કરસન ઘાવરી : એ ગુજરાતી ક્રિકેટર જે માત્ર થોડા રનોથી કપિલ દેવના ટેસ્ટ રેકર્ડની બરાબરી કરતા રહી ગયા

ઇમેજ સ્રોત, Getty Images

- કરસન ઘાવરીએ કાંગારુઓના પરાજયનો પાયો નાખ્યો ત્યારે એમ કહેવાતું હતું કે ઘાવરીને ઑસ્ટ્રેલિયા સામે રમવાનો ખાસ અનુભવ નથી
- કરસન ઘાવરી ભારતના એવા એકાદ બે કમનસીબ ખેલાડીમાં સ્થાન ધરાવે છે જેઓ 1000 રનની સિદ્ધિથી થોડા રન માટે વંચિત રહી ગયા
- ઘાવરીએ 39 ટેસ્ટમાં 913 રન નોંધાવ્યા હતા, તેમણે વધુ 87 રન કર્યા હોત તો 1000 રન અને 100 વિકેટની બેવડી સિદ્ધિ હાંસલ કરવામાં કપિલદેવની સાથે સાથે તેમનું નામ પણ હોત
- કરસન ઘાવરીએ એ સમયે ભારતીય ટીમમાં પદાર્પણ કર્યું જ્યારે ભારતમાં ઝડપી બૉલરની કોઈ પરંપરા જ ન હતી
- ઘાવરીએ 109 વિકેટમાંથી 32 વિકેટ ઑસ્ટ્રેલિયા સામે અને 36 વિકેટ વેસ્ટ ઇન્ડિઝ સામે લીધી હતી

ભારતીય ક્રિકેટમાં ઘણી યાદગાર ટેસ્ટ હશે પરંતુ તેમાં 1981ના ફેબ્રુઆરીમાં રમાયેલી ઑસ્ટ્રેલિયા સામેની મેલબોર્ન ખાતેની ટેસ્ટ ખાસ સ્થાન ધરાવે છે.
ભારતે આ મૅચમાં ઑસ્ટ્રેલિયાને હરાવીને ઇતિહાસ રચ્યો હતો એટલા માટે જ નહીં પરંતુ એ મૅચમાં ઘણી બધી એવી ઘટના બની હતી જેને કારણે આ મૅચને યાદ રાખવી જ પડે.
ભારતે અગાઉ પણ કાંગારુ ધરતી પર ટેસ્ટ જીતી હતી પરંતુ એ વખતની ઑસ્ટ્રેલિયન ટીમ અને 1981ની ગ્રેગ ચેપલની ટીમ વચ્ચે ઘણો તફાવત હતો.
આ ટીમ ઘણી મજબૂત હતી અને તેને હરાવવી આસાન ન હતું. તેવામાં મેલબોર્નમાં મૅચના ચોથા દિવસે ઑસ્ટ્રેલિયાને માત્ર 143 રનનો ટાર્ગેટ મળ્યો અને ભારતનો વિજય નિશ્ચિત મનાતો હતો.
તેવામાં દિવસની રમત પૂરી થાય તે અગાઉ ઑસ્ટ્રેલિયાએ માત્ર 24 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી. આ સફળતા અપાવવામાં સૌરાષ્ટ્રના કડુભાઈ એટલે કે કરસન ઘાવરીનો ફાળો અમૂલ્ય હતો.
આ ટેસ્ટના લગભગ એક દાયકા બાદ અમદાવાદમાં મુંબઈની રણજી ટીમના કોચ તરીકે આવેલા કરસન ઘાવરીને આ યાદ અપાવ્યું ત્યારે તેમણે એટલું જ કહ્યું હતું કે ગ્રેગ ચેપલની દાંડી ઉડાડવાની મજા જ ઓર હતી.
વાત એમ હતી કે 143 રનના ટાર્ગેટ સામે રમવા ઊતરેલી ઑસ્ટ્રેલિયન ટીમે 11 રનના સ્કોરે ઓપનર જ્હોન ડાયસનની વિકેટ ગુમાવી દીધી અને ગ્રેગ ચેપલનું ક્રિઝ પર આગમન થયું.
ચેપલ તેમના પહેલા જ બૉલે રમવામાં થાપ ખાઈ ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હકીકતમાં લેગ સાઇડના બાદશાહ મનાતા ચેપલ લેગ સ્ટમ્પની બહાર પિચ પડેલા બૉલને સમજી શક્યા નહીં અને તેમનું સ્ટમ્પ ઊડી ગયું. બૉલર હતા કરસન ઘાવરી. આમ ઑસ્ટ્રેલિયાએ બે બૉલમાં બે વિકેટ ગુમાવી દીધી. પછી તો મૅચના પાંચમા દિવસે કપિલદેવે તરખાટ મચાવીને ભારતને શાનદાર વિજય અપાવી દીધો.
જોકે વાત છે કરસન ઘાવરીની.
આ મૅચની શરૂઆત થઈ તે અગાઉ ગ્રેગ ચેપલના ભાઈ અને મહાન કૉમેન્ટેટર ઇયાન ચેપલે એમ કહીને ભારતીય ટીમની આકરી ટીકા કરી હતી કે ભારતે છાંયડામાં (એટલે કે નબળી ટીમો સામે જ રમવું જોઈએ, ઑસ્ટ્રેલિયા જેવી ટીમ સામે રમવા આવવું જોઈએ નહીં) અને બન્યું એવું કે 1981ની 11મી ફેબ્રુઆરીએ ઑસ્ટ્રેલિયા મેલબોર્નમાં હાર્યું ત્યારે આ વિશાળ સ્ટેડિયમમાંથી વિદાય લેનારા કટ્ટર ઑસ્ટ્રેલિયાતરફી પ્રેક્ષકો અને અધિકારીઓમાં ઇયાન ચેપલ પ્રથમ વ્યક્તિ હતા.
કરસન ઘાવરીએ કાંગારુઓના પરાજયનો પાયો નાખ્યો ત્યારે એમ કહેવાતું હતું કે ઘાવરીને ઑસ્ટ્રેલિયા સામે રમવાનો ખાસ અનુભવ નથી પરંતુ વાસ્તવિકતા એ છે કે ઘાવરી આ અગાઉ 1977-78માં બોબ સિમ્પસનની ટીમ સામે મેલબોર્ન અને સિડનીમાં ભારતના વિજયના સાક્ષી હતા તો એ અગાઉ છેક 1968માં ભારતીય સ્કૂલ ટીમ તરફથી તેઓ ઑસ્ટ્રેલિયામાં ઘણી મૅચ રમી આવ્યા હતા અને એ અનુભવે જ તેમને આ વખતે સફળતા અપાવી હતી.

સહેજ માટે ચૂકી ગયા

ઇમેજ સ્રોત, Getty Images
1951ની 28મી ફેબ્રુઆરીએ રાજકોટમાં જન્મેલા કરસન ઘાવરી ભારતના એવા એકાદ બે કમનસીબ ખેલાડીમાં સ્થાન ધરાવે છે જેઓ 1000 રનની સિદ્ધિથી થોડા રન માટે વંચિત રહી ગયા હોય.
ઘાવરીએ 39 ટેસ્ટમાં 913 રન નોંધાવ્યા હતા.
આમ તેમણે વધુ 87 રન કર્યા હોત તો 1000 રન અને 100 વિકેટની બેવડી સિદ્ધિ હાંસલ કરવામાં કપિલદેવની સાથે સાથે તેમનું નામ પણ હોત.
પણ, તેઓ મોટા ભાગે બૉલિંગ માટે જ જાણીતા હતા જ્યારે હકીકત એ હતી કે ઘાવરી એક ઉમદા બૅટ્સમૅન પણ હતા. આ લક્ષણો તેમનામાં પોતાની સૌપ્રથમ ફર્સ્ટ ક્લાસ મૅચથી જ દેખાઈ આવ્યાં હતાં. બરોડા સામેની રણજી ટ્રૉફી મૅચમાં પાંચમા ક્રમે રમવા આવેલા ઘાવરીએ શાનદાર 73 રન ફટકારી દીધા હતા.
આ વાત તો છેક 1970ના જાન્યુઆરીની છે પરંતુ ત્યાર બાદ ટેસ્ટ ટીમમાં રમીને પણ તેમણે બે વાર અડધી સદી ફટકારી હતી. એ વખતે ટેસ્ટ ટીમમાં પણ ઘાવરીની ગણના માત્ર બૉલર તરીકે જ થતી હતી એ વાતનો પુરાવો એ છે કે આટલા ઉમદા બૅટ્સમૅન હોવા છતાં તેમને છેક નવમા ક્રમે રમવા મોકલવામાં આવતા હતા.
તેમના પછી ભારતના ખાસ બૅટિંગ માટે નહીં જાણીતા વર્લ્ડ ક્લાસ સ્પિનર બેદી, ચંદ્રશેખર અને પ્રસન્નાની જ બૅટિંગ બાકી રહેતી હતી. આ સંજોગોમાં તેઓ મોટો સ્કોર પણ કરી શકે તેમ ન હતા કેમ કે સામે છેડેથી તેમને યોગ્ય સહકારની અપેક્ષા ન હતી.
કરસન ઘાવરીએ એ સમયે ભારતીય ટીમમાં પદાર્પણ કર્યું જ્યારે ભારતમાં ઝડપી બૉલરની કોઈ પરંપરા જ ન હતી.
ઘાવરીની સાથે મદનલાલ જેવા બૉલર હતા પરંતુ તે સિવાય એવો જમાનો હતો કે માત્ર બૉલને જૂનો કરવા પૂરતા જ પ્રારંભિક ઓવરમાં મધ્યમ ઝડપી કે કામચલાઉ બૉલરને બૉલિંગ આપવામાં આવતી હતી અને પછી ખ્યાતનામ સ્પિનરો બૉલિંગનો હવાલો સંભાળી લેતા હતા. આ સમયે કપિલદેવના આગમનને ભારતીય ક્રિકેટમાં આશીર્વાદરૂપ મનાય છે અને કપિલને પણ સામે છેડેથી યોગ્ય સહકારની જરૂર હતી જે કરસન ઘાવરીએ પૂરો પાડ્યો હતો.
કપિલદેવ, ઘાવરી, મદનલાલ જેવા બૉલરોએ ભારતમાં ઝડપી બૉલિંગના યુગનો પ્રારંભ કર્યો કહેવાય તો કપિલ બાદ ભારતને બૉલિંગ ઑલરાઉન્ડર સાંપડ્યા હોય તો તેનો પ્રારંભ કરસન ઘાવરીએ કર્યો હતો.
ગ્રેગ ચેપલની એ વિકેટ સિવાય પણ ઘાવરીનું ઑસ્ટ્રેલિયા સામેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ટેસ્ટ કારકિર્દીની 913 રનમાંથી 299 રન તેમણે ઑસ્ટ્રેલિયા સામે ફટકાર્યા હતા જેમાં તેમની કારકિર્દીની બંને અડધી સદી આવી જાય છે તો 109 વિકેટમાંથી 32 વિકેટ ઑસ્ટ્રેલિયા સામે અને 36 વિકેટ વેસ્ટ ઇન્ડિઝ સામે. આમ બે મજબૂત ટીમ સામે ઘાવરીએ સૌથી સફળ બૉલિંગ પ્રદર્શન કરેલું હતું.

452 વિકેટનો જાદુગર

ઇમેજ સ્રોત, Getty Images
મૂળ સૌરાષ્ટ્રના અને એ જ ટીમ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હોવા છતાં તેઓ મુંબઈ માટે રમ્યા ત્યાર બાદ તેમને ભારત માટે રમવાની તક મળી હતી.
એ જમાનામાં ભારતીય ટીમમાં મોટા ભાગે મુંબઈ, દિલ્હી, કર્ણાટક અને તામિલનાડુના ખેલાડીઓની બોલબાલા રહેતી હતી.
એવા સંજોગોમાં એમ કહેવાતું હતું કે અન્ય ટીમના ખેલાડી આ મૅજર ટીમમાં રમવા જાય તો જ તેમનો ગજ વાગે.
અને ઘાવરીના કિસ્સામાં આ વાત સાચી પણ પડી કેમ કે 1973-74માં સૌરાષ્ટ્ર છોડીને મુંબઈ માટે રણજી ટ્રૉફીમાં રમ્યા બાદ તેઓ પસંદગીકારોની નજરે ચડ્યા હતા અને પછીની સિઝન અગાઉ એક વાર શ્રીલંકાના પ્રવાસે પણ જઈ આવ્યા.
એ વખતે શ્રીલંકાને ટેસ્ટ દરજ્જો સાંપડ્યો ન હતો એટલે ત્યાં ભારતીય ટીમ બિનસત્તાવાર ટેસ્ટ રમવા ગઈ હતી.
શ્રીલંકાથી પરત આવ્યા બાદ મુંબઈ માટે તથા વેસ્ટ ઝોન માટે રમીને ઘાવરી ભારત માટે રમવા માટે સક્ષમ બની ગયા અને 1974માં ક્લાઇવ લૉઇડની મજબૂત ટીમ સામે તેમણે ટેસ્ટમાં પદાર્પણ કર્યું.
ઘાવરી અને અંશુમન ગાયકવાડે એક સાથે ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો તો એ જ સિરીઝથી મહાન વિવિયન રિચાર્ડ્સ અને ગોર્ડન ગ્રિનીજ પણ ટેસ્ટ ક્રિકેટમાં સ્થાન હાંસલ કરવા આવી ગયા હતા.
મૅજર ટીમ માટે રમો તો જ ભારત માટે રમી શકો છો તેવી માન્યતા ઘાવરી માટે તદ્દન સાચી પડી કેમ કે સૌરાષ્ટ્ર માટે રમ્યા ત્યાં સુધી તેમને ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું નહીં અને મુંબઈ માટે રમવાનું છોડ્યા બાદ ફરીથી સૌરાષ્ટ્ર માટે રમવાનો પ્રારંભ કર્યો તે સાથે તેમની ટેસ્ટ કારકિર્દીનો અંત આવી ગયો.
જોકે કડુભાઈ તરીકે જાણીતા કરસન ઘાવરી ભારતના સર્વશ્રેષ્ઠ ઑલરાઉન્ડર તરીકે હંમેશાં યાદ રહેશે કેમ કે કપિલદેવની ઘણી બધી સફળતામાં સામે છેડેથી બૉલિંગ કરનારા ઘાવરીનું યોગદાન ક્યારેય ભુલાય તેમ નથી.
કરસન ઘાવરીની એક ખાસિયત એ હતી કે તેઓ ડાબા હાથે મધ્યમ ઝડપી બૉલિંગ કરવા ઉપરાંત બૉલ જૂનો થયા બાદ તેઓ લેફ્ટ આર્મ સ્પિન બૉલિંગ કરીને પણ ટીમને જરૂરી સફળતા અપાવતા હતા. આમ ધાવરીએ ઝડપી બૉલિંગમાં કપિલદેવનો સાથ આપ્યો તો સ્પિન બૉલિંગમાં ખ્યાતનામ ચાર સ્પિનરની વિદાય બાદ દિલીપ દોશીની સાથે મળીને ક્યારેય ભારતને સ્પિનરોની ખોટ પડવા દીધી ન હતી.
ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં કરસન ઘાવરી મુંબઈ માટે 42 મૅચ રમ્યા જેમાં ઈરાની કપની મૅચો પણ સામેલ છે. મુંબઈ અને સૌરાષ્ટ્ર બંને માટે ઘાવરીએ એક હજારથી વધારે રન ફટકારવા ઉપરાંત મુંબઈ માટે 162 વિકેટ ખેરવી હતી. જ્યારે તેમના ખાતામાં કુલ 452 વિકેટ જમા છે. આમ તેઓ ભારતમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ ખેરવવામાં અગ્રણી બૉલરમાં સ્થાન ધરાવે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













