ભારતના બૉલરે નાખેલો એ બૉલ જેનાથી વિશ્વમાં ક્રિકેટ વર્લ્ડકપની શરૂઆત થઈ, શું થયું હતું એ મૅચમાં?

ક્રિકેટ વિશ્વકપ 2023

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મદનલાલ 80ના દાયકામાં બૉલિંગ કરતી વખતે
    • લેેખક, અર્ણવ વસાવડા
    • પદ, બીબીસી ગુજરાતી

સાત જૂન, શનિવાર અને વર્ષ 1975, સવારે 5.30 વાગે જ્યારે ભારતમાં હજુ સવાર થઈ હતી ત્યારે ભારતથી લગભગ 8 હજારથી વધુ કિલોમીટર દૂર ઇંગ્લૅન્ડમાં ઇતિહાસ રચાવા જઈ રહ્યો હતો.

આ એ જ દિવસ હતો જ્યારે ક્રિકેટજગતમાં પ્રથમ વન-ડે વર્લ્ડકપની શરૂઆત થવાની હતી. અને પ્રથમ વર્લ્ડકપમાં જ ક્રિકેટના ચાહકો અનેક વિશ્વ રેકૉર્ડના સાક્ષી બનવાના હતા.

ઇંગ્લૅન્ડમાં જૂન, 1975માં યોજાયેલા પ્રથમ વિશ્વકપ માટે સ્પિનર વેંકટ રાઘવનને ભારતીય ટીમના કૅપ્ટન બનાવવામાં આવ્યા હતા.

ભારત અને ઇંગ્લૅન્ડના કપ્તાન વચ્ચે ક્રિકેટ વિશ્વકપનો પ્રથમ ટૉસ થયો. જેમાં ઇંગ્લૅન્ડ ટૉસ જીતી ગયું અને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.

ભારત તરફથી રાઇટ-આર્મ મિડિયમ બૉલર મદનલાલ બૉલિંગ કરવા ઊતર્યા હતા. સામે પક્ષે ઇંગ્લૅન્ડના ડેનિસ અમિસ ઓપનિંગ કરવા મેદાન પર ઊતર્યા હતા.

અને જેવો મદનલાલે પોતાનો પહેલો બૉલ ડેનિસ અમિસને નાખ્યો કે તેમનું નામ ક્રિકેટ વિશ્વકપના ઇતિહાસમાં નોંધાઈ ગયું, કારણે કે તેઓના આ બૉલથી જ ક્રિકેટજગતમાં વિશ્વકપની શરૂઆત થઈ હતી.

જોકે મૅચ નિહાળવા ગયેલા ભારતીય પ્રશંસકો માટે એ દિવસ બહુ ખરાબ સાબિત થયો હતો. મદનલાલના આ પ્રથમ બૉલ નાખ્યા બાદ મૅચ કઈ રીતે આગળ વધી અને આ મૅચમાં ગાવસ્કરની બેટિંગ પર કેમ સવાલો ઊભા કરવામાં આવ્યા તેની વાત આગળ આ લેખમાં કરીશું.

બીબીસી ગુજરાતી

ઇંગ્લૅન્ડે વન-ડે ક્રિકેટ ઇતિહાસનો સૌથી વિશાળ સ્કોરનો ખડકલો કરી દીધો

ક્રિકેટનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 1975 ક્રિકેટ વિશ્વકપની પ્રથમ મૅચમાં બૅટિંગ કરી રહેલા ડેનિસ અમિસ

ટૉસ જીત્યા બાદ ઇંગ્લૅન્ડ તરફથી જ્હૉન જેમ્સન અને ડેનિસ અમિસ ઓપનિંગ કરવા ઊતર્યા હતા. જોકે પોતાની પ્રથમ વન-ડે રમવા ઊતરેલા ભારતના બૉલર મોહિંદર અમરનાથે જેમ્સનને જલદી જ પેવેલિયન પરત મોકલ્યા હતા. આ સમયે ઇંગ્લૅન્ડનો સ્કોર 54 રને એક વિકેટ પર હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પરંતુ ત્યારબાદ ડેનિસ એમિસે આક્રમકતા દેખાડી અને તેમનો સાથ આપ્યો કૅઇથ ફ્લેચરે, આ બન્ને બૅટ્સમૅનોએ મળીને ઇંગ્લૅન્ડ માટે 176 રનની રેકૉર્ડ પાર્ટનરશિપ નોંધાવી, આ એ સમયે વન-ડે ક્રિકેટમાં બીજી વિકેટ માટે સૌથી વિશાળ પાર્ટનરશિપ હતી.

ડેનિસ એમિસે વન-ડે ક્રિકેટ વિશ્વકપના ઇતિહાસની પહેલી અડધી-સદી અને ત્યારબાદ સદી ફટકારી 18 ચોગ્ગા સાથે 137 રન કર્યા હતા. બીજી બાજુ ફ્લેચરે પણ અડધી સદી ફટકારી હતી.

68 રન બનાવી ચૂકેલા ફ્લેચર હજુ રમી રહ્યા હતા ત્યારે આબિદ અલીની ઓવરમાં તેઓ ક્લીન બોલ્ડ થઈ ગયા હતા. આ સમયે ઇંગ્લૅન્ડની ટીમે બે વિકેટ ગુમાવીને 230 રનનો સ્કોર ઊભો કરી દીધો હતો.

જોકે ત્યાર બાદ ઇંગ્લૅન્ડે માત્ર 15 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આબિદ અલી અને મદનલાલે બૅક ટુ બૅક વિકેટ લીધી અને ડેનિસ અમિસ તથા ટોની ગ્રેઇગને પેવેલિયન ભેગા કર્યા હતા.

ઇંગ્લૅન્ડનો સ્કોર ચાર વિકેટ પર 245 રન હતો. ભારત માટે મૅચમાં કમબૅક કરવાનો અવસર જણાઈ રહ્યો હતો પરંતુ એ થોડા જ સમયમાં નિરાશામાં ફેરવાઈ ગયો હતો, કારણ કે છઠ્ઠા ક્રમે બેટિંગ કવા ઊતરેલા ક્રિસ ઑલ્ડે વિસ્ફોટક બેટિંગ કરી હતી અને માત્ર 30 બૉલમાં 2 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 51 રનનો સ્કોર ઊભો કરી દીધો હતો.

ઇંગ્લૅન્ડના આ વિસ્ફોટક પ્રદર્શનના આધારે તેણે વન-ડે ક્રિકેટના ઇતિહાસનો સૌથી વિશાળ સ્કોર ભારત સામે નોંધાવી દીધો હતો. ઇંગ્લૅન્ડે માત્ર ચાર વિકેટ ગુમાવી 60 ઑવરમાં 334 રન કર્યા હતા.

ભારત તરફથી મદનલાલ અને અમરનાથે એક-એક જ્યારે આબિદ અલીએ 2 વિકેટ લીધી હતી.

બીબીસી ગુજરાતી

ગાવસ્કર 36 રન બનાવી અણનમ રહ્યા અને વિવાદ સર્જાયો

ક્રિકેટ વિશ્વકપ 2023

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સુનિલ ગાવસ્કર

રમત આગળ વધી તેમ પિચ ધીમી પડતી ગઈ હતી. ઇંગ્લૅન્ડના બોલર્સ પ્રોફેશનલ બૉલિંગ કરતા હતા અને એક પણ લૂઝ બૉલ ફેંકતા ન હતા. ગાવસ્કર જે શૉટ મારતા હતા તે બધા સીધા ફીલ્ડર્સ પાસે જતા હતા.

એ દરમિયાન દર્શકોએ ગાવસ્કરની ધીમી બૅટિંગથી નારાજ થઈને પોતાના બિયરના કૅન વગાડવાનું શરૂ કરી દીધું હતું. ભારતની બેટિંગની શરૂઆતમાં જ જ્યૉફ આર્નોલ્ડની ઑવરના બીજા જ બૉલને કટ મારવાનો પ્રયાસ ગાવસ્કરે કર્યો હતો. બૉલ તેમના બૅટને જરાક સ્પર્શ્યો હતો, પરંતુ ઇંગ્લૅન્ડના કોઈ ખેલાડીએ કૅચની અપીલ કરી ન હતી.

એ પછી ગાવસ્કરે એક ક્રૉસ બૅટેડ શૉટ લગાવ્યો અને ત્યાર બાદ ગાવસ્કરના બેટમાંથી રન નીકળવાનું જાણે કે બંધ જ થઈ ગયું.

ભારત તરફથી સુનીલ ગાવસ્કર અને એકનાથ સોલકર ઓપનિંગ કરવા ઊતર્યા હતા. જેમાં ભારતની પહેલી જ વિકેટ માત્ર 21 રને પડી હતી અને એકનાથ સોલકર માત્ર આઠ રન નોંધાવી પેવેલિયન ભેગા થયા હતા.

ત્યારબાદ પોતોની પહેલી જ વન-ડે મૅચ રમી રહેલા અંશુમાન ગાયકવાડ મેદાન પર ઊતર્યા હતા. તેઓ ગાવસ્કર સાથે મળીને ટીમનો સ્કોર હજી આગળ વધારી રહ્યા હતા ત્યાં 22 રને તેઓ પીટર લિવરની ઓવરમાં ઍલેન નૉટને કૅચ આપી બેઠા હતા. જેના લીધે ભારતે 50 રનમાં જ બે વિકેટ ગુમાવી દીધી હતી.

સુનીલ ગાવસ્કર અણનમ તો હતા પરંતુ એમ તેમના બેટમાંથી રન નીકળવાળું બંધ થઈ ગયું હતું. ત્યારબાદ ભારત તરફથી ગુંડપ્પા વિશ્વનાથ બેટિંગ કરવા ઊતર્યા હતા, તેમણે થોડી આક્રમતા દર્શાવી અને પાંચ ચોગ્ગા ફટકારી 59 બૉલમાં 37 રન ફટકાર્યા. પરંતુ ત્યારબાદ ભારત જ્યારે 108 રને બે વિકેટ પર આગળ વધી રહ્યું હતું ત્યારે ક્રિસ ઓલ્ડની ઓવરમાં તેઓ ફ્લેચરને કૅચ આપી બેઠા.

ત્યારબાદ ભારતીય ટીમ નિર્ધારિત 60 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને માત્ર 132 રન જ બનાવી શકી હતી અને તે પ્રથમ ક્રિકેટ વિશ્વકપની પહેલી મૅચ ઇંગ્લૅન્ડ સામે 202 રને હારી ગયું.

બીબીસી ગુજરાતી

ગાવસ્કરે પોતાની આ બૅટિંગ અંગે શું કહ્યું હતું?

સુનિલ ગાવસ્કર

ઇમેજ સ્રોત, MARK LEECH/OFFSIDE

ગાવસ્કર174 બૉલનો સામનો કરી માત્ર એક ચોગ્ગા સાથે 36 રન કરી અણનમ રહ્યા અને ભારતના અન્ય સાત ખેલાડીઓ બાકી હોવા છતાં ભારત 202 રને પાછળ રહી ગયું હતું.

મૅચ પછી ભારતીય ટીમના મૅનેજર રામચંદે ગાવસ્કર પાસે તેમના આ પ્રદર્શન બાબતે લેખિત ખુલાસો માગ્યા હતો, જે તેમણે આપ્યો હતો.

આ વિશે વિસ્તારથી ગાવસ્કર તેમની આત્મકથા ‘સની ડેઝ’માં લખે છે, "ઇંગ્લૅન્ડે આક્રમક ફીલ્ડિંગ સેટ કરી હતી અને તેમાં એક કે બે રન લેવાનું મુશ્કેલ હતું. આ બૉલને હું શૉટ લગાવીશ એવું હું વિચારતો હતો, પરંતુ મારા પગ ડિફેન્સિવ શૉટ ખેલવાની મુદ્રામાં આવી જતા હતા."

"દર્શકોના અવાજથી હું વિચલિત થઈ ગયો હતો. અમે શરૂઆતમાં જ સ્વીકારી લીધું હતું કે આટલા તોતિંગ સ્કોરનો પીછો કરી શકાશે નહીં."

ગાવસ્કર આગળ લખે છે, "તે મારા જીવનની કદાચ સૌથી ખરાબ ઇનિંગ હતી. એ દરમિયાન મેં ઘણી વખત વિચાર્યું હતું કે આખી વિકેટ ખુલ્લી છોડી દઉં અને બોલ્ડ થઈ જાઉં. પીડાથી છૂટકારો પામવાનો તે માર્ગ મને યોગ્ય લાગતો હતો."

"એ દરમિયાન મારા ત્રણ કૅચ છોડવામાં આવ્યા, બહુ જ આસાન કૅચ. મારી હાલત વિચિત્ર હતી. હું રનની ગતિ વધારી શકતો ન હતો કે જાણીજોઈને આઉટ પણ થઈ શકતો ન હતો."

તે ઇનિંગ પછી લોકોએ ગાવસ્કર વિશે ઘણી વાતો કહી હતી અને તે તેમના પ્રશંસકોને બહુ ખરાબ લાગી હતી.

બીબીસી ગુજરાતી

પ્રથમ ક્રિકેટ વિશ્વકપની પ્રથમ મૅચમાં બન્યા અનેક રૅકોર્ડ

ક્રિકેટનો ઇતિહાસ

"મૅચ પત્યા બાદ મને કોઈએ કહ્યું હતું કે મારું નામ ઇતિહાસમાં વિશ્વકપમાં પ્રથમ બોલ નાખવાની યાદીમાં નોંધાઈ ગયો છે, પરંતુ એવા રૅકોર્ડ શું કામના જેમાં તમારી ટીમ મૅચ હારી ગઈ હોય."

આ શબ્દો છે મદનલાલના અને આ વાત તેમણે એક ઓટીટી શોમાં કહી હતી. પરંતુ આ રૅકોર્ડ સિવાય પણ ઘણાં કિર્તિમાન 1975ની ભારત-ઇંગ્લૅન્ડ મૅચમાં નોંધાયા હતા જેની યાદી આ મુજબ છે.

ક્રિકેટનો ઇતિહાસ
બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી