ઉરુગ્વે : મળો વિશ્વના 'સૌથી ગરીબ' પૂર્વ રાષ્ટ્રપતિને

ઇમેજ સ્રોત, EPA
ઉરુગ્વેના પૂર્વ રાષ્ટ્રપતિ હોઝે મુહિકાને દુનિયાનાં 'સૌથી ગરીબ રાષ્ટ્રપતિ' કહેવામા આવે છે. આનું કારણ છે એમની સાધારણ જીવનશૈલી.
રાજકારણમાંથી નિવૃત થયા બાદ એમણે પેન્શન લેવાની પણ ના પાડી દીધી છે.
રાષ્ટ્રપતિ પદ પછી મુહિકા વર્ષ 2015માં ઉરુગ્વેની સંસદમાં સેનેટર પણ રહ્યા છે.
એમનો કાર્યકાળ પૂરો થતા પહેલાં જ એમને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
83 વર્ષના મુહિકાએ જણાવ્યું કે તેઓ પોતાનો કાર્યકાળ પૂરો કરી નહીં શકે કારણ કે તેઓ આ લાંબી કવાયતથી થાકી ચૂક્યા છે.
તમે આ વાંચ્યું કે નહીં?
મુહિકાએ સેનેટનાં અધ્યક્ષ અને ઉપ-રાષ્ટ્રપતિ લુસિયા તોપોલાંસ્કીને પોતાનું રાજીનામું આપી દીધું હતું. જે એમના પત્ની પણ છે.
રાજીનામામાં એમણે લખ્યું છે કે એમનાં કેટલાંક અંગત કારણો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડાબેરી વિચારધારા ધરાવતા મુહિકાએ રાજીનામામાં લખ્યું, ''જ્યાં સુધી મારું મગજ ચાલે છે ત્યાં સુધી હું એકતા અને વિચારોની લડાઈમાં પીછેહઠ નહીં કરું.''

બોલકા હોવા માટે હતા બદનામ

ઇમેજ સ્રોત, AFP
મુહિકા બોલકા હોવા ઉપરાંત ગમે ત્યારે રચનાત્મક ભાષામાં વાત કરવા માટે જાણીતા હતા.
એમણે પોતાના રાજીનામામાં જણાવ્યું કે જો એમણે એમના કોઈ સાથીને વાર્તાલાપ દરમિયાન અંગત રીતે દુ:ખ પહોંચાડ્યું હોય તો તે એના માટે માફી માગે છે.
વર્ષ 2016માં એમને આર્જેન્ટિનાના તત્કાલીન રાષ્ટ્રપતિ પાસે માફી માગવી પડી હતી.
એમણે રાષ્ટ્રપતિ ક્રિસ્ટિનાને 'ઘરડી ડાકણ' કહ્યું હતું. સાથે સાથે ક્રિસ્ટિનાના પતિ અને આર્જેન્ટિનાનાં પૂર્વ રાષ્ટ્રપતિ નેતોર કિર્સનરની આંખોની બીમારી અંગે પણ ખોટી ટિપ્પણી કરી હતી.
આ ટિપ્પણી એક ન્યૂઝ કૉન્ફરન્સ દરમિયાન રૅકોર્ડ થઈ ગઈ હતી એ વખતે એમને અણસાર પણ નહોતો કે માઇક્રોફોન ચાલુ છે.
વર્ષ 2016માં એમણે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ મડુરોને 'બકરી જેવા ગાંડા' નામથી નવાજ્યા હતા.

સાધારણ જીવનશૈલી

ઇમેજ સ્રોત, EPA
રાષ્ટ્રપતિ હતા ત્યારે એમણે વિશાળ રાષ્ટ્રપતિ ભવનમાં રહેવાની પણ ના પાડી દીધી હતી.
ત્યારથી માંડી આજ દિવસ સુધી તેઓ તેમનાં પત્ની સાથે રાજધાની મોંટેવીડિયોના બહારના વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસમાં રહેતા હતા. બન્ને પતિ-પત્ની ઉગ્રવાદી જૂથનો એક ભાગ પણ હતાં.
રાષ્ટ્રપતિકાળ દરમિયાન તેમણે પોતાના વેતનનો મોટો ભાગ દાન પેટે આપી દીધો હતો.
વર્ષ 2010માં રાષ્ટ્રપતિ બન્યા પછી એમની પાસે એક માત્ર સંપત્તિ હતી-1987 ફોક્સવૈગન બીટલ કાર.
આછા બ્લૂ રંગની એમની આ કાર એટલી પ્રસિદ્ધિ પામી હતી કે વર્ષ 2014માં એને ખરીદવા માટે કોઈએ 10 લાખ ડૉલરની ઑફર કરી હતી.
જોકે, તેમણે આ માટે ના પાડી દીધી હતી. એમણે એ વખતે કહ્યું હતું કે આ કાર વગર તેઓ તેમના કૂતરાને લઈને ક્યાંય પણ જઈ નહીં શકે.

ઇમેજ સ્રોત, EPA
મુહિકાનું રાજીનામું એકદમ નથી આવ્યું. એમણે પહેલાં જ જણાવી દીધું હતું કે 3 ઑગસ્ટે તેઓ અંતિમ વાર સંસદમાં આવશે.
સંસદના સત્ર દરમિયાન એમના વિરોધીઓએ કહ્યું હતું કે એમને ખાતરી નથી કે મુહિકા રાજકારણમાંથી નિવૃત થશે કે નહીં.
સિનેટર લઇસ અલબર્ટો હીબરે કહ્યું હતું કે એમણે સાંભળ્યું છે કે તેઓ 2019માં ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે રાજીનામું આપી રહ્યા છે.
એમણે જણાવ્યું, ''સ્પષ્ટ છે કે નવરાશની પળોનો તમે અમારા પક્ષ વિરુદ્ધ કામ કરવાને બદલે આરામ કરવામાં ઉપયોગ કરવા માંગો છો તો આ અમને ચોક્કસ ગમશે. ખૂબ ખૂબ શુભેચ્છા.''
જ્યાં એક બાજુ એમના સાથીઓએ એમને શુભેચ્છાઓ પાઠવી છે ત્યાં જ સોશિયલ મીડિયા પર એમના ટીકાકારોનું કહેવું છે કે 1960 અને 70માં ઉગ્રવાદી જૂથના સભ્ય હોવા બદલ એમણે માફી માગવી જોઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















