શા માટે મોતને ભેટી રહ્યા છે ગુજરાતનું ગૌરવ સમાન એશિયાઈ સિંહો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રવિ પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
છેલ્લા અમુક દિવસોથી ગુજરાતના ગીર જંગલમાં રહેતા એશિયાટિક સિંહોનાં મૃત્યુના સમાચાર આવી રહ્યા છે. છેલ્લા 20 દિવસોમાં સિંહોનાં મૃત્યુનો કુલ આંકડો 23 પહોંચી ગયો છે.
આ બાબતે સુપ્રીમ કોર્ટે પણ રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો છે કે આ મોત પાછળનું કારણ શું છે?
જસ્ટિસ મદન લોકુરની અધ્યક્ષતાવાળી બૅન્ચે સરકારને કહ્યું કે સિંહોનાં મૃત્યુ થવાં એ ખૂબ જ ગંભીર બાબત છે.
એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે સરકારને એવો પણ આદેશ આપ્યો છે કે આ મોત પાછળનું કારણ તાત્કાલિક શોધવામાં આવે અને સિંહોને બચાવવામાં આવે.
ગુજરાત સરકારના આંકડા પ્રમાણે, વર્ષ 2016 અને 2017માં કુલ 184 સિંહ મૃત્યુ પામ્યા, તેમાંથી 30 જેટલા તો આકસ્મિક રીતે મોતને ભેટ્યા હતા.
થોડા સમયમાં ધડાધડ સિંહોનાં થતાં મૃત્યુ પાછળનું કારણ શું છે, તે જાણવાનો અમે પ્રયાસ કર્યો.

સિંહોનાં મોતનું કારણ

ઇમેજ સ્રોત, Getty Images
વન વિભાગ દ્વારા આપવામાં આવેલા નિવેદન પ્રમાણે, દલખાણિયા અને જશાધર રેન્જમાં તારીખ 12 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બરના સમયગાળામાં કુલ 11 સિંહોનાં મૃત્યુ થયાં હતાં.
પોસ્ટમૉર્ટમ રિપોર્ટ મુજબ, સિંહોનાં મૃત્યુનાં કારણો આંતરિક લડાઈ, રેસપીરેટરી અને હિપેટિક ફેલ્યૉર હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, સિંહોનાં મૃત્યુની આ ઘટના બાદ આ વિસ્તારમાં સિંહોને રેસ્ક્યૂ સેન્ટર પર લાવી તેમના લોહી સહિત અલગઅલગ નમૂના લેવામાં આવ્યા હતા.
આ નમૂનાઓને પુણેની નેશનલ વાઇરોલૉજી અને જૂનગાઢની ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
વન વિભાગના મુખ્ય વન સંરક્ષક દુષ્યંત વસાવડાએ બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું, "સિંહોના મેડિકલ રિપોર્ટ્સ મુજબ ચાર સિંહોના શરીરમાં વાઇરસનાં લક્ષણો જોવા મળ્યાં હતાં. જ્યારે છ સિંહોનાં શરીરમાં ટીક્સ (લોહી પીતી જીવાત)ના પ્રોટોઝોઆ ઇન્ફૅક્શનું પ્રમાણ જોવા મળ્યું હતું."
તમે આ વાંચ્યું કે નહીં?
ગુજરાતના વન મંત્રી ગણપત વસાવાએ બુધવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે ચાર સિંહોમાંથી 'સીડીવી (કેનિન ડિસ્ટેમ્પર વાઇરસ)' જોવા મળ્યો છે. આ વાઇરસ કૂતરાઓની લાળમાં જોવા મળે છે.
બીબીસી ગુજરાતીએ વન્યજીવોના સંરક્ષણ માટે કાર્યરત બાયૉલૉજીસ્ટ ડૉ. રવિ ચેલમ સાથે વાતચીત કરી અને સિંહોનાં મૃત્યુ પાછળનાં કારણો જાણવાનો પ્રયાસ કર્યો.
ચેલમ કહે છે, "જો એક સિંહોના શરીરમાંથી પણ કેનિન ડિસ્ટેમ્પર જેવો વાઇરસ મળી આવે તો એ ખતરનાક સાબિત થઈ શકે છે."
"વર્ષ 1992-93માં આફ્રિકાના તાન્ઝાનિયામાં આવેલા સેરેન્ગેટી નેશનલ પાર્કમાં આ વાઇરસને કારણે થોડા સમયમાં જ એક હજાર સિંહોનાં મૃત્યુ થયાં હતાં. એટલા માટે આ વાઇરસને કારણે વધુ સિંહોનાં પણ મોત થઈ શકે છે."
આ વાત પરથી એવું સાબિત થાય છે કે આ વાઇરસ કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે. પરંતુ આ મુદ્દે વન વિભાગમાં નું કહેવું કંઈક અલગ જ છે.

'માણસોમાં પણ હોય શકે CDV'

ઇમેજ સ્રોત, Getty Images
આ અંગે દલખાણિયા રેન્જના સીસીએફ (ચીફ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ) ડી. ટી. વસાવડા બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે સિંહોનાં મોત સમગ્ર ગીરમાં નથી થઈ રહ્યાં, પરંતુ માત્ર દલખાણિયા રેન્જમાં જ થઈ રહ્યાં છે.
વસાવડાએ કહ્યું, "મારી રેન્જના તમામ સિંહોને રેસ્ક્યૂ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે."
ચેલમના જણાવ્યા અનુસાર, સીડીવી વાઇરસ કેટલો ભયાનક છે અને તેની કારણે શું થઈ શકે છે એ બાબત પણ ગંભીર છે.
આ મુદ્દે વસાવડાએ કહ્યું, "સીડીવી વાઇરસ તમામ પ્રાણીઓનાં શરીરમાં મળી આવે છે. એટલે સુધી કે મનુષ્યોનાં શરીરમાં પણ જોવા મળે છે. જ્યારે આ વાઇરસને યોગ્ય વાતાવરણ મળે, ત્યારે તે સક્રિય થાય છે."
વસાવડાના કહેવા પ્રમાણે, ગેરકાયદેસર રીતે યોજાતા લાયન શો અન્ય રેન્જમાં થતા હોવાથી દખાણિયા રેન્જમાં થયેલા સિંહનાં મૃત્યુને લાયન શો સાથે જોડી ન શકાય.
ઉલ્લેખનીય છે કે કેનિન ડિસ્ટેમ્પર મુખ્યત્ત્વે પ્રાણીઓમાં જોવા મળતો વાઇરસ છે. મોટાભાગે આ વાઇરસ બિલાડીની પ્રજાતિઓના પ્રાણીઓમાં જોવા મળે છે.

શું છે CDV?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાએ વન્યજીવોના બાયૉલૉજિસ્ટ અને નિષ્ણાંત ડૉ. ભરત જેઠવા સાથે વાતચીત કરી અને સીડીવી અંગે જાણવાનો પ્રયાસ કર્યો.
જેઠવાએ જણાવ્યું, "કેનિન ડિસ્ટેમ્પર વાઇરસ ખૂબ જ ખતરનાક અને જીવલેણ છે. મુખ્યત્ત્વે આ વાઇરસ કૂતરાઓ અને બિલાડીઓમાં જોવા મળે છે. જે સિંહો જંગલની બહાર રખડતા રખડતા સ્થાનિક વિસ્તારમાં આવી જતા હોય અને કૂતરા-બિલાડીના સંપર્કમાં આવતા હોય, તેમનામાં આ વાઇરસ લાગુ પડવાની શક્યતાઓ વધી જાય છે."
આ મુદ્દે સ્થાનિક કાર્યકર્તા રાજન જોષીનું કહેવું છે કે ક્યારેક એવું પણ બને છે કે સિંહોના શિકારને કૂતરાં કે બિલાડી ખાતા હોય છે. જ્યારે સિંહો ફરીથી તેમનો શિકાર ખાવા પરત ફરે છે, ત્યારે આ વાઇરસ તેમનાં શરીરમાં ફેલવવાની સંભાવના વધી જાય છે.
સિંહોમાં આ વાઇરસને ફેલવતા અટકાવવા શું પગલાં લેવા જોઈએ એ અંગે જેઠવાએ જણાવ્યું, "આ વાઇરસને પહોંચી વળવા માટે રસી આવે છે. જે રહેણાંક વિસ્તારમાં સિંહોની અવરજવર હોય, તે વિસ્તારના કૂતરાઓને આ રસી આપવાથી આ સમસ્યાને પહોંચી વળી શકાય છે."

સિંહોની જિંદગી પર કેટલું જોખમ?

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2008માં એશિયાટિક સિંહોને ઇન્ડેન્જર શ્રેણી હેઠળ સામેલ કરવામાં આવ્યા હતા. મતલબ કે સિંહોનાં મૃત્યુને કારણે તેમની સંખ્યામાં સતત ઘટાડો નોંધાવાને કારણે એવું સાબિત થાય છે કે તેમના જીવન પર જોખમ તોળાઈ રહ્યું છે.
વર્ષ 2015ના આંકડા પર નજર કરીએ તો ગીરમાં સિંહોની કુલ સંખ્યા 523ની આસપાસ હતી.
વસાડવાએ જણાવ્યું કે સિહોનાં મૃત્યુને લઈને તંત્ર હરકતમાં આવી ગયું છે. સાથે જ અન્ય સિંહોના આ વાઇરસની અસર ના થાય તે માટે દેશભરમાંથી ઝૂ નિષ્ણાતોને જૂનાગઢ બોલાવવામાં આવશે.
સરકાર દ્વારા જાહેર કરાયેલી પ્રેસ નોટમાં ઉલ્લેખ છે કે આગામી સાવધાનીને પગલે ઉત્તર પ્રદેશથી આઈવીઆરઆઈ (ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ)ના ત્રણ નિષ્ણાંતો, દિલ્હી ઝૂના પાંચ નિષ્ણાંતો અને ઇટાવા, ઉત્તર પ્રદેશ ખાતેના લાયન સફારીથી બે નિષ્ણાંતોને બોલાવવામાં આવ્યા છે.
બીબીસી સાથેની વાતચીતમાં વસાવડાએ જણાવ્યું હતું કે તેમણે 550 કર્મચારીઓની 140 ટીમોને બીમાર સિંહોને શોધવા માટે કામે લગાડી છે.
એટલું જ નહીં અને સિંહોની બીમારીને પહોંચી વળવા અમેરિકાથી રસી પણ મંગાવવામાં આવી છે.

'નવાબને કારણે બચ્યા સિંહ'

'ગીર ફોરેસ્ટ ઍન્ડ સાગા ઑફ ધી એશિયાટિક લાયન' નામના પુસ્તકમાં સુદિપ્તા મિત્રાએ ઉલ્લેખ કર્યો છે કે ગીરમાં એશિયાઈ સિંહોને સુરક્ષિત રાખવાનો શ્રેય જૂનાગઢના નવાબ સાહેબ સર મહોમ્મદ મહાબતખાનજી ત્રીજાને જાય છે.
મુઘલો અને એમના પુરોગામી મુસ્લિમ સુલતાનો સિંહોના શિકારના શોખીન હતા, જેને કારણે જૂનાગઢમાં એશિયાઈ સિંહોની સંખ્યા ઘટવા લાગી હતી.
સિંહના અસ્તિત્વ પર તોળાઈ રહેલા જોખમનો ખ્યાલ આવતા તત્કાલિન જૂનાગઢ સ્ટેટે સિંહોને બચાવવા પગલાં લેવાનું શરૂ કરી દીધું.
1920માં જૂનાગઢની ગાદી સંભાળનારા મહાબતખાન ત્રીજાએ સિંહને જૂનાગઢની અસ્મિતા સાથે જોડ્યા. તેમણે સિંહને 'રાજ્યાશ્રય' આપ્યો અને સિંહનો શિકાર બંધ કરાવ્યો.
એમના શાસન દરમિયાન 13 વર્ષમાં માત્ર એક વખત જ સિંહનો શિકાર થયો. ત્યારબાદ એક સમયે જે ગીરમાં માત્ર 10થી 12 સિંહો જ બચ્યા હતા, ત્યાં ધીમેધીમે સિંહોની વસતી વધવા લાગી.
1950 આવતા સુધીમાં સિંહોની સંખ્યા 200નો આંકડો પાર કરી ગઈ.

સિંહોનાં મૃત્યુ પાછળ આ પાંચ કારણો જવાબદાર

ઇમેજ સ્રોત, Getty Images
20થી 30 સપ્ટેમ્બર 2018ના સમયગાળામાં 10 સિંહોનાં મોત થયાં.
સિંહોની આ વધતી વસતીમાંથી આશરે 32 ટકા સિંહો ગીર અભયારણ્યની બહાર રહે છે. અભયારણ્યની બહાર રહેવાથી આ સિંહોનાં આકસ્મિક મૃત્યુ પણ થતાં હોય છે.
અમરેલી જિલ્લાના સિંહોના વિસ્તારમાં સેક્શન એ, બી અને સી એમ ત્રણ રેલવે લાઇન પસાર થાય છે. પાંચ મુખ્ય કારણોસર સિંહોનાં મૃત્યુ થાય છે.
આ કારણોમાં ખુલ્લા કૂવામાં પડવાથી થતાં સિહોનાં મૃત્યુ, ખેતરોની ફરતે લાગેલા હાઈ વોલ્ટેજ વીજ કરંટથી થતાં મૃત્યુ, રેલવે અકસ્માત તેમજ રોડ અકસ્માત સિંહોનાં મૃત્યુના મુખ્ય કારણો છે.

સ્થળાંતરણમાં ઉપાય
સુપ્રીમ કોર્ટે વર્ષ 2013માં ગુજરાત સરકારને આદેશ આપ્યો હતો કે ગીરના સિંહોને મધ્ય પ્રદેશ ખસેડી દેવામાં આવે.
ગુજરાતની તત્કાલીન મોદી સરકારે સુપ્રીમમાં દલીલ કરી હતી કે સિંહો 'ગુજરાતનું ગૌરવ' છે તેને મધ્ય પ્રદેશ ખસેડવા યોગ્ય નથી.
ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ગીરના સિંહોના જીવન પર જોખમ તોળાઈ રહ્યું છે. તમામ પ્રયાસો કર્યા બાદ પણ તેમને આ મુશ્કેલીમાંથી ઉગારવામાં સરકાર નિષ્ફળ રહી છે.
ગીરના સિંહોનું મધ્ય પ્રદેશમાં સ્થળાંતર કરવા મુદ્દે ચેલમ કહે છે, "વર્ષ 2013માં સુપ્રીમ કોર્ટે સિંહોના સ્થળાંતર મુદ્દે આદેશ આપ્યો હોવા છતાં ગુજરાત સરકાર તેમનું સ્થળાંતર શા માટે નથી કરી રહી?"

વર્ષ મુજબ સિંહોની વસતિ?
ગુજરાતમાં સિંહોની વસતિ અંગે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલાં આંકડા પર નજર કરીએ.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














