CAA : લોકો હિંસા કરશે, તો પોલીસ ગોળી ચલાવશે જ - અમિત શાહ

અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં થઈ રહેલાં પ્રદર્શનો પર પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહીનું સમર્થન કર્યું છે.

ટીવી ચેનલ એબીપી ન્યૂઝ સાથેના વિશેષ ઇન્ટરવ્યૂમાં અમિત શાહે કહ્યું, "જે લોકો સવાલ પૂછી રહ્યા છે એ લોકો જરા એક દિવસ માટે પોલીસની વરદી પહેરીને ઊભા રહી જાય."

"કોઈ એ નથી પૂછતું કે બસો કેમ સળગાવી દેવાઈ? ગાડીઓને આગ કેમ ચાંપવામાં આવી? લોકોને ઉતારી-ઉતારીને બસો સળગાવવામાં આવી. જ્યારે લોકો હિંસા કરશે ત્યારે પોલીસ ગોળી ચલાવશે જ."

અમિત શાહે કહ્યું કે પોલીસકર્મીઓએ પોતાનો જીવ પણ બચાવવાનો હોય છે. બસો ના સળગી હોત તો ડંડો પણ ના ચાલ્યો હોત.

ઘણાં રાજ્યોમાં થયેલી હિંસામાં પીપલ્સ ફ્રંટ ઑફ ઇન્ડિયા (પીએફઆઈ) પર લાગેલા આરોપો વિશે તેમણે કહ્યું કે આ કોઈ રાજનેતા નથી કહી રહ્યા, આ પોલીસનો રિપોર્ટ છે.

line

ભાજપશાસિત રાજ્યોમાં હિંસા કેમ થઈ?

અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images

આ પ્રશ્નના જવાબમાં અમિત શાહે કહ્યું, "મને એ કહો કે કૉંગ્રેસનું શાસન છે એ રાજ્યોમાં રમખાણો કેમ નથી થઈ રહ્યાં? આ સવાલ પણ પૂછવો જોઈએ ને."

"જનતા સમજી શકે છે કે હિંસા કોણ કરી રહ્યું છે. જ્યાં કૉંગ્રેસની સરકાર છે ત્યાં હિંસા કેમ નથી થઈ રહી?"

તેમણે કહ્યું, "ગેરસમજ ઊભી કરવામાં આવી કે સીએએથી લઘુમતીના લોકોની નાગરિકતા જતી રહેશે. વિપક્ષ કાયદામાં વાંચીને જણાવી દે કે નાગરિકતા લેવાની વાત ક્યાં કરી છે."

NRC, CAA અને NPRનું સમર્થન કરતા તેમણે કહ્યું કે જે લોકોને આ અંગે ભ્રમ છે અને સમજવા માગે છે, તેમની માટે તેમના ઘરના દરવાજા હંમેશાં ખુલ્લા છે.

તેમણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પડકારતા કહ્યું કે એક વખત તેઓ સાબિત કરી દે કે આ કાયદાથી ગરીબો અને મુસ્લિમોની નાગરિકતા જશે.

ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાયદો સંસદનાં બંને ગૃહોમાં પસાર થયો એ પછી તેના વિરોધમાં દેશભરમાં પ્રદર્શનો થયાં.

કેટલાંક પ્રદર્શનો દરમિયાન હિંસા પણ ફાટી નીકળી હતી.

ઉત્તર પ્રદેશમાં થયેલી હિંસામાં 19 લોકોનાં મૃત્યુ થયાં હતાં. વિરોધપ્રદર્શનો દરમિયાન પોલીસની કામગીરી પર પણ સવાલ ઊઠ્યા હતા.

જોકે અમિત શાહનું કહેવું છે કે જેઓ વિરોધપ્રદર્શનો કરી રહ્યા છે, તેઓ ગુમરાહ છે. આ મહદંશે રાજકીય વિરોધ છે.

line

અમિત શાહ શું-શું બોલ્યા?

  • કૉંગ્રેસે મુસલમાનોને રમખાણો અને વાયદાઓ જ આપ્યાં છે.
  • આર્થિક મંદી માત્ર દેશમાં જ નથી, દુનિયાભરમાં છે. જેની સામે સરકારે પગલાં પણ લીધાં છે.
  • કાશ્મીરમાં સ્થિતિ કંટ્રોલમાં છે. કાશ્મીરની એક ઇંચ જમીન પર પણ અત્યારે કર્ફ્યુ નથી.
  • બિહારમાં મુખ્ય મંત્રીનો ચહેરો નીતીશ કુમાર જ રહેશે અને અમે તેમના નેતૃત્વમાં જ સરકાર બનાવીશું.
  • ઝારખંડમાં થયેલા પરાજયની જવાબદારી મારી છે.
  • મહારાષ્ટ્રનાં પરિણામો ભાજપની તરફેણમાં હતાં. ઝારખંડનાં પરિણામો આત્મચિંતનનો વિષય છે. દેશ માટે વર્ષ 2019 સારું રહ્યું.
  • 9 ફેબ્રુઆરી પહેલાં રામમંદિર ટ્રસ્ટનું ગઠન થશે.
  • પશ્ચિમ બંગાળમાં બે તૃતીયાંશ બહુમત સાથે જીતીશું.
  • 2024માં પણ નરેન્દ્ર મોદી જ વડા પ્રધાન બનશે.
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો