મેદાન પર સ્લેજિંગમાં જાવેદ મિયાંદાદથીય વેંત ચડિયાતા એ વિકેટકીપર

ઇમેજ સ્રોત, Getty Images
વર્લ્ડ કપ કે તેના જેવી મેગા ઇવેન્ટમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમ મોટા ભાગે ભારત સામે હારતી આવી છે. તાજેતરના એકાદ બે અપવાદને બાદ કરતાં ભારતનો વિજય લગભગ નિશ્ચિત હોય છે તેવા સંજોગોમાં પાકિસ્તાની ટીમ સતત દબાણ હેઠળ રમતી હોય તે સ્વાભાવિક છે.
એમાંય જાવેદ મિયાંદાદ જેવો ખેલાડી દબાણમાં આવી જાય તો સમજી શકાય છે કે પાકિસ્તાન પર કેટલું દબાણ રહેતું હશે.
વાત છે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી 1992ના વર્લ્ડ કપની એ મૅચની.
ભારતે માત્ર 216 રનનો સ્કોર નોંધાવ્યો હતો પરંતુ આ સ્કોર પણ પાકિસ્તાન માટે પહાડ સમાન બની રહ્યો હતો કેમ કે તેણે ઇંઝમામ, ઝાહિદ ફઝલ, સલીમ મલિક અને ઇમરાન ખાન (00) જેવા બૅટ્સમૅનની વિકેટ ગુમાવી દીધી હતી.
જાવેદ મિયાંદાદ મહાપરાણે વેંકટપથી રાજુ અને સચિન તેંડુલકરના સ્પિન બોલને રમી રહ્યા હતા અને અચાનક જ અકળાઈને તેણે મેદાન પર જમ્પ લગાવવાના શરૂ કરી દીધા.

મિયાંદાદની અકળામણ

ઇમેજ સ્રોત, Getty Images
જાવેદ મિયાંદાદની એવી છાપ હતી કે તે હરીફ ટીમ અને ખાસ કરીને ભારતીય ટીમને ફિલ્ડિંગ કરતી વખતે હંમેશાં સ્લેજિંગ દ્વારા પરેશાન કરતો રહેતા હતા.
પણ આ વખતે તે ખુદ પરેશાન થઈ ગયા હતા અને તેનું કારણ હતું ભારતીય વિકેટકીપર કિરણ મોરે.
વિકેટની પાછળથી કિરણ મોરે કાંઇક એવી રીતે બરાડા પાડીને બૉલર્સને સૂચના આપી રહ્યા હતા કે બૉલર તો સાંભળે કે ન સાંભળે પણ તેનો અવાજ સાંભળીને જાવેદ મિયાંદાદ અકળાઈ ઉઠ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમ જાવેદ મિયાંદાદને તેની જ ભાષામાં જવાબ આપનારો કોઈ ક્રિકેટર હોય તો તે બરોડા અને ભારત માટે લગભગ બે દાયકા સુધી રમેલા કિરણ મોરે.
ભારતના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ વિકેટકીપર રહી ચૂકેલા કિરણ મોરેનું ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં સુવર્ણ યોગદાન રહેલું છે.
એ દિવસે તો પાકિસ્તાનની ટીમ 217 રનના ટારગેટ સુધી પહોંચી શકી નહીં અને મોરે સાથેની ઘટના બાદ થોડી જ વારમાં મિયાંદાદ ઝડપી બૉલર શ્રીનાથની બૉલિંગમાં બોલ્ડ થઈ ગયો પણ મોરેએ વિકેટ પાછળ રહીને ઘણા બૅટ્સમૅનને બોલ્ડ થતાં નિહાળ્યા છે તેમાં કદાચ સૌથી યાદગાર પ્રસંગ આ હશે.
કિરણ મોરેએ માત્ર 14 વર્ષની વયે બરોડા સ્કૂલ અને ત્યાર બાદ બરોડા અંડર-22 ટીમ માટે રમવાનો પ્રારંભ કરી દીધો હતો પરંતુ એ વખતે સૈયદ કિરમાણી ભારતીય ટીમના નિયમિત વિકેટકીપર હોવાને કારણે તેને ટેસ્ટ ટીમમાં પ્રવેશ માટે ઘણી રાહ જોવી પડી તો સાથે સાથે આ સ્થાન માટે તેણે ઘણી મહેનત પણ કરી હતી.
1983-84ની રણજી સિઝનમાં એક કીપર તરીકે નહીં પરંતુ એક બૅટ્સમૅન તરીકે કિરણ મોરેએ 153 અને 181 (બંને અણનમ) બે મોટી ઇનિંગ્સ રમી અને પોતાનો દાવો મજબૂત કરી દીધો.
આ અરસામાં જ મુંબઈની મજબૂત ટીમમાં વિકેટકીપર તરીકે ચંદ્રકાન્ત પંડિતની બોલબાલા હતી.
આમ વેસ્ટ ઝોનથી જ તેને આકરી સ્પર્ધાનો સામનો કરવાનો આવ્યો હતો પણ એ વખતના પસંદગીકારોના દૂરંદેશીપણાને કારણે પંડિત અને મોરે બંનેને ટીમમાં સ્થાન મળતું હતું.
કિરણ મોરેની બીજી જ ટેસ્ટમાં પંડિતને પણ ભારતીય ટીમમાં સ્થાન મળી ગયું.
ભારતીય ટીમ કપિલદેવની આગેવાની હેઠળ ઇંગ્લૅન્ડના પ્રવાસે હતી જેમાં લૉર્ડ્ઝ ખાતેની ટેસ્ટ મોરેની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ હતી તો લીડ્ઝ ખાતે તેના એક સપ્તાહ બાદ રમાયેલી બીજી ટેસ્ટ ચંદ્રકાન્ત પંડિતની પ્રથમ ટેસ્ટ હતી અને બંને મૅચમાં ભારતનો શાનદાર વિજય થયો હતો.
જોકે મોરે અને પંડિત માટે આ રીતે સાથે રમવું તે કોઈ પ્રથમ અનુભવ ન હતો.

ઇમેજ સ્રોત, Getty Images
અગાઉ 1979માં પાકિસ્તાનની અંડર-19 ટીમ ભારતના પ્રવાસે આવી ત્યારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મૅચમાં ભારતની અંડર-19 ટીમ વતી કિરણ મોરે અને ચંદ્રકાન્ત પંડિત સાથે રમ્યા હતા. ત્યારથી આ જોડી સાથે સાથે ઘણી મૅચમાં રમી હતી.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં જુનિયર લેવલથી જ કિરણ મોરેએ એક બૅટ્સમૅન તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી લીધી હતી અને જંગી સ્કોર ખડકી દીધા હતા પરંતુ વિકેટકીપર તરીકે તે ઉમદા હતા.
વિકેટ પાછળ તે હંમેશાં ચબરાક રહે અને બૅટ્સમૅન ભાગ્યે જ ક્રિઝ છોડવાની ભૂલ કરે.
અન્ય સમકાલીન વિકેટકીપરની સરખામણીએ કિરણ મોરેની ઊંચાઈ ખાસ ન હતી પરંતુ તેમ છતાં ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયાની વિકેટો પર પહેલી સ્લીપ સુધી ડાઇવ લગાવીને કૅચ ઝડપવામાં મોરે અન્ય ભારતીયોની સરખામણીએ વધારે ચપળ પુરવાર થયા હતા.
કિરણ મોરેની એક બૅટ્સમૅન તરીકે એક ખાસિયત એ રહી છે કે તેણે 49 ટેસ્ટની કારકિર્દીમાં નોંધાવેલા 1285 રનમાં સાત અડધી સદીનો સમાવેશ થતો હતો અને એ તમામ અડધી સદી ભારતની બહારના મેદાન પર નોંધાયેલી છે.
1962ની ચોથી સપ્ટેમ્બરે વડોદરામાં જન્મેલા કિરણ મોરેએ ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ન્યૂઝીલૅન્ડ અને પાકિસ્તાનમાં રમીને આ સાત અડધી સદી ફટકારી છે જ્યારે ભારતમાં તો તેનો સર્વોચ્ચ સ્કોર 49 રનનો રહ્યો હતો.
જોકે આ 49 રન 1987-88માં ફિરોઝ શાહ કોટલાની અઘરી પિચ ઉપર આવીને પેટ્રિક પેટરસન, કર્ટની વોલ્શ અને વિન્સ્ટન ડેવિસ જેવા બૉલર સામે ફટકાર્યા હતા.
વિકેટ પાછળ કિરણ મોરેએ કમાલ કરી છે તે 49 ટેસ્ટમાં તેના 130 શિકારથી પુરવાર થઈ જાય છે જેમાં 110 કૅચ સામેલ હતા.
મોરે કરતાં વિકેટ પાછળનું આવું બહેતર પ્રદર્શન માત્ર સૈયદ કિરમાણી (198 શિકાર) અને મહેન્દ્રસિંહ ધોની (294 શિકાર) જ કરી શક્યા છે, જ્યારે ભારતીય ટીમમાં ઝડપી બૉલરની સંખ્યામાં વધારો થયા બાદ રિષભ પંત અત્યારે મોરેની નજીક આવી ગયો છે.

- જાવેદ મિયાંદાદ મહાપરાણે વેંકટપથી રાજુ અને સચિન તેંડુલકરના સ્પિન બોલને રમી રહ્યા હતા અને અચાનક જ અકળાઈને તેણે મેદાન પર જમ્પ લગાવવાના શરૂ કરી દીધા
- જાવેદ મિયાંદાદની એવી છાપ હતી કે તે હરીફ ટીમ અને ખાસ કરીને ભારતીય ટીમને ફિલ્ડિંગ કરતી વખતે હંમેશાં સ્લેજિંગ દ્વારા પરેશાન કરતો રહેતા હતા
- વિકેટકીપર કિરણ મોરેના સ્લેજિંગથી જાવેદ મિયાંદાદ અકળાઈ ઉઠ્યા હતા
- ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં જુનિયર લેવલથી જ કિરણ મોરેએ એક બૅટ્સમૅન તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી લીધી હતી અને જંગી સ્કોર ખડકી દીધા હતા પરંતુ વિકેટકીપર તરીકે તે ઉમદા હતા
- વિકેટ પાછળ તે હંમેશાં ચબરાક રહે અને બૅટ્સમૅન ભાગ્યે જ ક્રિઝ છોડવાની ભૂલ કરે

ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોંઘો કૅચ

ઇમેજ સ્રોત, Getty Images
મોરેના જીવનની યાદગાર ઘટનામાં એક એવી પણ છે જેને કદાચ ખુદ મોરે પણ યાદ રાખવાનું પસંદ નહીં કરે.
1990માં ભારતીય ટીમ ઇંગ્લૅન્ડના પ્રવાસે હતી અને લૉર્ડ્ઝ ખાતે પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થયો. મૅચના પહેલા કલાકમાં જ ગ્રેહામ ગૂચ હજી સેટ થયા ન હતા ત્યારે તેમના 13 રનના અંગત સ્કોરે મોરેએ વિકેટ પાછળ એક કૅચ છોડ્યો.
ક્રિકેટ ઇતિહાસના સૌથી મોંઘા કૅચમાં તેની ગણતરી થાય છે કેમ કે ત્યાર બાદ ગૂચ 333 રનનો જંગી સ્કોર નોંધાવીને આઉટ થયા હતા.
ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ કિરણ મોરેએ બરોડામાં કોચિંગ સ્કૂલનો પ્રારંભ કર્યો હતો અને તેમાંથી ઘણા ખેલાડીઓ બહાર આવ્યા હતા જેમાંનું એક મોટું નામ છે મુનાફ પટેલ.
ખરેખર તો મુનાફ પટેલ વડોદરા નજીક ભરૂચ પાસેના એક ગામના વતની, પરંતુ તેમનામાં રહેલી પ્રતિભાના સૌ પ્રથમ દર્શન કિરણ મોરેને થયા હતા.
આ ઉપરાંત ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણના વિકાસમાં પણ મોરેનું યોગદાન રહ્યું હતું.
ભારતીય ટીમની પસંદગી સમિતિના ચેરમેન તરીકે કિરણ મોરેએ યુવાનોને તક આપવાની નવી નીતિ અપનાવી હતી જેનો ટીમને લાભપણ થયો હતો.
આ જ ગાળામાં સૌરવ ગાંગુલીની કારકિર્દી લગભગ સમાપ્ત થવાને આરે હતી ત્યારે ગાંગુલીએ ઇંગ્લિશ કાઉન્ટીમાં રમવાનો નિર્ણય લીધો.
અગાઉની સમિતિઓ કાઉન્ટીના પ્રદર્શનને ધ્યાનમાં લેતી ન હતી પરંતુ કિરણ મોરેએ જાહેર કર્યું કે ગાંગુલીના કાઉન્ટી ક્રિકેટના પરફોર્મન્સને ધ્યાનમાં લેવામાં આવશે.
આમ ગાગુલીની કારકિર્દીને નવો વેગ સાંપડ્યો હતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

















