પાંચ દાયકા પહેલાં ગુજરાતની ટીમને રણજી ટ્રૉફીની ફાઇનલમાં પહોંચાડનાર ક્રિકેટર શોધનબંધુઓ કોણ હતા?

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી

- આ કહાણી છે ભારત માટે પ્રથમ જ ટેસ્ટમાં સદી ફટકારનારા દીપક શોધન અને તેમના ભાઈ તથા ગુજરાતની રણજી ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન જ્યોતીન્દ્ર શોધનની
- 2008માં ગુજરાત ટીમે રણજી ટ્રૉફી જીતી હતી તે પહેલાં ગુજરાતની ટીમ છેક 1950-51માં ફાઇનલમાં રમી હતી
- 2016માં દીપક શોધનનું નિધન થયું ત્યારે તેઓ ભારતના એ વખતે હયાત ટેસ્ટ ક્રિકેટરમાં સૌથી વયસ્ક ખેલાડી હતા, તો 2019માં જ્યોતીન્દ્ર શોધનનું નિધન થયું ત્યારે તેઓ ગુજરાતના હયાત રણજી ક્રિકેટર્સમાં સૌથી વયસ્ક ખેલાડી હતા
- બંને ભાઈઓ લાંબું જીવન જીવ્યા પરંતુ જ્યોતીન્દ્રભાઈના નિધનની તો ભાગ્યે જ ક્યાંય નોંધ લેવાઈ હશે
- આમ થવાનું કારણ એ કે આ બંને ભાઈઓ પોતાના સમગ્ર ક્રિકેટ કાળમાં પબ્લિસિટીથી દૂર રહ્યા હતા, તેમણે ક્યારેય પોતે ટેસ્ટ ક્રિકેટર છે તેવી જાહેરાતો કરી ન હતી
- દીપક શોધનની બેટિંગ સરેરાશ 60.33ની રહી હતી અને વર્ષો સુધી ભારત માટે સર્વોચ્ચ ટેસ્ટ સરેરાશ તેમના નામે હતી

વર્તમાન ક્રિકેટમાં માર્કેટિંગનું પ્રમાણ વધુ જોવા મળે છે. લગભગ દરેક ક્રિકેટર પાસે પોતાના અંગત મૅનેજર્સ હોય છે અને વિવિધ કંપની સાથે કૉન્ટ્રાક્ટ હોય છે જે તેમના વતી દુનિયાભરમાં માર્કેટિંગ કરે છે.
માત્ર ધન કમાવા માટેનું માર્કેટિંગ થતું નથી પરંતુ પબ્લિસિટી (લોકપ્રિય બનવા માટે પણ) માર્કેટિંગ થતું હોય છે.
ખેલાડી ફૉર્મમાં ન હોય અને તેમ છતાં ટીમમાં ટકી રહેવું હોય તો એક્સપર્ટ દ્વારા તેમનો કેવી રીતે બચાવ કરાય, આગળ કોની સામે કેવી રીતે રજૂઆત કરાય વગેરે બાબતો જે તે ખેલાડીના મૅનેજર્સ ધ્યાનમાં રાખતા હોય છે અને તેને અમલી બનાવતા હોય છે, જેને કારણે પોતાના 'ક્લાયન્ટ'ની કરિયર ટકી રહે.
જોકે આવી બાબતો આજથી છ કે સાત દાયકા અગાઉ ન હતી. જો હોત તો અત્યારે જે નામ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તેમના માટે આવડી લાંબી પ્રસ્તાવના આપવાને બદલે સીધું જ તેમનું નામ લખી દેવાયું હોત.
એ ક્રિકેટર એટલે ભારત માટે પ્રથમ જ ટેસ્ટમાં સદી ફટકારનારા દીપક શોધન અને તેમના ભાઈ તથા ગુજરાતની રણજી ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન જ્યોતીન્દ્ર શોધન.

1950-51માં રણજીમાં ફાઇનલ સુધીની સફર

ઇમેજ સ્રોત, Shadhan Family
ગુજરાતની ટીમે પાંચેક વર્ષ અગાઉ રણજી ટ્રૉફી ટાઇટલ જીત્યું હતું. એ વખતે લોકોને ખ્યાલ આવ્યો કે ગુજરાતની ટીમ આ અગાઉ પણ એક વાર રણજી ટ્રૉફીની ફાઇનલમાં રમી ચૂકી હતી પરંતુ એ વર્ષ હતું છેક 1950-51નું.
ગુજરાતની ટીમ માટે પાર્થિવ પટેલ લગભગ બે દાયકા સુધી રમ્યા અને દરમિયાન તેઓ ભારત માટે રમ્યા, જસપ્રીત બુમરાહ અત્યારે ભારતના જ નહીં પરંતુ વિશ્વના મોખરાના ઝડપી બૉલર છે.
અક્ષર પટેલ ટીમના નિયમિત સદસ્ય છે. આ ઉપરાંત ઘણા ગુજરાતી (ભલે સૌરાષ્ટ્ર કે બરોડાના હોય) ભારત માટે રમી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જસપ્રીત બુમરાહ વિનાની ભારતીય ટીમની કલ્પના કરી શકાતી નથી, કેમ કે તેઓ આજે સુપરસ્ટાર બૉલર છે. તેમની હાજરી અને ગેરહાજરીની પરિણામ પર અસર પડે છે તેની ચર્ચા દિવસો સુધી સોશિયલ મીડિયામાં થતી રહે છે.
પરંતુ એક સમય હતો જ્યારે ગુજરાતના ક્રિકેટની ચર્ચા થાય એટલે જશુ પટેલ, દીપક શોધન તથા તેમના મોટા ભાઈ જ્યોતીન્દ્ર શોધન સુધી વાત આવીને અટકી જતી.
હકીકતમાં ગુજરાતના ક્રિકેટનો પાયો જશુ પટેલ તથા આ શોધનબંધુઓ તથા તેમના જેવા કેટલાક ગણ્યાગાંઠ્યા ક્રિકેટરોએ નાખ્યો હતો. અને દાયકાઓ અગાઉ ચણાયેલી આ ઇમારત પર અત્યારે ગુજરાતનું ક્રિકેટ અડીખમ છે. મજબૂતીથી આગળ ધપી રહ્યું છે.
2016માં દીપક શોધનનું નિધન થયું ત્યારે તેઓ ભારતના એ વખતે હયાત ટેસ્ટ ક્રિકેટરમાં સૌથી વયસ્ક ખેલાડી હતા, તો 2019માં જ્યોતીન્દ્ર શોધનનું નિધન થયું ત્યારે તેઓ ગુજરાતના હયાત રણજી ક્રિકેટર્સમાં સૌથી વયસ્ક ખેલાડી હતા.
આમ બંને ભાઈઓ લાંબું જીવન જીવ્યા પરંતુ જ્યોતીન્દ્રભાઈના નિધનની તો ભાગ્યે જ ક્યાંય નોંધ લેવાઈ હશે.
એટલે સુધી કે બીસીસીઆઈમાં કે જેમના માટે તેઓ આખું જીવન રમ્યા અને અમદાવાદમાં રહ્યા તે ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનમાં પણ તેમની ખાસ નોંધ લેવાઈ ન હતી.
આ વાતનો પુરાવો એટલો જ કે કારકિર્દીની પ્રથમ જ ટેસ્ટમાં અને તે પણ પાકિસ્તાન સામે સદી ફટકારનારા દીપક શોધનની અંતિમ ક્રિયા સમયે ક્રિકેટ સાથે સંકળાયેલા હોય તેવા પૂરા એક ડઝન માણસો પણ હાજર ન હતા.
આમ થવાનું કારણ એ કે આ બંને ભાઈઓ પોતાના સમગ્ર ક્રિકેટ કાળમાં પબ્લિસિટીથી દૂર રહ્યા હતા. તેમણે ક્યારેય પોતે ટેસ્ટ ક્રિકેટર છે તેવી જાહેરાતો કરી ન હતી. બાકી ક્રિકેટના જ્ઞાનની દૃષ્ટિએ તેઓ ઉમદા હતા. શિસ્તમાં પણ તેમની તોલે કોઈ આવી શકે નહીં.
દીપકભાઈને છેલ્લે છેલ્લે આંખની તકલીફ પડી હતી પરંતુ 88 વર્ષની વયે નિધન થયું તેના થોડા સમય અગાઉ તેમણે પોતાનું ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ કરાવ્યું હતું, તેથી વધારે ફિટનેસ શું હોઈ શકે.
એક વાર તેમની ફિટનેસના રહસ્ય અંગે વાત કરી તો તેમણે કહ્યું કે આ ઉંમરે પણ દરરોજ ગોલ્ફ રમું છું. આવી જ રીતે જ્યોતીન્દ્ર શોધન પણ ફિટનેસના આગ્રહી હતી.
ક્રિકેટમાં તેઓ એટલા બધા ચુસ્ત હતા કે ગુજરાતની રણજી ટીમના પસંદગીકાર હતા ત્યારે એક વાર એક લેફ્ટ આર્મ સ્પિનર વિશે તેમણે કહ્યું કે તેનામાં પ્રતિભા છે પરંતુ હવે તે ટેનિસ બૉલથી ક્રિકેટ રમી રહ્યો છે. નાનાં મોટાં ઇનામો મેળવવાની લાલચમાં તે ટેનિસ બૉલથી રમવા માંડ્યો છે અને આમ કરતો રહેશે તો તેની કારકિર્દી ધૂળમાં મળી જશે.
અને અંતે બન્યું પણ એવું કે ગુજરાતના એ હોનહાર બૉલરની કારકિર્દી પૂરી થઈ ગઈ. આ એ જ બોલર હતો જેણે અંડર-19 ક્રિકેટમાં એક સિઝનમાં 50 વિકેટ ખેરવી હતી.
દીપક અને જ્યોતીન્દ્ર શોધન એક સમયે ગુજરાતના સ્ટાર બૅટ્સમૅન મનાતા હતા. દીપકભાઈ કરતાં વયમાં ચાર વર્ષ મોટા (જન્મ 3 નવેમ્બર 1924) જ્યોતીન્દ્ર શોધન વિશે તો એ જમાનામાં એમ કહેવાતું હતું કે જ્યોતીન્દ્ર શોધનમાં ભારત માટે ટેસ્ટ રમવાની કાબેલિયત દીપકભાઈ કરતાં પણ વધારે હતી પરંતુ તક મળી ગઈ દીપક શોધનને.
1952-53માં પાકિસ્તાનની ટીમ પહેલી વાર ભારતના પ્રવાસે આવી હતી. હકીકતમાં પાકિસ્તાનનો કોઇ પણ દેશ માટે એ પ્રથમ સત્તાવાર પ્રવાસ હતો, કેમ કે એ વખતે જ તેમણે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.
આમ એ વખતે સમગ્ર ભારતની નજર આ પ્રવાસ પર હતી. ત્યાર બાદ તો વર્ષો સુધી આ બંને ટીમની તમામ મૅચ બંને દેશ માટે પ્રતિષ્ઠાનો મુકાબલો બની રહી છે.
એ વખતે કોલકાતામાં રમાયેલી પાંચમી ટેસ્ટમાં દીપક શોધનને તક મળી અને તેમાં આઠમા ક્રમે રમવા આવીને તેમણે 112 રન ફટકાર્યા હતા.
ગુજરાતના આવા હોનહાર અને સ્પેશિયાલિસ્ટ બૅટ્સમૅન હોવા છતાં તેમની કમનસીબી એ રહી કે તેમને છેક આઠમા ક્રમે મોકલાતા હતા.
દીપક શોધન અગાઉ બેટિંગમાં પંકજ રૉય અને દત્તાજી ગાયકવાડ ઓપનિંગ કરતા હતા, તો વીનુ માંકડ ત્રીજા ક્રમે અને વિજય માંજરેકર ચોથા ક્રમે રમવા આવતા હતા. ત્યાં સુધી બરાબર પણ દત્તુ ફડકર જેવા બૉલરને પણ દીપક શોધન કરતાં આગલા ક્રમે રમવા મોકલાતા હતા.
ત્યાર બાદ ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે ગઈ ત્યારે શોધનને ફ્રેન્ક કિંગ, ગેરી ગોમેઝ અને સોની રામાધીન જેવા ઉચ્ચ કક્ષાના બૉલર સામે 45 રન ફટકાર્યા હતા. આમ છતાં તેમની કારકિર્દી માત્ર ત્રણ ટેસ્ટ જ ચાલી હતી.

60.33 રનની સરેરાશનો રેકૉર્ડ

ઇમેજ સ્રોત, Shadhan Family
તે સમયે તેમની બેટિંગ સરેરાશ 60.33ની રહી હતી. વર્ષો સુધી ભારત માટે સર્વોચ્ચ ટેસ્ટ સરેરાશ તેમના નામે હતી. હવે છ ટેસ્ટમાં એક ત્રેવડી સદી ફટકારનારા કરુણ નાયર (62.33) અને ચાર ટેસ્ટમાં 265 રન ફટકારનારા વૉશિંગ્ટન સુંદર (66.25) શોધન કરતાં આગળ નીકળી ગયા છે.
દીપક શોધનનો વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પણ કપરો હતો. દેહાંતના થોડા સમય અગાઉ એક વાર વાતચીતમાં તેઓ કહેતા હતા કે એ વખતે વિન્ડીઝ પહોંચતા અગાઉ સ્ટીમર નહીં પણ હોડીમાં પ્રવાસ કરતી વખતે ટીમના મોટા ભાગના ખેલાડીઓ બીમાર પડી ગયા હતા અને ત્યારે મૅચ અગાઉ પૂરા 11 ફિટ ખેલાડી શોધવા ભારે પડી જતા હતા.
દીપક શોધન કારકિર્દીના પ્રારંભથી ગુજરાત માટે રમતા હતા પરંતુ તેમના નામે બે અનોખી સિદ્ધિ લખાઈ છે જે તેમણે બરોડા માટે નોંધાવી હતી.
43 ફર્સ્ટ ક્લાસ મૅચમાં તેમણે 1802 રન ફટકાર્યા હતા જેમાં ચાર સદી હતી, પરંતુ તેમનો સર્વોચ્ચ સ્કોર બરોડા માટે નોંધાયો હતો, 261 રન.
ડિસેમ્બર 1957માં મહારાષ્ટ્ર સામે અહમદનગર ખાતે રમતી વખતે તેમણે ટીમના 499 રનના સ્કોરમાં 261 રન ફટકાર્યા હતા.
આ ઉપરાંત તેઓ ગુજરાત માટે ક્યારેય રણજી ટ્રૉફી જિતાડી શક્યા ન હતા, પરંતુ 1957-58ની સિઝનમાં બરોડાની ટીમ રણજી ચૅમ્પિયન બની તેમાં તેઓ રમ્યા હતા અને સર્વિસિઝ સામેની ફાઇનલમાં પણ તેઓ રમ્યા હતા.
જ્યોતીન્દ્ર શોધનમાં પ્રતિભાની કોઈ કમી ન હતી પણ અન્ય ઘણા બધા ગુજરાતી ખેલાડીઓની માફક તેઓ ટેસ્ટ રમવા માટે કમનસીબ પુરવાર થયા હતા, કેમ કે તે વખતે તેમની સ્પર્ધા વીનુ માંકડ, નરી કૉન્ટ્રાક્ટર, સલીમ દુરાની અને પોલી ઉમરીગર જેવા ખેલાડીઓ સાથે હતી.

ઇમેજ સ્રોત, MINT
હકીકતમાં દુરાની અને કૉન્ટ્રાક્ટર ગુજરાત માટે રમ્યા તેનાં વર્ષો અગાઉ જ્યોતીન્દ્ર શોધન ગુજરાતના કૅપ્ટન હતા. જોકે એ વખતે રણજી ટ્રૉફીમાં લીગ રાઉન્ડ ન હતા પણ નૉકઆઉટ મૅચો રમાતી હતી અને ગુજરાતની ટીમ એક મૅચમાં હારે એટલે તેને એક વર્ષ બાદ બીજી મૅચ રમવા મળતી હતી.
એટલે કે કમસે કમ એ સિઝનની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ સમાપ્ત થઈ જતી હતી. જ્યારે સિઝનમાં માંડ એકાદ મૅચ રમવા મળતી હોય તેવા સંજોગોમાં જયોતીન્દ્ર શોધન ગુજરાત માટે 28 મૅચ રમ્યા હતા.
જ્યોતીન્દ્ર શોધને રણજી ટ્રૉફીમાં 1456 રન ફટકારવા ઉપરાંત 36 વિકેટ ખેરવી હતી. ગુજરાત માટે રણજી ટ્રૉફીમાં એક હજાર રન પૂરા કરનારા જ્યોતીન્દ્ર શોધન પ્રથમ બૅટ્સમૅન હતા. યોગાનુયોગે તેમના મિત્ર નરી કૉન્ટ્રાક્ટરે પણ એ જ મૅચમાં 1000 રન પૂરા કર્યા હતા.
તેમના મિત્ર એટલા માટે કહ્યા કે લગભગ બે દાયકા અગાઉ એક ફ્રેન્ડલી મૅચમાં હાજરી આપવા માટે નરી કૉન્ટ્રાક્ટર અમદાવાદ આવ્યા ત્યારે સરદાર પટેલ સ્ટેડિયમના પેવેલિયનમાં જ્યોતીન્દ્રભાઈ એક તરફ ઊભા હતા. નરીભાઈ આવ્યા તે સાથે જ તેમણે દૂરથી અરે, ટોમ તું અહીં.
આમ પૂછ્યું ત્યારે ત્યાં ઊભેલા સૌને નવાઈ લાગી હતી કે આ વયસ્ક વ્યક્તિ કોણ હશે. પાછળથી ખુલાસો થયો કે તે ટોમ એટલે જ્યોતીન્દ્ર શોધન.
આમ ઘણા લોકો એ વખતે પણ જ્યોતીન્દ્ર શોધનથી અજાણ હતા. અમદાવાદમાં એક વિસ્તાર ઘણો જાણીતો છે પંચવટી વિસ્તાર. 1950 અને 1960ના દાયકામાં આ વિસ્તારમાં એક બંગલો હતો જેનું નામ પંચવટી હતું જેના નામ પરથી વિસ્તારનું નામ પંચવટી પડ્યું છે.
પણ ઘણા ઓછા લોકોને ખબર છે કે આ પંચવટી બંગલો શોધન બ્રધર્સનો હતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













