દીપક પટેલ: સ્પિન બૉલિંગથી ઇનિંગના પ્રારંભનો નવો ચીલો ચાતરનાર ગુજરાતી ક્રિકેટર

ઇમેજ સ્રોત, Mike Hewitt

- એક પ્રયોગ 1992ના વર્લ્ડકપમાં ન્યૂઝીલૅન્ડના તત્કાલીન સુકાની માર્ટિન ક્રોવે કર્યો હતો. તેમણે મૂળ ગુજરાતી એવા ઑફ સ્પિનર દીપક પટેલ પાસે ઇનિંગ્સનો પ્રારંભ કરાવતી બૉલિંગ કરાવી જેને અદભુત સફળતા સાંપડી અને આજે ત્રણ દાયકા બાદ પણ દુનિયાભરના સુકાનીઓ આમ કરી રહ્યા છે
- દીપક પટેલ પાસે પ્રારંભમાં બૉલિંગ કરાવવાનો લાભ કેવો મળ્યો તે પટેલે આઉટ કરેલા ખેલાડીઓની યાદી પર નજર કરીએ તો ખ્યાલ આવશે.
- પ્રારંભમાં જ પટેલનો શિકાર થયેલા બૅટ્સમૅનમાં એલન બૉર્ડર, એન્ડ્ર્યુ હડસન (સાઉથ આફ્રિકન આક્રમક ઓપનર), કાર્લ હુપર, ક્રિષ્ણામાચારી શ્રીકાન્ત, ઇયાન બોથમ (એ વખતે ઓપનિંગ કર્યું હતું), એલેક સ્ટુઅર્ટ અને ખતરનાક પાકિસ્તાની ઓપનર આમિર સોહૈલ
- દીપક પટેલની કારકિર્દીના ચડાવઉતાર વિશે વધુ જાણવા વાંચો આ અહેવાલ...

ક્રિકેટમાં વારંવાર પરિવર્તન થતાં રહે છે અને તે જરૂરી પણ છે. તાજેતરમાં જ આઇસીસીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે પરંતુ વન-ડે ક્રિકેટમાં 1992માં જે પરિવર્તન આવ્યાં તે અભૂતપૂર્વ છે.
આજ સુધી તેને યાદ રખાય છે. આવા જ એક પરિવર્તન કે અખતરા કે પ્રયોગમાં એક સામેલ છે સ્પિનરને ઇનિંગ્સના પ્રારંભે બૉલિંગ આપવી.
આવો પ્રયોગ 1992ના વર્લ્ડકપમાં ન્યૂઝીલૅન્ડના તત્કાલીન સુકાની માર્ટિન ક્રોવે કર્યો હતો. તેમણે મૂળ ગુજરાતી એવા ઑફ સ્પિનર દીપક પટેલ પાસે ઇનિંગ્સનો પ્રારંભ કરાવતી બૉલિંગ કરાવી જેને અદભુત સફળતા સાંપડી અને આજે ત્રણ દાયકા બાદ પણ દુનિયાભરના સુકાનીઓ આમ કરી રહ્યા છે.
આ વાત હવે અત્યંત સામાન્ય બની ગઈ છે પરંતુ તેની શરૂઆત એક ગુજરાતીએ કરી હતી.
દીપક પટેલ મૂળ કેન્યાના વતની અને ત્યાંથી આ પટેલ પરિવાર ન્યૂઝીલૅન્ડમાં સ્થાયી થયો. 1958ની 25મી ઑક્ટોબરે કેન્યાના નૈરોબીમાં દીપક પટેલનો જન્મ થયો હતો.
એ અરસામાં આફ્રિકાથી ઘણા ગુજરાતી પરિવારને વતન પરત ફરવાની ફરજ પડી હતી તેમાં કેટલાક ભારત આવ્યા, તો ઘણા પરિવાર ઇંગ્લેન્ડ જઈને વસ્યા, જ્યારે નરસિંહભાઈ પટેલ તેમના બે પુત્ર દીપક તથા કૌશિકની સાથે સમગ્ર પરિવારને લઈને ઇંગ્લૅન્ડ પહોંચી ગયા.
આમ ન્યૂઝીલૅન્ડ માટે ટેસ્ટ અને વન-ડેમાં રમ્યા હોવા છતાં દીપક પટેલની ખરી કારકિર્દીમાં ન્યૂઝીલૅન્ડ કરતાં ઇંગ્લૅન્ડનો વધારે ફાળો રહ્યો છે.
દીપક પટેલે 1970ના દાયકના અંત ભાગમાં અંડર-19 ક્રિકેટથી જ ઇંગ્લૅન્ડમાં રમવાનું શરૂ કરી દીધું હતું. 1976માં તો તેઓ વોર્સેસ્ટરશાયરની કાઉન્ટી ટીમમાં સ્થાન હાંસલ કરી ચૂક્યા હતા અને તેઓ અગાઉ ઇંગ્લૅન્ડની અંડર-19 ટીમ તરફથી ઑસ્ટ્રેલિયન યંગ ક્રિકેટર્સ ટીમ સામે બે મૅચ પણ રમી ચૂક્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે થોડો સમય રાહ જોયા બાદ જયારે એમ લાગ્યું કે ઇંગ્લૅન્ડની ઇન્ટરનેશનલ ટીમમાં સ્થાન મળવાની શક્યતા ઓછી છે અથવા તો ત્યાં સ્પર્ધા વધારે તીવ્ર છે ત્યારે દીપક પટેલે ત્યાંથી સ્થળાંતર કરીને ન્યૂઝીલૅન્ડ જવાનો નિર્ણય લીધો.
ઑકલૅન્ડની ટીમ તરફથી રમ્યા બાદ દીપક પટેલ ન્યૂઝીલૅન્ડમાં ટેસ્ટ રમવા માટે યોગ્યતા હાંસલ કરી શક્યા અને પછી તેમની કારકિર્દી સડસડાટ ચાલી.

નવાં પરિવર્તનો સાથેનો વર્લ્ડકપ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
1992નો વર્લ્ડકપ ઘણાં બધાં પરિવર્તન લઈને આવ્યો હતો જેમાં પહેલી વાર વર્લ્ડકપમાં ખેલાડીઓ રંગીન યુનિફોર્મમાં જોવા મળ્યા હતા.
અગાઉના ચારેય વર્લ્ડકપમાં પરંપરાગત વ્હાઇટ યુનિફોર્મનો ઉપયોગ થતો હતો પરંતુ આ વખતનો વર્લ્ડકપ બધી જ રીતે કલરફૂલ હતો.
મોટા ભાગની મૅચો ફ્લડલાઇટ હેઠળ યોજાઈ હતી તે પણ અભૂતપૂર્વ બાબત હતી, તો પરંપરાગત મરૂન બૉલનું સ્થાન વ્હાઈટ બૉલે પહેલી વાર લીધું હતું.
ઉપરાંત બંને છેડેથી અલગઅલગ બૉલનો ઉપયોગ થતો હતો જેથી મૅચ દરમિયાન બૉલની કન્ડિશન પર ખાસ અસર પડે નહીં.
આ ઉપરાંત પ્રથમ 15 ઓવરમાં માત્ર બે જ ફિલ્ડર 30 યાર્ડના સર્કલની બહાર ઊભા રહી શકતા હતા. આ નિયમનો સૌથી વધારે લાભ સહયજમાન ન્યૂઝીલૅન્ડના કૅપ્ટન માર્ટિન ક્રોવે ઉઠાવ્યો અને પહેલી 15 ઓવર દરમિયાન જ ઑફ સ્પિનરને બૉલિંગ આપીને પ્રારંભિક બૅટ્સમૅનને લલચાવવાનો પ્રયાસ કરવા માટે તેણે દીપક પટેલ પાસે બૉલિંગ કરાવી.
દીપક પટેલ પાસે પ્રારંભમાં બૉલિંગ કરાવવાનો લાભ કેવો મળ્યો તે પટેલે આઉટ કરેલા ખેલાડીઓની યાદી પર નજર કરીએ તો ખ્યાલ આવશે.
પ્રારંભમાં જ પટેલનો શિકાર થયેલા બૅટ્સમેનમાં એલન બૉર્ડર, એન્ડ્ર્યુ હડસન (સાઉથ આફ્રિકન આક્રમક ઓપનર), કાર્લ હુપર, ક્રિષ્ણામાચારી શ્રીકાન્ત, ઇયાન બોથમ (એ વખતે ઓપનિંગ કર્યું હતું), એલેક સ્ટુઅર્ટ અને ખતરનાક પાકિસ્તાની ઓપનર આમિર સોહૈલ.
આવા બૅટ્સમૅનને ઇનિંગ્સની શરૂઆતમાં જ આઉટ કરી દેવા ક્યારેય અને કોઈના માટે આસાન બાબત ન હતી.
મજાની વાત તો એ રહી કે દીપક પટેલે દર વખતે ટીમને સસ્તામાં જ સફળતા અપાવી દીધી હતી, કેમ કે ઉપરોક્ત યાદીમાંથી સ્ટુઅર્ટના 41 રનને બાદ કરતાં બાકીનો કોઈ બૅટ્સમૅન 1992ના વર્લ્ડકપમાં ન્યૂઝીલૅન્ડ સામે ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યો ન હતો.

સાતત્યનો અભાવ

ઇમેજ સ્રોત, Getty Images
જોકે એક ઓલરાઉન્ડર દીપક પટેલની ખ્યાતિ એક ઉમદા બૅટ્સમૅન તરીકેની હતી પરંતુ સાથે તેમની બેટિંગમાં એક ખામી હતી અને તે હતી સાતત્યનો અભાવ.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 558 ઇનિંગ્સમાં 26 સદી તેમના નામે બોલતી હતી.
લગભગ બે દાયકાની કારકિર્દી અને તેમાંય મોટા ભાગની ક્રિકેટ ઇંગ્લેન્ડમાં રમ્યા પછી દીપક પટેલ પાસેથી મોટી ઈનિંગ્સની અપેક્ષા હતી અને તેમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા.
ટેસ્ટ કારકિર્દીમાં એક વાર સદી ફટકારવાની તક સાંપડી ત્યારે પણ 99 રનના સ્કોરે તેઓ રનઆઉટ થયા હતા.
1992ના યાદગાર વર્લ્ડકપના બરાબર એક મહિના અગાઉ ક્રાઇસ્ટચર્ચ ખાતે રમાયેલી ન્યૂઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડ વચ્ચેની એ ટેસ્ટ નર્વસ નાઇન્ટી માટે યાદ રખાય તેવી બની રહી હતી.
દીપક પટેલે સાડા ત્રણ કલાક બેટિંગ કરી અને અંતે 99 રનના સ્કોરે રનઆઉટ થયા તે અગાઉ ઇંગ્લૅન્ડના રોબિન સ્મિથ અને એલન લેમ્બ પણ 90 રનના સ્કોર બાદ સદી પૂરી નહીં કરીને આઉટ થઈ ગયા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
આટલું પર્યાપ્ત ન હોય તેમ ન્યૂઝીલૅન્ડના બીજા દાવમાં ઓપનર જ્હોન રાઇટ 99 રનના સ્કોરે સ્ટમ્પિંગ થયા હતા.
જોકે વાત દીપક પટેલની થઈ રહી છે ત્યારે 37 ટેસ્ટની કારકિર્દીમાં તેમની પાસે આ એકમાત્ર તક હતી જયારે તેઓ સદી ફટકારી શકે તેમ હતા.
જોકે 37 ટેસ્ટમાં 1200 રન અને 75 વિકેટ પણ એક પરદેશી કિવિ ક્રિકેટર માટે સામાન્ય સિદ્ધિ નહીં લેખાય, આ ઉપરાંત દીપક પટેલ ન્યૂઝીલૅન્ડ માટે 1992ના યાદગાર વર્લ્ડકપ સિવાય 75 વન-ડે રમ્યા હતા જેમાં તેમના નામે 623 રન અને 45 વિકેટ નોંધાયેલી છે.
લગભગ બે દાયકાની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દી વધારે પ્રભાવશાળી દેખાય છે, કેમ કે વિદેશથી આવીને ઇંગ્લૅન્ડ અને ન્યૂઝીલૅન્ડમાં સ્થાયી થયેલા આ ક્રિકેટરે 358 ફર્સ્ટ ક્લાસ મૅચ રમીને 558 ઇનિંગ્સમાં 15 હજાર કરતાં વધારે રન ફટકાર્યા હતા. જેમાં 26 સદી, 66 અડધી સદી ઉપરાંત 654 જેટલી અધધધ કહી શકાય તેટલી વિકેટ ખેરવી હતી.
એક ફિલ્ડર તરીકે દીપક પટેલ એટલા જ ચબરાક હતા જેની ચાડી તેમણે ઝડપેલા 193 કૅચ ખાય છે, તો લિમિટેડ ઓવરના ક્રિકેટમાં સાડા ત્રણસો કરતાં વધારે મૅચમાં 250 વિકેટ અને 102 કેચ દીપક પટેલની કારકિર્દીને વધારે પ્રભાવશાળી બનાવી દે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













