કોચ આચરેકરેની એક થપ્પડે સચિન તેંડુલકરને બદલી નાખ્યા

ઇમેજ સ્રોત, Sachin Tendulkar
- લેેખક, પ્રદીપ કુમાર
- પદ, બીબીસી સંવાદદાતા
સચિન તેંડુલકરે જ્યારે 2013માં ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો ત્યારે તેણે પોતાના સંબોધનમાં કોચ રમાકાંત આચરેકરને આ રીતે યાદ કરેલા :
"11 વર્ષનો હતો ત્યારે મેં કારકિર્દીની શરૂઆત કરેલી. હું આચરેકર સરને સ્ટેન્ડમાં જોઈને બહુ ખુશ છું."
"હું તેમના સ્કૂટર પર બેસીને દિવસમાં બે મૅચ રમવા જતો હતો. સર મને સ્કૂટર પર લઈને જતા જેથી હું મૅચ મિસ કરું નહીં."
"આજે હવે થોડો સારો માહોલ બન્યો છે તો હું કહીશ કે સરે મને ક્યારેય નથી કીધું વેલ પ્લેય્ડ."
"કારણ કે હું થોડો પણ લાપરવાહ થઈ જવું એવું તેઓ ઇચ્છતા નહોતા. પણ સર, હવે તમે એવું કહી શકો છો, કારણ કે હવે હું ક્રિકેટ નથી રમતો."
200 ટેસ્ટ અને 463 વન ડેમાં લગભગ 35 હજાર રન અને 100 સદી કરનાર આ ખેલાડીની આ વાતથી તમે કલ્પના કરી શકો છો કે રમાકાંત આચરેકર કેવી વ્યક્તિ હશે.
આ કલ્પના કરતાં પહેલાં રમાકાંત આચરેકર ત્યારે શું કરતા હતા એ પણ જાણી લેવું જોઈએ.
ત્યારે રમાકાંત આચરેકર બીમાર હતા અને કેટલાંક વર્ષોથી ટીવી પર પણ મૅચ જોઈ શકતા નહોતા. એ ટીવી સેટ સામે બેસી શકતા નહોતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બોલવામાં તકલીફ થતી હતી. તેમના પરિવારના લોકોને ખ્યાલ હતો કે જ્યારે સચિન તેંડુલકર છેલ્લી વખત ટેસ્ટ મૅચ રમવા ઊતરશે એ આચરેકર માટે ભાવુક ક્ષણો હશે.
તેથી તેમના પુત્રી કલ્પના મુરકરને ખ્યાલ હતો કે પિતાને સ્ટેડિયમ લઈ જવા જરૂરી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

સચિન તેંડુલકરને ક્રિકેટના મેદાન પર રમતા જોવા માટે આચરેકર પહેલી વખત સ્ટેડિયમમાં આવ્યા હતા.
એ પણ તેઓ જ્યારે સચિનના નિવૃત્તિના નિર્ણયથી નારાજ હતા ત્યારે.
ત્યારે તેમણે મારી સાથે ફોન પર થયેલી વાતચીતમાં કહ્યું, ધક્કો પહોંચ્યો.
આચરેકરના પુત્રીના મતે પિતાજીને લાગતું હતું કે સચિન તેંડુલકર હજી થોડાં વર્ષ રમી શકતા હતા.


ઇમેજ સ્રોત, Jahanvi Mule
વાત એ મુલાકાતની, જેના કારણે ક્રિકેટના આકાશમાં સચિન તેંડુલકર જેવો સિતારો છવાઈ ગયો.
આ મુલાકાત હતી રમાકાંત આચરેકર અને 11 વર્ષના સચિન તેંડુલકરની.
સચિન તેંડુલકરે પોતાની આત્મકથા 'પ્લેઇંગ એટ માય વે'માં આ મુલાકાતનું બહુ સુંદર વર્ણન કર્યું છે.
તેમણે લખ્યું છે કે તેમના ભાઈ અજીત તેંડુલકર તેમને આચરેકર સર પાસે શિવાજી પાર્કમાં લઈ ગયેલા, જ્યાં અંડર-15 સમર કૅમ્પ માટે ટ્રાયલ ચાલુ હતી.
કોઈ પણ બાળક નેટ પર પ્રેક્ટિસ કરી શકતો હતો, તેને જોઈને આચરેકર નક્કી કરતા કે તેને સમર કૅમ્પમાં લેવો કે નહીં.

તમે આ વાંચ્યું કે નહીં?

સચિને પોતાના અનુભવ વિશે લખ્યું છે, "મેં આ પહેલાં ક્યારેય નેટમાં બૅટિંગ કર્યું નહોતું. આસપાસ ઘણા લોકો પણ જમા થયેલા."
"જ્યારે મને બૅટિંગ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે હું બિલકુલ કમ્ફર્ટેબલ નહોતો."
"સર બહુ ગંભીરતાથી જોઈ રહ્યા હતા અને હું કોઈ જ પ્રભાવ પાડી શક્યો નહીં."
"મારી બૅટિંગ પૂરી થઈ એટલે સરે અજીતને એક બાજુ બોલાવીને કહ્યું કે હું કૅમ્પ માટે હજુ બહુ નાનો છું અને મને હમણાં ના લાવવો જોઈએ"
સચિને એ પણ લખ્યું છે કે આ વાતચીતમાં તેઓ હાજર ન હતા પણ તેમની અપેક્ષાઓ ખતમ થવાની હતી. અજીતને તેમના પર વિશ્વાસ હતો.


ઇમેજ સ્રોત, Sachin tendulkar
અજીતે આચરેકર સરને સમજાવ્યા કે સચિન નર્વસ થઈ ગયો હતો. તમે એવું કરો કે તેને થોડા દૂરથી બૅટિંગ કરતા જુઓ.
આચરેકર સર માન્યા અને પછી આ સિલસિલો ચાલુ રહ્યો, જેનાં માત્ર પાંચ જ વર્ષમાં સચિન તેંડુલકર ભારતીય ટીમમાં પહોંચી ગયા.
રમાકાંત આચરેકરે શરૂઆતમાં જ સચિન તેંડુલકરને કલાકો સુધી નેટ પ્રેક્ટિસમાં પરસેવો પાડતાં શીખવ્યું, જે વાત સચિને સંપૂર્ણ કારકિર્દી દરમિયાન જાળવી રાખી.
આ પણ એક રસપ્રદ વાત છે કે કોચિંગના સમયગાળા દરમિયાન રમાકાંત આચરેકરે એક નિયમ રાખેલો, સચિનને પોતાની બૉલિંગથી આઉટ કરનાર બૉલરને એક સિક્કો મળશે.
જ્યારે સચિને નક્કી કર્યુ હતું કે એ સિક્કો બીજા કોઈ પાસે જવો જ ન જોઈએ.
આ નિયમનું બીજુ પાસું એવું હતું કે, જો દિવસ દરમિયાન સચિન કોઈનાથી આઉટ ન થાય તો એ સિક્કો સચિનને મળે.
સચિન તેંડુલકરે રમાકાંત આચરેકર પાસેથી આ રીતે 13 સિક્કા મેળવ્યા, જે તેણે આજે પણ બહુ સાચવીને રાખ્યા છે.
સચિનના મતે તેના માટે આ કોઈ અમૂલ્ય ઇનામથી કમ નથી.
સચિન તેંડુલકરને નિખારવાના લગભગ 20 વર્ષ પહેલાં રમાકાંત આચરેકર સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયાના કર્મચારી હતા.
ઘરમાં ક્રિકેટનો માહોલ હતો કારણ કે તેમના પિતા વિજય માંજરેકરના દાદાજી સાથે ન્યૂ હિંદ ક્લબ તરફથી ક્રિકેટ રમતા હતા.


ઇમેજ સ્રોત, Sachin Tendulkar
તેથી રમાકાંત આચરેકરે પણ ક્રિકેટ રમવાનુ શરૂ કર્યું પરંતુ તેઓ સ્થાનિક રમતથી આગળ વધી શક્યા નહીં.
જોકે, તેઓ ન્યૂ હિંદ ક્લબના સેક્રેટરી જરૂર બન્યા. આ 1964-1965ના વર્ષની વાત છે.
એક દિવસ અચાનક ક્લબના મેદાન પાસે આવેલી સ્કૂલ દયાનંદ બાલક વિદ્યાલયના છોકરાઓએ ક્લબના મેદાનમાં પ્રેક્ટિસ કરવાની મંજૂરી માગી.
આ સાથે શોખથી કોચિંગ આપવાની શરૂઆત થઈ. ત્યારબાદ એક કોચ તરીકે આચરેકરની ઓળખ બનવા લાગી.
1981-82 સુધીમાં એક સારા કોચ તરીકે તેમની છાપ ઊભી થઈ ચૂકી હતી.


ઇમેજ સ્રોત, Vinod Kambli
તેથી જ્યારે સચિનના ભાઈ અજીત તેંડુલકરે પોતાના ભાઈને ક્રિકેટર બનાવવાનું નક્કી કર્યું તો તેમને પહેલાં આચરેકર જ યાદ આવ્યા.
આચરેકરે સચિન તેંડુલકરમાં છુપાયેલી પ્રતિભાને સૌથી પહેલાં ઓળખી હતી.
સચિન પણ તેમના દરેક માપદંડો પર એવી રીતે ખરા ઊતર્યા કે દુનિયાને સચિન જેવા ખેલાડી આપવા માટે દાદરના આ કોચને દુનિયા હંમેશાં યાદ રાખશે.
જોકે, આચરેકર સરની ઝોળીમાં વિનોદ કાંબલી, પ્રવીણ આમરે અને અજીત અગરકર જેવા ખેલાડીઓ હતા પણ આ બધામાં કોહિનૂર તો સચિન જ હતા.
જેણે અનેક વખતે પોતાના કોચની છાતી ગર્વથી ફુલાવી હશે.

શિસ્તથી સભર સચિન

ઇમેજ સ્રોત, Vinod Kambli
સચિનની આ શાનદાર સફળતા વિશે વાત કરતાં આચરેકર હંમેશાં કહેતાં કે સચિનની સમગ્ર કારકિર્દી પર નજર રાખનારા લોકો એ વાત માને છે કે સચિન હંમેશાં ખૂબ શિસ્તમાં રહ્યા છે.
શિસ્તમાં થોડી પણ ઊણપ આવે તો વિનોદ કાંબલી જેવા ઉમદા ખેલાડીની ગાડી પણ પાટા પરથી ઊતરતા વાર લાગતી નથી.
હકીકતમાં સચિન તેંડુલકરમાં શિસ્તનાં મૂળિયાં અને સફળતા મેળવવા માટે સતત અભ્યાસ કરતા રહેવાનો જુસ્સો આચરેકર સરે બાળપણમાં જ નાખ્યો હતો.
સચિનનું 24 વર્ષ સુધી સતત ક્રિકેટ રમી શકવાનું કારણ જ એ હતું કે આચરેકર સરે તેમને ક્રિકેટ એટલી સહજતાથી સમજાવ્યું હતું કે સચિનને કલાકો સુધી પ્રેક્ટિસ કરવાનો બોજ લાગ્યો નથી.
શરૂઆતના દિવસોમાં એક વખત સચિને થોડી ગેરશિસ્ત દાખવી ત્યારે આચરેકરે ગુસ્સામાં તેમને એક થપ્પડ મારી દીધી હતી.
આચરેકરના મતે ત્યારબાદ સચિને ક્યારેય તેમને કોઈ ફરિયાદની તક નથી આપી.
તે ઉપરાંત આ 24 વર્ષ દરમિયાન સચિન હંમેશાં પોતાની દરેક સિરીઝ પહેલાં પોતાના કોચ સાથે ચર્ચા કરવાનું ભુલ્યા નથી.


ઇમેજ સ્રોત, vinod kambli
જોકે, એ વાત તો સાચી છે કે સચિન તેંડુલકરની સફળતા સામે આચરેકરના અન્ય શિષ્યો પાછા પડ્યા.
વિનોદ કાંબલીની કારકિર્દી થોડાં સમય માટે જરૂર ચમકી પણ લાંબી ટકી નહીં.
પ્રવીણ આમરેએ દક્ષિણ આફ્રિકાની પીચ પર સદી મારીને ટેસ્ટ કૅરિયરની શરૂઆત તો કરી પણ ત્યાંથી આગળ ન વધી શક્યા.
અજીત અગરકર લાંબો સમય રમ્યા પણ સચિન જેવું બીજું કોઈ તેમને મળી શક્યું નહીં.
જોકે, દ્રોણાચાર્યને પણ બીજો અર્જૂન મળ્યો નહોતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
સચિન સહિત અન્ય ખેલાડીઓને તાલીમમાં તેમના પ્રદાન બદલ ભારતમાં કોચને આપવામાં આવતાં સર્વોચ્ચ સન્માન દ્રોણાચાર્ય પુરસ્કારથી તેમને 1990માં સન્માનિત કરવામાં આવ્યા.
તેના વીસ વર્ષ બાદ 2010માં તેમને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો.
રમાકાંત આચરેકરે 2 જાન્યુઆરીએ 87 વર્ષે દાદરના શિવાજી પાક ખાતે અંતિમ શ્વાસ લીધા.
તેમના અવસાન બાદ સચિને ખરું કહ્યું કે આચરેકર સરની હાજરીથી સ્વર્ગમાં પણ ક્રિકેટ સમૃદ્ધ થશે.
સચિનને ઘડવા માટે ક્રિકેટપ્રેમીઓને આચરેકર સર હંમેશાં યાદ રહેશે.
જ્યારે જ્યારે સચિનનું નામ લેવાશે ત્યારે આચરેકર પણ યાદ આવશે.

આપને આ પણ વાચવું ગમશે

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














