ગુજરાતી નાટકો ગુજરાત કરતાં બહાર કેમ સફળ થાય છે?

નાટકનું દ્રશ્ય

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જય મકવાણા
    • પદ, બીબીસી ગુજરાતી

નાટક શબ્દ ગુજરાતીઓ માટે નવો નથી. ગુજરાતી લોકોની કેટલીય પેઢીઓને નાટકોએ મનોરંજન પૂરું પાડ્યું છે.

એક સમયે ગામેગામ ભજવાતી ભવાઈએ ગુજરાતી પ્રજા માટે મનોરંજનનું આગવું માધ્યમ ઊભું કર્યું હતું.

આજે સફળ ગુજરાતી નાટકોએ વ્યવસાયી સિનેમાને પોતાની તરફ આકર્ષ્યા છે અને પરિણામે કેટલીય સફળ ફિલ્મોનું નિર્માણ થયું છે.

જોકે, આ જ ગુજરાતી નાટકો ગુજરાતમાં એટલા સફળ ના થતાં હોવાની એક માન્યતા છે.

નાટ્યક્ષેત્રે સંકળાયેલા કેટલાય લોકોનું માનવું છે કે ગુજરાતી નાટકો ગુજરાત કરતાં મુંબઈમાં વધુ સફળ થાય છે.

line

ગુજરાતના નાટકો અને મુંબઈના નાટકો

ગુજરાતી નાટકોના નિર્માતા- શૉ આયોજક ચેતન ગાંધીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, ''ગુજરાતમાં બનતાં નાટકો અને મુંબઈમાં બનતાં નાટકોમાં જમીન-આસમાનનો ફેર છે. બન્નેની પ્રોડક્શન ક્વૉલિટીમાં પણ એવો જ તફાવત જોવા મળે છે.''

''એવું નથી કે ગુજરાતમાં સારાં નાટકો નથી બનતાં પણ ગુણવત્તાના મામલે તેમને પાછીપાની કરવી પડે છે. આ ઉપરાંત ગુજરાત અને મુંબઈના નાટકો વચ્ચે 'પ્રોફેશનલિઝ્મ'નો પણ અભાવ જોવા મળે છે.''

line

આવું કેમ?

પાઠક

ઇમેજ સ્રોત, Getty Images

મુંબઈમાં સામાન્ય રીતે જે પણ ગુજરાતી નાટકો ભજવાય છે એમની આર્થિક સફળતાનો આંક ગુજરાતમાં ભજવાતાં નાટકો કરતાં ક્યાંય વધુ હોય છે.

આ અંગે વાત કરતા લેખક-પત્રકાર બકુલ ટેલર જણાવે છે, ''મુંબઈમાં વ્યવસાયિક રંગભૂમિ સફળ રહી હોવાનાં કેટલાંય કારણો છે."

''ચર્ચગેટથી બોરીવલી વચ્ચે ઘણાં થિયટર્સ આવેલાં છે કે જ્યાં ગુજરાતી નાટકો ભજવાય છે."

''જ્યારે બીજી બાજુ, ગુજરાતનાં મોટા શહેરોમાં પણ આંગળીના વેઢે ગણી શકાય એટલાં નાટ્યગૃહો આવેલાં છે. જેની સીધી જ અસર ગુજરાતમાં ભજવાતાં નાટકો પર પડે છે."

તમને આ પણ વાંચવું ગમશે:

ટેલરની આ જ વાત પર સૂર પૂરાવતા ચેતન ગાંધી કહે છે, ''મુંબઈમાં 64 થિયટર્સ છે કે જ્યાં નિયમિત રીતે ગુજરાતી નાટકો ભજવાય છે. જેની સરખામણીએ થિયટર્સની અડધી સંખ્યા પણ આખા ગુજરાતમાં નથી.

''વળી, મુંબઈમાં વસતા ગુજરાતીઓ માટે ગુજરાતીમાં મનોરંજનનું એક જ માધ્યમ છે અને એ છે થિયટર્સ."

''આ ઉપરાંત મુંબઈમાં હિંદી ફિલ્મો અને સીરિયલનો ઉદ્યોગ વિકસેલો છે. જેની અસર પણ ગુજરાતી કલાકારો પર થાય છે."

''મુંબઈમાં કામ કરતા ગુજરાતી કલાકારોને ફિલ્મો કે સીરિયલ્સમાં કામ કરવાની તક પણ મળી રહેતી હોય છે. જેને લીધે તેમની આર્થિક જરૂરિયાતો પણ સંતોષાઈ જાય છે."

line

સફળતા માટે ગુણવત્તા જરૂરી: સૌમ્ય જોશી

જાણીતા નાટ્યકાર અને લેખક સૌમ્ય જોશીનો મત આ મામલે એકદમ ઉલટો છે.

બીબીસી સાથેની વાતચીતમાં સૌમ્ય જોશી જણાવે છે, ''ગુજરાતી નાટકો ગુજરાત કરતાં મુંબઈમાં વધુ સફળ રહે છે એ માન્યતા છેલ્લા દસ વર્ષમાં બદલાઈ છે.

''જો નાટકમાં અમુક પ્રકારની ગુણવત્તાનો ખ્યાલ રાખવામાં આવ્યો હોય તો એ સફળ થાય જ. મારા છેલ્લા ત્રણેય નાટક ગુજરાતમાં સફળ થયા છે''

''નવી વાત તો એ છે કે મુંબઈમાં ગુજરાતી નાટકોના દર્શકો ઘટી રહ્યાં છે અને ગુજરાતમાં વધી રહ્યાં છે.''

line

ગુજરાતી નાટકો અને કોમેડી

નાટકનું દ્રશ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતી નાટકો સફળ થવા માટે કોમેડી પર જ ધ્યાન કેન્દ્રિત થતું હોય છે, એવો આરોપ પણ છે. મુંબઈમાં જે નાટકો ભજવાય છે એમા પણ કોમેડીનું તત્ત્વ મુખ્ય હોય છે.

આ અંગે વાત કરતા ચેતન ગાંધી કહે છે, '' એક વાત એવી છે કે જે રીતે મંદિરમાં જવું હોય તો ચપ્પલ બહાર ઉતારવાં જોઈએ એ જ રીતે ગુજરાતી નાટક જોવા જતી વખતે મગજ બહાર મૂકીને જવું જોઈએ.

''લોકોનું જીવન એટલું તણાવયુક્ત થઈ ગયું છે કે તેમા હાસ્યનું તત્વ ઘટી રહ્યું છે. અને એટલે જ લોકો હાસ્ય શોધી રહ્યાં છે."

''ગુજરાતી લોકોને ગુજરાતી નાટકો હાસ્ય પૂરું પાડી રહ્યાં છે અને એટલે જ ગુજરાતીમાં બનતાં નાટકોનો ઝૂકાવ હાસ્ય તરફ વધુ હોય છે.''

બકુલ ટેલર આ અંગે વાત કરતા કહે છે, '' ગુજરાતી ભાષામાં છેલ્લા અઢી-ત્રણ દાયકામાં નવાં અને અસલ નાટકો ઓછાં લખાયા છે."

"પ્રવિણ જોશી કે કાંતિ મડીયા જેવાં બીજા નામો ઊભા થઈ શક્યાં નથી. વળી નવા પ્રૉડ્યુસર્સ પણ બૉક્સ ઑફિસને આધિન રહેવા લાગ્યા છે."

"જ્ઞાતિનાં મંડળો માટે નાટકો બનવા લાગ્યા છે. એટલે પહેલાંથી ચાલી આવતી 'સફળ ફૉર્મ્યૂલા' સૌ અનુસરી રહ્યા છે.''

line

ગુજરાતી નાટકો અને દર્શકો

નાટકનું દ્રશ્ય

ઇમેજ સ્રોત, Getty Images

એક વાત એવી પણ છે કે નાટ્યકળા ગુજરાતી દર્શકોને એ રીતે નથી આકર્ષી શકતી જે રીતે મરાઠી કે બંગાળીભાષીઓને આકર્ષે છે.

આ અંગે વાત કરતા ચેતન ગાંધી કહે છે, ''એક તો નવી પેઢી ગુજરાતી બોલવાનું પણ ટાળે છે. વળી, ગુજરાતમાં સરકારનું પણ ખાસ પ્રોત્સાહન નથી. જેની સામે, મરાઠી કે બંગાળી ભાષામાં નાટ્ય ક્ષેત્રને સરકારનું સારું પ્રોત્સાહન મળી રહે છે.''

બકુલ ટેઇલર આ અંગે વાત કરતાં કહે છે, ''મહારાષ્ટ્ર કે બંગાળમાં કળાને પોષનારા લોકોનો લાંબા સમયથી પ્રભાવ રહ્યો છે. જ્યારે ગુજરાતી રંગભૂમિને 'બજારરાજ'નો ભારે સામનો કરવો પડી રહ્યો છે.''

line

ગુજરાતી નાટકનો ઇતિહાસ

નાટકનું દ્રશ્ય

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતી નાટકોની વાત નીકળે તો એનાં મૂળીયાં છેક 14મી સદી સુધી લંબાય છે. એક સમયે ગુજરાતના ગામે ગામે ભજવાતી ભવાઈને જ વર્તમાન ગુજરાતી નાટકની પૂર્વજ માનવામાં આવે છે.

સોળમી સદી આવતાં આવતાં ભવાઈમાં આધુનિકતાનું તત્ત્વ ઉમેરાવા લાગ્યું. એ વખતે ભારતમાં આવેલા ખ્રિસ્તી મિશનરીઓ 'તમાશા'થી વાકેફ હતા અને ગુજરાતમાં 'ઈશુ મસિહ કા તમાશા' ભજવતા હતા.

જોકે, આધુનિક ગુજરાતી નાટકોનો ઉદય ઓગણીસમી સદીના મધ્યાહન બાદ થયો. આ એ સમય હતો કે જ્યારે 'પારસી થિયટર્સ'ના નામે ગુજરાતી નાટકો ભજવાવા લાગ્યા.

એ બાદ નાટ્ય લેખક અને પ્રૉડ્યુસર તરીકે રણછોડલાલ ઉદયરામ દવેનો ઉદય થયો. રણછોડલાલે 'ગુજરાતી નાટક મંડળી'ની સ્થાપના કરી. તેમણે પારસીઓ પાસેથી ગુજરાતી રંગભૂમિનો હવાલો લઈને શુદ્ધ ગુજરાતી નાટકો શરૂ કર્યા.

રણછોડલાલે જ 'હરિશ્ચંદ્ર' નાટક લખ્યું હતું. આ એ જ નાટક હતું જેને જોયાનો ઉલ્લેખ ગાંધીજીએ આત્મકથામાં કરેલો છે.

જોકે, આ બધા વચ્ચે એક વાત એ પણ રહી કે પારસી નાટકોના ઉત્તરાગામી તરીકે શરૂ થયેલા ગુજરાતી નાટકો સૌથી વધુ મુંબઈમાં ભજવાયા. અને એ રીતે જ મુંબઈ ગુજરાતી નાટકો સાથે વણાઈ ગયું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો