Bhima-Koregaon : અસ્મિતા અને વિવાદનું કેન્દ્ર બનેલું એ સ્થળ ખરેખર છે શું?

ઇમેજ સ્રોત, HULTON ARCHIVE
- લેેખક, ભરત શર્મા
- પદ, બીબીસી સંવાદદાતા
મહારાષ્ટ્રમાં કોરેગાંવ-ભીમામાં શોર્યદિવસની ઉજવણીને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
મીડિયા અહેવાલ મુજબ મોટી સંખ્યામાં લોકો શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ઊમટી પડે એવી ધારણા છે.
કોરેગાંવ ભીમામાં જયસ્તંભ અને તેની આસપાસ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે 1 જાન્યુઆરી 2018માં થયેલી ઉજવણી વખતે હિંસા ભડકી હતી અને એ પછી આપવામાં આવેલા બંધના એલાનમાં પણ મહારાષ્ટ્રમાં તોડફોડ તથા હિંસાની ઘટનાઓ બની હતી.
કોરેગાંવ-ભીમા હિંસાનો કેસ હાલ અદાલતમાં ચાલી રહ્યો છે. જેમાં ગુજરાતના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સામે પણ ઉશ્કેરણીજનક ભાષણનો કેસ છે.
કોરેગાંવ ભીમાં હિંસામાં માઓવાદી કાવતરું હોવાનું પોલીસે કહેલું છે અને રિવૉલ્યૂશનરી રાઇટર્સ ઍસોસિયેશનના વરવરા રાવ સહિત નવની ધરપકડ થઈ હતી, જે હજી જેલમાં છે.
તોફાનો પછી શરૂઆતમાં, હિંદુ સંગઠનોના હોદ્દેદારો સંભાજી ભીડે અને મિલિંદ એકબોટે સામે હિંસા ભડકાવવાનો કેસ દાખલ થયો હતો.
મિલિંદ એકબોટેની પણ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને જામીન મળી ગયા હતા. સંભાજી ભીડે સામે કોઈ કાર્યવાહી હજી સુધી નથી કરાઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, MAYURESH KUNNUR/BBC
દલિત સમાજ ભીમા-કોરેગાંવમાં દર વર્ષે મોટી સંખ્યામાં એકત્ર થઈને એ દલિતોને શ્રદ્ધાંજલિ આપે છે જેમણે 1817માં પેશવાની સેના વિરુદ્ધ લડતા પોતાના પ્રાણોની આહુતિ આપી હતી.
એવું માનવામાં આવે છે કે બ્રિટિશ સેનામાં સામેલ દલિતો (મહારો)એ મરાઠાઓને નહીં, પણ બ્રાહ્મણો (પેશવા)ને હરાવ્યા હતા.
એ સમયે જીત પ્રાપ્ત કરનારી ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે જોડાયેલી ટુકડીમાં મોટા ભાગના લોકો મહાર સમુદાયના હતા, આથી દલિત નેતાઓ બ્રિટિશ સેનાની જીતની ઉજવણી દર વર્ષે કરે છે.
એ સમયે મહાર સમુદાયને અછૂત માનવામાં આવતા હતા. તેને કોરેગાંવની લડાઈ પણ કહેવામાં આવે છે.

શું હતી કોરેગાંવની લડાઈ?

ઇમેજ સ્રોત, ALASTAIR GRANT/AFP/GETTY IMAGES
જાણકારો કહે છે કે પેશવા બાજીરાવ દ્વિતીયની આગેવાનીમાં 28 હજાર મરાઠા સૈનિકો પૂણે પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા.
રસ્તામાં તેમને 800 સૈનિકોથી સજ્જ કંપની ફોર્સ મળી હતી, જે પૂણેમાં બ્રિટિશ સૈનિકોની તાકાતમાં વધારો કરવા માટે જઈ રહી હતી.
પેશવાએ કોરેગાંવમાં હાજર કંપની ફોર્સ પર હુમલો કરવા માટે પોતાના 2 હજાર સૈનિકો મોકલ્યા હતા.
કૅપ્ટન ફ્રાંસિસ સ્ટૉન્ટનની આગેવાનીમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની આ ટુકડીએ લગભગ 12 કલાક સુધી પોતાનું સ્થાન જાળવીને રાખ્યું હતું અને મરાઠાઓને સફળ થવા ન દીધા.
ત્યાર બાદ મરાઠાઓએ નિર્ણય બદલ્યો અને પગલાં પાછાં ખેંચી લીધાં.
કેમ કે તેમને એ વાતનો ડર હતો કે જનરલ જોસેફ સ્મિથની આગેવાનીમાં મોટી બ્રિટિશ ટુકડી ત્યાં પહોંચી જશે અને ત્યાર બાદ તેમને માટે યુદ્ધ અઘરું બની જશે.
આ ટુકડીમાં જે ભારતીય મૂળના સૈનિકો હતા, તેમાં મોટા ભાગના મહાર દલિત હતા અને તેઓ બૉમ્બે નેટિવ ફેક્ટરી સાથે સંબંધ ધરાવતા હતા.
દલિત આગેવાનો આ ઘટનાને ભારતના દલિત ઇતિહાસનો મહત્ત્વનો ભાગ માને છે.

મરાઠાઓને ટક્કર

ઇમેજ સ્રોત, BOOKS.GOOGLE.CO.UK
જેમ્સ ગ્રાન્ટ ડફે પોતાના પુસ્તક 'ધ હિસ્ટ્રી ઑફ ધ મરાઠાઝ'માં આ લડાઈનો ઉલ્લેખ કર્યો છે.
તેમાં લખ્યું છે કે આખી રાત ચાલ્યા બાદ નવા વર્ષની સવારે દસ કલાકે ભીમાના કિનારે પહોંચ્યા, જ્યાં તેમણે લગભગ 25 હજાર મરાઠાઓને રોકીને રાખ્યા હતા.
તેઓ નદી તરફ કૂચ કરતા રહ્યા અને પેશવાના સૈનિકોને લાગ્યું કે તેઓ નદી પાર કરવા માગે છે, પરંતુ તેમણે ગામની આસપાસના ભાગ પર કબજો જમાવ્યો, તેને પોસ્ટમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું.

ઇતિહાસમાં નોંધાયેલી ઘટના

ઇમેજ સ્રોત, BOOKS.GOOGLE.CO.UK
હેનરી ટી પ્રિંસેપના પુસ્તક 'હિસ્ટ્રી ઑફ ધ પૉલિટિકલ ઍન્ડ મિલિટરી ટ્રાઝેક્શન્સ ઇન ઇન્ડિયા'માં આ લડાઈમાં મહાર દલિતોથી સજ્જ અંગ્રેજ ટુકડીના સાહસનો ઉલ્લેખ મળે છે.
આ પુસ્તકમાં નોંધાયું છે કે કૅપ્ટન સ્ટૉન્ટનની આગેવાનીમાં જ્યારે આ ટુકડી પૂણે જઈ રહી હતી, તેના પર હુમલો થવાની આશંકા હતી.
ખુલ્લી જગ્યાએ ફસાવાના ડરથી બચવા માટે ટુકડીએ કોરેગાંવ પહોંચીને તેને પોતાના કિલ્લામાં પરિવર્તિત કરી દેવાનો નિર્ણય લીધો હતો.
જો આ ટુકડી ખુલ્લી જગ્યાએ ગઈ હોત તો મરાઠાઓના હાથોમાં ખરાબમાં ખરાબ રીતે ફસાઈ શકતી હતી.
અલગઅલગ ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર આ લડાઈમાં 834 કંપની સૈનિકોમાંથી 275નાં મૃત્યુ થયાં હતાં, ઘાયલ થયા હતા અથવા તો ગુમ થઈ ગયા હતા.
તેમાં બે અધિકારીઓનો પણ સમાવેશ થયો હતો. ઇન્ફન્ટ્રીનાં 50 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 105 લોકો ઘાયલ થયા હતા.
બ્રિટિશ ધારણાઓના આધારે પેશવાના 500-600 સૈનિકોનું આ લડાઈ દરમિયાન મૃત્યુ થયું હતું અથવા તો ઘાયલ થયા હતા.
ઇતિહાસકાર અને વિવેચક પ્રોફેસર ઋષિકેશ કામ્બલે કોરેંગાંવ ભીમાનો બીજો પક્ષ પણ જણાવે છે.
તેમને દાવો છે કે મહારોએ મરાઠાઓને નહીં પણ બ્રાહ્મણોને હરાવ્યા હતા.
બ્રાહ્મણોએ છૂત-અછૂતનો નિયમ જબરદસ્તી દલિતો પર થોપી દીધો હતો અને તેનાથી તેઓ નારાજ હતા.
જ્યારે મહારોએ બ્રાહ્મણોને એ અસ્પૃશ્યતા ખતમ કરવા કહ્યું તો તેઓ ન માન્યા અને એ જ કારણસર તેઓ બ્રિટિશ સેના સાથે ભળી ગયા હતા.

લડાઈ મરાઠાઓ વિરુદ્ધ નહોતી

ઇમેજ સ્રોત, Hulton Archive/Getty Images
બ્રિટિશ સૈનિકોએ મહારોને ટ્રેનિંગ આપી અને પેશવાઈ વિરુદ્ધ લડવાની પ્રેરણા આપી હતી.
મરાઠા શક્તિના નામ પર જે બ્રાહ્મણોની આગેવાની હતી એ લડાઈ ખરેખર તેમના વિરુદ્ધ હતી અને મહારોએ તેમને હરાવ્યા હતા.
આ લડાઈ મરાઠાઓ વિરુદ્ધ તો હતી જ નહીં.
કામ્બલે કહે છે કે મહારો અને મરાઠાઓ વિરુદ્ધ કોઈ મતભેદ કે ઝઘડો હતો, તેવું ઇતિહાસમાં ક્યાંય નથી. જો બ્રાહ્મણ છૂત-અછૂત ખતમ કરી દેતા તો એ લડાઈ કદાચ થઈ જ ન હોત.
એ અંતિમ પેશવા શક્તિ હતી અને બ્રિટિશ તેમને હરાવવા માગતા હતા. તે જ કારણસર બ્રિટિશ સેનાએ મહારોને પોતાની સાથે ભેળવી દીધા હતા અને પેશવારાજ ખતમ કરી દીધું હતું.

અસ્મિતાની લડાઈ

ઇમેજ સ્રોત, CLASSIC IMAGE ALAMY
જે ઇતિહાસકાર મહારો અને પેશવા સેના વચ્ચે થયેલા આ યુદ્ધને વિદેશી અંગ્રેજો વિરુદ્ધ ભારતીય શાસકોના યુદ્ધ તરીકે જુએ છે, તથ્યાત્મક રૂપે તેઓ ખોટા નથી.
પરંતુ જાણકારો માને છે કે મહારો માટે આ અંગ્રેજોની નહીં, પણ પોતાની અસ્મિતાની લડાઈ હતી.
વર્ણવ્યવસ્થાથી બહાર મનાતા અછૂતો સાથે જે વ્યવ્હાર પ્રાચીન ભારતમાં થતો હતો, તે વ્યવહાર પેશવા શાસકોએ મહારો સાથે કર્યો હતો.
ઇતિહાસકારોએ ઘણી જગ્યાએ વિવરણ આપ્યું છે કે નગરમાં પ્રવેશ કરતા સમયે મહારોએ પોતાની કમરમાં એક ઝાડુ બાંધીને ચાલવું પડતું હતું.
તેનાથી તેમના પ્રદૂષિત અને અપવિત્ર પગનાં નિશાન ઝાડુથી સાફ થતાં જાય.
તેમણે પોતાના ગળામાં વાસણ પણ લટકાવવા પડતા હતા જેથી તેઓ તેમાં થૂંકી શકે અને તેમના થૂંકથી કોઈ સવર્ણ પ્રદૂષિત અને અપવિત્ર ન થઈ જાય.
તેઓ સવર્ણોના કૂવા કે તળાવમાંથી પાણી લેવાનું વિચારી પણ શકતા નહોતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













