કપિલ દેવ અને હાર્દિક પંડ્યાની સરખામણી કેટલે અંશે વાજબી છે?

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, બીબીસી ગુજરાતી માટે
વર્ષ 1978, મહિનો ઑગસ્ટ અને ગ્રાઉન્ડ નોટ્ટિંગહામનું ટ્રેન્ટ બ્રિજ. ઇંગ્લૅન્ડની બેટિંગ ચાલી રહી હતી અને એક યુવાન બૉલર પેવેલિયનમાં બેઠોબેઠો તેના સાથીઓને કહેતો હતો કે 'આપણી બેટિંગ જલદી પૂરી થઈ જાય તો સારું કેમ કે અત્યારનું વાતાવરણ જોતાં હું હરીફ ટીમને ટકવા નહીં દઉં.'
વાત જરા અચરજભરી લાગે કેમ કે પોતાની ટીમની બેટિંગ વહેલી પૂરી થઈ જાય તેમ તો કોણ ઇચ્છે? પણ તેને ઓળખનારા સાથી ખેલાડીને રસ પડ્યો.
તેણે કેપ્ટનને વાત કરી તો કેપ્ટન કહે કે જોઈએ છીએ આગળ શું થાય છે.
થોડી વારમાં ઇંગ્લૅન્ડની ઇનિંગ્સ પૂરી થઈ ગઈ અને એ બૉલરને બૉલિંગ કરવાની તક મળી. થોડી જ વારમાં તેના નામે ત્રણ વિકેટ લખાયેલી હતી.
બીજે દિવસે સવારે બીજી બે વિકેટ અને ઇંગ્લૅન્ડે હરીફ ન્યૂઝીલૅન્ડને ફોલોઓન કરી નાખ્યું. આ બોલર એટલે ઇયાન બૉથમ.
આ મેચના બરાબર એક વર્ષ બાદ એજબસ્ટનના મેદાન પર ભારતીય ટીમ રમી રહી હતી.
મહાન કોમેન્ટેટર બ્રાયન જ્હોન્સ્ટને બીબીસી રેડિયો પર કહ્યું કે 'મેં ક્યારેય કોઈ બૉલરને આ મેદાન પર આટલો થાકેલો અને મહેનત કરતો જોયો નથી.'

ઇમેજ સ્રોત, Getty Images
એ વખતે ઇંગ્લૅન્ડની પાંચ જ વિકેટ પડી હતી અને એ પાંચેય વિકેટ એ બૉલરના નામે હતી. આ બૉલર એટલે કપિલ દેવ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે વાત કરીએ 2018ના ઑગસ્ટ મહિનાની, સિરીઝમાં ભારતીય ટીમ 0-2થી પાછળ અને ટ્રેન્ટ બ્રિજમાં ત્રીજી ટેસ્ટનો પ્રારંભ થયો ત્યારે ટીમ પાસેથી ખાસ આશા રખાતી ન હતી.
બીજે દિવસે સવારે ભારતની બાકી રહેલી પાંચ વિકેટ પત્તાના મહેલની માફક પડી ગઈ અને લંચ સુધીમાં ઇંગ્લૅન્ડે એકેય વિકેટ વિના 46 રન ફટકારી દીધા હતા, પરંતુ ટી સમયે ભારતની બેટિંગ ચાલતી હતી.
થેન્ક્સ ટુ હાર્દિક પંડ્યા. આ બે વિરામ વચ્ચેના ગાળામાં હાર્દિકે છ ઓવરમાં પાંચ વિકેટ ખેરવીને ઇંગ્લૅન્ડને 168 રનના દેવામાં ઉતારી દીધું.
અહીં ચર્ચા કરવી છે કપિલ દેવ અને હાર્દિક પંડ્યાના ઑલરાઉન્ડ પર્ફૉર્મન્સની પણ અગાઉ ઇયાન બૉથમનો ઉલ્લેખ એટલા માટે કર્યો કેમ કે ઇંગ્લૅન્ડની ધરતી પર હાર્દિક પંડ્યાએ તરખાટ મચાવ્યો છે, તેવો ધમાકો માત્ર બૉથમ જ કરી શકતો હતો.
બીજું બૉથમ ઇંગ્લૅન્ડનો બૉલર હતો અને તેને પોતાના દેશના હવામાનની ખબર પડતી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
એ દિવસે તેને ખબર હતી કે બપોર પછી હવામાન પલટો લેશે ત્યારે તે બૉલને મૂવ કરી શકશે, સ્વિંગ કરી શકશે અને હરીફો તેની સામે ટકી શકશે નહીં, પરંતુ કપિલ દેવ કે હાર્દિક પંડ્યા પાસેથી ઇંગ્લૅન્ડની ધરતી પર આવા આત્મવિશ્વાસની અપેક્ષા રાખી શકાય નહીં તેમ છતાં તેમણે શાનદાર દેખાવ કર્યો તેનું કારણ તેમનામાં રહેલી નૈસર્ગિક શક્તિ છે.
આમ તો કપિલ અને હાર્દિકની સરખામણી શક્ય નથી. એટલા માટે નથી કેમ કે બંને વિપરીત યુગમાં રમી રહ્યા છે અને ટીમમાં બંનેની ઉપયોગિતા અલગઅલગ પ્રકારની છે.
તેમ છતાં અહીં કેટલીક હકીકતોની તુલના કરવી જરૂરી છે.
એક ઑલરાઉન્ડર માટે જરૂરી છે કે તે બેટિંગ અને બૉલિંગ બંનેમાં ઉત્તમ દેખાવ કરે અને ટીમમાં સર્વોત્તમ બનીને રહે.
ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યા બાદ કપિલ દેવે તેની દસમી ટેસ્ટ સુધીમાં તો એક સદી પણ નોંધાવી દીધી હતી અને એક વાર ઇનિંગ્સમાં પાંચ વિકેટ પણ લઈ લીધી હતી.
તો હાર્દિક પંડ્યાએ પણ આ જ કમાલ કરી અને તે પણ પોતાની દસમી જ ટેસ્ટમાં. અહીં તો બંને સરખા ઉતર્યા છે. હવે આગળ જોઈએ શું થાય છે.
કપિલ દેવે કારકિર્દીનો પ્રારંભ કર્યો ત્યારે ભારતીય ટીમમાં એક એવા બૅટ્સમૅનની જરૂર હતી જે સારી બૉલિંગ કરી શકતો હોય કેમ કે સુનીલ ગાવસ્કર અને ગુંડપ્પા વિશ્વનાથ સિવાય કોઈએ સારા બેટ્સમેનની જગ્યા પૂરી કરી ન હતી.

ઇમેજ સ્રોત, Getty Images
દિલીપ વેંગસરકર અને મોહિન્દર અમરનાથ હતા પરંતુ તેઓ કપિલના આગમન બાદ વિશ્વવિખ્યાત બન્યા હતા. આ ઉપરાંત ભારતીય ટીમમાં કોઈ ઝડપી બોલર ન હતો.
ટીમ પાસે બેદી, ચંદ્રશેખર, પ્રસન્ના અને વેંકટરાઘવન જેવા સર્વોત્તમ સ્પિનર હતા, પરંતુ બૉલિંગની શરૂઆત તો ગાવસ્કર, ચેતન ચૌહાણ અને મોહિન્દર જેવા બૉલરથી કરવી પડતી હતી, જેઓ પહેલા પાંચ છ ઓવર ફેંકે અને પછી સ્પિનર ચાર્જ સંભાળી લે.
આ સંજોગોમાં કપિલ દેવે ઝડપી બૉલિંગ આક્રમણમાં સ્થિરતા આપી.
સાથેસાથે કપિલની જવાબદારી પણ ઘણી વધારે હતી કેમ કે તે નિષ્ફળ રહ્યો હોત તો ભારત આગામી 15-16 વર્ષ સુધી પ્રથમ પાંચ છ ઓવરને બાદ કરતાં સ્પિનર પર જ આધારિત રહ્યું હોત તેને બદલે એકાદ બે સિઝનમાં તો ચારેય મહાન સ્પિનરે નિવૃત્તિ લઈ લીધી અને કપિલની સાથે ચેતન શર્મા, મનોજ પ્રભાકર, મદનલાલ, કરસન ઘાવરી, રોજર બિન્ની અને શ્રીનાથ જેવા બૉલર ઝડપી બૉલિંગ આક્રમણમાં આવી ગયા.

આમ ભારતીય ક્રિકેટમાં ઝડપી બૉલિંગમાં આવેલા મહામુલા પરિવર્તન કપિલને આભારી છે.
આજે હાર્દિક પંડ્યા ટીમનો મુખ્ય સ્ટ્રાઇક બૉલર નથી. ભુવનેશ્વર, જસપ્રિત બુમરાહ, શમી, ઉમેશ યાદવ જેવા બૉલરની હાજરીને કારણે ઘણીવાર હાર્દિકને બૉલિંગ કરવાની પણ જરૂર પડતી નથી.
આવામાં તે એક બૉલર તરીકે ઉભરી આવે તે તેની મોટી સિદ્ધિ લેખાશે. એમ કહી શકાય કે ભારતને એક સારો બૉલિંગ ઑલરાઉન્ડર મળી ગયો.
બેટિંગમાં તો હાર્દિક આક્રમક જ છે પરંતુ ધવન, વિજય, રાહુલ, કોહલી, પૂજારા અને રહાણેની હાજરીને કારણે હાર્દિકને આઠમા ક્રમે જ બેટિંગમાં આવવું પડે છે.
અહીં સુધારો થઈ શકે છે અને તેને નિયમિતપણે સાતમા ક્રમે મોકલી શકાય છે જે કપિલના કિસ્સામાં બન્યું હતું.

કપિલ દેવે તેની 262 ટેસ્ટ ઇનિંગ્સમાંથી લગભગ 140 ઇનિંગ્સમાં સાતમા ક્રમે બેટિંગ કરી છે, પરંતુ કારકિર્દીના પ્રારંભિક કાળમાં તે 50 જેટલી ઇનિંગ્સમાં આઠમા ક્રમે આવ્યો હતો.
કપિલ દેવે કારકિર્દીના મોટા ભાગના સમયગાળામાં તેની બૉલિંગ પર જ વધારે ધ્યાન આપ્યું હતું તે ઇયાન બૉથમ જેટલો જ કાબેલ હતો.
પરંતુ બૉથમ બેટિંગને કારણે કપિલ કરતાં ચડિયાતો બની ગયો હતો. હાર્દિક પંડ્યા પણ તેની બેટિંગના જોરે કપિલ દેવની આગળ નીકળી શકે છે. આમ માટે તેને સાતમા ક્રમે રમવા મોકલવો જરૂરી છે.

ઇમેજ સ્રોત, Getty Images
એક ઑલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યાની કપિલ દેવ સાથે હાલના તબક્કે સરખામણી એટલા માટે કરી શકાય નહીં, કેમ કે હાર્દિક હજી દસ ટેસ્ટ રમ્યો છે.
વન-ડે અને ટી20 ઉપરાંત આઈપીએલને કારણે હાર્દિક વધારે રમ્યો છે પરંતુ તેની ઉપર અપેક્ષાનું દબાણ કે આવી સરખામણીનું દબાણ નાખવું જોઇએ નહીં.
કપિલ દેવ 16 વર્ષ સળંગ રમ્યો હતો. કારકિર્દીની 131 ટેસ્ટમાં માત્ર એક જ મેચના ગેપ સિવાય તે સળંગ રમ્યો છે અને એ એક મેચ પણ ફિટનેસને કારણે તેને ગુમાવવી પડી ન હતી.
હાર્દિક બારે માસે ક્રિકેટ રમે છે તે સંજોગોમાં તેના ઘાયલ થવાનું જોખમ વધારે છે.
બીજું સામે છેડેથી અન્ય કોઈના સહકાર વિના કપિલ દેવે મોટા ભાગની કરિયરમાં બૉલિંગ કરી છે, તો હાર્દિક માટે આ સંજોગો પેદા થયા નથી કે થવાના નથી.
હાર્દિકને હજી બે ત્રણ સિઝન રમવા દો, ખીલવા દો ત્યાર બાદ તેની નૈસર્ગિક શક્તિઓ વધારે બહાર આવશે.
(તુષાર ત્રિવેદી 'નવગુજરાત સમય'ના સ્પોર્ટ્સ એડિટર છે)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















