જશવંત બકરાણિયાઃ ભારતીય ટીમથી વંચિત વધુ એક કમનસીબ પ્રતિભાવાન ક્રિકેટરની કહાણી

ઇમેજ સ્રોત, Bakrania Family

- જશવંત બકરાણિયા આફ્રિકામાં જન્મેલા એ સમયના કદાચ એકમાત્ર ખેલાડી હતા જે ગુજરાતમાં આવીને રમ્યા હોય
- તેઓ મૂળ આફ્રિકન ન હતા પરંતુ તેમનો જન્મ 1948ની 11મી ઑક્ટોબરે પૂર્વ આફ્રિકાના ઝિન્ઝા ખાતે થયો હતો, પાંચ વર્ષ બાદ તેમના નાના ભાઈ અશ્વિન બકરાણિયા પણ ઝિન્ઝામાં જન્મ્યા હતા. બંને ભાઈ સૌરાષ્ટ્ર માટે સાથે રમ્યા હતા
- તેમની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની 56 મૅચમાં બકરાણિયાએ ફટકારેલા 3137 રનમાંથી લગભગ 3000 રન તેમણે ઓપનર તરીકે ફટકાર્યા છે
- વિકેટકીપર તરીકે આ 56 મૅચમાં તેમનું યોગદાન 51 કેચ અને 12 સ્ટમ્પિંગ સહિત 63 શિકારનું હતું જે એ સમયના અન્ય ટીમના વિકેટકીપર કરતાં વધારે પ્રભાવશાળી યોગદાન કહી શકાય

વાત 1976ના ડિસેમ્બર અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ (નવરંગપુરા ખાતેનું જૂનું સ્ટેડિયમ) પર ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે રણજી ટ્રૉફીની મેચની છે.
આ મૅચના થોડા દિવસ પહેલાં જ ટોની ગ્રેગની ઇંગ્લૅન્ડની ટીમ (તત્કાલીન એમસીસીની ટીમ) અહીં ત્રણ દિવસીય મૅચ રમવા આવી હતી અને હજી એ મૅચ બાદ સ્ટેડિયમને ફરતે બાંધેલા લાકડાના સ્ટેન્ડ અને તંબુ પણ નીકળ્યા ન હતા ત્યાં તો આ રણજી મૅચનો પ્રારંભ થઈ ગયો.
અમે વિદ્યાર્થીઓ આ મૅચ જોવા માટે વર્ગમાંથી ગાપચી મારીને પહોંચી ગયા હતા. જતાં વેંત જોયું તો ગુજરાતે એક વિકેટ ગુમાવી દીધી હતી. કોઈને પૂછ્યું કે કોણ આઉટ થયું, તો કહ્યું કે જશવંત બકરાણિયા.
અમારામાંથી એકે કહ્યું કે ચાલો પતી ગયું, હવે શું જોવાનું છે, પાછા સ્કૂલમાં જતા રહીએ. એ વખતે પાછળથી એક ખરજ અને ઘેરો અવાજ આવ્યો અરે બેસો....બીજા ખેલાડીને તો રમતા નિહાળો.
આ અવાજ હતો જશવંત બકરાણિયાનો. આ અવાજ સાંભળ્યાનાં વર્ષો બાદ જ્યારે મોબાઇલ ફોન આસાનીથી ઉપલબ્ધ થવા માંડ્યા ત્યારે તેમના બેંગ્લુરુના નિવાસે ફોન કર્યો અને ઘણી વાત કરી તથા આ પ્રસંગ યાદ કરાવ્યો.
ફોન કરવાનું કારણ એ હતું કે અહીં ગુજરાતમાં એવી વાતો થતી હતી કે તેમની તબિયત અત્યંત લથડેલી રહે છે અને જીવન સામે ઝઝૂમી રહ્યા છે. આ વાત તેમને કરી તો 1976નો કિસ્સો સાંભળીને એ જ ખરજભર્યા અવાજમાં જશવંતભાઈનો જવાબ હતો અરે ભાઈ...થોડી રાહ જુઓ...આજના ક્રિકેટરને રમતા નિહાળો, મારે તો હજી ઘણી વાર છે.
આ વાત હતી 2022ની 13મી સપ્ટેમ્બરની... હા, ગુજરાત અને સૌરાષ્ટ્રના એક સમયના સૌથી સફળ ઓપનર અને કામચલાઉ વિકેટકીપર તરીકે પણ શાનદાર ભૂમિકા ભજવનારા જશવંત બકરાણિયાનું તાજેતરમાં જ નિધન થયું છે.

સ્ટાર ખેલાડીઓની વચ્ચે પ્રતિભાની અવગણના

ઇમેજ સ્રોત, Bakrania Family
1970 અને 1980ના દાયકામાં રમેલા એવા તો ઘણા ક્રિકેટર મળી રહેશે જેમને ભારત માટે રમવાની ક્યારેય તક મળી ન હોય. ભારતના ચાર ખ્યાતનામ સ્પિનરને કારણે ઘણા સ્પિનર ટેસ્ટ સુધી પહોંચી શક્યા નહીં તો સુનીલ ગાવસ્કર અને ગુંડપ્પા વિશ્વનાથ ઉપરાંત દિલીપ વેંગસરકરને કારણે ઘણા બૅટ્સમૅનને પણ ભારતીય ટીમમાં તક મળતી ન હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે તેમાં એ મહાન ખેલાડીઓનો વાંક ન હતો કે ના તો આવા હોનહાર ખેલાડીઓમાં કોઈ ખામી હતો, પણ એ વખતનો ટ્રેન્ડ જ કાંઈક એવો હતો કે મહાન ખેલાડી નિષ્ફળ રહે તો પણ તેમને પડતા મૂકવાની પસંદગીકારો કે બોર્ડમાં હિંમત ન હતી.
ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેલાડીઓ વધારે કમનસીબ હતા, કેમ કે તેમને તો વેસ્ટ ઝોનની ટીમમાં પણ ભાગ્યે જ સ્થાન મળતું હતું. વેસ્ટ ઝોનની ટીમમાં મુંબઈના ખેલાડીઓની બોલબાલા રહેતી હતી.
વાત જશવંત બકરાણિયાની કરીએ તો આફ્રિકામાં જન્મેલા એ સમયના કદાચ તેઓ એકમાત્ર ખેલાડી હતા જે ગુજરાતમાં આવીને રમ્યા હોય.
તેઓ મૂળ આફ્રિકન ન હતા પરંતુ તેમનો જન્મ 1948ની 11મી ઑક્ટોબરે પૂર્વ આફ્રિકાના ઝિન્ઝા ખાતે થયો હતો. પાંચ વર્ષ બાદ તેમના નાના ભાઈ અશ્વિન બકરાણિયા પણ ઝિન્ઝામાં જન્મ્યા હતા. બંને ભાઈ સૌરાષ્ટ્ર માટે સાથે રમ્યા હતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જશવંત બકરાણિયાને એ દિવસે સરદાર પટેલ સ્ટેડિયમ પર રમતા જોઈ નહીં શક્યાનો અફસોસ એ સ્કૂલી વિદ્યાર્થીઓને એટલા માટે હતો કે હજી આ મૅચના થોડા મહિના અગાઉ નડિયાદમાં રમાયેલી મૅચમાં નારાયણ સાઠમ, સેસિલ વિલિયમ્સ અને શૌકત દૂધા જેવા બૉલર સામે તેમણે અડીખમ બેટિંગ કરી હતી અને ઇનિંગ્સનો આરંભ કર્યા બાદ અંત સુધી આઉટ થયા વિના 137 રન ફટકાર્યા હતા.
ક્રિકેટમાં આ ઘટનાને કેરીડ ધ બેટ થ્રુ કહેવાય છે અને તેનો અર્થ આ વિદ્યાર્થીઓને હજી હમણાં જ નડિયાદની મૅચ વિશે વાંચ્યા બાદ સમજાયો હતો ત્યારે બકરાણિયાની બેટિંગ નિહાળવાની ઉત્કંઠા તેમનામાં હોય તે સ્વાભાવિક હતું.
જશવંત બકરાણિયામાં પ્રતિભાની કોઈ કમી ન હતી પરંતુ તેમ કહી શકાય કે તેમણે ખોટા સમયે ક્રિકેટમાં એન્ટ્રી લીધી હતી જ્યારે ભારતીય ટીમમાં તો તેમના માટે સ્થાન ન હોય પરંતુ વેસ્ટ ઝોનની ટીમમાં પણ તેમની સાથે મોટા ભાગે અન્યાય જ થયો હતો.
ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે નિયમિતપણે ઓપનિંગ કરનારા તથા જેના નામે કેરીડ ધ બેટ થ્રુ જેવી સિદ્ધિ નોંધાયેલી હોય તેમને વેસ્ટ ઝોનની ટીમાં છેક આઠમા ક્રમે રમવા આવવું પડતું હતું અને તે પણ તેમનો સમાવેશ વિકેટકીપર તરીકે થતો હતો. અને વિકેટકીપર તો મોડો જ બેટિંગમાં આવે તેવી એ વખતે પ્રણાલી હતી.

56 મૅચમાં 3137 રન

ઇમેજ સ્રોત, Bakrania Family
વેસ્ટ ઝોનની ટીમમાં સુનીલ ગાવસ્કરની સાથે દિલીપ વેંગસરકરને ઓપનિંગમાં મોકલાય પણ બકરાણિયા જેવા સ્થાપિત ઓપનરને આઠમો ક્રમ અપાય તેથી વધુ વિચિત્રતા કે કમનસીબી શું હોઈ શકે.
છેલ્લે છેલ્લે છેક 1978-79માં ગાવસ્કર કે વેંગસરકર તથા અન્ય સ્ટાર ખેલાડીની ગેરહાજરીમાં તેમને દિનેશ નાણાવટી સાથે ઇનિંગ્સનો પ્રારંભ કરવા મોકલાયા હતા જેમાં તેમણે સેન્ટ્રલ ઝોન સામે 24 અને 45 રનની ઇનિંગ્સ રમી હતી.
આવા એકમાત્ર અપવાદને બાદ કરતાં બકરાણિયા વેસ્ટ ઝોન માટે આઠમા ક્રમના બૅટ્સમૅન બની રહ્યા હતા. આ સિવાય તેમની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની 56 મૅચમાં બકરાણિયાએ ફટકારેલા 3137 રનમાંથી લગભગ 3000 રન તેમણે ઓપનર તરીકે ફટકાર્યા છે.
ઓપનર તરીકે તેમના નામે ચાર સદી બોલે છે જ્યારે એક વાર મહારાષ્ટ્ર સામે તેમને ઇજાને કારણે સાતમા ક્રમે રમવા જવું પડ્યું હતું પરંતુ તેમાં તેમણે સદી ફટકારી હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ તેમની એક માત્ર ઇનિંગ્સ હતી જેમાં તેમણે સાતમા ક્રમે રમીને સદી ફટકારી હોય.
જશવંત બકરાણિયા રણજી ટ્રૉફીમાં નિયમિત વિકેટકીપર તરીકે પણ રમી શકે તેમ હતા પરંતુ તેમની ગણતરી સ્પેશિયલ બૅટ્સમૅન તરીકે જ કરવામાં આવતી હતી.
નહીંતર વિકેટકીપર તરીકે આ 56 મૅચમાં તેમનું યોગદાન 51 કેચ અને 12 સ્ટમ્પિંગ સહિત 63 શિકારનું હતું જે એ સમયના અન્ય ટીમના વિકેટકીપર કરતાં વધારે પ્રભાવશાળી યોગદાન કહી શકાય.
1970માં કારકિર્દીનો પ્રારંભ કર્યા બાદ બકરાણિયાએ 1984માં પોતાની અંતિમ રણજી ટ્રૉફી મૅચ સુરતની એમટીબી કૉલેજના મેદાન પર મહારાષ્ટ્ર સામે રમી હતી, જેમાં તેમણે પોતાની કારકિર્દીની છેલ્લી ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી.
જોકે ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન હાંસલ નહીં કરી શકવાનો અફસોસ આજીવન રહ્યો હોવા છતાં તેમના માટે એક સારી બાબત એ રહી હતી કે નિવૃત્તિના થોડા સમય બાદ કચ્છના ગાંધીધામ ખાતે તેમની એક બેનિફિટ મૅચ રમાઈ હતી.
તેઓ એ સમયે કચ્છમાં એક કંપનીમાં જોબ કરતા હતા. એ સિવાય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની સાથે સાથે તેઓ અમદાવાદમાં પણ કાર્યરત્ હતા.
ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ જશવંત બકરાણિયા બેંગ્લુરુમાં સ્થાયી થયા હતા. તેમના નિધનના બરાબર 24 કલાક અગાઉ બેંગ્લુરુમાં તેમનો વ્યાયામ કરતો એક વીડિયો નિહાળીએ તો એમ થાય કે 74 વર્ષની વયે પણ તેઓ કેટલા ફિટ રહેતા હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













