હું જેવી છું એ સ્વરૂપમાં લોકો મને શા માટે સ્વીકારતા નથી?

પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Alamy

આપણું વજન વધારે પડતું હોય ત્યારે ખુદના શરીર બાબતે અત્યંત સારી લાગણી અનુભવવાનું આસાન નથી હોતું.

કેટલાક લોકો શરીરમાં રહેલી ફેટ એટલે કે ચરબીને હકારાત્મક બાબત ગણે છે, મેલિસા માને છે કે તે સ્થૂળકાય ન હોત તો સારું હતું.

મેલિસા કહે છે, હું ઓફિસમાં પ્રેઝન્ટેશન રજૂ કરવા ઊભી થાઉં છું ત્યારે લોકો મારા શરીરને પહેલાં જુએ છે એ હું જાણું છું. મારું શરીર દેખીતી રીતે હાથી જેવું છે.

હું એવું કહીને મારી વાતની શરૂઆત કરું છું કે "યુ નો, મારું કામ એટલું બધું સ્ટ્રેસફૂલ છે કે એક સપ્તાહ પહેલાં મેં શરૂ કર્યું ત્યારે મારી સાઈઝ 12 હતી અને હવે જુઓ, તેમાં કેટલો વધારો થયો છે."

હું એવું શા માટે કરું છું? હું મારી જાત પ્રત્યે અણગમો શા માટે વ્યક્ત કરું છું? મારી સ્થૂળતાનો મારે જાહેરમાં સ્વીકાર કરવો જોઈએ એવું હું શા માટે માનું છું? કારણ કે હું એક મજબૂત, સ્થૂળકાય સ્ત્રી છું.

તમે આ વાંચ્યું કે નહીં?

ફેટ શબ્દ જાણે કે મારા માટે જ બન્યો છે. મારો દેહ ઘાટીલો છે એમ કહીને હું મસ્ત ડ્રેસ પહેરી નહીં શકું. હું સ્થૂળકાય છું એ હકીકતનો સ્વીકાર કર્યા વિના છૂટકો નથી.

મારા કાંડાંને બાદ કરતાં શરીરનો એકેય હિસ્સો પાતળો નથી. મારો ચહેરો તો એક મોટા વર્તુળ જેવો છે. 46એફ સાઈઝનાં મારાં સ્તન મારાં પેટને હૂંફાળુ રાખે છે. ખરેખર તો મારાં અનેક પેટ છે.

line

આળસુ, એદી, બિનકાર્યક્ષમ અને મૂર્ખ?

પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

મારા જેવા લોકો માટે સમાજ આગવો અભિપ્રાય ધરાવે છે. સમાજ માને છે કે મારા જેવા લોકો ચીતરી ચડે તેવા, આળસુ, એદી, બિનકાર્યક્ષમ અને મૂર્ખ હોય છે.

અમારા જેવા લોકો અન્યોની નજરમાંથી બચી શકતા જ નથી. લોકો તમને ઉપરથી નીચે સુધી બારીક નજરે જોતા રહે છે. તેથી મને એવું લાગે છે કે તેઓ મને તૂચ્છ ગણે છે, મારી હાંસી ઉડાવે છે.

જોકે, કેટલાક લોકો મારા શારીરિક સ્વરૂપનો સ્વીકાર કરે છે અને મારી સ્થૂળતાને વખાણે છે.

તેનાથી હું મારી જાત માટે માત્ર ધિક્કારની લાગણી અનુભવું છું. એ વાતની પીડા પણ થાય છે કે સ્થૂળતા મારી સાથે જ રહેશે.

આસાન નથી, પણ હું ખુદને ફેટ વ્યક્તિ તરીકે જ ઓળખાવું છું. સમાજમાંના મારા સ્થાનને વાજબી ઠરાવવા જાણીજોઈને હું કેટલાંક કામ કરું છું કે કેમ એવો વિચાર આવે છે.

મારું વર્તન સારું હોય છે અને હું સેવાના કામ પણ કરું છું. મને ગૂડ મેનેજર, ગૂડ ફ્રેન્ડ અને સુશીલ દીકરી એવાં વિશેષણ જ મળ્યાં છે.

એક રીતે હું સદનસીબ છું, કારણ કે હું ટિપિકલ સ્થૂળકાય સ્ત્રી છું. બધી ફેટ સ્ત્રીઓની માફક હું પણ રમૂજી તથા સ્વતંત્ર છું અને મારા બહુ બધા મિત્રો છે.

એક અશ્વેત મહિલા હોવાને કારણે મારું સ્થૂળકાય હોવું વધારે સ્વીકાર્ય છે.

મેલિસા તું આટલી બધી જાડી કઈ રીતે થઈ શકે એવું લોકો મને જોઈને શા માટે વિચારતા હોય છે એ હું સમજી શકું છું.

આ સવાલનો આસાન જવાબ છેઃ જાત પરના અંકુશ, આત્મવિશ્વાસ અને પ્રેમનો અભાવ.

line

સ્વાદિષ્ટ ભોજનનો શોખ

પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

મારા દોસ્તો કહે છે કે હું જાતને જરાય ભૂખી રાખતી નથી. મારા કિચનના કબાટ સ્વાદિષ્ટ વાનગીઓથી ભરેલા હોય છે. જાતજાતનાં અથાણાં હોય છે.

મારી પાસે ઉત્તમ શેમ્પેનની અનેક બોટલો છે, રસીલાં વ્યંજનો અને તેજાના છે.

હું પાતળી હોત તો લોકો મને સ્વાદિષ્ટ ભોજનની શોખીન ગણતા હોત કારણ કે સ્વાદિષ્ટ ભોજન મારો શોખ છે.

તેની સાથે સ્વાદિષ્ટ વાનગીઓ ખલાસ થઈ જશે તેવી ચિંતા પણ મને સતત થાય છે.

તેથી મારી ઓફિસમાં પણ બીયર, વાઇન, સાઇડર, પોરિજ, સ્નેક બાર્સ, ચિપ્સ અને રસીલાં વ્યંજનો સંઘરી રાખું છું.

એ શરમજનક બાબત છે. મને લાગે છે કે હું સંઘરાખોર છું.

હું સુપરમાર્કેટમાં જાઉં છું ત્યારે વિચારું છું કે આ બધું ફૂડ મારા સિવાય બીજા કોના માટે ખરીદું છું.

મારે ખુદને યાદ કરાવતા રહેવું પડે છે કે હું ચાર જણના પરિવાર માટે નહીં, પણ માત્ર મારા માટે ખરીદી કરી રહી છું.

વિશ્વમાં બીજી કોઈ ચીજને બદલે ફૂડ વધુ શાંતિ આપે છે, જે એક રીતે ખરાબ બાબત છે. ફૂડ સાથે આવો સંબંધ તો કદાચ કોઈને નહીં હોય.

મારે કારમાં રોજ સરેરાશ બેથી ત્રણ કલાક પ્રવાસ કરવો પડે છે. ઓફિસે પહોંચવા હું કારમાં બેસું છું, બહાર આવું છું અને ઓફિસમાં જઈને આખો દિવસ બેસીને કામ કરું છું.

હું રોજ કેટલાં ડગલાં ચાલું છું એ વિચારતાં મને જાત પ્રત્યે ધિક્કારની લાગણી થાય છે, કારણ કે હું રોજ 100 કરતાં પણ ઓછાં ડગલાં ચાલું છું.

મેં લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે "હું ખાઈ-ખાઈને મારી કબર જાતે ખોદી રહી છું."

line

"વજન ઓછું કર"

પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

પહેલાં હું સ્વીમિંગ કરતી હતી, પણ હવે નથી કરતી. નાની હતી ત્યારે પાતળી હતી.

એ મારી ટીનેજનો સમય હતો. એ વખતે ભોજન સાથે વેર હતું. મારી મમ્મી સ્થૂળકાય હતી અને હું તથા મારી બે બહેનો સ્થૂળકાય ન થઈએ એવું ઇચ્છતી હતી.

પરિવારજનો, દોસ્તો, સાથી કર્મચારીઓ અને ડોક્ટરો મને સતત કહેતા રહે છે કે "વજન ઓછું કર, વજન ઓછું કર."

વજન ઘટાડવામાં કોઈ મોટી ધાડ મારવાની નથી એ હું જાણું છું. ઓછી કેલેરીવાળો ખોરાક લેવાનો અને વધારાની કેલેરીનો કસરત વડે નિકાલ કરવાનો.

અલબત, કસરત માટે મહેનત કરવી પડે. એ માટે જાતને પ્રોત્સાહિત કરવી પડે અને સમજાવવી પડે.

ઘણીવાર મને એવું લાગે છે કે હું એ કરી શકું છું અને ઘણીવાર એવું લાગે છે કે હું એવું નહીં કરી શકું. મારે ઇમાનદાર બનવું જોઈએ.

સવાલ એ પણ થાય છે કે હું જેવી છું એવા સ્વરૂપમાં જ લોકો મને શા માટે નથી સ્વીકારતા?

લોકો મને સતત જજ કરતા રહે છે. હું માનું છું કે એ ભય છે. લોકોનો ભય તેમના મારા વિશેના અભિપ્રાયમાં પ્રતિબિંબિત થતો હશે, કારણ કે તેમનું શરીર પણ મારા જેવું થઈ શકે છે.

લોકો તેમની જાતને એવું કહેતા હોય છે કે તેમનો જાત પર કાબુ છે અને તેઓ બુદ્ધિશાળી છે. તેથી તેમના શરીરનું કદ મારા શરીર જેટલું ક્યારેય નહીં થાય.

યાદ રાખજો કે એક સમયે હું પણ એ લોકો જેવી હતી. તેઓ મારા જેવા થઈ શકે છે.

line

ક્યારેક ઢાલ, ક્યારેક આવરણ

પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

ક્યારેક મને એવું લાગે છે કે સ્થૂળતા એ જ સુંદરતા છે. એવા સમયે હું અરીસામાં જાતને જોઉં છું અને વિચારું છું કે હું બહુ સુંદર દેખાઉં છું.

મારું વજન મારી શક્તિ પણ બની શકે છે. તેનાથી મજબૂત હોવાની લાગણી અનુભવાય છે. તેથી કોઈની ફાલતુ વાતોની પરવા હું કરતી નથી.

કેટલાક દિવસોમાં હું મારી સ્થૂળતાનો ઉપયોગ ઢાલ તરીકે અને ક્યારેક આવરણ તરીકે કરું છું.

મારી દુનિયા વિરોધાભાસોથી ભરેલી છે, પણ હું તેના માટે કોઈને દોષ આપતી નથી. મારી આ હાલત માટે માત્ર હું જ જવાબદાર છું. અલબત, હું મારા શારીરિક કદને સ્વીકારતી નથી. એ મને ગમતું નથી.

હું મારા શારીરિક કદનો સ્વીકાર કરી લઈશ તો તેનો અર્થ એ થશે કે હું હારી ગઈ છું અને હું હારવાની નથી.

હું કોઈની સહાનુભૂતિ ઇચ્છતી નથી. સ્થૂળકાય હોવા બાબતે હું શું માનું છું એ લોકોને ઇમાનદારીપૂર્વક જણાવી શકું તો સ્થૂળતા ઘટાડવાની દિશામાં કંઈક કરી શકીશ. હું તેનો પ્લાન બનાવી રહી છું.

હું નોર્મલ બનવા નથી ઇચ્છતી, કારણ નોર્મલ હોવું બહુ બોરિંગ હોય છે.

(મેલિસાએ વૂમન્સ અવર કાર્યક્રમ માટે એના મિલર સાથે વાત કરી હતી.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો