બ્રિજેશ પટેલઃ વન-ડે મૅચમાં ભારત માટે સર્વાધિક રનનો રેકૉર્ડ નોંધાવનાર ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images
એમ કહેવાય છે કે ગુજરાતીની હાજરી દુનિયાના દરેક ખૂણામાં છે. સામાન્ય રીતે ગુજરાતીઓ અને ખાસ કરીને પટેલો વિદેશમાં જવાનું પસંદ કરતા હોય છે પરંતુ છ-સાત દાયકા અગાઉ મૂળ પેટલાદનો એક પટેલ પરિવાર કર્ણાટકના બૅંગલુરૂમાં જઈને વસ્યો અને વર્ષો સુધી ત્યાં બિઝનેસમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરી લીધું.
જોકે બિઝનેસની સાથે સાથે આ પરિવારે ક્રિકેટમાં પણ એટલું જ યોગદાન આપ્યું અને આજે કર્ણાટકના ક્રિકેટમાં તેમણે જે યોગદાન આપ્યું છે તેની ચર્ચા વિના વાત અધૂરી જ રહી જાય. અને, આ પરિવારના સૌથી સફળ ક્રિકેટર અને સંચાલક એટલે બ્રિજેશ પટેલ.
મૂળ પેટલાદના અને 1952ની 24મી નવેમ્બરે વડોદરામાં જન્મેલા બ્રિજેશ પટેલ 1970ના દાયકાના ભારતના સૌથી મહત્ત્વના મિડલ ઑર્ડર બૅટ્સમૅન પૈકીના એક, એ અરસામાં જ ભારતીય ડૉમેસ્ટિક ક્રિકેટમાં સૌથી સફળ બૅટ્સમૅન અને ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ કર્ણાટકના ક્રિકેટની ધુરા સંભાળીને આ રાજ્યમાંથી ભારતને આપનારા મહત્ત્વના ક્રિકેટરોમાં પણ યોગદાન ધરાવતા બ્રિજેશ પટેલ અત્યારે વિશ્વની સૌથી સફળ ટી20 લીગ એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના ચૅરમૅન છે.
આ ઉપરાંત બ્રિજેશ પટેલના પરિવારના ઘણા સદસ્ય ડૉમેસ્ટિક ક્રિકેટમાં રમી ચૂક્યા છે. તેમના કાકા ભૂપેન્દ્ર રમણલાલ પટેલ, કૃષ્ણકાંત રમણલાલ પટેલ તથા મુકેશ રમણલાલ પટેલ મૈસૂર, ગુજરાત, આંધ્ર પ્રદેશ માટે રમી ચૂક્યા છે જેમાંના કેટલાક બૅંગલુરૂમાં તો કેટલાક હૈદરાબાદમાં સ્થાયી થયા છે.
ભૂપેન્દ્ર પટેલના પુત્ર યોગેશ તથા બ્રિજેશ પટેલના પુત્ર ઉદિત પટેલ પણ તેમના સમયકાળમાં મૈસૂર (હવે કર્ણાટક) માટે રમી ચૂક્યા છે. આમ કર્ણાટક ઉપરાંત આંધ્ર તથા ગુજરાતના ક્રિકેટમાં આ પટેલ પરિવારનું યોગદાન રહેલું છે.

ભારત માટે મહત્ત્વપૂર્ણ મિડલ ઑર્ડર બૅટ્સમૅન

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ક્રિકેટમાં એક સમય એવો હતો જ્યારે સુનિલ ગાવસ્કર અને ગુંડપ્પા વિશ્વનાથ જેવા વર્લ્ડ ક્લાસ બૅટ્સમૅન હતા પરંતુ આ બે નિષ્ફળ રહે તો ટીમને ધબડકામાંથી ઉગારવાની જવાબદારી કેટલાક ગણ્યાગાંઠયા બૅટ્સમૅન પર આવી પડતી હતી અને તેમાં દિલીપ વેંગસરકર, મોહિન્દર અમરનાથ, અંશુમન ગાયકવાડ અને બ્રિજેશ પટેલનો સમાવેશ થતો હતો.
દિલીપ વેંગસરકર અને ગાયકવાડે હજી કારકિર્દીનો પ્રારંભ જ કર્યો હતો જ્યારે મોહિન્દર અમરનાથ આ તમામમાં સિનિયર ખરા પરંતુ તેમના ફૉર્મમાં સાતત્યતા આવી ન હતી તથા તેમની કારકિર્દીનો સુવર્ણકાળ આવવાને હજી ( 1982-83) હજી થોડી વાર હતી.
આ સંજોગોમાં બ્રિજેશ પટેલ મહત્ત્વના બૅટ્સમૅન બની ગયા હતા. આ ઉપરાંત બ્રિજેશ પટેલ આક્રમકતાથી બૅટિંગ કરતા હતા જેને કારણે હરીફ બૉલિંગને નાસીપાસ કરવામાં પણ તેમની ભૂમિકા રહેતી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બ્રિજેશ પટેલની બૅટિંગ ટેસ્ટ કરતાં વન-ડેને વધારે અનુકૂળ હતી. ટેસ્ટ મૅચમાં તેમણે ભારત માટે 21 મૅચમાં 972 રન ફટકાર્યા હતા. આમ બુદ્ધિ કુંદરન (981), અશોક માંકડ (991) અને કરસન ઘાવરી (913) જેવા લગભગ સમકાલીનોની માફક બ્રિજેશ પટેલ પણ એક હજાર ટેસ્ટ રનની સિદ્ધિથી થોડા માટે વંચિત રહી ગયા હતા.

વનડે ઇનિંગ અને રણજી ટ્રૉફીમાં સર્વાધિક રનનો રેકૉર્ડ નોંધાવનાર બ્રિજેશ પટેલને કેટલા ઓળખો છો?

1970ના દાયકાના ભારતીય ટીમના મહત્ત્વપૂર્ણ મિડલ ઑર્ડર બૅટ્સમૅન હતા બ્રિજેશ પટેલ
બ્રિજેશ પટેલનો જન્મ 24 નવેમ્બર 1952ના રોજ પેટલાદમાં થયો હતો
તેમના પરિવારના ઘણા સભ્યોએ આંધ્ર પ્રદેશ, કર્ણાટક ઉપરાંત ગુજરાતમાં પણ ક્રિકેટક્ષેત્રે ફાળો આપ્યો છે
વર્ષ 1974માં ભારતની પ્રથમ વન-ડે મૅચમાં બનાવલે સર્વાધિક રનનો તેમનો રેકૉર્ડ આઠ વર્ષ ટક્યો હતો
નિવૃત્તિ બાદ તેઓ ક્રિકેટક્ષેત્રે જ સંચાલનકાર અને પસંદગીકાર તરીકે જોડાયેલા રહ્યા

વન-ડેમાં ઇનિંગમાં સર્વાધિક રનનો વિક્રમ

ઇમેજ સ્રોત, Getty Images
એમ તો વન-ડેમાં પણ કપિલદેવે ઝિમ્બાબ્વે સામે જે ઐતિહાસિક 175 રન ફટકાર્યા તે અગાઉ ભારત માટે વન-ડેમાં કોઈએ સદી ફટકારી ન હતી પરંતુ 1974માં ભારત તેની પ્રથમ વન-ડે રમ્યું ત્યારે બ્રિજેશ પટેલ સદીથી વંચિત રહી ગયા હતા.
એ દિવસે તેમણે ઇંગ્લૅન્ડ સામે માન્ચેસ્ટર ખાતે 82 રન ફટકાર્યા હતા. 60 ઓવરની એ મૅચમાં તેમણે વધુ 18 રન કર્યા હોત તો આજે ભારતની સૌ પ્રથમ વન-ડે સદી તેમના નામે બોલતી હોત.
1974માં ભારત તેની પ્રથમ જ વન-ડે રમી રહ્યું હતું. ભારતીય ખેલાડીઓને લિમિટેડ ઓવરનો ખાસ કોઈ અનુભવ ન હતો તેવામાં અજિત વાડેકર અને બ્રિજેશ પટેલે ઇંગ્લૅન્ડના મજબૂત બૉલિંગ આક્રમણ સામે અડધી સદી ફટકારી હતી. વાડેકર 67 રન ફટકારીને આઉટ થઈ ગયા ત્યાર બાદ બ્રિજેશ પટેલે 82 રન ફટકાર્યા હતા.
એ વખતે પણ તેમનો સ્ટ્રાઇક રેટ 100 કરતાં વધારે હતો એટલે કે તેમણે 78 બૉલમાં બે સિક્સર સાથે 82 રન ઝૂડી નાખ્યા હતા.
ભારત માટે વન-ડે ઇનિંગ્સમાં સર્વોચ્ચ સ્કોરનો બ્રિજેશ પટેલનો વિક્રમ લગભગ આઠ વર્ષ સુધી અકબંધ રહ્યો હતો. જોકે એ અરસામાં ભારત ઘણી ઓછી વન-ડે મૅચ રમતું હતું અને તેને કારણે બ્રિજેશ પટેલના ફાળે માત્ર દસ જ વન-ડે મૅચ રમવાની આવી હતી જેમાં તેમનો સ્ટ્રાઇક રેટ 60ની ઉપરનો રહ્યો હતો.

રણજીમાં બનાવ્યો સૌથી વધુ રનનો રેકૉર્ડ
પ્રથમ વન-ડે ઇન્ટરનેશનલ મૅચ રમતા અગાઉ પટેલ પાસે લિમિટેડ ઓવરના ક્રિકેટનો ખાસ અનુભવ ન હતો.
જોકે આ વાત અન્ય ભારતીય બૅટ્સમૅન પર પણ સમાન રીતે લાગુ પડતી હતી તેમ છતાં ઇંગ્લૅન્ડના 1974ના પ્રવાસ અગાઉ તેઓ દેવધર ટ્રૉફીની કેટલીક મૅચ રમ્યા હતા જેમાં તેમણે 1973-74ની ફાઇનલમાં વેસ્ટ ઝોનની મજબૂત ટીમ સામે શાનદાર 81 રન ફટકારીને ટીમને દેવધર ટ્રૉફી ચૅમ્પિયન બનાવી હતી.
આ ઉપરાંત એ જ સિઝનમાં ભારતની એક ટીમ શ્રીલંકાના પ્રવાસે ગઈ હતી.
એ વખતે શ્રીલંકા ઇન્ટરનેશનલ ક્રિકેટ તો રમતું ન હતું પરંતુ તેમાં એવા ખેલાડીઓ હતા જે ભવિષ્યમાં શ્રીલંકા માટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમ્યા હતા અને 1979ના વર્લ્ડકપમાં ભારત સામે ટીમને વિજય પણ અપાવ્યો હતો.
આ પ્રવાસમાં ભારત લિમિટેડ ઓવરની બે મૅચ રમ્યું હતું અને બંને મૅચમાં બ્રિજેશ પટેલે પોતાની શાનદાર બૅટિંગ દ્વારા ભારતને વિજય અપાવ્યો હતો. ભારતની એ ટીમમાં સુનિલ ગાવસકર, અશોક માંકડ, કરસન ઘાવરી, એકનાથ સોલકર અને કૅપ્ટન વેંકટરાઘવન જેવા ખ્યાતનામ ક્રિકેટર પણ રમ્યા હતા.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બ્રિજેશ પટેલનો એક સમયે ઇજારો હતો. ભારતીય ડૉમેસ્ટિક ક્રિકેટમાં અને ખાસ કરીને રણજી ટ્રૉફીમાં તેમના જેટલો સફળ બૅટ્સમૅન અગાઉ ભાગ્યે જ જોવા મળ્યો હતો.
એક સમયે રણજી ટ્રૉફીમાં સૌથી વધુ રન (7126)નો રેકૉર્ડ તેમના નામે હતો.
આજે તો આ આંક 22મા ક્રમે છે પરંતુ તેમની ઉપર રહેલા બાકીના 21 ખેલાડીઓમાંથી મોટા ભાગનાનો તો બ્રિજેશ પટેલ નિવૃત્ત થયા બાદ જન્મ થયો હતો અથવા તો તેમની નિવૃત્તિ બાદ ઘણા ખેલાડીએ પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.
જોકે ટેસ્ટ ક્રિકેટમાં નબળા ફૉર્મને કારણે તેમને ટીમની બહાર થઈ જવું પડ્યું હતું પરંતુ આજ સુધી બ્રિજેશ પટેલ ક્રિકેટથી અળગા થયા નથી.

ખેલાડીમાંથી બન્યા ક્રિકેટના સંચાલનકાર

ઇમેજ સ્રોત, Getty Images
નિવૃત્તિ બાદ તેઓ કર્ણાટક સ્ટેટ ક્રિકેટ ઍસોસિયેશન સાથે સંકળાયા. આ ઉપરાંત ભારતીય ટીમના પસંદગીકાર પણ બન્યા હતા પરંતુ તેમનો જીવ સંચાલન તરફ વધારે રહ્યો.
બ્રિજેશ પટેલના સંચાલનની ખાસિયત એ રહી કે તેઓ સતત પરિવર્તનશીલ રહેતા હતા.
ક્રિકેટમાં નવી ટેકનૉલૉજીનો ઉપયોગ કરવામાં પણ તેઓ હંમેશાં અગ્રેસર રહ્યા હતા.
ઇન્ટરનેશનલ મૅચ દરમિયાન મેદાનની ચારે તરફ બાઉન્ડ્રી પર જે હોર્ડિંગ લગાવવામાં આવે છે તેના માટે દરેક ઍસોસિયેશનના સંચાલકો વિવિધ કંપની સાથે વાટાઘાટો કરતા જોવા મળે છે. ક્યારેક તો મૅચની પૂર્વસંધ્યાએ પણ આ અધિકારીઓ વિવિધ જાહેરખબર અંગે રકઝક કરતાં જોવા મળ્યા હતા.
આ સંજોગોમાં બ્રિજેશ પટેલે તમામ હોર્ડિંગ માટેની જાહેરાતનો કૉન્ટેક્ટ જ એક કંપનીને આપી દેવાનું સૂચન કર્યું હતું અને તેનું પરિણામ એ આવ્યું કે જાહેરાતો શોધવા કે તેના માટે કોઈ રકઝક કર્યા વિના આયોજકોને વાર્ષિક ધોરણે નિશ્ચિત રકમ મળતી રહે તેવી જોગવાઈ થવા લાગી.
આજે તો બીસીસીઆઈ કે આઇસીસી જ આવા રાઇટ્સ આપીને અઢળક કમાણી કરી લે છે પરંતુ એક જમાનામાં આ પ્રકારના સૂચને તેમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી.
વરસાદની પરિસ્થિતિમાં ઘણી મૅચ રદ કરવાની ફરજ પડતી હોય છે. તેનો ઉકેલ લાવવામાં પણ બ્રિજેશ પટેલની આગેવાનીમાં કર્ણાટક સ્ટેટ ક્રિકેટ ઍસોસિયેશને પહેલ કરી હતી. તેમણે મેદાનમાં એ પ્રકારની સિસ્ટમ સ્થાપી દીધી જેનાથી મૅચ દરમિયાન વરસાદ પડે અને ત્યાર બાદ રમત શરૂ કરાવવી હોય તો ઘણા ઓછા સમયમાં રમત શરૂ થઈ જાય.
બૅંગ્લુરૂના ઐતિહાસિક એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેદાનની નીચે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ રચાઈ છે જેને કારણે વરસાદ અટક્યા બાદ ગણતરીની મિનિટોમાં રમત ફરીથી શરૂ થઈ શકે છે.
આ સિસ્ટમ આખા મેદાનનું પાણી શોષી લે છે અને તેના કરતાં પણ રસપ્રદ બાબત તો એ છે કે શોષાયેલું પાણી અંડરગ્રાઉન્ડ થયા બાદ તેનો ઉપયોગ બૅંગ્લુરૂ મ્યુનિસિપલ કૉર્પોરેશન પણ કરી શકે છે.
હાલમાં દેશમાં મોટા ભાગનાં મેદાનો પર આ પ્રકારની સિસ્ટમ ગોઠવાયેલી છે પરંતુ તેની પહેલ બ્રિજેશ પટેલે કરી હતી.
આ વાત સામાન્ય નથી કેમ કે તેને કારણે ભારતમાં હવે ખરાબ મોસમને કારણે મૅચો રદ થવાની સંખ્યા ઘટી ગઈ છે.
ક્રિકેટરોની શોધમાં પણ બ્રિજેશ પટેલનું યોગદાન અમૂલ્ય છે.
કર્ણાટકમાંથી છેલ્લા બેથી ત્રણ દાયકામાં ભારતને રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે, જવાગલ શ્રીનાથ, વેંકટેશ પ્રસાદ, સુનિલ જોશી, રોબિન ઉથપ્પા, મનીષ પાંડે, આર. વિનયકુમાર, ડોડા ગણેશ, અભિમન્યુ મિથુન જેવા ક્રિકેટર મળ્યા છે તેમાં બ્રિજેશ પટેલની પ્રતિભાશોધ ઝુંબેશ પણ કેટલાક અંશે કામ કરી ગઈ છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













