રોજર બિન્ની : 1983ના વર્લ્ડકપમાં જીતના એ હીરો, જે બીસીસીઆઈના અધ્યક્ષ બન્યા

25 જૂન, 1983ના રોજ લોર્ડ્સમાં પ્રુડેન્શિયલ વર્લ્ડકપની ફાઇનલમાં વેસ્ટ ઈન્ડીઝ સામે જીત બાદ યશપાલ શર્મા અને રોજર બિન્ની સ્ટમ્પ લઈને દોડી રહ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 25 જૂન, 1983ના રોજ લોર્ડ્સમાં પ્રુડેન્શિયલ વર્લ્ડકપની ફાઇનલમાં વેસ્ટ ઈન્ડીઝ સામે જીત બાદ યશપાલ શર્મા અને રોજર બિન્ની સ્ટમ્પ લઈને દોડી રહ્યા છે
    • લેેખક, મનોજ ચતુર્વેદી
    • પદ, બીબીસી હિન્દી માટે, વરિષ્ઠ ખેલ પત્રકાર
લાઇન
  • રોજર બિન્નીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના 36મા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે
  • ગયા અઠવાડિયે બીસીસીઆઈની ચૂંટણીમાં કોને પદભાર સોંપવો તે અંગે રાજધાની દિલ્હીમાં ચર્ચાનો એક રાઉન્ડ યોજાયો હતો, જેમાં રોજર બિન્નીને અધ્યક્ષ બનાવવા પર સહમતિ સધાઈ હતી
  • ભારતના ઑલરાઉન્ડર રોજર બિન્નીને 1983ના વર્લ્ડકપમાં ભારતની જીતના હીરો તરીકે ઓળખવામાં આવે છે, કપિલ દેવના નેતૃત્વમાં ભારતે જીતેલા આ વર્લ્ડકપમાં બિન્નીએ આઠ મૅચમાં સૌથી વધુ વિકેટ ઝડપી હતી
  • રોજર બિન્ની સ્વચ્છ છબી ધરાવે છે, જ્યારે તેઓ બીસીસીઆઈ પસંદગી સમિતિના સભ્ય હતા ત્યારે લોઢા સમિતિએ તેમના પર હિતોના ટકરાવનો આરોપ મૂક્યા બાદ તરત જ તેમણે પસંદગી સમિતિમાંથી રાજીનામું આપી દીધું હતું
લાઇન

પોતાના સમયના શ્રેષ્ઠ ઑલરાઉન્ડરોમાંના એક રોજર બિન્નીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના 36મા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

મંગળવારે યોજાયેલી BCCIની વાર્ષિક સામાન્ય સભામાં બિન્નીની નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી. વર્ષ 2019થી સૌરવ ગાંગુલી પ્રમુખપદની જવાબદારી સંભાળી રહ્યા હતા.

રાજધાની દિલ્હીમાં ગયા અઠવાડિયે બીસીસીઆઈની ચૂંટણીમાં હોદ્દેદારોની પસંદગીને લઈને ચર્ચા શરૂ થઈ હતી, જેમાં રોજર બિન્નીને અધ્યક્ષ બનાવવા પર સહમતિ થઈ હતી.

કહેવાઈ રહ્યું છે કે બ્રિજેશ પટેલના સમર્થનને કારણે આ શક્ય બન્યું હતું.

એવી પણ ચર્ચા હતી કે સૌરવ ગાંગુલી બીજી ટર્મ માટે પ્રમુખ બનવા માગતા હતા. પરંતુ એવું કહેવાઈ રહ્યું છે કે પ્રમુખની બે ટર્મની પરંપરા ન હોવાથી તેમને પ્રમુખ બનાવવા પર સહમતિ બની શકી ન હતી.

સુપ્રીમ કોર્ટે તાજેતરમાં બીસીસીઆઈના પદાધિકારીઓ માટે સતત બે ટર્મની વ્યવસ્થા કરવાની મંજૂરી આપી હતી. આ સહમતિનો ફાયદો હવે માત્ર બીબીસીઆઈ સચિવ જય શાહને મળશે.

જોકે તૃણમૂલ કૉંગ્રેસે આ મામલાને રાજકીય રંગ પણ આપી દીધો. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે ભાજપમાં ન જોડાવાને કારણે સૌરવ ગાંગુલી ફરીથી બીસીસીઆઈના અધ્યક્ષ બની શક્યા નથી. જોકે ભાજપમાં જોડાયા વિના તેમણે એક ટર્મ પૂરી પણ કરી લીધી છે.

line

1983ના વર્લ્ડકપના હીરો છે બિન્ની

રોજર બિન્ની

ઇમેજ સ્રોત, THE HINDU

ભારતના આ ઑલરાઉન્ડરને 1983ના વર્લ્ડકપમાં ભારતની જીતના હીરો તરીકે ઓળખવામાં આવે છે. કપિલ દેવના નેતૃત્વમાં ભારતે જીતેલા આ વર્લ્ડકપમાં બિન્નીએ આઠ મૅચમાં સૌથી વધુ 18 વિકેટ ઝડપી હતી.

એ વર્લ્ડકપમાં 20 જૂને ચેમ્સફોર્ડમાં ઑસ્ટ્રેલિયા સામે રમાયેલી મૅચમાં તેમના પ્રદર્શનને કેવી રીતે ભૂલી શકાય. ભારતને આગળ વધવા માટે આ મૅચ જીતવી જરૂરી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 247 રન બનાવ્યા હતા, જેમાં બિન્નીએ 21 રનનું યોગદાન આપ્યું હતું.

ઑસ્ટ્રેલિયાની જવાબી ઇનિંગને રોજર બિન્ની અને મદનલાલની જોડીએ 129 રનમાં ધ્વસ્ત કરી ભારતને 118 રને વિજય અપાવ્યો હતો. આ મૅચમાં બિન્નીએ 29 રનમાં ચાર અને મદનલાલે 20 રનમાં ચાર વિકેટ ઝડપી હતી.

માત્ર વર્લ્ડકપ જ નહીં રોજર બિન્ની ઑસ્ટ્રેલિયામાં સમાયેલી 1985ની વર્લ્ડ સિરીઝ ચૅમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન માટે પણ જાણીતા છે. આ શ્રેણીમાં તેમણે 17 વિકેટ લઈને ભારતને ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

line

બિન્ની ક્ષમતા કરતા ઓછી મૅચ રમ્યા

રોજર બિન્ની એક ઉમદા ઑલરાઉન્ડર રહ્યા છે. હકીકતમાં તેઓ એ જમાનામાં રમ્યા છે જેમાં પેસ બૉલરોનો ઉપયોગ માત્ર બૉલને ચમકાવવા માટે થતો હતો અને પછી બૉલ સ્પિન બૉલરોને આપી દેવામાં આવતો હતો.

એ વાત સાચી છે કે બિન્નીમાં જે ક્ષમતા હતી તે પ્રમાણે તેમણે વધુ ટેસ્ટ મૅચ અને વનડેમાં રમવું જોઈતું હતું, પરંતુ તેમણે માત્ર 27 ટેસ્ટ 72 વનડે મૅચ રમી છે.

એ વાત ખરી કે બિન્નીની બૉલિંગમાં વધારે ગતિ નહોતી. પરંતુ તે સ્વિંગનો સારો ઉપયોગ કરીને બૅટ્સમૅનોને મુશ્કેલીમાં મુકવામાં સફળ રહેતા હતા. તેમણે જે રીતે બૉલિંગ અને બેટિંગ કરી તે જોઈને લાગે છે કે તેમને વધુ તક મળવી જોઈતી હતી.

તેમણે પોતાની આંતરરાષ્ટ્રીય કૅરિયરમાં ઉપરના ક્રમના બૅટ્સમૅનો ફ્લૉપ જતા ઘણી વાર સૈયદ કિરમાણી સાથે જોરદાર બેટિંગ કરીને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

line

ભારત માટે ટેસ્ટ રમનાર પ્રથમ ઍંગ્લો ઇન્ડિયન

વર્ષ 1986માં રોજર બિન્ની તેમનાં પત્ની સિન્થિયા અને 18 મહિનાના પુત્ર સ્ટુઅર્ટ સાથે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 1986માં રોજર બિન્ની તેમનાં પત્ની સિન્થિયા અને 18 મહિનાના પુત્ર સ્ટુઅર્ટ સાથે

રોજર બિન્નીએ 1979માં પોતાના હોમ ગ્રાઉન્ડ બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. આ રીતે તે ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમનાર પ્રથમ ઍંગ્લો ઇન્ડિયન બન્યા હતા. બિન્ની સ્કોટિશ મૂળના ભારતીય છે.

બિન્નીને સહજ પ્રતિભા ધરાવતા ઍથ્લીટ માનવામાં આવતા હતા. ક્રિકેટ ઉપરાંત, તેઓ તેમના શાળા જીવનમાં ફૂટબૉલ અને હોકી પણ રમતા હતા. એટલું જ નહીં, તે ઍથ્લેટિક્સમાં ભાલાફેંકમાં પણ એટલા સારા હતા કે તેઓ તેમાં પણ કારકિર્દી બનાવી શક્યા હોત.

તેમણે બોયઝ કૅટેગરીમાં જેવલિનમાં નેશનલ રેકૉર્ડ પણ બનાવ્યો હતો. તેઓ સારી બૉલિંગ પણ કરતા હતા. તેથી જ્યારે કારકિર્દી બનાવવાની વાત આવી ત્યારે તેમણે ક્રિકેટને પસંદ કર્યું.

line

પસંદગીકાર તરીકેની સિદ્ધિ

1883ના વર્લ્ડકપની વિજેતા ટીમના સભ્યો સાથે રોજર બિન્ની (જમણે)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1883ના વર્લ્ડકપની વિજેતા ટીમના સભ્યો સાથે રોજર બિન્ની (જમણે)

રોજર બિન્ની 2012માં બીસીસીઆઈના પસંદગીકાર તરીકે ચૂંટાયા હતા. આ તે સમય હતો જ્યારે તેમના પુત્ર સ્ટુઅર્ટ બિન્ની ભારત માટે રમવાના દાવેદાર બની ગયા હતા. આ સ્થિતિમાં રોજર પર પક્ષપાતના કેટલાક આરોપ લગાવવામાં આવ્યા હતા. પરંતુ રોજર બિન્નીએ પોતાની નિષ્પક્ષતાનું એવું ઉદાહરણ બેસાડ્યું કે જેની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે.

જ્યારે સ્ટુઅર્ટની પસંદગીની વાત આવતી હતી ત્યારે ચર્ચા શરૂ થાય તે પહેલાં રોજર મીટિંગ રૂમમાંથી બહાર નીકળી જતા હતા. રોજર બિન્ની તેમના રમતના દિવસોમાં એક ખેલાડીની સૌથી વધુ નજીક હતા અને તે ગુંડપ્પા વિશ્વનાથ હતા. બંનેની મિત્રતાના તમામ કિસ્સા મશહુર છે.

પસંદગીકાર સિવાય રોજર બિન્નીએ બીસીસીઆઈમાં કોચની ભૂમિકા પણ નિભાવી હતી. તેઓ 2000માં અંડર-19 વર્લ્ડકપમાં ભારતીય ટીમના કોચ હતા.

આ વર્લ્ડકપમાં ભારત પ્રથમ વખત ચૅમ્પિયન બન્યું હતું. આ વર્લ્ડકપે ભારતને મોહમ્મદ કૈફ અને યુવરાજસિંહ જેવા ક્રિકેટરો આપ્યા, જેમણે પાછળથી ભારતને ગૌરવ અપાવ્યું.

રોજર બિન્નીએ નિવૃત્તિ પછી પણ ક્રિકેટ સાથેનો તેમનો સંબંધ ચાલુ રાખ્યો હતો. એશિયન ક્રિકેટ કાઉન્સિલ વિવિધ દેશોમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવાનું કામ પણ કરે છે. રોજર બિન્નીએ તેના ડૅવલપમેન્ટ અધિકારી તરીકે વિવિધ દેશોમાં જઈને યુવાનોને ક્રિકેટ શીખવ્યું છે.

એક સારા ક્રિકેટર હોવા ઉપરાંત રોજર બિન્ની એક ઉમદા માણસ પણ છે અને તેઓ સ્વચ્છ છબી પણ ધરાવે છે. જ્યારે તેઓ બીસીસીઆઈ પસંદગી સમિતિના સભ્ય હતા ત્યારે લોઢા સમિતિએ તેમના પર હિતોના ટકરાવનો આરોપ મૂક્યા બાદ તરત જ તેમણે પસંદગી સમિતિમાંથી રાજીનામું આપી દીધું હતું.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન