મંદીની સ્થિતિમાં પણ અમીર થયા મુકેશ અંબાણી?

મુકેશ અંબાણીની ફાઇલ તસવીર

ઇમેજ સ્રોત, Getty Images/ BEN STANSALL

ઇમેજ કૅપ્શન, 'ધીમી પડેલી અર્થવ્યવસ્થા છતાં વધારે ધનવાન થયા ભારતના અમીરો'

'ફોર્બ્સ ઇન્ડિયા'એ સૌથી અમીર 100 ભારતીયોની યાદી જાહેર કરી છે. જેમાં ભારતના ટોચના 100 અમીરોની સંપત્તિમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

ફોર્બ્સે ભારતની અર્થવ્યસ્થા પર ટિપ્પણી પણ કરી છે. તેણે લખ્યું છે કે, ભારતીય અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડવા છતાં ભારતના ટોચના 100 અમીરોની સંપત્તિમાં લગભગ એક ચતુર્થાંશ દરે વધારો થયો છે.

ફોર્બ્સ ઇન્ડિયાની વેબસાઇટે શીર્ષક આપ્યું છે 'ધીમી પડેલી અર્થવ્યવસ્થા છતાં વધારે ધનવાન થયા ભારતના અમીરો'

તમને આ પણ વાંચવું ગમશે

line

'નોટબંધી અને જીએસટીની અસર'

ફોર્બ્સ ઇન્ડિયાની વેબસાઇટનો સ્ક્રીનશોટ

ઇમેજ સ્રોત, FORBES INDIA WEBSITE

ઇમેજ કૅપ્શન, આ યાદી 15 સપ્ટેમ્બર સુધી શેરની કિંમતો અને એક્સચેંજ દરોના આધારે બનાવાઈ છે.

ફોર્બ્સ ઇન્ડિયાએ યાદી સાથે એક લેખ પણ પ્રકાશિત કર્યો છે. જેમાં જણાવ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થાની ગતિમાં ઘટાડાને નોટબંધી અને જીએસટીની અનિશ્ચિતતા સાથે સીધો સંબંધ છે.

ફોર્બ્સ ઇન્ડિયાએ લખ્યું છે કે ગયા નવેમ્બર મહિનામાં થયેલી નોટબંધી અને દેશવ્યાપી લાગુ કરાયેલા જીએસટી પર ગેરસમજોના વાદળો છવાયેલા છે.

જૂનમાં પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિકમાં ભારતની અર્થવ્યવસ્થા ત્રણ વર્ષના નીચલા સ્તરે 5.7 ટકાએ પહોંચી ગઈ.

ફોર્બ્સ ઇન્ડિયાએ લખ્યું છે કે આ પરિસ્થિતિ છતાં શેરબજારમાં નવી ઊંચાઈ આવી. જેથી આ અમીરોનું ભાગ્ય ચમકી ઉઠ્યું.

તેમની સંપત્તિમાં 25 ટકાનો વધારો થયો. સંપત્તિનો આંકડો વધારા સાથે 479 બિલિયન ડૉલર સુધી પહોંચી ગયો.

line

મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો

રિલાયંસ માર્ટમાં કર્મચારીઓની વચ્ચે મુકેશ અંબાણી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મુકેશ અંબાણીની કુલ સંપત્તિ હવે 38 બિલિયન ડૉલર એટલે કે 2.47 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

આ યાદીમાં સૌથી ઉપર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી છે.

તેમના વિશે ફોર્બ્સ ઇન્ડિયાએ લખ્યું છે કે મુકેશ અંબાણી જેટલો ફાયદો કોઇને નથી થયો. તેમની સંપત્તિમાં 1 લાખ કરોડનો વધારો થયો છે.

મુકેશ અંબાણીની કુલ સંપત્તિ હવે 38 બિલિયન ડૉલર એટલે કે 2.47 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

બીજા નંબરે વિપ્રોના માલિક અઝીમ પ્રેમજી છે. તેમની સંપત્તિ 19 બિલિન ડૉલર જે મુકેશ અંબાણી કરતાં અડધી છે.

ફોર્બ્સ ઇન્ડિયા અમેરિકાની પ્રખ્યાત સંસ્થા ફોર્બ્સનું ભારતીય સંસ્કરણ છે. જેની માલિકી પણ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ પાસે છે.

line

જિની અસર

ફોર્બ્સ ઇન્ડિયા અનુસાર મુકેશ અંબાણી હવે એશિયાના ટોચના પાંચ અમીરોમાં સામેલ થઈ ગયા છે. ફોર્બ્સે તેને જિઓની અસર માની છે.

આ લેખમાં જણાવાયું છે કે મુકેશ અંબાણીના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર વધારે માર્જિન અને જિઓની અસરથી ઉછળ્યા છે.

આ યાદીમાં આઠમા નંબર પર કુમાર મંગલમ બિરલા છે. ફોર્બ્સ ઇન્ડિયા મુજબ આ વર્ષે મોટો ફાયદો મેળવનારામાં આઇડિયા સેલ્યુલરના માલિક કુમાર મંગલમ બિરલા પણ છે. તેમની કંપનીનું વૉડાફોનમાં વિલીનીકરણ થયું છે.

line

27 અમીરોની સંપત્તિમાં એક બિલિયન ડૉલરનો વધારો

ફોર્બ્સ ઇન્ડિયાની વેબસાઇટનો યાદી દર્શાવતાો સ્ક્રીનશોટ

ઇમેજ સ્રોત, FORBES INDIA WEBSITE

ઇમેજ કૅપ્શન, ગૌતમ અદાણી આ યાદીમાં દસમા નંબરે છે.

ફોર્બ્સ ઇન્ડિયા અનુસાર આ યાદીમાં 27 લોકો એવા છે જે પાછલા વર્ષે પણ યાદીમાં હતા. આ લોકોની સંપત્તિમાં આ વર્ષે 1 બિલિયન ડૉલરનો વધારો થયો છે.

આ યાદી 15 સપ્ટેમ્બર સુધી શેરની કિંમતો અને ફોરિન એક્સચેંજ દરોના આધારે બનાવાઈ છે.

યાદીમાં મુકેશ અંબાણી પછી વિપ્રોના અઝીમ પ્રેમજી છે. ત્રીજા નંબર પર અશોક લૅલેન્ડના હિંદુજા ભાઈઓ, ચોથા નંબર પર લક્ષ્મી મિત્તલ છે.

આ યાદીમાં પાંચમા નંબર પર શપૂરજી પૈલનજી સમુહના પૈલનજી મિસ્ત્રી છે.

ગૌતમ અદાણી આ યાદીમાં દસમા નંબરે છે. મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી આ યાદીમાં 45મા નંબર પર છે.

આ સિવાય ગુજરાતી એવા સન ફાર્માસ્યૂટીકલ્સના દિલીપ સંઘવી પણ યાદીમાં છે. જેઓ નવમા નંબરે છે અને તેમની સંપત્તિ 12.1 બિલિયન ડૉલર છે.

line

ટોચના 20 અમીરોમાં આચાર્ય બાલકૃષ્ણ

બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 45 વર્ષના બાલકૃષ્ણ ટોપના 20 અમીરોમાં સૌથી ઓછી વયના છે.

આ યાદીમાં પતંજલિ આયુર્વેદના આચાર્ય બાલકૃષ્ણ 19મા નંબર પર છે. 45 વર્ષના બાલકૃષ્ણ ટોપના 20 અમીરોમાં સૌથી ઓછી ઉંમરના છે.

તેમની સંપત્તિ 6.55 બિલિયન ડૉલર છે. તેઓ તમામ અમીરોમાં ચોથા સૌથી ઓછી વયના અમીર છે.

આ યાદીમાં સૌથી યુવાન ઉદ્યોગપતિ છે વીપીએસ હેલ્થકેઅરના 40 વર્ષના શમશીર વાયાલિલ. કેરળમાં જન્મેલા શમશીરની કંપની ભારત, યુએઈ, ઓમાન અને યૂરોપમાં વ્યવસાયી હિતો ધરાવે છે.

આ યાદીમાં એલ્કમ લૅબોરેટરીના માલિક સંપ્રદા સિંહ સૌથી વધારે વયના અમીર છે. તેમની વય 91 વર્ષ છે અને તેઓ યાદીમાં 43મા નંબરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો