સ્મૃતિ મંધાના : 'દ્રવિડના બૅટ'થી વડોદરામાં બેવડી સદી ફટકારવાથી WPLમાં સૌથી મોંઘાં ખેલાડી બનવા સુધી

સ્મૃતિ મંધાના

ઇમેજ સ્રોત, ALLSPORT/GETTY

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

મહિલા પ્રિમિયર લીગની હરાજી શરૂ થઈ ચૂકી છે. રૂપિયા 3.4 કરોડમાં સ્મૃતિ મંધાના આરસીબી દ્વારા ખરીદવામાં આવ્યાં છે.

આરસીબીના ડિરેક્ટર માઇક હેસને કહ્યું, "મંધાના અને પેરી(ઍલિસ)ને સૌ કોઈ જાણે છે અને અમારે જોઈતા લોકોને મેળવવા માટે અમે કટીબદ્ધ હતા. આવા ક્વૉલિટી પ્લેયરને મેળવીને અમે બહુ ખુશ છીએ. સ્મૃતિને કપ્તાનીનો બહોળો અનુભવ છે અને ભારતની સ્થિતિ અંગે તેઓ વાકેફ છે. " આરસીબી સ્મૃતિને કપ્તાન પણ બનાવી શકે એમ હોવાનું જણાવાઈ રહ્યું છે.

ભારતનાં સ્મૃતિ મંધાનાની આઈસીસી તરફથી વર્ષ 2021 માટે સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર જાહેર થઈ ચૂક્યાં છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ તેમને આ સન્માન આપતાં લખ્યું હતું કે ભારતીય મહિલા ટીમ માટે વર્ષ 2021 સરળ નહોતું, પરંતુ સ્મૃતિ મંધાનાનું શાનદાર પ્રદર્શન ચાલુ રહ્યું હતું.

લાઇન
ગ્રાફિક્સ
  • વિમૅન પ્રિમિયર લીગની હરાજીમાં અત્યાર સુધી ભારતીય મહિલા બૅટર સ્મૃતિ મંધાનાને સૌથી વધુ 3.4 કરોડ રૂપિયાની રકમ મળી છે.
  • એ બાદ દીપ્તી શર્માને 2.6 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યાં છે.
  • જ્યારે હરમનપ્રિતકોરને મુંબઈ ઇન્ડિયન્સે 1.9 કરોડ રૂપિયામાં અને રેણુકાસિંહને આરસીબીએ 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યાં છે.
  • ઑસ્ટ્રેલિયાનાં ઍલિસ પેરીને આરસીબીએ 1.7 કરોડ રૂપિયામાં ખરીદ્યાં છે. તો ઇંગ્લૅન્ડનાં સોફી ઍક્લેસ્ટોનને UPWએ 1.8 કરોડ રૂપિયા આપ્યા છે.
line

કોણ છે સ્મૃતિ મંધાના?

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

સ્મૃતિ મંધાનાને અગાઉ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા વન ડે ક્રિકેટ મૅચમાં 'ક્રિકેટર ઑફ ધ યર' તેમજ 'બેસ્ટ પ્લેયર ઑફ ધ યર' જાહેર કરવામાં આવ્યાં હતાં.

સ્મૃતિએ ભારતને ઇંગ્લૅન્ડ, શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વિરદ્ધ સિરીઝ જીતાડવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.

આ ખેલાડીએ વર્ષ 2018માં 12 વન ડે ઇન્ટરનેશનલ મૅચમાં 669 રન કર્યા હતા. જેમાં 66.90ની ઍવરેજ અને 130.67ના સ્ટ્રાઇક રેટ સાથે સાથે સાત અર્ધસદી, તેમજ આફ્રિકા સામેની સદીનો પણ સમાવેશ થાય છે.

આ ઍવૉર્ડ સ્વીકારતાં સ્મૃતિ મંધાનાએ કહ્યું હતું, "ઍવૉર્ડ્ઝ ખાસ હોય છે, કારણ કે જ્યારે તમે વધુ રન કરો છો, ત્યારે ઇચ્છો છો કે તમારી ટીમ જીતે. પણ તમારી મહેનતની જ્યારે આ પ્રકારે નોંધ લેવાય છે, ત્યારે તમને વધુ મહેનત કરીને તમારી ટીમ માટે વધુ સારું કામ કરવાનું પ્રોત્સાહન મળે છે."

ક્રિકેટર ઑફ ધ યર સન્માન પ્રાપ્ત કરનારાં સ્મૃતિ બીજા ભારતીય ખેલાડી બન્યાં હતાં. આ પહેલાં વર્ષ 2007માં ઝુલન ગોસ્વામીને આ ઍવૉર્ડ મળ્યો હતો.

સ્મૃતિએ આઈસીસીને જણાવ્યું હતું, "ઘણા લોકો એવું કહેતાં કે હું ભારતીય પીચ પર સારું પ્રદર્શન કરતી નથી. તેથી મારે મારી જાતને સાબિત કરવાની હતી. આ જુસ્સાએ મને સારી ખેલાડી બનાવી."

line

દ્રવિડે આપેલા બૅટથી વડોદરાની પીચ પર બેવડી સદી

બૅટિંગ

ઇમેજ સ્રોત, Getty Images

2013માં વડોદરાની ઍલેમ્બિક પીચ પર વેસ્ટ ઝોનની અન્ડર-19 વન ડે ટુર્નામેન્ટમાં 138 બૉલમાં 32 ફોર સાથે બેવડી સદી ફટકારીને સ્મૃતિ જાણીતાં થયાં હતાં.

એ વખતે ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં છપાયેલા એક ઇન્ટરવ્યૂ મુજબ એ મૅચમાં સ્મૃતિ રાહુલ દ્રવિડ દ્વારા તેમને ભેટમાં મળેલા બૅટથી તેઓ રમ્યાં હતાં.

રાહુલ દ્રવિડની સાઇનવાળા બૅટ વિશે વાત કરતાં તેમણે કહેલું, "આ જ બૅટથી મેં વન ડે ઇન્ટરનેશનલ અને ટી-20 રમવાની શરૂઆત કરેલી."

"જ્યારથી મેં દ્રવિડ સરના બૅટથી રમવાનું શરુ કર્યું ત્યારથી હું સારો સ્કોર કરું છું. મારી મમ્મી એક વખત બૅંગ્લુરુ ગઈ હતી, ત્યારે દ્રવિડ સરની મુલાકાત લીધી હતી. તેમને જ્યારે મમ્મીએ મારા ક્રિકેટના શોખ વિશે કહ્યું તો દ્રવિડ સરે તેમનું પ્રૅક્ટિસ બૅટ મારા માટે મોકલ્યું હતું."

line

ભાઈ સાથે બૅટિંગ પ્રેક્ટિસ

ભાઈ શરમણ સાથે સ્મૃતિ

ઇમેજ સ્રોત, Instagram/Smriti Mandhana

વન ડે ક્રિકેટમાં સ્મૃતિએ અમદાવાદથી રમવાની શરૂઆત કરેલી તેમજ ટી-20ની શરૂઆત વડોદરાથી કરી હતી.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના ઇન્ટરવ્યૂ મુજબ, મહારાષ્ટ્રના સાંગલીના એક વેપારી પિતા ઇચ્છતા હતા કે તેમનાં બંને બાળકો ક્રિકેટમાં આગળ વધે.

પુત્રી સ્મૃતિ આ અંગે જણાવે છે, "મારા પિતા ઇચ્છતા હતા કે અમે બંને ભાઈ-બહેન ક્રિકેટમાં આગળ વધીએ, પરંતુ મારા ભાઈએ ક્રિકેટ રમવાનું છોડી દીધું."

"જોકે, હજુ હું એની બૉલિંગ ઉપર બૅટિંગની પ્રેક્ટિસ કરું છું. હું ખુશ છું કે હું મારા પિતાનું સપનું પુરું કરી શકું છું."

ઇએસપીએનના અહેવાલ મુજબ, સ્મૃતિના ભાઈ શ્રવણ મહારાષ્ટ્ર માટે અન્ડર-16માં રમતા હતા, ત્યારે તેના ભાઈની મૅચ જોવા માટે તેઓ પિતા સાથે જતાં.

સ્થાનિક અખબારોમાં ભાઈ વિશેના સમાચાર છપાતા ત્યારે તે કાપીને સાચવી રાખતાં હતાં. સ્મૃતિ જણાવે છે, "એક દિવસ મને થયું કે, મારે પણ તેની જેમ રન બનાવવા જોઈએ."

"મારા પપ્પાએ મને ક્યારેય ના નથી પાડી. એટલે મારો ભાઈ જ્યારે નેટ પ્રેક્ટિસ કરતો ત્યારે મારા પપ્પા મને પણ ધીરે ધીરે બૉલ નાખીને રમાડતા."

સ્મૃતિ જણાવે છે કે પછી મારા પપ્પાએ મને દૂરથી બૉલ નાખવાના શરૂ કર્યા અને એમણે જોયું કે, હું એ બૉલ ફટકારી શકું છું.

"આમ તો હું રાઇટ હેન્ડર છું, પણ મારા પપ્પાને ડાબા હાથે રમવાનું આકર્ષણ હતું, એટલે હું અને મારો ભાઈ લેફ્ટ હેન્ડર બન્યા."

line

ક્રિકેટ માટે વિજ્ઞાનનો અભ્યાસ છોડ્યો

સ્મૃતિ મંધાના

ઇમેજ સ્રોત, Instagram/Smriti Mandhana

ઈએસપીએનમાં લખાયેલાં સ્મૃતિ પરના અહેવાલ મુજબ 15 વર્ષની ઉંમરે સ્મૃતિએ વિજ્ઞાનનો અભ્યાસ છોડીને ક્રિકેટમાં કારકીર્દી બનાવવાનો નિર્ણય કર્યો.

19 વર્ષે તો સ્મૃતિ ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પોતાનું સ્થાન મેળવી લીધું હતું. તેમના મિત્રો કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી તે અંગે મૂંઝવણ અનુભવી રહ્યા હતા, ત્યારે સ્મૃતિએ પોતાની પરિપક્વ રમત દ્વારા ભારતને ઇંગ્લૅન્ડ સામે જીત મેળવવામાં મદદ કરી હતી.

સ્મૃતિને આ નિર્ણય લેવામાં તેમનાં માતાએ ખાસ મદદ કરી હતી. પીચ પર એક ગંભીર ખેલાડીની છાપ ધરાવનાર સ્મૃતિ ખરા અર્થમાં એક મસ્તીખોર છોકરી છે.

ઈએસપીએનના અહેવાલ મુજબ, સ્મૃતિના રૂમની આસપાસનો એરિયા 'પ્લેસ્ટેશન એરેના' તરીકે ઓળખાય છે, જ્યાં તે પોતાના મિત્રોને ચેલેન્જ કરતા રહે છે કે 'મને પકડી પાડો તો આજનું ભોજન મારા તરફથી. '

તેઓ અરિજિતસિંઘનાં ગીતો સતત સાંભળતાં રહે છે. ક્રિકેટની દુનિયામાં મૅચ જેટલો જ ડ્રેસિંગ રૂમનો માહોલ પણ અગત્યનો હોય છે.

સ્મૃતિએ આ અંગે જણાવ્યુ હતું, "હું 16 વર્ષની ઉંમરે 2013માં ક્રિકેટમાં પ્રવેશી, ત્યાર કરતાં અત્યારના માહોલમાં ઘણો ફરક છે. અમે લોકો એક પરિવારની જેમ રહીએ છીએ, કારણ કે આ જ પરિવાર છે, જેની સાથે અમે વર્ષનો સૌથી વધુ સમય પસાર કરતા હોઈએ છીએ. "

ફોર્બ્સની યાદીમાં સ્થાન

વિદેશી ટી20માં સ્મૃતિ

ઇમેજ સ્રોત, Twitter

એશિયાની ઍન્ટર્ટેઇન્મેન્ટ ઍન્ડ સ્પૉર્ટ્સની અન્ડર-30ની યાદીમાં આ વખતે સ્મૃતિ મંધાનાનું નામ સામેલ કરવામાં આવ્યું છે.

મુંબઈનાં આ ખેલાડી વન ડે ક્રિકેટ મૅચમાં બેવડી સદી ફટકારનારાં પ્રથમ મહિલા ખેલાડી હતાં.

હરમનપ્રીતકોર બાદ વિદેશી ધરતી પર રમાનારી ટી-20 લીગમાં સ્થાન પામનારાં સ્મૃતિ બીજા મહિલા ખેલાડી બન્યાં હતાં.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન