ગાઢ ધુમ્મસમાં પણ કઈ રીતે દોડતી રહે છે ભારતીય રેલવે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભૂમિકા રાય
- પદ, બીબીસી સંવાદદાતા
'60થી વધુ ટ્રેનો ધુમ્મસને કારણે વિલંબથી ચાલી રહી છે.....ધુમ્મસને કારણે 21 ટ્રેનો રદ્દ.'
અખબારોના પહેલા પાને છેલ્લા કેટલાક દિવસોથી આવા સમાચાર છવાયેલા છે.
પ્રવાસીઓની સૌથી મોટી ફરિયાદ એ હોય છે કે તેમને ટ્રેનસંબંધી જે માહિતી આપવામાં આવે છે એ સાચી નથી હોતી.
પ્રવાસીઓ કહેતા હોય છે કે તેમને રેલવે તરફથી જે મેસેજ મોકલવામાં આવે છે, તે ઘણીવાર ખોટી માહિતી આપતા હોય છે.
તમને આ પણ વાંચવું ગમશે
જોકે, કેટલાક લોકો એવા પણ છે, જેઓ માને છે કે ધુમ્મસ હશે તો ટ્રેનો મોડી થશે જ. પણ તેની સાચી માહિતી નથી આપવામાં આવતી એ મોટી મુશ્કેલી છે.
પ્રવાસીઓની માફક રેલવેને પણ તેની પોતાની કેટલીક મુશ્કેલી હોય છે. ટેક્નિકલ બાબતોની સાથે રેલવેની કાર્યપદ્ધતિ પણ ગૂંચવણભરી છે.

ભારત અને વિદેશમાંની ટેકનોલોજિ વચ્ચે શું ફરક છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીએ આ સંબંધે ભારતીય રેલવેના સીપીઆરઓ નિતિન ચૌધરી સાથે વાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે આપણા દેશની સરખામણીએ વિદેશમાં સિગ્નલિંગ વ્યવસ્થા થોડી અલગ હોય છે.
વિદેશમાંની ટ્રેન કન્ટ્રોલ સિસ્ટમને યુરોપિયન ટ્રેન કમ્યુનિકેશન સિસ્ટમ કહેવામાં આવે છે અને એ અત્યાધુનિક ટેક્નોલોજિ છે.
જેમાં ઉપગ્રહ, ગ્રાઉન્ડ બેઝ્ડ ઇન્સ્ટોલેશન અને કમ્પ્યુટર્સ વડે દરેક ટ્રેનની સ્થિતિ અને દરેક ટ્રેનની મૂવમેન્ટ પર નજર રાખવામાં આવે છે.
નિતિન ચૌધરીના જણાવ્યા અનુસાર વિદેશમાં ઉપગ્રહની મદદ વડે ટ્રેનના સિગ્નલ્સને એક સેન્ટ્રલ લોકેશન સિસ્ટમ પર મોનિટર કરવામાં આવે છે.
ભારતમાં એવી વ્યવસ્થા નથી. ભારતમાં સેટેલાઈટ કમ્યુનિકેશનના આધારે સિગ્નલ મોકલવામાં આવતા નથી.
તેનો અર્થ એ કે કોઈ ટ્રેન એક સ્ટેશન પરથી રવાના થાય છે ત્યારે એ સિગ્નલ આપે છે.
આ સિગ્નલ આગલા સ્ટેશને પહોંચતાં પહેલાં અને પાછલું સ્ટેશન છોડવા દરમ્યાન આપવામાં આવે છે.
આ વ્યવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી.
આ પરિસ્થિતિમાં ટ્રેનચાલક વિઝિબિલિટીની સમસ્યાને કારણે સિગ્નલ જ ન જોઈ શકે તો તેની પાસે ટ્રેન રોકી દેવાનો એકમાત્ર વિકલ્પ હોય છે.
ઘણીવાર ચાલક ટ્રેનને રોકી દેવાને બદલે ટ્રેનની સ્પીડ ઘટાડી નાખે છે.
નિતિન ચૌધરીના જણાવ્યા અનુસાર, ચાલક સ્પીડને કન્ટ્રોલ કરીને ટ્રેન ન ચલાવે અને વિઝિબિલિટીની સમસ્યાને કારણે તેને રેડ સિગ્નલ દેખાય જ નહીં તો દુર્ઘટનાની શક્યતા વધી જાય છે.

ટ્રેનશા માટે ધીમી ગતિએ ચાલે કે અટકી જાય?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય રેલવેના પ્રિન્સિપલ ચીફ ઈલેક્ટ્રિકલ એન્જિનિઅર આર. કે. તિવારીએ આ સવાલનો જવાબ આપ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે ટ્રેનોની ગતિ કે તેમને રોકવાનું સિગ્નલ આધારિત હોય છે.
સિગ્નલ ક્લિઅર હોય અને ચાલકને ટ્રેક સ્પષ્ટ દેખાતો હોય તો તે ટ્રેનને ફૂલ સ્પીડમાં ચલાવે છે.
સિગ્નલ ન દેખાય તો ચાલક દેખીતી રીતે જ ટ્રેનની ગતિ ઘટાડી નાખશે.
આગળ ટ્રેક ક્લિઅર છે એની ખાતરી ન થઈ જાય ત્યાં સુધી ચાલક ટ્રેનની સ્પીડ વધારશે નહીં.
ઘણીવાર એવું બને છે કે એન્જિન છેક સિગ્નલ નજીક પહોંચી જાય ત્યારે સિગ્નલ જોવા મળે છે.
આ સ્થિતિમાં ટ્રેન ધીમી ગતિએ અથવા રોકી-રોકીને ચલાવવી પડે છે.

વ્યવસ્થા સુધારવાના પગલાં શા માટે નહીં?

ઇમેજ સ્રોત, Getty Images
નિતિન ચૌધરીએ જણાવ્યું હતું કે આ ખામીની રેલવેને ખબર છે અને તેની સુધારણાના પ્રયાસ ચાલુ છે.
ભારતીય રેલવે યુરોપિયન ટ્રેન કમ્યુનિકેશન સિસ્ટમ અમલી બનાવવાની દિશામાં કામ કરી રહી છે.
અલબત, એ કામ અત્યારે પ્રયોગાત્મક ધોરણે ચાલી રહ્યું છે.
ટ્રેનો તેના લક્ષ્ય સ્થાને સલામત પહોંચે એ માટે ફૉગ સેફ ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

શું છે ફૉગ સેફ ડિવાઇસ?

ઇમેજ સ્રોત, Getty Images
આર. કે. તિવારીએ જણાવ્યું હતું કે ફૉગ સેફ ડિવાઇસ અત્યાધુનિક અને જીપીએસ આધારિત ડિવાઇસ છે.
એ નિશ્ચિત સમયાંતરે સિગ્નલની માહિતી આપતું રહે છે.
આ ડિવાઇસમાં એક પ્રોગ્રામ કરેલે નક્શો હોય છે, જે પોતાના લોકેશનને જીપીએસ સાથે મેચ કરતું રહે છે.
ટ્રેનચાલક ફૌરી લાલે જણાવ્યું હતું કે ફૉગ સેફ ડિવાઇસને કારણે ટ્રેન ચલાવવાનું ઘણું આસાન બની જાય છે.
ફૌરી લાલના જણાવ્યા અનુસાર, ટ્રેન ભલે ગમે તેટલી ધીમી ગતિએ ચલાવવી પડે, પણ દુર્ઘટના ન થવી જોઇએ. આવો સ્પષ્ટ આદેશ તેમને આપવામાં આવે છે.
જ્યાં સુધી સિગ્નલ ક્લિઅર ન મળે ત્યાં સુધી ટ્રેનને આગળ નહીં વધારવાનો આદેશ પણ આપવામાં આવે છે.

ભારતીય રેલવેની મજબૂરી

ઇમેજ સ્રોત, Getty Images
નિતિન ચૌધરીએ જણાવ્યું હતું કે ટેક્નોલોજિ સંબંધે આપણે વિદેશ સાથે સરખામણી કરીએ છીએ. પરંતુ ઘણી મૂળભૂત સમસ્યાઓ નાગરિકોના સ્તરે પણ છે.
તેમના જણાવ્યા અનુસાર, વિદેશમાં રેલવે ટ્રેકની બન્ને બાજુ પર વાડ લગાવવામાં આવેલી હોય છે.
તેથી કોઈ પશુ કે માણસ અચાનક ટ્રેક પર આવી જાય એ લગભગ અશક્ય હોય છે.
ભારતમાં તો લોકો ક્રોસિંગ ગેટ બંધ હોય ત્યારે પણ ટ્રેક પર આવી જતા હોય છે. તેથી ટ્રેનચાલકો માટે મુશ્કેલી સર્જાતી હોય છે.
નિતિન ચૌધરી માને છે કે ભારતીયોમાંની ઓછી શિસ્તબદ્ધતા એક મોટી સમસ્યા છે.
શિયાળામાં વિઝિબિલિટી મોટી સમસ્યા છે. તેને કારણે પ્રવાસીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે એ હકીકત સાથે નિતિન ચૌધરી સહમત છે.
આ પરિસ્થિતિમાં ભવિષ્યમાં વ્યાપક સુધારણા થવાની નિતિન ચૌધરીને આશા છે.
અલબત, અત્યારે જે ટેક્નોલોજિ છે, સુધારા કરવામાં આવી રહ્યા છે એ બધું પ્રાયોગિક ધોરણે ચાલે છે એ હકીકત પણ છે.
કાયમી વ્યવસ્થા અમલી નહીં બને ત્યાં સુધી સમસ્યાઓ જેમની તેમ રહેવાની છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












