રાજા પુરુને હરાવનાર સિકંદર કઈ રીતે બન્યો ‘મહાન સિકંદર’

પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ગ્રીસના સમ્રાટ સિકંદરને આખું વિશ્વ મહાન સિકંદર અથવા 'એલેક્ઝાન્ડર દ ગ્રેટ' કહે છે.

આપણે બધા સિકંદરને મહાન કહીએ છીએ કારણ કે સિકંદરે બહુ નાની વયે યુરોપથી એશિયા સુધી પોતાની સત્તા સ્થાપી હતી.

માંડ 32 વર્ષની વયે મરતાં પહેલાં સિકંદરે ગ્રીસના જૂના દુશ્મન રાજા પુરુને પોતાની સેના સામે ઝુકવા માટે મજબૂર કરી દીધા હતા.

માનવ સભ્યતાઓનું કેન્દ્ર રહી ચૂકેલા મધ્ય-પૂર્વના દેશો એટલે કે આજના તમામ અરબ દેશો પર તેમણે પોતાનું શાસન જમાવ્યું હતું.

મહાન સિકંદરની સફળતા પાછળ તેમના ગુરુ એરિસ્ટોટલે આપેલા શિક્ષણનો ફાળો હતો.

line

એરિસ્ટોટલ સિકંદરના શિક્ષક હતા

સિકંદર

ઇમેજ સ્રોત, ALAMY

શું તમને ખબર છે કે એરિસ્ટોટલે સિકંદરને શું ભણાવ્યું હતું?

એરિસ્ટોટલે સિકંદરને એક વાર્તા કહી હતી અને આ વાર્તા કલ્પના અને વાસ્તવિકતાનું મિશ્રણ હતું.

એ વાર્તા ટ્રૉયના યુદ્ધની હતી, જે અંગે ગ્રીક કવિ હોમરે તેમના મહાકાવ્ય 'ઇલિયડ'માં લખ્યું છે.

આ વાર્તા તમામ માનવીય સંવેદનાઓનો નિચોડ છે. વાર્તામાં પ્રેમ અને નફરત છે, વાર્તામાં વીરરસ છે અને દૈવી ચમત્કારો પણ વર્ણવ્યા છે.

ઇલિયડ એક એવું મહાકાવ્ય હતું કે જેણે સિકંદરમાં જીતવાનો જુસ્સો ભરી દીધો. ટ્રૉયના યુદ્ધથી સિકંદરને ગ્રીક રાજાઓની એક્તા અને યુદ્ધની રણનીતિની શીખ મળી હતી.

line

એ વાર્તા જેણે સિકંદરને મહાન બનાવ્યા

એરિસ્ટોટલ

ઇમેજ સ્રોત, ALAMY

વાર્તાનો માનવીય સભ્યતા સાથે સંબંધ રહ્યો છે. પૂર્વથી પશ્ચિમ સુધી, ઉત્તરથી દક્ષિણ સુધી, વિશ્વભરમાં માનવીય સભ્યતાના દરેક તબક્કામાં વાર્તાકથનનું મહત્ત્વપૂર્ણ સ્થાન રહેલું છે.

બાળપણમાં આપણે બધાંએ દાદી કે નાની પાસે વાર્તાઓ સાંભળી હશે. રાજા-રાણીની વાર્તાઓ, સાત બહેનોની વાર્તા, અલી બાબા અને ચાલીસ ચોરની વાર્તા, પંચતંત્રની વાર્તાઓ, વગેરે.

દરેક વાર્તાના અંતે એક શીખામણ આપવામાં આવે છે. સાથે-સાથે શબ્દોની મદદથી એ સમયનું કલ્પનાચિત્ર ઊભું કરાતું, જેના દ્વારા બાળકોને એ સમયના સામાજિક રીતરિવાજોનો ખ્યાલ આવી શકે.

વાર્તા કહેવા અને લખવાની પરંપરા રહી છે. અરબ દેશોમાં અલિફ-લૈલા લખાઈ છે, તો ભારતમાં પંચતંત્રની વાર્તાઓ, મહાભારત અને રામાયણ જેવાં મહાકાવ્યો લખાયાં છે.

વાર્તાઓની કદર ફક્ત પુસ્તકોમાં જ નથી, વાસ્તવિક જીવનમાં પણ છે.

એરિસ્ટોટલ પોતે જ કહેતા કે સાહિત્ય અને વાર્તાઓ માણસના મનોરંજન માત્ર માટે નથી, કાયદા-કાનૂનના ઘડતરમાં અને માનવતા શીખવવામાં પણ મહત્ત્વની ભૂમિકા છે.

એના સિવાય ગઝલો, કવિતા, દોહા, છંદ માનવ સંવેદનાઓ વ્યક્ત કરે છે. આ તમામની ભૂમિકા માણસને માણસ બનાવવામાં પણ રહેલી છે.

line

ચીનમાં સરકારી અધિકારીઓ કવિતા કરતા હતા

જાપાનની મહિલા

ઇમેજ સ્રોત, ALAMY

વિશ્વભરમાં રાજા મહારાજાઓની હાર-જીતની વાર્તાઓ લખવાથી સાહિત્ય રચાવાની શરૂઆત નથી થઈ.

ઘણી જગ્યાઓએ સાહિત્યની શરૂઆત કવિતાઓથી પણ થઈ છે. ચીનમાં સાહિત્ય લખવાની શરૂઆત નઝ્મ લખવાથી થઈ હતી.

અહીં કવિતાઓ લખવાનું કામ ખાલી શાયરો જ નહોતા કરતા, સત્તામાં મોટા હોદ્દાઓ પર બેઠેલા અધિકારીઓએ પણ કવિતા લખવાની પરીક્ષામાંથી પસાર થવું પડતું હતું.

ચીનમાં તમામ મોટા અધિકારીઓ માટે કવિતા કહેવી અને તેની સુક્ષ્મતા સમજવી જરૂરી મનાતું હતું.

પૂર્વ એશિયાનાં ગીતો અને કવિતાઓનું સંપાદન એ અહીંના સાહિત્યનો મહત્ત્વનો ભાગ છે.

ચીનથી પ્રભાવિત થઈને જ જાપાનમાં પણ કવિતાના સ્વરૂપને સ્વીકારવામાં આવ્યું. પહેલાંના સમયમાં જાપાનમાં મહિલાઓને ચીનનું સાહિત્ય વાંચવાની પરવાનગી નહોતી.

પણ કહેવાય છે ને કે 'મન હોય તો માળવે જવાય.' પ્રતિબંધ હોવા છતાં જાપાની સાહિત્યની દુનિયાને નવલકથાના સ્વરૂપે એક પુરસ્કાર 'દ ટેલ ઑફ ગેંજી' મળ્યું. જે એક મહિલા લેખિકા મુરાસાકી શિકિબૂએ લખી હતી.

line

જાપાની મહિલાએ નવલકથા લખી

કાગળની શોધ

ઇમેજ સ્રોત, ALAMY

આ મહિલા તેમના ભાઈને વાંચતા જોઈને લખતાં શીખ્યાં હતાં. પછી તેમને આશરે હજાર પૃષ્ઠોનું 'માસ્ટર પીસ' તૈયાર કર્યું.

પોતાની નવલકથાને ઉત્તમ કોટીનું સાહિત્ય બનાવવા માટે તેમણે આશરે 800 કવિતાઓ નવલકથામાં ઉમેરી હતી.

સાહિત્ય અથવા વાર્તાઓના જગતમાં ક્રાંતિ લાવવાનો શ્રેય અરબ દેશોના ફાળે જાય છે.

જેમણે ચીન પાસેથી કાગળ બનાવવાની કળા શીખી અને કાગળ બનાવવાના ઉદ્યોગને ખૂબ જ સફળ ઉદ્યોગ તરીકે આગળ વધાર્યો હતો.

કાગળની શોધ પહેલાં વાર્તાકથનની મૌખિક પરંપરા હતી, જે પેઢીઓ સુધી વારસા સ્વરૂપે આગળ વધતી હતી.

માણસે લખવાની શરૂઆત ઝાડની છાલ પર લખવાથી કરી હતી. પથ્થરો પર પણ કંડાર્યું.

કાગળની શોધ સાથે સમગ્ર પરિસ્થિતિ જ બદલાઈ ગઈ. અરબી દેશોમાં પણ અલિફ-લૈલાની વાર્તાઓ આ રીતે જ એકઠી કરવામાં આવી.

વાર્તાઓ હોય, કવિતા હોય કે પછી મહાકાવ્ય આ તમામ માનવતાના ઇતિહાસનો અતૂટ ભાગ છે.

સ્વર્ગ અને નર્કનો ધાર્મિક સંદર્ભ છે. પણ ઇટાલિયન કવિ દાંતેએ આ સંદર્ભને સુંદર રીતે 'ડિવાઇન કૉમેડી'માં લખ્યો છે.

કાગળની શોધે સાહિત્યના વિકાસમાં મદદ કરી. પ્રિન્ટિંગની શોધે સાહિત્યને ઘર-ઘર સુધી પહોંચાડ્યું. પ્રિન્ટિંગની શોધ બાદ નવલકથા લખવાનું ચલણ વધતું ગયું.

મહિલાઓ માટે મોટી સંખ્યામાં નવલકથાઓ લખવા લાગી હતી.

નવા વિકસતા દેશોએ પોતાની સ્વતંત્રતા માટે આધુનિક નવલકથાનો ખૂબ ઉપયોગ કર્યો. રાજકીય આઝાદી માટે સાંસ્કૃતિક આઝાદી મેળવવી બહુ જરૂરી છે અને નવલકથાઓ તેની છૂટ આપે છે.

line

સાહિત્ય પર ઇન્ટરનેટ યુગની અસર

ઇ પુસ્તકો

ઇમેજ સ્રોત, Getty Images

જેમજેમ ટેક્નોલોજીનો વિકાસ થયો, સાહિત્યની પહોંચ પણ લોકો સુધી વધતી ગઈ.

શિક્ષણના વધી રહેલા સ્તરે પણ તેમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.

વાંચનારો વર્ગ જેમ-જેમ વધતો ગયો તેમ-તેમ વાર્તાઓ લખનાર વર્ગ પણ વધવા લાગ્યો. આજે જાત-ભાતની વાર્તાઓ લખાય અને વંચાય છે.

આજે આપણે ઇન્ટરનેટના યુગમાં છીએ. એક ક્લિક પર આખા વિશ્વનું સાહિત્ય આપણે જોઈ અને વાંચી શકીએ છીએ.

જોકે દરેક વસ્તુ ઓનલાઇન મળી જતી હોવાથી, પુસ્તકના છાપકામ પર ખરાબ અસર થઈ છે, પણ તેનાથી વાર્તા કહેવા અને સાંભળવાના શોખ પર કોઈ અસર થઈ નથી.

ભલેને પુસ્તકો હાથમાં લઈને કોઈ ન વાંચે. પણ દરેકના હાથમાં ગેઝેટ છે, જેના પર જે ઇચ્છે તે વાંચી શકે છે.

એવું પણ કહી શકાય કે ડિજિટલ વિશ્વમાં આપણે સાહિત્ય લખવાની એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ.

યુગ ભલે બદલાઈ ગયો હોય, ભલે સત્તાઓ પણ બદલાઈ ગઈ હોય, પણ વાર્તા કહેવા-સાંભળવાની પરંપરા ચાલુ જ છે. સૌના મન પર વાર્તાઓનું રાજ યથાવત છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો