બ્લૉગઃ બ્લડ કૅન્સરને કારણે હું વધારે સારો માણસ બન્યો

ઇમેજ સ્રોત, Jugal Purohit
- લેેખક, જુગલ પુરોહિત
- પદ, બીબીસી સંવાદદાતા
તારીખ 15 માર્ચ 2017 - તે આખો દિવસ હું ઉત્તર પ્રદેશના બાગપતમાં આવેલા ભારતીય હવાઈ દળના મથક પર હાજર ગરુડ કમાન્ડોની ડૉક્યુમેન્ટરી બનાવવામાં વ્યસ્ત હતો.
સાંજ પડતા જ મને યાદ આવ્યું કે દિવસે એક ફોન આવ્યો હતો, જે હું ઉપાડી શક્યો નહોતો. સાથે મને એ પણ યાદ આવ્યું કે મારે એક મેડિકલ રિપોર્ટ પણ લેવાનો હતો.
મેં તે નંબર પર સામો ફોન કર્યો. તે એક હૉસ્પિટલનો નંબર હતો.
સામે એક મહિલાએ ફોન ઉપાડ્યો અને કહ્યું કે તે ફોન પર કંઈ કહી શકશે નહીં. બાદમાં મને ઈ-મેઇલ કરશે એમ કહ્યું.
મારી ગરદનની ડાબી બાજુ એક ગાંઠ થઈ હતી. તેના ઇલાજ માટે મેં ઘણી દવા કરાવી હતી, પણ તે ગાંઠ બેસતી જ નહોતી.
મને શંકા હતી તેથી મેં ડૉક્ટર પાસે જઈને તેની તપાસ કરવાની વાત કરી હતી. તેમણે મને કહ્યું હતું કે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
જોકે, ઈ-મેઇલ પર મારો મેડિકલ રિપોર્ટ હવે મને મળ્યો હતો. મેં તેને વાંચ્યો અને હવે મારી શંકા સાચી ઠરી હતી.

નૉન હૉગકિન લિમ્ફોમા

ઇમેજ સ્રોત, ALAMY
રિપોર્ટ પ્રમાણે, મને નૉન હૉગકિન લિમ્ફોમા એટલે કે એક પ્રકારનું બ્લડ કૅન્સર હતું. મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. મારું દિમાગ સુન્ન થઈ ગયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મને ખ્યાલ આવ્યો કે આ એક વાસ્તવિકતા છે. આજથી મારી જિંદગી હવે પહેલાં જેવી રહેવાની નથી. તેથી મેં મારી ડાયરીમાં લખ્યુંઃ
"હું આનો સામનો કરીશ અને બહુ સારી રીતે કરીશ. હું એક પ્રતિજ્ઞા લઉં છું - મારો ઉત્સાહ, મારો પ્રેમ અને મારા અંદરની માનવતા આજથી વધારે મજબૂત બનશે. હું કસમ ખાઉં છું કે આનાથી મને કોઈ ફરક નહીં પડે અને હું આમાંથી બહાર આવી જઈશ. ચીયર્સ."
બ્લડ કૅન્સર વિશે મારા મગજમાં અસ્પષ્ટ ચિત્ર ઉપસવા લાગ્યું હતું. તેને સંપૂર્ણપણે સમજવા માટે હું આગામી થોડા દિવસો ડૉક્ટર સાથે વાતચીત કરતો રહ્યો.
મારી માતાને કેવી રીતે આ વાત જણાવવી તે વિશે હું મૂઝવણમાં હતો. તે મુંબઈમાં એકલી રહેતી હતી. હું તેમને ચિંતામાં મૂકવા માગતો નહોતો.
જોકે, મેં આખરે તેને વાત કરી, ત્યારે જે હિંમત તેણે દાખવી તેના કારણે મને બહુ બળ મળ્યું.
તમે આ વાંચ્યું કે નહીં?

ઇમેજ સ્રોત, Getty Images
ટેલિવિઝન પત્રકાર તરીકે અમારા પરિચિત વારંવાર અમને જોતા હોય છે, પરંતુ અમે તેમને જોઈ શકતા નથી.
મને ખબર નહોતી કે હું ક્યારે આ રોગમાંથી સાજો થઈશ. મારી પરવા કરનારા સ્વજનો અને મિત્રો મને પૂછવા લાગ્યા હતા કે 'શા માટે હું ઘણાં દિવસોથી ઘરની બહાર નીકળ્યો નથી?'
મારી તબિયત વિશે જેમણે પણ મને પૂછ્યું, ત્યારે મેં તેમને સાચી વાત જણાવી દીધી.
લોકોએ મને સલાહો આપી અને મદદ માટેની પણ તૈયારી દર્શાવી. કેટલાકે પોતાના અનુભવોની વાતો પણ કરી અને કેટલાકે શુભેચ્છાઓ પણ વ્યક્ત કરી.
લોકોએ ખરેખર દિલથી એટલી શુભકામનાઓ કરી હતી કે તેનાથી જાણે મારો ઇલાજ થઈ રહ્યો હતો.
હું ભાગ્યશાળી હતો કે આ બિમારી સાથે જોડાયેલા એક પણ બાહ્ય લક્ષણો મારામાં દેખાયા નહોતા. તપાસ પરથી એટલો ખ્યાલ આવ્યો હતો કે કૅન્સર હજી પ્રારંભિક તબક્કે જ હતું.
જોકે, હજી એક ધીમો પણ બહુ પીડાદાયક અનુભવ કરવાનો બાકી હતો.
એપ્રિલના મધ્ય સુધીમાં હું દિલ્હીની રાજીવ ગાંધી કૅન્સર સંસ્થાન અને સંશોધન કેન્દ્રના ડૉક્ટર દિનેશ ભૂરાણીના માર્ગદર્શન હેઠળ છવાર કીમોથેરપી લઈ ચૂક્યો હતો.

શું થશે જો...

ઇમેજ સ્રોત, ALAMY
કીમોથેરપી લેવાની હોય ત્યારે તેની ઘણી આડઅસર થશે તે વિશેની ચેતવણી આપવામાં આવતી હોય છે. તેમાં પીડા થાય છે, નિંદર ગાયબ થઈ જાય છે, મૂડ સ્વિંગ આવે છે અને ઉબકા પણ આવે છે.
મારા માટે હવે મારા શરીરની સંભાળ લેવાનો વખત આવ્યો હતો. પદ્ધતિસર અને નિયમિત આપવામાં આવતા ડોઝનો મારા શરીરે યોગ્ય રીતે સામનો કર્યો. 'શું થશે જો...' એ શબ્દો આ દરમિયાન મારો પીછો છોડતા નહોતા.
હું વાંચતો રહ્યો, લખતો રહ્યો. આ સમય દરમિયાન મને જે શીખવાની તક મળી તે મેં શીખી લીધું. એલાર્મ લગાવ્યા વિના જ સૂઈ જતો હતો.
રોજ ધ્યાન કરતો હતો. તેનાથી મારી તબિયત સુધરવામાં ઘણો ફાયદો મળ્યો.
આ દરમિયાન ઘણી વાર કૅન્સરના કારણે મોત થયાના સમાચારો મળ્યા હતા. તે વાત સાંભળીને હું હામ હારી જતો હતો, ડર પણ લાગતો હતો.
જોકે, મને ઘણાં એવા લોકો પણ મળ્યા, જેમની બીમારી મારી જેમ પ્રારંભિક નહોતી. તે સાંભળીને બહુ દુખ થતું હતું કે તે લોકો ઇલાજ શરૂ તો કરાવી શક્યા હતા, પણ પૂરો કરી શક્યા નહોતા.

મારી પત્ની, મારો આધાર

ઇમેજ સ્રોત, Getty Images
બરાબર એક વર્ષ પછી ફરી મેડિકલ ચેકઅપ કરાવ્યું, ત્યારે મારા શરીરમાં કૅન્સરગ્રસ્ત કોષો મળ્યા નહોતા. તે પછી ડૉક્ટરે મને પ્રવાસ કરવા માટેની છૂટ આપી હતી.
પરંતુ તેના લગભગ છ મહિના પહેલાં સુધી હું મારા ઘરમાં જ ભરાઈ રહ્યો હતો. તે જ મારી સિમિત દુનિયા બની ગઈ હતી.
મારી પત્ની સપનાને હું પ્રથમથી જ મારા મક્કમ ઇરાદા માટેનો આધાર માનતો હતો. તેના વિના મારી આ સારવાર શક્ય ના બની હોત.
એક ક્ષણ સપના મારી પ્રેમાળ સાથી બની રહેતી હતી અને બીજી ક્ષણે મને પોલીસની જેમ ધમકાવીને પણ કામ લેતી હતી. તેણે પાગલ થઈ જવાય તે હદે મારી સંભાળ લીધી હતી.
મને યોગ્ય ખોરાક મળતો રહે અને કોઈ ઇન્ફૅક્શન ના લાગે તે માટે પૂરતી કાળજી તેણે લીધી હતી.
જોકે, તેના કારણે ઘણીવાર તેણે ભોગવવું પડ્યું હતું. સપનાનો સ્ટ્રેસ વધી જતો હતો અને તે દેખાઈ આવતું હતું. તે પછી મેં મારી જાતને જ વચન આપ્યું હતું કે હું મારી તબિયતનું વધારે સારી રીતે ખ્યાલ રાખીશ, જેથી મારી પત્નીને વધારે ચિંતા ના કરવી પડે.
કૅન્સર થવા માટે ઘણી આદતોને જવાબદાર ગણાવવામાં આવે છે, પરંતુ આ બીમારી કોઈને પણ થઈ શકે છે.
આપણાં શરીરમાં અબજો કોષિકાઓ હોય છે. તેમાંથી કોઈ એક ખરાબ થઈ જાય છે અને ગમે ત્યારે કામ કરતી અટકી જાય છે.
એવું કહેવાય છે કે કૅન્સર પ્રારંભિક તબક્કામાં નબળું હોય છે અને તેને કાબૂમાં લઈ શકાય છે.

વિજ્ઞાન અનુત્તર

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ મને કૅન્સર થયું શા માટે? વિજ્ઞાન પાસે તેનો જવાબ નથી. મારા કિસ્સામાં તો કોઈ જ કારણ નહોતું મને બીમારી થવાનું.
બીજાની વાત છોડો, હું મારા પોતાના માટે જ બહુ કઠોર રહ્યો હતો. મને શું મળ્યું છે તેનાથી કશો ફરક પડતો નહોતો. હું હંમેશા દુખી અને અસંતુષ્ટ રહેતો હતો.
વધુ ને વધુ મેળવવાના ઇરાદાથી હું મારા શરીર અને દિમાગ બંને પર બિનજરૂરી દબાણ સર્જતો હતો.
હું એ લોકોમાંનો છું, જે એવું સમજે છે કે જિંદગીમાં બસ કામ જ જરૂરી છે. હું રોજ પાંચ કલાકથી વધારેની ઊંઘ લેતો નહોતો. મને કસરત કરવાનો સમય મળી જતો હતો, પણ મારી ખાવાપીવાની આદત બહુ ખરાબ હતી.
અંગત જીવન અને કામ વચ્ચે સંતુલન હોવું જોઈએ તે મારા જીવનમાં નહોતું. તેથી સ્થિતિ વકરતી જ રહી હતી.
મને લાગે છે કે તણાવના કારણે આપણા શરીર પર શું અસર થાય છે તેના તરફ આપણે ઓછું ધ્યાન આપીએ છીએ.
આજે દોઢ વર્ષ પછી હું ખુદને મન અને શરીરથી વધારે સારી રીતે જોડાયેલો અનુભવું છું. શરીર અને મન વચ્ચેના સંબંધને હું વધુ મજબૂત બનાવવા માગું છું.
હું વધારે હસવા, ગાવા અને નાચવા માગું છું. આ બધી વસ્તુઓથી હું દૂર હતો. આજે હું હવે તેનું મહત્ત્વ સમજતો થયો છું.

મુશ્કેલ દિવસો વીતી ગયા

ઇમેજ સ્રોત, PAUL WOOTTON SPL
મારી બીમારી વખતે હું તંદુરસ્ત અને સામાન્ય રીતે પોતાની જિંદગી વિતાવી રહેલા લોકોને નિરખતો રહેતો હતો.
તેઓ પોતાના પ્રિયજનો સાથે રેસ્ટોરાંમાં જમવા, પાર્કમાં ફરવા અને ફિલ્મો જોવા જતા હતા. મારી સારવાર ચાલતી હતી એટલું હું તે બધું કરી શકું તેમ નહોતો.
દર્દીઓની સારવાર કરનારા લોકોના એક સમૂહને પણ હું નિરખતો હતો.
કોઈપણ હૉસ્પિટલમાં તમને એવા લોકો મળી જશે જે બીજાને મદદ કરતા હોય છે. તેના કારણે ઘણીવાર આપણને ખ્યાલ પણ નથી આવતો કે સ્થિતિ કેટલી વિકટ છે. આપણને ખ્યાલ આવે છે કે આપણી સંભાળ લેનારા લોકો પણ છે.
ચહેરા પરથી એ ના ખબર પડે કે કોણ કેવી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. આપણી વચ્ચે જ હજારો 'ગુમસુમ રહેતા હીરો' હોય છે. આ સમજને કારણે મારામાં દરેક પ્રત્યે એક સંવેદના જાગી હતી.
હું હવે ક્રોધ કે કડવાશ મારા માટે કે કોઈના માટે જરા પણ આવવા દેવા માગતો નથી.
સારવારના આ સમયગાળામાં મને સમજાયું કે આપણા શરીરની સ્વસ્થતાની ચાવી આપણા શરીર અને આત્મામાં જ છે. આપણે યોગ્ય અભિગમ કેળવવાની જ જરૂર છે.
કૅન્સર મારા જીવનમાં એક તબક્કા તરીકે આવ્યો અને આભારી છું કે એ મુશ્કેલ તબક્કો પણ સલામત પાર થઈ ગયો. તેના કારણે મને નવેસરથી જિંદગી જીવવાની તક મળી છે.
(લેખક બીબીસીના સિનિયર બ્રૉડકાસ્ટ પત્રકાર છે. તેમનું ટ્વીટર એકાઉન્ટ છે @JUGALRP)
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












