Ind vs Pak : જ્યારે એશિયાકપમાં ભારતીય બૉલરે પાકિસ્તાનના ચાર બૅટ્સમૅનને આઉટ કર્યા અને પેવેલિયન ભેગા થવા ઇશારો કર્યો

ક્રિકેટ પ્રેમીઓ

ઇમેજ સ્રોત, Getty Images

ભારત, પાકિસ્તાન સહિત એશિયાના ક્રિકેટપ્રશંસકો માટે ઑગસ્ટ-સપ્ટેમ્બરના મહિના ખાસ છે. કોરોનાની મુશ્કેલીઓ વેઠીને ત્રણ વર્ષ બાદ એશિયાકપનું આયોજન 27 ઑગસ્ટથી UAEમાં થઈ રહ્યું છે.

આ એશિયાકપની 15મી સિઝનમાં સૌની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ પર છે. એશિયાકપમાં ભારતની પ્રથમ મૅચ પાકિસ્તાન સામે 28 ઑગસ્ટે રમાશે.

2019માં ઇંગ્લૅન્ડના વનડે ક્રિકેટ વર્લ્ડકપનો પ્રારંભ થયો તે સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ રમાશે કે નહીં તે અંગે ચર્ચાએ જોર પકડ્યું હતું, કેમકે એ મૅચના થોડા સમય અગાઉ ભારતમાં પુલવામા હુમલો થયો હતો.

જોકે છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે ગઈ નથી અને તેમની સાથે કોઈ દ્વિપક્ષીય શ્રેણી પણ થઈ નથી.

ભારત અને પાકિસ્તાન છેલ્લા કેટલાક સમયથી માત્ર બહુરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં જ સામસામે રમે છે. આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફી કે વર્લ્ડકપ કે એશિયાકપમાં બંને વચ્ચે મૅચ રમાય છે અને તે આકર્ષણનું કેન્દ્ર બને છે, આ મુકાબલો રોમાંચક પણ એટલો જ હોય છે.

27મીથી તેનો પ્રારંભ થશે. જોકે એશિયાકપ હવે વન-ડે નહીં પરંતુ ટી20ના ફૉર્મેટમાં રમાય છે.

ઑક્ટોબર 2021માં ટી20 વર્લ્ડકપની મૅચમાં આ જ દુબઈ ખાતે પાકિસ્તાન સામે ભારતનો કારમો પરાજય થયો હતો.

line

ભારત પાકિસ્તાન વચ્ચે એશિયાકપમાં મુકાબલા

જાવેદ મિયાંદાદ

ઇમેજ સ્રોત, Getty Images

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયાકપમાં માત્ર એક જ ટી20 મૅચ રમાઈ હતી, જેમાં ભારતનો વિજય થયો હતો. જોકે અગાઉ વન-ડે રમાતી હતી, ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મૅચો રમાઈ હતી.

જાવેદ મિયાંદાદે છેલ્લા બૉલે સિક્સર ફટકારી તે મૅચ હોય કે 1997માં કરાચીમાં રમાયેલી રોમાંચક મૅચ હોય જેમાં બૅટિંગ માટે ખાસ જાણીતા નહીં તેવા ઑફ સ્પિનર રાજેશ શર્માએ છેલ્લી ઓવરમાં ઉપરાઉપરી સિક્સર ફટકારીને ભારતને શાનદાર વિજય અપાવ્યો હતો.

એવી જ રીતે 1998ના જાન્યુઆરીમાં ઢાકા ખાતે ઋષિકેશ કાનિટકરે છેલ્લા બૉલે ચોગ્ગો ફટકારીને ભારતને સવા ત્રણસો રનનો ટાર્ગેટ વટાવવામાં મદદ કરી હતી. જોકે કમનસીબે એશિયાકપમાં આ પ્રકારની રોમાંચક મૅચોની સંખ્યા ઓછી છે.

એશિયાકપમાં ઓવરઑલ ભારતનો હાથ ઉપર રહ્યો હતો, પરંતુ તે પણ બંને ટીમની વર્ષો જૂની અદાવતને જોઈએ તો માત્ર સામાન્ય કહી શકાય.

કેમકે બંને વચ્ચેની 13 વન-ડેમાંથી ભારતે સાત અને પાકિસ્તાને પાંચ મૅચ જીતી હતી, તો એક મૅચ વરસાદને કારણે પરિણામ લાવી શકી ન હતી.

વેંકટેશ પ્રસાદ

ઇમેજ સ્રોત, Getty Images

વરસાદને કારણે પડતી મુકાયેલી મૅચ રસપ્રદ બની શકે તેમ હતી કેમ કે ભારતીય ઝડપી બૉલર વેંકટેશ પ્રસાદે તેમાં તરખાટ મચાવ્યો હતો.

કોલંબો ખાતે યોજાયેલા 1997ના એશિયાકપની મૅચમાં પાકિસ્તાન પ્રથમ બૅટિંગમાં ઊતર્યું અને હજી તો નવ ઓવર પૂરી થાય ત્યાં સુધીમાં તેમણે માત્ર 30 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.

પ્રસાદ એ વખતે એટલી ઘાતક બૉલિંગ કરી રહ્યા હતા કે તેમણે પાંચ ઓવરમાં 17 રન આપીને ચાર વિકેટ ખેરવી હતી. જેમાં સઈદ અનવર, ઇન્ઝમામ ઉલ હક, સલીમ મલિક અને સૌથી મહત્ત્વપૂર્ણ એવી આમિર સોહેલની વિકેટનો સમાવેશ થતો હતો.

આમિર સોહેલની વિકેટ એટલા માટે મહત્ત્વપૂર્ણ હતી કેમ કે આ મૅચના થોડા મહિના અગાઉ બેંગલુરુમાં 1996ના વર્લ્ડકપની ક્વાર્ટર ફાઇનલમાં આમિર સોહેલ અને પ્રસાદ વચ્ચે તકરાર થઈ હતી.

સોહેલે એકાદ બે ચોગ્ગા ફટકાર્યા બાદ પ્રસાદને પડકાર્યા હતા અને ત્યાર પછીની જ ઓવરમાં પ્રસાદે સોહેલને આઉટ કરીને તેમને પેવેલિયનમાં જતા રહેવા આક્રમક રીતે ઇશારો કર્યો હતો.

જોકે એ બાદ વરસાદનું આગમન થયું અને મૅચ આગળ ધપી જ શકી નહીં.

line

ગૌતમ ગંભીર પાકિસ્તાન સામે આક્રમક બન્યા

કોલંબોમાં 2010માં એશિયા કપમાં બાંગલાદેશ વિરુદ્ધ મૅચમાં ગૌતમ ગંભીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોલંબોમાં 2010માં એશિયા કપમાં બાંગલાદેશ વિરુદ્ધ મૅચમાં ગૌતમ ગંભીર

1994થી 2004નો દાયકો એવો રહ્યો હતો, જેમાં પાકિસ્તાન સામે કમસે કમ એશિયાકપમાં તો ભારતને સફળતા સાંપડી ન હતી અને તમામ મૅચમાં પાકિસ્તાનનો વિજય થયો હતો, પરંતુ 2008માં અને ત્યાર બાદ ભારતે બાજી પલટી નાખી.

આ એ યુગ હતો જ્યારે ગૌતમ ગંભીર અને વીરેન્દ્ર સેહવાગની જોડી લગભગ તમામ મૅચોમાં હરીફોને ભારે પડતી હતી.

કરાચીના નેશનલ સ્ટેડિયમ ખાતે 2008ના જૂનમાં રમાયેલી મૅચમાં પાકિસ્તાન માટે ઓપનર શોએબ મલિકે શાનદાર સદી ફટકારી, તેમણે 119 બૉલમાં 125 રન ફટકારી દીધા. જેને કારણે પાકિસ્તાનની ટીમ 299 રન કરી શકી.

જોકે ભારત તરફથી વીરેન્દ્ર સેહવાગે જોરદાર આક્રમણ કર્યું. પહેલા જ બૉલે બાઉન્ડરી ફટકારવા માટે જાણીતા સેહવાગે મલિક કરતાં પણ વધારે આક્રમક બની બેટિંગ કરી હતી.

તેમણે 95 બૉલમાં પાંચ સિક્સર ફટકારી દીધી અને પોતાનો સ્કોર 119 સુધી પહોંચાડી દીધો. સેહવાગને સુરેશ રૈના અને યુવરાજ જેવા બે ડાબોડી બૅટ્સમૅનનો સહકાર સાંપડ્યો હતો.

રૈનાએ પણ એવી જ આક્રમક બૅટિંગ કરી અને 69 બૉલમાં ત્રણ સિક્સર સાથે 84 રન ઝૂડી નાખ્યા, તો યુવરાજે પણ ત્રણ સિક્સર સાથે 48 રન ફટકારી દીધા.

ભારતનો આ વિજય એટલા માટે મહત્ત્વનો હતો, કેમ કે પાકિસ્તાન પાસે પોતાના બૉલર વિશે કોઈ ખામી કાઢવાનું બહાનું ન હતું. તેમની બૉલિંગ હરોળમાં ઉમર ગુલ, સોહેલ તનવીર અને શાહિદ આફ્રિદી જેવા સફળ બૉલર હતા.

line

જ્યારે વિરાટ કોહલી 'વિરાટ' ઇનિંગ રમ્યા

2014માં રમાયેલા એશિયા કપમાં ઢાકામાં પાકિસ્તાન સામેની વન ડે મૅચમાં વિરાટ કોહલી અને શાહિદ આફ્રિદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2014માં રમાયેલા એશિયાકપમાં ઢાકામાં પાકિસ્તાન સામેની વનડે મૅચમાં વિરાટ કોહલી અને આફ્રિદી

આવી જ રીતે શ્રીલંકાના ડમ્બુલ્લામાં રમાયેલી 2010ની મૅચમાં બેમાંથી એકેય ટીમના ખેલાડીએ સદી નોંધાવી ન હતી, છતાં 270 રનના સ્કોરની આ મૅચમાં ભારતનો વિજય થયો હતો.

267 રનનો સ્કોર વટાવવામાં ગૌતમ ગંભીરે જે પ્રકારની બેટિંગ કરી હતી તે જોતાં એમ લાગે કે ગંભીર ખરેખર પાકિસ્તાન સામે જ ખીલતા હતા.

શાહિદ આફ્રિદીને મેદાન પર દર વખતે આક્રમકપણે જવાબ આપવા માટે જાણીતા ગૌતમ ગંભીરે ધમાકેદાર 83 રન ફટકાર્યા હતા તો કૅપ્ટન ધોનીએ 56 રન ફટકારીને ભારતને સફળતા અપાવી હતી.

આ તમામ મૅચના શિરમોર જેવી મૅચ તો 2012માં રમાઈ હતી. હાલમાં ફૉર્મ ગુમાવી ચૂકેલા વિરાટ કોહલીને અત્યારે ટીમમાં સામેલ કરાયા છે, પરંતુ તેમને 2012ની દસમી માર્ચની મિરપુર ખાતેની મૅચ યાદ કરાવવામાં આવે તો કદાચ તે ફૉર્મ પરત હાંસલ કરી શકે તેવી મૅચ હતી.

મોહમ્મદ હાફીઝ અને નાસિર જમશેદની સદી સાથે પાકિસ્તાને 329 રનનો મસમોટો સ્કોર કર્યો, ત્યારે ભારત પાસેથી તેને વટાવી દેવાની આશા રખાતી ન હતી તેમાં ય ગૌતમ ગંભીર પહેલા જ બોલે આઉટ થઈ ગયા પરંતુ કોહલીએ વિરાટ ઇનિંગ્સ રમી હતી.

તેમણે કારકિર્દીનો સર્વોચ્ચ સ્કોર નોંધાવતાં 183 રન ફટકારી દીધા, તેમાં સચીન તેંડુલકર અને રોહિત શર્માની અડધી સદી ભળી અને ભારતે 48મી ઓવરમાં તો આસાનીથી ટારગેટ વટાવી દીધો.

જોકે હવે બંને વચ્ચે ખાસ રસાકસી જામતી નથી, પરંતુ ભારતની મજબૂત ટીમ પાકિસ્તાન સામેના મુકાબલાને એકતરફી બનાવી દેતી હોય છે, જેનું ઉદાહરણ એટલે એશિયાકપ 2018.

દુબઈમાં રમાયેલી મૅચમાં પાકિસ્તાનનો 237 રનનો સ્કોર ભારતે 39 ઓવરમાં જ વટાવી દીધો, જેમાં ઓપનર રોહિત શર્મા અને શિખર ધવન બંનેએ શાનદાર સદી ફટકારીને ટીમને નવ વિકેટે વિજય અપાવ્યો હતો.

line

આ વખતે કેવો રહેશે મુકાબલો?

ક્રિકેટ પ્રેમીઓ

ઇમેજ સ્રોત, Getty Images

ભૂતકાળમાં પાકિસ્તાન સામેના મુકાબલા વખતે ભારતની ટીમ દબાણમાં આવી જતી હતી. આ વખતે પણ ભારત અને પાકિસ્તાનનો મુકાબલો અમિરાતના મેદાન પર (દુબઈ) થવાનો છે.

1980 અને 1990ના દાયકામાં બંને ટીમ અમિરાતના મેદાનો પર રમતી હોય, ત્યારે પાકિસ્તાનનો હાથ ઉપર રહેતો હતો.

પાકિસ્તાન ક્રિકેટની વર્તમાન હાલત એ છે કે તે ઘરઆંગણે રમી શકતી નથી અને વિદેશમાં જીતી શકતી નથી. છેલ્લે ઇંગ્લૅન્ડના પ્રવાસમાં તો તે 331 રનનો સ્કોર કરવા છતાં હારી ગઈ હતી.

જોકે હવે સાવ એવું રહ્યું નથી. બાબર આઝમ વર્લ્ડ ક્લાસ પ્લેયર છે. તેની સાથે ફખર ઝમાન, આસીફ અલી, શાદાબ ખાન જેવા ઉમદા ખેલાડી છે.

આ તમામ ખેલાડીઓએ તાજેતરના ગાળામાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સારો દેખાવ કરેલો છે.

જોકે પાકિસ્તાનને આ વખતે ઝડપી બૉલર શાહીન આફ્રિદીની ખોટ પડવાની છે, કેમ કે આ એ જ બૉલર છે જેમણે ઑક્ટોબર 2021માં પાકિસ્તાનને સફળતા અપાવી હતી.

ટી20 વર્લ્ડકપની મૅચમાં આફ્રિદીએ પહેલી જ ઓવરમાં રોહિત શર્માને આઉટ કર્યા, એ બાદ લોકેશ રાહુલ અને વિરાટ કોહલીને પેવેલિયન ભેગા કરીને ભારતના પરાજયનો પાયો નાખી દીધો હતો.

એક તરફ પાકિસ્તાન પાસે આફ્રિદી નથી તો બીજી તરફ ભારત પાસે તેના કરતાં હોનહાર અને વર્લ્ડ સુપરસ્ટાર જસપ્રીત બુમરાહ નથી.

આ બંને ખેલાડી ઈજાને કારણે આ વખતે એશિયાકપમાં રમી રહ્યા નથી. આ સંજોગોમાં પાકિસ્તાનનું બૉલિંગ આક્રમણ નબળું પડી ગયું છે, પરંતુ ખૂબીની વાત એ છે કે બુમરાહની ગેરહાજરીમાં પણ ભારતે બોલિંગ પાસામાં ચિંતા કરવા જેવું નથી કેમ કે તેની પાસે અન્ય વિકલ્પો છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં રમાયેલી કુલ નવ ટી20 મૅચમાંથી ભારતે સાત મૅચ જીતેલી છે, જ્યારે પાકિસ્તાનના ફાળે માત્ર બે જ મૅચ રહી છે.

આમ ટી20ની વાત કરીએ તો ભૂતકાળ પણ પાકિસ્તાનની સાથે નથી. આમ છતાં આ રવિવારનો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો રોમાંચક રહેશે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન