકાએ અમેરિકાની પ્રિસ્ટન યુનિવર્સિટીમાંથી એન્થ્રોપોલૉજીનો અભ્યાસ કર્યો હતો.
ત્યારબાદ શ્લોકાએ લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સમાંથી લૉમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી અને 2014થી શ્લાકો રોઝી બ્લૂનાં ડાયરેક્ટર છે.
શ્લોકાને પુસ્તકો વાંચવામાં અને સમાજસેવા કરવામાં ઊંડી રુચી છે. શ્લોકા 2015માં સ્થાપિત કનેક્ટ ફૉરના સહ-સંસ્થાપક પણ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












