હારેલા ખેલાડીઓને ઉત્તર કોરિયા કેવી સજા કરે છે?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, કેવિન પોન્નિયાહ
- પદ, બીબીસી ન્યૂઝ
ઉત્તર કોરિયામાં રાષ્ટ્રની ઇમેજને સર્વોપરી ગણવામાં આવે છે અને ત્યાંના કોઈ પણ ખેલાડી માટે ઓલિમ્પિક્સમાં ભાગ લેવાનું અઘરા કોયડા સમાન હોય છે.
ઓલિમ્પિક્સમાં ચંદ્રકો મેળવતા ઉત્તર કોરિયાના ખેલાડીઓનો ઉપયોગ દેશ અને નેતાઓના સન્માન સ્વરૂપે કરવામાં આવે છે.
અલબત, એક ખેલાડીની હાર વર્તમાન શાસનનો સમગ્ર દૃષ્ટિકોણ બદલવા માટે પૂરતી હોય છે.
જાપાન, અમેરિકા કે દક્ષિણ કોરિયા જેવા દુશ્મન દેશ સામે ઉત્તર કોરિયાનો ખેલાડી હારી જાય ત્યારે એ હાર વધુ દર્દનાક બની જતી હોય છે.
ફેબ્રુઆરીમાં વિન્ટર ઓલિમ્પિક્સ યોજાવાની છે અને હાલ સર્જાયેલી પરિસ્થિતિને કારણે ઉત્તર કોરિયા તેમાં ભાગ લે તેવી શક્યતા છે.
આ રમતોત્સવ વધારે રસપ્રદ બનવાનું કારણ એ પણ છે કે તેનું આયોજન દક્ષિણ કોરિયાના પ્યોંગયાંગ શહેરમાં થવાનું છે.
ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે યુદ્ધની સંભાવના છે. ઉત્તર કોરિયા આ રમતોત્સવમાં ભાગ લેશે તો બન્ને દેશો વચ્ચેના સંબંધમાં નરમાશ આવી શકે છે.
જોકે, આ રમતોત્સવ માટે ઉત્તર કોરિયાના માત્ર બે એથ્લીટ ક્વોલિફાઈ થઈ શક્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ક્યારથી ભાગ લે છે ઓલિમ્પિક્સમાં?

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર કોરિયા વિન્ટર ઓલિમ્પિક્સમાં 1964થી અને ગ્રીષ્મકાલીન ઓલિમ્પિક્સમાં 1972થી ભાગ લેતું રહ્યું છે.
ઉત્તર કોરિયાના એથ્લીટોએ કુલ 56 ચંદ્રકો મેળવ્યા છે, જેમાંથી 16 સુવર્ણચંદ્રક છે.
ગ્રીષ્મકાલીન ઓલિમ્પિક્સમાં ઉત્તર કોરિયાએ જેટલાં મેડલ્સ જીત્યાં છે તેની આર્થિક આધારે ગણતરી કરીએ તો એ સાતમા ક્રમે છે.
ઉત્તર કોરિયાએ મોટાભાગના મેડલ્સ કુસ્તી, વેઇટ લિફટિંગ, જૂડો અને બોક્સિંગમાં જીત્યા છે.
વિન્ટર ઓલિમ્પિક્સમાં ઉત્તર કોરિયા બે ચંદ્રકો જ જીત્યું છે.

હારનું પ્રસારણ ટેલિવિઝન પર નહીં
ઉત્તર કોરિયામાં ઓલિમ્પિક્સનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવતું નથી. કોઈ ગેમમાં ઉત્તર કોરિયાની હાર થાય ત્યારે તેનું પ્રસારણ કરવામાં આવતું નથી.
2014ની એશિયન ગેમ્સમાં ઉત્તર કોરિયાની પુરુષોની ફૂટબોલ ટીમ ફાઈનલમાં પહોંચી હતી અને તેની ટક્કર દક્ષિણ કોરિયા સામે થવાની હતી.
એ મેચ પહેલાં ઉત્તર કોરિયામાં પોતાની ટીમની જીતની આશાનો જોરદાર માહોલ તૈયાર કરવામાં આવ્યો હતો, પણ મેચ દક્ષિણ કોરિયાએ 1-0થી જીતી લીધી હતી.
ઉત્તર કોરિયાએ એ મેચના સમાચાર ક્યારેય પ્રસારિત કર્યા નથી અને ઈતિહાસમાંથી એ મેચને હંમેશ માટે ભૂંસી નાખી છે.
બીબીસી મોનિટરિંગના ઉત્તર કોરિયાના વિશ્લેષક એલિસ્ટર કોલમેને આ બાબતે કહ્યું હતું કે ''ઉત્તર કોરિયાના સામાન્ય લોકોથી માંડીને સત્તાવાર મીડિયા સુધીના કોઈને એ મેચમાં શું થયું હતું તેની ખબર નથી.''

ખેલાડી હારે તો શું થાય?

ઇમેજ સ્રોત, Reuters
વિજેતા ખેલાડીઓનું ઉત્તર કોરિયામાં જોરદાર સન્માન કરવામાં આવે છે. એ દેખીતું પણ છે.
ખેલાડીએ ઓલિમ્પિક્સમાં જીત મેળવી હોય તો તેને કાર અને ઘર સહિતનાં સંખ્યાબંધ ઈનામો આપવામાં આવે છે.
વિજેતાઓનું વિજય સરઘસ કાઢવામાં આવે છે.
સામાન્ય લોકોને જણાવવામાં આવે છે કે આ જીત ઉત્તર કોરિયાના ઉત્તમ શાસન અને તેના ગૌરવશાળી નેતાઓને કારણે મળી છે.
મોટો સવાલ એ છે કે ખેલાડી હારી જાય તો શું થાય છે?
હારેલા ખેલાડીને જેલમાં ગોંધવામાં આવતા હોવાની વાતો ઉત્તર કોરિયામાં સાંભળવા મળે છે, પણ એ વાતના કોઈ નક્કર પુરાવા મળતા નથી.
ઉત્તર કોરિયાની એક ન્યૂઝ વેબસાઈટ એનકે ન્યૂઝમાં વિશ્લેષક ફેદૂર ટેર્ટિટ્સકી કહે છે કે ''હાર સંબંધી દૃષ્ટિકોણ ઉત્તર કોરિયામાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં બદલાયો છે.''
''દેશના નેતાઓને હવે સમજાયું છે કે હારેલા દરેક ખેલાડીને કોન્સટ્રેશન કેમ્પમાં ગોંધી દઇશું તો દેશમાં ખેલાડીઓની તંગી સર્જાશે.''
1990માં બીજિંગમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ઉત્તર કોરિયાનો એક જૂડો ખેલાડી હારી ગયો હતો.
તેને કોલસાની ખાણમાં મજૂરી કરવા મોકલવામાં આવ્યો હોવાનું એ ખેલાડીએ ઘણા સમય પછી જણાવ્યું હતું.

રમતોત્સવનો બહિષ્કાર અને ધડાકા

ઇમેજ સ્રોત, Getty Images
અનેક ડાબેરી રાષ્ટ્રોની માફક ઉત્તર કોરિયાએ પણ 1984માં લોસ એન્જલસ ઓલિમ્પિક્સનો બહિષ્કાર કર્યો હતો.
અલબત, દક્ષિણ કોરિયા 1988ની ઓલિમ્પિક્સનું યજમાન બન્યું ત્યારે ઉત્તર કોરિયા વધારે ગુસ્સે થયું હતું.
ફેદૂર ટેર્ટિટ્સકીના જણાવ્યા અનુસાર, એ ઓલિમ્પિક્સનું આયોજન અન્ય કોઈ દેશમાં કરવામાં આવ્યું હોત તો ઉત્તર અને દક્ષિણ કોરિયા તેના સહિયારા યજમાન બન્યા હોત એવો પ્રચાર ઉત્તર કોરિયાએ ત્યારે જોરશોરથી કર્યો હતો.
પોતાના આ અભિયાનને સફળ બનાવવા માટે ઉત્તર કોરિયાએ અન્ય વિકલ્પો પણ અપનાવ્યા હતા.
ઉત્તર કોરિયાએ 1987માં કોરિયન એરલાઈન્સના એક પ્લેનમાં વિસ્ફોટ પણ કરાવ્યો હતો. એ દૂર્ઘટનામાં 115 લોકોનાં મોત થયાં હતાં.

આ વખતે વિન્ટર ઓલિમ્પિક્સમાં શું થશે?

ઇમેજ સ્રોત, BBC VIDEO GRAB
વિન્ટર ઓલિમ્પિક્સમાં ઉત્તર કોરિયા ભાગ લેશે તો આખા દેશને માત્ર બે ખેલાડીઓ પાસેથી ચંદ્રકની આશા હશે.
એ છે એક એથ્લીટ કપલ. તેમાં 25 વર્ષના કિમ જુ-સિક અને 18 વર્ષની રયોમ ટે-ઓકનો સમાવેશ થાય છે.
આ કપલ પાસેથી તેમના કેનેડિયન કોચને પણ ઘણી આશા છે.
કોચના જણાવ્યા અનુસાર, આ બન્ને એથ્લીટનું સપનું વિશ્વવિજેતા બનવાનું છે.
ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન આ વખતની વિન્ટર ઓલિમ્પિક્સમાં જોરદાર રસ શા માટે લઈ રહ્યા છે?
કેટલાક વિશ્લેષકો માને છે કે અણુ પરીક્ષણને કારણે દુનિયામાં ખરડાયેલી પોતાની ઇમેજ કિમ જોંગ ઉન આ રમતોત્સવ મારફત સુધારવા ઈચ્છે છે.
બીજી તરફ ઉત્તર કોરિયા આ રમતોત્સવમાં ભાગ લેવાનું હોવાથી દક્ષિણ કોરિયા રાહતનો શ્વાસ લેશે.
તેનું કારણ એ છે કે આ રમતોત્સવ દરમ્યાન પ્યોંગયાંગ તરફથી કોઈ હુમલાની ચિંતા દક્ષિણ કોરિયાએ નહીં કરવી પડે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












