ગુજરાતમાં રામનવમીના દિવસે હિંસા કેમ ભડકી?

ઇમેજ સ્રોત, SANJAY DAS
- લેેખક, દિપક ચુડાસમા
- પદ, બીબીસી ગુજરાતી
રામનવમીના દિવસે દેશના વિવિધ ભાગમાં થયેલી ઉજવણી અને શોભાયાત્રાઓ બાદ હિંસાની ઘટનાઓ જોવા મળી.
ગુજરાતથી લઈને પશ્ચિમ બંગાળ સુધી રામનવમીના દિવસે અનેક સ્થળોએ ટોળાંએ તોફાન મચાવ્યું.
ક્યાંક ટોળાંએ દુકાનોને આગ ચાંપી, ક્યાંક ટોળાંએ વાહનો સળગાવ્યાં તો ક્યાંક લોકો માર્યા ગયાં.
કેટલાંક સ્થળોએ ખુલ્લાં હથિયારો સાથે રેલી નીકળી તો કેટલાંક સ્થળોએ રેલી તોફાની બની ગઈ.
દર વર્ષે દેશભરમાં રામનવમી ઉજવાય છે પરંતુ આ વખતે એવું તે શું બન્યું કે હિંસાનું તાંડવ થયું?
પરંતુ આ બાબતને સમજતાં પહેલાં હિંસાના ત્રણ દ્રશ્યો જોઈએ.

દ્રશ્ય 1: ગુજરાતનું વડોદરા શહેર

ઇમેજ સ્રોત, Niraj patel
શહેર વડોદરા, રામનવમીની સાંજનો સમય, સેંકડો લોકો સાથે નીકળેલી શોભાયાત્રા, અચાનક પથ્થરમારો...
આ દ્રશ્યો શહેરના સંવેદનશીલ વિસ્તાર ગણાતા ફતેપુરામાં રામનવમીની સાંજે સર્જાયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીં રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર અચાનક કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો.
લોકોમાં ભાગદોડ સર્જાતાં પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે 20 જેટલા ટિયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.
ટોળાંએ કેટલીક દુકાનો તથા કેટલાંક વાહનોમાં તોડફોડ કરી અને થોડીવારમાં સમગ્ર વિસ્તારમાં અશાંતિનો માહોલ ઊભો થઈ ગયો.
અહીં થોડીવાર માટે કર્ફ્યૂ જેવો માહોલ સર્જાયો હતો અને પરિસ્થિતિ થાળે પાડવા માટે પોલીસ કાફલો ખડકી દેવો પડ્યો હતો.
અંતે પોલીસે 1500 લોકોના ટોળાં સામે રાયોટિંગનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દ્રશ્ય 2: બિહારનું ઓરંગાબાદ

ઇમેજ સ્રોત, SANJAY CHAUDHARY/BBC
પથ્થરમારો, નારેબાજી, ડઝનો દુકાનો આગના હવાલે, શહેરમાં કલમ 144, ઇન્ટરનેટ બંધ, 150 લોકોની ધરપકડ.
આ દ્રશ્યો બિહારના ઓરંગાબાદ જિલ્લામાં રામનવમીના બાદ થયેલી સાંપ્રદાયિક હિંસાને વર્ણવી રહ્યાં છે.
25મી માર્ચ એટલે કે રામનવમીના દિવસે જ અહીં હિંસાની શરૂઆત થઈ હતી.
શહેરની જામા મસ્જિદ વિસ્તારમાંથી રામનવમીની શોભાયાત્રા નીકળી રહી હતી ત્યારે તેના પર પથ્થરમારો થયો.
હિંસાની સાથે સાથે દુકાનો સળગાવવાની શરૂઆત થઈ, ત્રણ ડઝન દુકાનોને આગના હવાલે કરી દેવામાં આવી.
જેમાં લગભગ 10 લોકો ઘાયલ થયાં અને ત્રણ લોકોને ગોળી વાગી હતી. શોભાયાત્રામાં સામેલ લોકોને ઘરે મોકલી દેવાયાં.
પરંતુ જિલ્લા અધિકારી રાહુલ રંજનના કહેવા પ્રમાણે ફરીથી આ વિસ્તારની ગલીઓમાં બે સમુદાયો વચ્ચે ગોળીબાર શરૂ થઈ ગયો.
આ મામલામાં પોલીસે કલમ 144 લગાવીને હાલ 150 જેટલા લોકોની ધરપકડ કરી છે.

દ્રશ્ય:3 બંગાળના વિવિધ વિસ્તારોમાં અરાજકતા

ઇમેજ સ્રોત, Getty Images
રામનવમીનો દિવસ, હાથમાં હથિયારો સાથે રેલી, પોલીસ સ્ટેશન પર લોકોનો હુમલો, બે લોકોનાં મૃત્યુ...
આ દ્રશ્યો બંગાળના મુર્શિદાબાદ, રાનીગંજ અને કોલકતાના વિવિધ વિસ્તારોની કહાણી કહે છે.
અહીં ભાજપ અને ટીમએમસી દ્વારા રામનવમીના દિવસે યોજવામાં આવેલી અનેક રેલીઓ બાદ પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે.
આ મામલે બંગાળ ભાજપના પ્રમુખ દિલીપ ઘોષ અને બંગાળ ભાજપના મહિલા મોરચાના પ્રમુખ લોકેશ ચેટરજીની પણ અટકાયત કરવામાં આવી છે.
બંગાળના મુર્શિદાબાદમાં હથિયારધારી ટોળાંએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. જેનો પોલીસને ફાયરિંગ કરી જવાબ આપવો પડ્યો હતો.
હિંસામાં અસાનસોલ-ડુંગરપુરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે.
હિંસા વધી જતાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પોલીસને કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.
ભાજપે આ મામલે પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે મમતા બેનરજી તેમના પક્ષના વધી રહેલા પ્રયાસથી ડરી ગયાં છે.
ઉપરાંત દેશના અન્ય વિસ્તારોમાં પણ રામ નવમીના દિવસે હિંસા થવાની છૂટક ખબરો આવી રહી છે.
હવે સવાલ એ છે કે આ વર્ષે દેશભરમાં રામનવમીના દિવસે જ હિંસા કેમ થઈ?

હિંસા પાછળ રામ મંદિરનું દબાણ કે ચૂંટણીઓ?

રામનવમી દિવસે દેશના વિવિધ વિસ્તારમાં આ વખતે હિંસાનું વધેલું પ્રમાણ ખરેખર શું સૂચવે છે.
આ મામલે ઇન્ડિયા ટૂડેના ડેપ્યૂટી એડિટર ઉદય માહુરકરે બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે હિંસામાં ખાસ કરીને બંગાળની વાત કરીએ તો ત્યાં ચૂંટણીઓ નજીક આવી રહી છે. જેના કારણે રામનવમીનો મુદ્દો વધારે ચગ્યો છે.
તેમણે કહ્યું, "બંગાળમાં મમતા બેનરજી મુસ્લિમ વોટ બેંક સાચવવા પ્રયત્ન કરી રહ્યાં છે. જેના કારણે સામે પક્ષે હિંદુઓ આરએસએસ અને ભાજપ તરફ જોઈ રહ્યા છે.
"જો મુસ્લિમ તૃષ્ટિકરણ થાય તો તેની સામે હિંદુઓ પણ પોતાની ઓળખ જાળવવા માટે પ્રયત્ન કરશે."
ઉપરાંત તેમણે કહ્યું, "ઇસ્લામિક કટ્ટર વહાબી વિચારધારાનું પીઠબળ ધરાવતા બળો પણ આવા સમયે હિંસા આચરતી હોય છે. બીજી તરફ રામમંદિરનો મુદ્દો હજી છે જ."
આ મામલે બીબીસી સાથે વાત કરતા રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર હરિ દેસાઈ જણાવે છે કે રામમંદિર ના બની શક્યું તેના કારણે આ વખતે ભાજપે રામનવમીને મુદ્દો બનાવ્યો હોય એવું લાગે છે.
તેમણે કહ્યું, "ઉપરાંત હવે ભાજપને લોકો અને વિશ્વ હિંદુ પરિષદ પણ પૂછી રહી છે કે રામ મંદિરનું શું છે? હવે ભાજપ તેમને જવાબ આપવાની સ્થિતિમાં નથી."
ત્રિપુરા ચૂંટણીમાં ભાજપની જીતની વાત કરતાં તેમણે કહ્યું, "હાલ ભાજપનું દેશનાં મોટાભાગના રાજ્યોમાં શાસન છે.
"તેમાં ત્રિપુરામાં તેમને જીત મળી. જેથી હિંદુવાદી તત્વોને વધુ બળ મળ્યું, જેને પણ હિંસા પાછળનું એક કારણ ગણી શકાય."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













