ઑફિસમાં તમે જે વર્તન કરો છો એ શારીરિક શોષણ તો નથી ને?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દિવ્યા આર્યા
- પદ, બીબીસી સંવાદદાતા
#MeToo એટલે કે 'હું પણ' હૅશટેગ સાથે ભારતમાં ઘણાં મહિલા પત્રકાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે. #MeTooના આંતરરાષ્ટ્રીય અભિયાનમાં તેઓ જોડાઈ રહ્યાં છે અને મહિલાઓનાં શારીરિક શોષણની સમસ્યા કેટલી વ્યાપક એ વાત વ્યક્ત કરી રહ્યાં છે.
અલગઅલગ વાતો સામે આવી રહી છે. કઢંગી મજાક કરવી, બળજબરીપૂર્વક સ્પર્શ કરવો, સેક્સની માગ કરવી, સેક્સ્યુઅલ ઑર્ગન્સની તસવીરો મોકલવા સુધી.
ઘણી મહિલાઓ હજુ સુધી બહાર નથી આવી. શારીરિક શોષણ અંગે પોતાનાં મિત્રો સાથે જ વાત કરી રહી છે.
#MeToo થી ઊભો થયેલો માહોલ છતાં જાહેરમાં બોલવાના પરિણામો અંગે ડર જોવા મળી રહ્યો છે.
તો બીજી તરફ પુરુષોમાં પણ અલગ બેચેની છે અને મીડિયા સંસ્થાઓમાં સાચું અને ખોટું વર્તન ચર્ચાનો વિષય બની ગયો છે.
તમે આ વાંચ્યું કે નહીં?
આ સમગ્ર ચર્ચાના મૂળમાં એક જ વાત છે કે સાથે કામ કરતાં પુરુષ અને સ્ત્રી વચ્ચે મરજીથી બંધાયેલો સંબંધ, પછી એ મિત્રતા માત્ર હોય કે સેક્સ્યુઅલ સંબંધ હોય તે શોષણ નથી.
અહીં 'મરજી' અને 'સંમતિ' પર ભાર મુકાઈ રહ્યો છે. એ અલગ વાત છે કે મહિલાઓને હંમેશાં પોતાની મરજી વ્યક્ત કરવાની સ્વતંત્રતા નથી મળતી. આ વિશે પછી વાત કરીએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કેવા વર્તનને શારીરિક શોષણ કહેવાય?

સૌથી પહેલાં એ જાણી લો કે સંમતિથી કરેલાં મજાક, વખાણ કે એમાં ઉપયોગમાં લેવાયેલી સેક્સ્યુઅલ ભાષાથી કોઈ વાંધો નથી.
કોઈની સાથે હાથ મિલાવતાં જોરથી હાથ પકડવો, ખભે હાથ મૂકવો, અભિનંદન પાઠવવા માટે ગળે મળવું, ઑફિસ બહાર ચા-કૉફી કે દારૂ પીવો, જો આ બધું સંમતિ સાથે થાય તો એમાં કંઈ જ ખોટું નથી.
કામની જગ્યાએ એક પુરુષનું એક સ્ત્રી પ્રત્યે આકર્ષિત થવું એ સહજ છે.
એવું થાય તો એ પુરુષ પોતાની સહકર્મી મહિલાને સ્પષ્ટપણે અથવા સંકેતોમાં પોતાના આકર્ષણની જાણ કરવાનો પ્રયાસ કરશે.
જો મહિલાને એ વાત ગમે, સંબંધમાં આગળ વધવાનું પસંદ કરે, ચુંબન કે શારીરિક સંબંધ માટે તે તૈયાર થાય તો એ બે પુખ્ત લોકો વચ્ચેનો સંબંધ છે, જેને શોષણ ન કહી શકાય.
મહત્ત્વની વાત એ છે કે જો મહિલા 'ના' કહે તો તેની સંમતિ નથી અને જો પુરુષ એમ છતાં પોતાનાં વર્તનથી બળજબરીપૂર્વક તેની નજીક જવાના પ્રયાસ કરે તો તે શારીરિક શોષણ છે.

સંમતિ આપવાની 'સ્વતંત્રતા' ક્યારે નથી હોતી?

ઇમેજ સ્રોત, Getty Images
સોશિયલ મીડિયા પર #MeToo સાથે લખાઈ રહેલી ઘણી ઘટનાઓમાં મહિલાઓનો આરોપ છે કે શારીરિક શોષણ કરનારી વ્યક્તિને રોકવા કે તેની વિરુદ્ધ ફરિયાદ કરવાની સ્વતંત્રતા તેને નહોતી.
જો આ પુરુષ એ મહિલાનો બૉસ છે, તેમના કરતાં ઊંચા પદ પર છે, અથવા સંસ્થામાં પ્રભુત્વ ધરાવે છે તો નોકરી પર ખરાબ અસર થવાના ડરથી મહિલા માટે 'ના' કહેવું મુશ્કેલ થઈ જાય છે.
જો શારીરિક હાનિ પહોંચવાનો ડર હોય તો પણ સંમતિ આપવાં અંગેની સ્વતંત્રતા રહેતી નથી.
સંમતિ બોલીને અથવા તો સંકેતોમાં આપી શકાય છે પણ એ સ્પષ્ટ હોવી જોઈએ. આ અંગે જેટલી જવાબદારી મહિલાઓની છે એટલી જ જવાબદારી પુરુષોની પણ છે.
હદથી વધારે દારૂનો નશામાં હોય તો પુરુષ સંમતિ માગાવા કે સ્ત્રી સંમતિ આપવા સક્ષમ ન જ હોય, એ સમજવું જોઈએ.

કાયદામાં શારીરિક શોષણની પરિભાષા

ઇમેજ સ્રોત, Getty Images
શારીરિક શોષણને રોકવા માટે બે કાયદા છે. બન્ને કાયદા 2013ના વર્ષે આવ્યા.
પહેલા કાયદા અંતર્ગત 'કોઈની મનાઈ છતાં તેમને સ્પર્શ કરવો, સ્પર્શ કરવાનો પ્રયાસ કરવો, શારીરિક સંબંધ બાંધવાની માગ કરવી, સેક્સ્યુઅલ ભાષાવાળી ટિપ્પણી કરવી, પોર્ન સામગ્રી બતાવવી અથવા જાણીઅજાણી રીતે સેક્સ્યુઅલ વર્તન કરવું', આ તમામ બાબતને શારીરિક શોષણ ગણવામાં આવશે.
જેના માટે ત્રણ વર્ષની જેલની સજા અને દંડ થઈ શકે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
બીજો કાયદો, 'સેક્સ્યુઅલ હૅરેસમેન્ટ ઑફ વુમન ઍટ વર્કપ્લેસ (પ્રિવેન્શન, પ્રોહિબિશન એન્ડ રિડ્રેસલ) ', સવિશેષ કામની જગ્યાએ લાગુ પડે છે.
અહીં શારીરિક શોષણની પરિભાષા સરખી જ છે પણ તેની જગ્યા અને સંદર્ભ કામ સાથે જોડાયેલાં છે.
અહીં કામની જગ્યા એટલે માત્ર ઑફિસ જ નહીં. ઑફિસના કામે ક્યાંક જવું, રસ્તાની મુસાફરી, મિટિંગની જગ્યા કે ઘરે સાથે કામ કરવું, એ તમામ બાબતો સામેલ છે.
કાયદો સરકારી, ખાનગી અને અસંગઠિત એમ તમામ ક્ષેત્રોને પણ લાગુ પડે છે.
બીજો ફરક એ છે કે આ કાયદામાં મહિલાઓને પોતાનાં કામની જગ્યાએ રહીને સજા અપાવવાનો ઉપાય છે.
એટલે કે આ કાયદો જેલ અને પોલીસના કડક રસ્તાથી અલગ ન્યાય માટે એક વચ્ચેનો રસ્તો ખોલે છે જેમકે સંસ્થાના સ્તરે આરોપી સામે કડક કાર્યવાહી, ચેતાવણી, દંડ, સસ્પેન્શન, બરખાસ્ત જેવી સજા કરી શકાય છે.

શારીરિક શોષણ થયું એવું નક્કી કોણ કરશે?

કાયદા પ્રમાણે દસથી વધારે કર્મચારી ધરાવતી દરેક સંસ્થા માટે 'આંતરિક ફરિયાદ સમિતિ' બનાવી અનિવાર્ય છે.
જેની અધ્યક્ષતા એક સીનિયર મહિલા કરે, કુલ સભ્યો પૈકી ઓછામાં ઓછી અડધી સંખ્યા મહિલાઓની હોય અને એક સભ્ય મહિલાઓ માટે કામ કરતી બિનસરકારી સંસ્થામાંથી હોય.
જે સંસ્થાઓમાં દસથી ઓછા કર્મચારીઓ કામ કરે છે અથવા તો જ્યાં માલિક સામે ફરિયાદ હોય, એવા કેસમાં જિલ્લા સ્તરે બનાવાયેલી 'લોકલ ફરિયાદ સમિતિ'ને ફરિયાદ કરવાની હોય છે.
જે સમિતિ પાસે ફરિયાદ જાય, તે બન્ને પક્ષની વાક સાંભળીને અને તપાસ કરીને નક્કી કરે છે કે ફરિયાદ સાચી છે કે નહીં.
ફરિયાદ સાચી સાબિત થાય તો નોકરીથી બરખાસ્ત કરવા, કાઢી મૂકવા અને ફરિયાદ કરનારાને વળતર ચૂકવવા જેવી સજા આપવામાં આવે છે.
મહિલા ઇચ્છે અને જો મામલો ગંભીર જણાય તો પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય પણ લઈ શકાય છે.
જો ફરિયાદ ખોટી જણાય તો સંસ્થાના નિયમ-કાયદા પ્રમાણે તેમને સજા થઈ શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















