સ્મિથ-વૉર્નર પર આજીવન પ્રતિબંધની આશંકા

સ્મિથ અને વોર્નર

ઇમેજ સ્રોત, Getty Images

ઓસ્ટ્રેલિયાના કૅપ્ટન સ્ટીવન સ્મિથ અને વાઇસ કૅપ્ટન ડેવિડ વોર્નર માટે કદાચ આ સૌથી મુશ્કેલી ભર્યા સમયની શરૂઆત હશે.

સાઉથ આફ્રિકા સામે છેલ્લા ટેસ્ટમાં સ્મિથ અને વૉર્નરની હકાલપટ્ટી બાદ હવે એ કહેવામાં આવી રહ્યું છે કે તેમના પર આજીવન પ્રતિબંધ લાગી શકે છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેની આચારસંહિતા પ્રમાણે છેતરપીંડીના મામલે બંને ખેલાડીઓ પર આ પ્રતિબંધ લગાવી શકે છે.

આ પરિસ્થિતિની ગંભીરતા એ વાત પરથી સમજી શકાય છે કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને જાહેરમાં આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી.

વડા પ્રધાન ટર્નબુલે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને આ મામલે કડક કાર્યાહી કરવા પણ કહ્યું છે.

તો ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી અધિકારી જેમ્સ સદરલેન્ડે સાર્વજનિક રીતે માફી માગી હતી.

line

કૅપ્ટન તરીકે હકાલપટ્ટી

સ્મિથ અને વોર્નર

ઇમેજ સ્રોત, Getty Images

આ પહેલાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કૅપ્ટન સ્ટિવ સ્મિથ અને વાઇસ કૅપ્ટન ડેવિડ વૉર્નર બંનેને તેમના પદ પરથી હટાવી દીધા હતા.

ઓસ્ટ્રેલિયાના કૅપ્ટન સ્મિથે શનિવારે કબૂલ્યું હતું કે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં તેમની ટીમે બોલ ટેમ્પરિંગ કર્યું હતું.

બંનેને તેમના પદેથી હટાવ્યા બાદ ટીમ પેઇનને ઓસ્ટ્રેલિય ક્રિકેટ ટીમના કૅપ્ટન બનાવવામાં આવ્યા છે.

આઈસીસીએ બોલ ટેમ્પરિંગ મામલે સ્મિથ પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જ્યારે એક મેચની 100% ફીનો દંડ કરવામાં આવ્યો છે.

ઉપરાંત કૅમરૂન બૅનક્રૉફ્ટને પણ તેની મેચની 75% ફીનો દંડ કરવામાં આવ્યો છે.

line

કેવી રીતે ખબર પડી બૉલ ટેમ્પરિંગની?

સ્મિથ અને વોર્નર

ઇમેજ સ્રોત, Getty Images

મેદાન પર જ્યારે અંપાયરોએ બૅનક્રૉફ્ટની પૂછપરછ કરી તો તેમણે પોતાનાં ખિસ્સાં ખાલી કરીને દેખાડ્યા, જેમાં માત્ર એક કાળું કપડું હતું.

જ્યારે બૉલ બૅનક્રૉફ્ટ તરફ ફેંકવામાં આવ્યો તો ટીવી ફૂટેજમા જોવા મળ્યું કે બૉલને ચમકાવવાનું શરૂ કરતા પહેલા તેમણે પોતાના ખિસ્સામાંથી કંઈક બહાર કાઢ્યું હતું અને બૉલ ચમકાવી લીધા બાદ તેને ખિસ્સામાં પાછું મૂકી દીધું હતું.

જ્યારે આ ઘટનાના ફૂટેજ પ્રસારિત કરવામાં આવ્યા, તો મેદાન પર બૅનક્રૉફ્ટને સંદેશો મોકલવામાં આવ્યો.

તેમણે મેદાન પર અંપાયરો સાથે વાત કરતા પહેલાં પોતાના ખિસ્સામાંથી ટેપ કાઢીને પોતાના ટ્રાઉઝરની અંદર નાખી દીધી હતી.

પછી તેમણે પોતાના ખિસ્સા ખાલી કરીને બતાવ્યાં, જેમાં માત્ર એક કાળું કપડું હતું.

અંપાયરોએ બૉલ ન બદલ્યો અને સ્ક્રીન પર દેખાતાં દૃશ્યો જોયાં બાદ પ્રેક્ષકોએ હૂટિંગ પણ કર્યું.

દિગ્ગજ લેગ સ્પિનર અને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર શેન વૉર્ને ટ્વીટ કર્યું હતું કે, તે 'આ દૃશ્યો જોઈને ખૂબ નિરાશ છે.'

line

સ્મિથે કબૂલાત કરી હતી

કૅમરૂન બૅનક્રૉફ્ટ અને સ્ટીવ

ઇમેજ સ્રોત, Getty Images

ઓસ્ટ્રેલિયાના ખેલાડી કૅમરૂન અને બૅનક્રૉફ્ટે સ્વીકાર્યું હતું કે તેમણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન બૉલ ટેમ્પરિંગ એટલે કે બૉલ સાથે ચેડાં કર્યાં હતા.

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે પણ માફી માગતા કહ્યું હતું કે તેમને પણ આ વિશે પહેલેથી ખબર હતી.

ટીવીના ફૂટેજમાં બૅનક્રૉફ્ટને બૉલ ચમકાવતા પહેલાં પોતાના ખિસ્સામાંથી કંઇક કાઢતા જોઈ શકાય છે. બૅનક્રૉફ્ટે સ્વીકાર્યુ છે કે તે એક પીળી ટેપ હતી.

પચ્ચીસ વર્ષના બૅનક્રૉફ્ટે રમત બાદ મીડિયા સામે આ વાતનો સ્વીકાર કરતા કહ્યું કે તેમના પર બૉલ સાથે ચેડાં કરવાની કોશિશ બાબતે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સ્મિથે કહ્યું કે, આ એક 'મોટી ભૂલ' હતી, પરંતુ તેમણે સુકાનીપદ છોડવાનો ઇન્કાર કર્યો હતો.

સ્મિથે કહ્યું હતું કે, ટીમના 'લીડરશિપ ગૃપ'માં આ વિશે ચર્ચા કરવામાં આવી હતી અને 'તેમણે વિચાર્યું હતું કે તે લાભ લેવાનો એક પ્રકાર છે.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો