ગુજરાતી યુવતીની વ્યથા: ‘સરકારના ભેદભાવે મારી કારકિર્દી બગાડી નાખી’

ધ્યાતિ દવે

ઇમેજ સ્રોત, Dhyani Dave/FACEBOOK

    • લેેખક, રવિ પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

થોડા દિવસો પહેલાં જ ઇન્ટરનેશનલ ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સે ટેનિસની રમતમાં પુરુષ અને મહિલાઓ સાથે ભેદભાવ થવાની વાત કહી હતી. ત્યારબાદ આ મુદ્દાની આંતરરાષ્ટ્રિય સ્તરે નોંધ લેવાઈ હતી.

જોકે, આ વાત તો દરિયા પારની થઈ. હાલમાં જ ગુજરાતની એક મહિલા ચેસ ખેલાડીએ રમત વિભાગ અને સરકાર પર આવો જ કંઈક આરોપ લગાવ્યો હતો.

ચેસની રમતમાં વુમન ઇન્ટરનેશનલ માસ્ટર તરીકે ખ્યાતી મેળવનારાં ધ્યાનિ દવેનો આરોપ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને ભારતને ગોલ્ડ મેડલ જીતાડવા છતાં સરકારે તેમની બિલકુલ નોંધ લીધી નથી અને તેમને યોગ્ય મદદ કરી નથી.

સરકારી કચેરીઓના ધક્કા અને તમામ પ્રયાસો કર્યા બાદ આખરે કંટાળીને ધ્યાનિએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મદદ કરવા માટે વિનંતી કરવી કરી છે.

line

શું છે સમગ્ર વિવાદ?

ધ્યાનિ દવે

ઇમેજ સ્રોત, Dhyani Dave/FACEBOOK

બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં ધ્યાનિએ જણાવ્યું કે કેવી રીતે સરકારે તેમને માત્ર ઠાલું આશ્વાસ આપી મદદના તમામ દરવાજા બંધ કરી દીધા.

ધ્યાનિનું કહેવું છે કે સામાન્ય રીતે સરકાર સ્પોર્ટ્સ ક્વૉટા અંતર્ગત ખેલાડીઓને સરકારી નોકરી આપતી હોય છે.

તેઓ જણાવે છે, "જે ખેલાડીઓ પાસે કૉમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ હોય તેમને સીધી જ ગુજરાત સરકારમાં ક્લાસ-1ની નોકરી માટે પસંદ કરવામાં આવે છે. તેમાં કોઈ પરીક્ષા અથવા તો ઇન્ટરવ્યૂ આપવાનું હોતું નથી."

તમે આ વાંચ્યું કે નહીં?

"મારી પાસે એશિયન ગેમ્સ અને કૉમનવેલ્થ બન્નેમાં ગોલ્ડ મેડલ હોવા છતાં સરકારે નોકરી અંગે કોઈ મદદ કરી નહીં."

"મેં ગત વર્ષે ઑગસ્ટ 2017માં આ અંગે અરજી કરી હતી પરંતુ એક વર્ષ થયા બાદ સરકારે એવી દલીલ રજૂ કરી કે તમારી રમત કૉમનવેલ્થ ગેમ્સ અંતર્ગત નથી આવતી."

"તમારી રમત કૉમનવેલ્થ ચેમ્પિયનશીપ અંતર્ગત આવે છે એટલા માટે તમને નોકરી મળવાપાત્ર નથી."

ધ્યાનિ દવે

ઇમેજ સ્રોત, Dhyani Dave/FACEBOOK

ધ્યાનિ આગળ જણાવે છે, "કૉમનવેલ્થ ગેમ્સ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા તમામ મેડલ્સથી મને નવાજવામાં આવી છે."

"જ્યારે નોકરી આપવાની વાત આવી ત્યારે એવું કહી દેવામાં આવ્યું કે તમારી રમત અલગ છે. તે જૂદી કૅટેગરીમાં આવે છે."

"એટલું જ નહીં સરકારે મને એવું પણ કહ્યું કે તમે ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન પાસેથી એવો પત્ર લઈને આવો જે એ વાતની બાહેંધરી આપે કે તમારી ચેસની રમત ઓલ ઇન્ડિયા ફેડરેશન ઑફ ચેસ ચેમ્પિયશનશીપ હેઠળ માન્ય છે."

"ત્યારબાદ મેં ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના સેક્રેટરી અને કૉમનવેલ્થ ચેસ ઍસોસિયેશનના ચેરમેન ભરતસિંહ ચૌહાણ પાસેથી પત્ર લખાવ્યો જેમાં ઉલ્લેખ હતો કે ચેસની રમત કૉમનવેલ્થ ગેમ્સની સમકક્ષ અને માન્ય છે."

line

'નોકરી ના આપવી હોય તો અરજી શા માટે સ્વીકારી?'

ધ્યાનિ દવે

ઇમેજ સ્રોત, Dhyani Dave/FACEBOOK

ધ્યાનિ જણાવે છે, "જો સરકારને આ અંગે પહેલાંથી જ જાણ હતી કે અમારી રમત કૉમનવેલ્થ ગેમ્સ અંતર્ગત નથી આવતી તો મારી અરજી શા માટે સ્વીકારી?"

ધ્યાનિની અરજી બાદ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના સેક્શન અધિકારી મનોજ શુક્લ તરફથી તેમને પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેમને નોકરી મળી શકશે નહીં.

પત્રમાં લખ્યું છે કે તમને જે મેડલ્સ મળેલા છે તે કૉમનવેલ્થ ચેસ ચેમ્પિયનશીપ અને એશિયન યુથ ચેસ ચેમ્પિયનશીપના છે.

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવની જોગવાઈ અંતર્ગત આ માન્ય નથી.

આ મેડલ્સ અને પ્રમાણપત્રો 'ચેમ્પિયનશીપ'ના છે 'ગેઇમ્સ'ના નથી. એટલા માટે સરકારી નોકરી માટે તમારી અરજી માન્ય નથી ગણાતી.

આ અંગે ગુજરાત રમત વિભાગના મંત્રી ઇશ્વરસિંહ પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "ગુજરાત સરકાર દ્વારા ઠરાવ પાસ કરવામાં આવેલો જેમાં કૉમેનવેલ્થ ગેમ્સ અંતર્ગત જેમને પણ ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ મેડલ મળ્યા હોય તેમને સરકારી નોકરી મળવાપાત્ર છે."

"ધ્યાનિબહેનને અમે પત્ર લખીને જાણ કરી છે કે તમારી રમત ચેમ્પિયનશીપ હેઠળ આવે છે એટલા માટે તમને નોકરી મળવાપાત્ર નથી."

ઉલ્લેખનીય છે કે કૉમનવેલ્થ ગેમ્સ અને કૉમનવેલ્થ ચેમ્પિયનશીપ થોડી અલગ છે. બન્નેનું આયોજન પણ અલગઅલગ કરવામાં આવે છે.

line

'મોદીની ઓફિસમાંથી આવ્યો હતો ફોન'

ધ્યાનિ દવે

ઇમેજ સ્રોત, Dhyani Dave/FACEBOOK

ધ્યાનિએ જણાવ્યું હતું કે વર્ષ 2012માં તેમને નરેન્દ્ર મોદીની ઓફિસમાંથી ફોન આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે તેઓ રાજ્ય માટે રેકર્ડ બનાવે.

ધ્યાનિ કહે છે, "વર્ષ 2012માં સ્વામી વિવેકાનંદની 158મી જન્મજયંતી નિમિત્તે મેં 150 લોકોને ચેસમાં હરાવી લિમ્કા બુક ઑફ રેકર્ડમાં સ્થાન મેળવ્યું હતું."

"વર્ષ 2012માં જ્યારે હું વુમન ઇન્ટરનેશનલ માસ્ટર બની હતી ત્યારે મને માત્ર 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા, જ્યારે પુરુષ ઇન્ટરનેશનલ માસ્ટર બનેલા યુવકને 15 લાખ રૂપિયા આપવામાં આવ્યા."

"આ ભેદભાવને લઈને હું તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને મળી હતી."

"તેમણે મારા ડૉક્યુમેન્ટ્સ ચેક કરીને પાંચ લાખ રૂપિયા માત્ર મંજૂર કર્યા પરંતુ આપ્યા નથી."

line

વડા પ્રધાન મોદીને પત્ર

ધ્યાનિ દવેએ મોદીને લખેલો પત્ર

ઇમેજ સ્રોત, Dhati Dave/ Twitter

ઇમેજ કૅપ્શન, ધ્યાનિ દવેએ મોદીને લખેલો પત્ર

હાલમાં જ ધ્યાનિએ વડા પ્રધાન મોદીને આ મામલે એક પત્ર લખ્યો છે.

તેમાં તેણે લખ્યું છે, "હું ચેસની રમતમાં ગુજરાતની એકમાત્ર વુમન ઇન્ટરનેશનલ માસ્ટર છું."

જોકે આ ધ્યાનિનો દાવો છે. ગુજરાત સ્ટેટ ઍસોસિયેશનના પ્રમુખ અંકિત દલાલનું કહેવું છે કે ગુજરાતની અન્ય એક યુવતી તેજસ્વિની સાગર 2016માં મહિલા ઇન્ટરનેશનલ માસ્ટર બની ચૂક્યાં છે.

"મેં અન્ડર 16માં ગોલ્ડ, અન્ડર-12માં સિલ્વર, અન્ડર-14માં ગોલ્ડ અને એશિયન ચૅમ્પિયનશીપમાં સિલ્વર મેડલ મેળવ્યા છે."

"ગુજરાત અને ભારતનું નામ દુનિયામાં રોશન કર્યું હોવા છતાં મને સરકારી નોકરી આપવા માટે ના પાડી દેવામાં આવી."

"વર્ષ 2012માં મને શક્તિદૂત યોજના અંતર્ગત 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા, જ્યારે પુરુષ ઉમેદવારને 15 લાખ રૂપિયા આપવામાં આવ્યા."

"કેન્દ્ર સરકાર દ્વારા મહિલા-પુરુષ બન્નેને સમાન પૈસા આપવામાં આવે છે તો રાજ્ય સરકાર દ્વારા આવો ભેદભાવ શા માટે?"

"એટલું જ નહીં 'બેટી બચાવો, બેટી પઢાઓ' માટે મેં બ્રાન્ડ ઍમ્બૅસૅડર બનવા માટે નામ નોંધાવ્યું હતું પરંતુ રાજ્યના રમત વિભાગે મારું નામ હટાવી કોઈ અન્ય છોકરીને બ્રાન્ડ ઍમ્બૅસૅડર બનાવી દીધી."

"મારી લડાઈ નોકરી મેળવવા માટેની છે જે માટે હું લાયક છું એટલા માટે હું તમને આ પત્ર લખી રહી છું."

line

કોણ છે ધ્યાનિ?

ધ્યાનિ દવે

ઇમેજ સ્રોત, Dhyati Dave/ FACEBOOK

અમદાવામાં રહેતાં 27 વર્ષનાં ધ્યાનિ ચેસનાં ખેલાડી છે. તેમણે કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.

ધ્યાનિએ છ વર્ષની ઉંમરથી ચેસ રમવાનું શરૂ કર્યું હતું.

તેઓ અત્યાર સુધીમાં 33 આંતરરાષ્ટ્રીય અને 31 રાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સ રમી ચૂક્યાં છે. આ સિવાય રાજ્યકક્ષાએ 55 ટુર્નામેન્ટ્સ રમી ચૂક્યાં છે.

તેમની પાસે ચાર ઇન્ટરનેશનલ મેડલ છે સાથે જ ગુજરાતના એકમાત્ર વુમન ઇન્ટરનેશનલનો ખિતાબ ધરાવે છે.

સરકાર દ્વારા ધ્યાનિને મોકલવામાં આવેલો જવાબ

ઇમેજ સ્રોત, Dhyati Dave/ Tweeter

ઇમેજ કૅપ્શન, સરકાર દ્વારા ધ્યાનિને મોકલવામાં આવેલો જવાબ

એટલું જ નહીં ધ્યાનિ લિમ્કા બુક ઑફ રેકર્ડમાં પણ સ્થાન ધરાવે છે અને જુદી-જુદી કૅટેગરી અંતર્ગત 40 સ્ટેટ ચૅમ્પિયનશીપ મેડલ્સ છે.

ધ્યાનિનું કહેવું છે, "જો અમે રાજ્ય અને દેશ માટે એટલું બધું કરતા હોઈએ તો તેમની પણ જવાબદારી બને છે કે અમારી મદદ કરે."

"જો તેઓ આવું ના કરી શકે તો અમારી આટલી મહેનતનો કોઈ ફાયદો જ નથી."

line

સેરેના સાથે શું થયું હતું?

સેરેના વિલયમ્સ

ઇમેજ સ્રોત, Getty Images

થોડા દિવસો પહેલાં જ ટેનિસ ચૅમ્પિયનશીપ યુએસ ઓપનમાં સેરેના વિલિયમ્સે પોર્ટુગીઝ અમ્પાયર કાર્લોસ રામોસને 'ચોર' કહ્યા હતા અને આરોપ મૂક્યો હતો કે તેમની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.

વિલિયમ્સે એવો પણ આરોપ મૂક્યો હતો કે ટેનિસની રમતમાં પુરુષો અને મહિલાઓને એકસમાન આલેખવામાં નથી આવતા. મુખ્યત્ત્વે મહિલાઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો