અમદાવાદ: માત્ર 10 દિવસના છોકરાને એક કિન્નરે દત્તક લીધો પછી શું થયું?

ઇમેજ સ્રોત, DILEEP THAKAR
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
જન્મતાંની સાથે જ અપશુકનિયાળ ગણી લેવાયેલા એક છોકરાને અનાથ આશ્રમમાં મૂકવામાં આવે એ પહેલાં દત્તક લઈને તેનો નમુનેદાર ઉછેર કરનાર એક કિન્નરની આ પ્રેરણાદાયક કથા છે.
અમદાવાદ નજીકના વીરમગામ તાલુકાના નાનકડા કરચોલિયા ગામમાં એ છોકરાના જન્મ સાથે જ તેની માતાનું મૃત્યુ થયું હતું.
તેના અભણ ખેડૂત પિતા એવું માનવા લાગ્યા હતા કે છોકરો પરિવારનું પહેલું સંતાન ભલે હોય, પણ અપશુકનિયાળ છે, કારણ કે એ જન્મતાંની સાથે જ તેની માતાને ભરખી ગયો છે.
પરિવાર એવું વિચારવા લાગ્યો હતો કે છોકરાને અનાથ આશ્રમમાં મૂકી દેવો અને તેના પિતાનાં બીજા લગ્ન કરાવવાં, જેથી જુવાન પુરુષની જિંદગી આસાન બને અને 'અપશુકનિયાળ' દીકરાથી છૂટકારો મળે.
આ કિસ્સો ગામમાં ચર્ચાના ચગડોળે ચડ્યો હતો ત્યારે અમદાવાદના નરોડામાં રહેતા મનુમાસી નામના કિન્નરને કચોલિયા નજીકના વિસ્તારમાં જવાનું થયું હતું.
16 વર્ષ પહેલાં પરિવાર છોડીને કિન્નર બનેલાં મનુમાસી કરચોલિયામાં ગયાં ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે એમની દૂરની ભત્રીજી દીકરાને જન્મ આપીને ગૂજરી ગઈ છે અને પાંચ દિવસના છોકરાને તેના પિતા અનાથ આશ્રમમાં મૂકવાના છે.
માસૂમ બાળકને અનાથ આશ્રમમાં મૂકવાની વાત સાંભળીને મનુમાસીના હૃદયમાં પારાવાર પીડા થઈ હતી અને તેમણે એ બાળકને દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો.
મનુમાસીએ દરખાસ્ત મૂકી. ગામલોકો સહમત થયાં. પોલીસ તથા સરકારી કચેરીના જરૂરી કાગળિયા થયાં અને મનુમાસીએ દસ દિવસના એ છોકરાને દત્તક લઈ લીધો. તેનું નામ રાખ્યું ગોપાલ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

તમે આ વાંચ્યું કે નહીં?

બાળકનો ઉછેર કેમ કરવો?

ઇમેજ સ્રોત, DILEEP THAKAR
એ પછી શું થયું હતું એ મનુમાસીના શબ્દોમાં જ સાંભળો.
બીબીસી સાથે વાત કરતાં મનુમાસી કહે છે, "હું એ છોકરાની સગી મા નથી. હું જસોદા બનીને તેની જિંદગીમાં આવી હતી એટલે તેનું નામ ગોપાલ રાખ્યું હતું."
"કિન્નર હોવાને કારણે મને એ ખબર ન હતી કે બાળકનો ઉછેર કેમ કરવો, પણ એ ધીમે ધીમે સમજાવા લાગ્યું હતું."
"બીજી બાજુ કિન્નર સમાજે મને ગુરુ બનાવી હતી. મારી સાથે 80 ચેલા છે. લગ્ન કે કોઈ અન્ય પ્રસંગે લોકોના ઘરે જઈને વધાઈ માગવાનું ગોપાલના ઉછેર માટે મેં બંધ કર્યું હતું. હું ગોપાલને લઈને ક્યારેય બહાર ગઈ નથી."
ગોપાલના પ્રારંભિક ઉછેરની વાત કરતાં મનુમાસી કહે છે, "શરૂઆતમાં તકલીફ પડી, પણ પછી આદત પડી ગઈ હતી. ગોપાલ મારા ચેલાઓનો લાડકો થઈ ગયો અને ચાર વર્ષનો ક્યારે થઈ ગયો એ ખબર પણ ન પડી."



ઇમેજ સ્રોત, DILEEP THAKAR
તેઓ કહે છે, "2008માં ગોપાલને સ્કૂલમાં દાખલ કરાવ્યો હતો અને પિતાના નામની જગ્યાએ મારું નામ લખાવ્યું હતું."
"સ્કૂલમાં અન્ય બાળકોને લેવા તેમના પિતા આવતા હતા. તેથી ગોપાલે મને એક દિવસ પૂછ્યું હતું કે મા, મારા બાપુ કોણ છે?"
આ સવાલનો જવાબ આપવાનું મનુમાસી માટે મુશ્કેલ હતું, પણ ગોપાલ એ સવાલ સતત પૂછતો રહ્યો હતો અને તેણે તેના પિતાને મળવાની જીદ પકડી હતી.
ગોપાલની એ જીદ સંતોષવા જતાં થયેલા અનુભવની વાત કરતાં મનુમાસી કહે છે, "અમે ટેક્સી કરીને કરચોલિયા ગયાં ત્યારે ગોપાલના પિતાએ બીજાં લગ્ન કરી લીધાં હતાં."
"અમને જોતાંની સાથે જ તેમણે ધુત્કારી કાઢ્યાં હતાં અને કહ્યું હતું કે આ અપશુકનિયાળને લઈને ફરી અહીં આવશો નહીં. ત્યારબાદ ક્યારેય મેં ગામમાં પગ મૂક્યો નથી."


સલામત ભવિષ્યની તૈયારી

ઇમેજ સ્રોત, DILEEP THAKAR
મનુમાસી અને એમના સાથીઓ ગોપાલના વ્યક્તિત્વને ઉત્તમ રીતે ખિલવવા ઇચ્છે છે.
કોઈ ગોપાલને પોલીસ ઓફિસર તો કોઈ એન્જિનિયર તો કોઈ તેને બિઝનેસમેન બનાવવા ઇચ્છે છે.
જોકે, હવે 14 વર્ષના થયેલા ગોપાલનો ઇરાદો અલગ છે.
બીબીસી સાથે વાત કરતાં ગોપાલ કહે છે, "હું મોટો થઈને ડોક્ટર બનીશ. હું જોઉં છું કે દર્દીઓની સારવાર માટે પૂરતા ડોક્ટરો નથી. સારવાર કરાવવામાં ગરીબો લૂંટાય છે. તેથી હું ડોક્ટર બનીને તેમની સેવા કરીશ."
ગોપાલના સલામત ભવિષ્યની તૈયારી હવે 50 વર્ષનાં થયેલાં મનુમાસી કરી રહ્યાં છે.
મનુમાસી કહે છે, "ગોપાલને જે બનવું હશે તે બનાવીશ. તેના ભણતર, લગ્ન અને નવા ઘર માટે અત્યારથી પૈસા બચાવીએ છીએ. ગોપાલને બિઝનેસ કરવો હોય તો તેની વ્યવસ્થા પણ થશે."
મનુમાસીની આ વાત સાંભળીને તેને હેતથી વળગી પડેલો ગોપાલ કહે છે, "મા, તને છોડીને ક્યાંય નહીં જાઉં. લગ્ન પછી પણ તને સાથે રાખીશ. છોકરી તને સાથે રાખવાની ના પાડશે તો આજીવન લગ્ન નહીં કરું."
ગોપાલની આ વાત સાંભળીને ગળગળાં થઈ ગયેલાં મનુમાસી કહે છે, "ગોપાલ પરણવા જેવડો થશે ત્યારે હું હોઈશ કે નહીં એની ખબર નથી, પણ તેના સલામત ભવિષ્યની પૂરતી વ્યવસ્થા કરી છે."
"હું નહીં હોઉં તો મારા સાથીઓ ગોપાલને સાચવશે તેની મને ખાતરી છે."
ગોપાલ કહે છે, "માથી અલગ થવાનો સવાલ જ નથી. માનું નામ રોશન કરવા માટે ભણવામાં હું બહુ મહેનત કરું છું."
"અત્યારે નવમા ધોરણમાં છું. દસમા ધોરણમાં બોર્ડમાં નંબર લાવીને મારી માના ફોટા છાપામાં છપાવીશ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















