પૈસાદારો શા માટે છે હાર્લે-ડેવિડસન બાઇકના દીવાના?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભરત શર્મા
- પદ, બીબીસી સંવાદદાતા
'ટ્રેડ વૉર સારું હોય છે અને તેને જીતવું પણ આસાન હોય છે.' અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે માર્ચમાં આ ટ્વીટ કર્યું હતું. તેઓ જાણતા નહીં હોય કે આ વાત ત્રણ મહિનામાં આફતરૂપ બનશે.
અમેરિકાએ યુરોપિયન સંઘ(ઈયુ)ના દેશોમાંથી આયાત કરવામાં આવતા સ્ટીલ તથા ઍલ્યુમિનિયમ પર કર લાદ્યો તેની સામે ઈયુએ પણ અમેરિકાથી આયાત થતી સામગ્રી પર ટેક્સ વધાર્યો હતો.
એ પછી જે થયું તેનાથી ડોનાલ્ડ ટ્રમ્પ ચોંકી ગયા છે.
જે હાર્લે-ડેવિડસન બાઇક માટે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે ટક્કર લેવાનો નિર્ણય કર્યો હતો એ બાઇકની ઉત્પાદક દિગ્ગજ અમેરિકન કંપની તેનું કેટલુંક કામ અમેરિકાની બહાર લઈ જવા ઇચ્છે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
ડોનાલ્ડ ટ્રમ્પે કહેલું કે ભારતે આ બાઇક પર 60થી 75 ટકા ટેક્સ લાદ્યો છે તે ખોટું છે.
તેથી નરેન્દ્ર મોદી સરકારે ટેક્સનું પ્રમાણ ઘટાડીને 50 ટકા કર્યું હતું.
હાર્લે-ડેવિડસન વિશ્વવિખ્યાત બાઇક ઉત્પાદક કંપની છે અને ફોર્બ્ઝ સામયિકના જણાવ્યા મુજબ, 2018ના મેમાં તેની માર્કેટ કેપ સાત અબજ ડોલર સુધી પહોંચી ગઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કંપનીએ ભારતમાં તાજેતરમાં 17 નવાં મોડેલ્સ રજૂ કર્યાં છે, જેની કિંમત પાંચ લાખ રૂપિયાથી માંડીને 50 લાખ રૂપિયા વચ્ચેની છે.
આ કંપનીની બાઇક્સને સુપરબાઇક કહેવામાં આવે છે અને તેની કિંમત વધારે હોવાને કારણે પૈસાદારોની એ પહેલી પસંદ હોય તે દેખીતું છે.

ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે શા માટે થયા?

ઇમેજ સ્રોત, Getty Images
હાર્લે-ડેવિડસન માટે થઈ રહેલો જંગ મુશ્કેલી સર્જી રહ્યો છે. તેની શરૂઆત ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી અને હવે ખુદ તેમને નુકસાન થઈ રહ્યું છે.
હાર્લે-ડેવિડસન તેનું કેટલુંક કામ અમેરિકા બહાર લઈ જવા ઇચ્છતી હોવાના સમાચાર વાંચ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક ટ્વીટ કર્યું હતું.
તેમાં ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું હતું, "હાર્લે-ડેવિડસનનું ઉત્પાદન બીજા દેશમાં ક્યારેય થવું ન જોઈએ. તેઓ (અમેરિકાની) બહાર જશે તો એ તેમના અંતનો આરંભ હશે."
"તેઓ શરણે થશે તો માર્યા જશે. ઝાકઝમાળ ખતમ થઈ જશે."
હવે સવાલ એ થાય છે કે હાર્લે-ડેવિડસનમાં એવું તે ખાસ શું છે? આ કંપની અમેરિકા અને વિશ્વ માટે આટલી મહત્ત્વની કેમ છે?
ભારેખમ બોડીવાળી પાવર બાઇકને અમેરિકા પોતાની ઓળખ શા માટે ગણે છે?
આ કંપની બાઇકનું નિર્માણ અન્ય દેશમાં કરવાનું વિચારે છે ત્યારે અમેરિકાના પ્રમુખ સુદ્ધાં કેમ ખફા થઈ જાય છે?
આ બધા સવાલના જવાબ 119 વર્ષ પહેલાં શરૂ થયેલી એક કહાણીમાં છૂપાયેલા છે અને આટલી લાંબી સફરમાં આ બાઇકે અનેક સીમાચિહ્ન જોયાં છે.

શું ખાસ છે હાર્લે-ડેવિડસનમાં?

ઇમેજ સ્રોત, HARLEY-DAVIDSON.COM
જાણીતા ઑટો એક્સપર્ટ ટુટુ ધવને બીબીસીને કહ્યું હતું, "આ માત્ર આજે જ નહીં, તે 100 વર્ષ પહેલાં પણ વિશિષ્ટ બાઇક હતી."
"પહેલું વિશ્વયુદ્ધ હોય કે બીજું, હાર્લે-ડેવિડસન બાઇકે બન્નેમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી."
"એ સમયે યોગ્ય રસ્તાઓ હતા નહીં. તેથી આ બાઇક તેના અલગ-અલગ પ્રકારના ઉપયોગ અને મજબૂતીને કારણે ઘણી ફાયદાકારક સાબિત થતી હતી."
"દૂર આવેલા વિસ્તારોમાં આ મોટરસાઇકલ જ પહોંચતી હતી."
યુદ્ધ ખતમ થયા બાદ આ બાઇક આટલી મોટી બ્રાન્ડ કઈ રીતે બની ગઈ?
ટુટુ ધવને કહ્યું હતું, "યુદ્ધ ખતમ થયા બાદ આ બાઇક અમેરિકા માટે પ્રતિક બની ગઈ હતી."
"તમને એ જાણીને આશ્ચર્ય થશે કે બાઇકના એન્જિનમાંથી જે અવાજ આવે છે એ પણ પેટન્ટેડ છે."
આ બાઇક મોંઘીદાટ છે. તેને જે ખરીદી શકે છે તેઓ ખાસ છે અને નથી ખરીદી શકતા તેઓ તેનાં સપનાં જુએ છે. આ ક્રેઝનું કારણ શું છે?
ટુટુ ધવને કહ્યું હતું, "ભારત નહીં, આખી દુનિયા આ બાઇકની દીવાની છે અને તેનું કારણ છે તેનો આગવો દેખાવ."
"દિલ્હી જેવાં શહેરમાં ફરારી ખરીદીને શું કરવાનું? તેને યોગ્ય રીતે ચલાવી પણ નહીં શકાય કે ઝડપભેર ભગાવી પણ નહીં શકાય."
"તેમ છતાં લોકો ફરારી ખરીદે છે. હાર્લે-ડેવિડસનનું પણ એવું જ છે."

'તેને ખરીદનારા છે ખાસ'

ઇમેજ સ્રોત, HARLEY-DAVIDSON.COM
ટુટુ ધવને જણાવ્યું, "આ બાઇકને ખરીદતા લોકો અલગ સ્ટેટસવાળા હોય છે. સામાન્ય લોકો આ બાઇક નથી ખરીદતા."
"આ બાઇક ખરીદતા લોકોનું પોતાનું એક ગ્રૂપ હોય છે. તેઓ એકમેકને મળે છે, વાતો કરે છે, બાઇક રાઇડ પર જાય છે. આ એક સંપ્રદાય જેવું છે."
હાર્લે-ડેવિડસન બાઇક માટે ભારત કેટલું મહત્ત્વનું છે એ જણાવતાં ટુટુ ધવને કહ્યું હતું, "આ કોઈ માસ માર્કેટ પ્રોડક્ટ નથી. વર્ષમાં આવી ત્રણ-ચાર હજાર બાઇક વેંચાય તો પણ કંપની માટે સારું છે."
અમેરિકા બહાર ઉત્પાદન કરવા વિચારતી હાર્લે-ડેવિડસન ભારતને તેનું કેન્દ્ર બનાવી શકે છે એવી વાતો પણ સાંભળવા મળી હતી. જોકે, જાણકારોને તેમાં તથ્ય જણાતું નથી.
ટુટુ ધવને કહ્યું હતું, "મને નથી લાગતું કે આવું થાય. કંપની યુરોપને તેનું ઉત્પાદન કેન્દ્ર બનાવી શકે."

આજના સ્થાને કઈ રીતે પહોંચી કંપની?

ઇમેજ સ્રોત, HARLEY-DAVIDSON.COM
જે હાર્લે-ડેવિડસન ખરીદીને આજે લોકો ખાસ બની જાય છે તેમનું ખાસ થઈ જવું આકસ્મિક બાબત નથી.
હાર્લે-ડેવિડસન કંપનીના જણાવ્યા મુજબ, વિલિયમ હાર્લેએ એક સાઇકલમાં ફિટ થઈ શકે તેવા એન્જિનની બ્લ્યૂપ્રિન્ટ વિલિયમ હાર્લેએ 1901માં જ બનાવી લીધી હતી.
અમેરિકાના વિસ્કોસિંન શહેરના મિલવોકીના એક નાનકડા શેડમાં વિલિયમ એસ. હાર્લે અને આર્થર ડેવિડસને મળીને 1903માં હાર્લે-ડેવિડસન કંપનીનો પાયો નાખ્યો હતો.
જે ફેક્ટરીમાં પહેલી મોટરસાઇકલ બની એ 10 X 15 ફૂટનો ઓરડો હતો. એ ઓરડાની છત લાકડાની હતી અને દરવાજા પર લખવામાં આવ્યું હતુઃ હાર્લે-ડેવિડસન મોટર કંપની.
કંપનીની શરૂઆત વિલિયમ અને આર્થરે કરી હતી, પણ આર્થરના ભાઈ વોલ્ટર બાદમાં તેમની સાથે જોડાયા હતા.
1903માં તૈયાર થયેલું પહેલું મોડેલ હેનરી મેયરે કંપનીના સ્થાપકો પાસેથી ખરીદ્યું હતું. હેનરી મેયર આ યુવાનોના સહપાઠી હતા.
એ પછીના વર્ષે શિકાગોના કે.સી.એચ. લેંગના સ્વરૂપમાં હાર્લે-ડેવિડસનને તેના પહેલા ડીલર મળ્યા હતા. શરૂઆતની ત્રણ બાઇક્સ તેમણે વેંચી હતી.
છેક 1905થી આ બ્રાન્ડનું ખાસ મહત્ત્વ છે, કારણ કે એ વર્ષે શિકાગોમાં યોજાયેલી 15 માઇલની રેસ હાર્લે-ડેવિડસન મોટરબાઇકે જીતી હતી. 15 માઇલનું અંતર આ બાઇકે 19 મિનિટમાં કાપ્યું હતું.

અમેરિકાથી જાપાન સુધી

ઇમેજ સ્રોત, HARLEY-DAVIDSON.COM
1907માં હાર્લે-ડેવિડસન મોટર કંપની ખરા અર્થમાં અસ્તિત્વમાં આવી હતી. તેના શેર ચાર સ્થાપકોમાં વહેંચવામાં આવ્યા હતા.
કર્મચારીઓની સંખ્યા અને ફેકટરીનું કદ બમણું કરી નાખવામાં આવ્યું હતું.
આર્થર અને વોલ્ટરના ત્રીજા ભાઈ વિલિયમ તેમની નોકરી છોડીને 1907માં જ હાર્લે-ડેવિડસન કંપનીમાં જોડાયા હતા.
એ પછીના વર્ષે વોલ્ટરે 'ફેડરેશન ઑફ અમેરિકન મોટરસાઇકલિસ્ટ એન્ડ્યોરન્સ ઍન્ડ રિલાયબિલિટી'ની સાતમી વાર્ષિક સ્પર્ધામાં પર્ફેક્ટ-7000 પોઇન્ટ સુધી પહોંચવાનું કારનામું કરી દેખાડ્યું હતું.
એ ઘટનાના ત્રણ દિવસ બાદ વિલિયમ ફેડરેશનનો રૅકોર્ડ પ્રતિ ગેલન 188.234 માઇલ સુધી લઈ ગયા હતા.
તેનો ફાયદો એ થયો કે હાર્લે-ડેવિડસનની મજબૂત મોટરસાઇકલની ચર્ચા દૂરદૂર સુધી થવા લાગી હતી.
કંપની છ વર્ષની થઈ ત્યારે તેણે વી-ટ્વિન પાવર્ડ મોટરસાઇકલ રજૂ કરી હતી.
45 ડિગ્રી કન્ફિગ્યુરેશનમાં બે સિલિન્ડરવાળી આ બાઇક કંપનીના ઇતિહાસમાં સીમાચિન્હરૂપ પૂરવાર થઈ હતી.
1910માં ઍન્ડ શિલ્ડના લોગોનો પહેલીવાર ઉપયોગ કરવામાં આવ્યો હતો.
એ પછીના વર્ષે અમેરિકન પેટન્ટ ઓફિસમાં તેનો ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ કરાવવામાં આવ્યો હતો.
શરૂઆતના પહેલા દાયકામાં 1912માં કંપનીએ તેની બાઇકની પહેલી નિકાસ જાપાનમાં કરી હતી. અમેરિકા બહાર હાર્લે-ડેવિડસનનું એ પહેલું વેચાણ હતું.

વિશ્વયુદ્ધ સાથે બાઇકનું કનેક્શન

ઇમેજ સ્રોત, HARLEY-DAVIDSON.COM
જાણકારો કહે છે તેમ વિશ્વયુદ્ધ દરમિયાન હાર્લે-ડેવિડસન અત્યંત ખાસ બની ગઈ હતી.
તેનું એક પ્રમાણ એ છે કે 1917માં બનાવવામાં આવેલી કુલ પૈકીની એક-તૃતિયાંશ બાઇક સૈન્યને વેંચવામાં આવી હતી.
1918માં પણ એવું જ થયું હતું. પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન ઉત્પાદિત હાર્લે-ડેવિડસનની અરધોઅરધ બાઇક્સ સૈન્યને વેંચવામાં આવી હતી.
સૈન્ય કુલ 20,000 બાઇક્સનો ઉપયોગ કરતું હતું, જે પૈકીની મોટાભાગની હાર્લે-ડેવિડસનની હતી.
હાર્લે-ડેવિડસન 1920માં વિશ્વની સૌથી મોટી મોટરસાઇકલ ઉત્પાદક કંપની બની ગઈ હતી.
એ સમયે 67 દેશોમાં 2,000થી વધુ ડીલર્સ કંપનીની બાઇક્સ વેંચતા હતા. વિશ્વયુદ્ધને કારણે હાર્લે-ડેવિડસનને વારંવાર ફાયદો થયો હતો.

આજે પણ છે દમામ યથાવત

ઇમેજ સ્રોત, HARLEY-DAVIDSON.COM
અમેરિકા 1941માં બીજા વિશ્વયુદ્ધમાં પ્રવેશ્યું હતું. એ સમયે સૈન્ય માટે બાઇકનું ઉત્પાદન કરવામાં આવતું હોવાથી નાગરિકો માટેની બાઇક્સનું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું હતું.
1945માં વિશ્વયુદ્ધ પુરું થયું કે તરત જ કંપનીએ નાગરિકો માટેની બાઇક્સ બનાવવાનું શરૂ કર્યું હતું.
હાર્લે-ડેવિડસન 1940થી શરૂ કરીને 1980 સુધી મોટરબાઈક રેસમાં વિજેતા બનતી રહી હતી અને અલગ-અલગ શક્તિશાળી એન્જિન તથા નવાં મૉડેલ્સ વડે બીજી કંપનીઓને પાછળ છોડતી રહી હતી.
મોટરસાઇકલ યુએસએના જણાવ્યા અનુસાર, બીજા વિશ્વયુદ્ધ પછી આવેલી હાર્લે-ડેવિડસનની ઉત્તમ બાઇક્સમાં 1957ની સ્પોર્ટસ્ટર ખાસ છે. વર્તમાન લાઈન-અપમાં એ સૌથી જૂનું મૉડેલ છે.
1960ના દાયકામાં કંપનીમાં ટોચના સ્તરે ફેરફાર જોવા મળ્યા હતા.
1965માં કંપની શેરબજારમાં પહોંચી હતી અને 1969માં તેનો અમેરિકન મશીન ઍન્ડ ફાઉન્ડ્રી(એએમએફ)માં વિલય થયો હતો.
જોકે, એ પછી પરિસ્થિતિ બદલાઈ હતી અને 1980ના દાયકાની શરૂઆતમાં એએમએફે કંપનીની માલિકીના હક્ક વર્તમાન લીડરશીપને આપી દીધા હતા, જેમાં કંપનીના સ્થાપક પરિવારના સભ્યો સામેલ હતા.
1980 અને 1990ના દાયકામાં કંપનીએ લૉન્ચ કરેલાં મૉડેલ્સે આજે પણ માર્કેટમાં કબજો જમાવી રાખ્યો છે.
સદી બદલાઈ ગઈ, પણ હાર્લેનો દમામ યથાવત રહ્યો છે.
ઘણી કંપનીઓ આવી અને ગઈ, પણ હાર્લેનો દમામ ગઈકાલે હતો, આજે છે અને આવતીકાલે પણ કદાચ યથાવત રહેશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















