'મણિબહેનની જે ડાયરીનું પાનું' મૂકી ભાજપના નેતાએ નહેરુ વિશે દાવો કર્યો, તે ડાયરીનો અનુવાદ કેટલો 'અધૂરો' અને 'ભૂલભરેલો' છે?

મણિબહેનની ડાયરી, સરદાર પટેલ, નહેરુ, ઇતિહાસ, ભાજપ, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તસવીરમાં (ડાબેથી) રાજકુમારી અમૃતકોર, વડા પ્રધાન નહેરુ, નાદુરસ્ત તબિયતને કારણે ખુરશી પર બેઠેલા સરદાર સાથે મણિબહેન અને બીજાં
    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, વરિષ્ઠ પત્રકાર

થોડા સમય પહેલાં ભાજપના આઇટી સેલના વડા અમિત માલવિયે સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે જવાહરલાલ નહેરુ સરકારના ખર્ચે બાબરી મસ્જિદનું પુનઃનિર્માણ કરાવવા ઇચ્છતા હતા.

આ વાતના ટેકામાં તેમણે સરદાર પટેલનાં પુત્રી મણિબહેનની રોજનીશીના અંગ્રેજી અનુવાદનું એક પાનું પોસ્ટ સાથે મૂક્યું હતું.

મણિબહેનની ડાયરીનો અંગ્રેજી અનુવાદ વર્ષ 2001માં પ્રકાશિત થયો. ત્યાં સુધી અને ત્યાર પછી બીજા અઢી દાયકા સુધી તેમની મૂળ ગુજરાતી ડાયરી અપ્રગટ જ રહી, પરંતુ ગયા વર્ષના અંતમાં આખરે એ ડાયરીના કેટલાક અંશ પ્રગટ થયા. તેના કારણે અમિત માલવિયે ટાંકેલા અંગ્રેજી અનુવાદ સહિત બીજી કેટલીક અનુવાદિત સામગ્રીની વિશ્વસનિયતા સામે ઘણા સવાલ ઊભા થાય એમ છે, પરંતુ હજુ સુધી તેની ચર્ચા થઈ નથી.

અનુવાદ પહેલાં, અસલ પછી

મણિબહેનની ડાયરી, સરદાર પટેલ, નહેરુ, ઇતિહાસ, ભાજપ, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મણિબહેનની ડાયરીનો અંગ્રેજી અનુવાદ

મણિબહેનની ડાયરીના અંગ્રેજી અનુવાદનું પ્રકાશન 'કલેક્ટેડ વર્ક્સ ઑફ સરદાર પટેલ' શ્રેણી અંતર્ગત થયું હતું.

તેના મુખ્ય સંપાદક પી.એન. ચોપડા અને સંપાદક પ્રભા ચોપડા હતાં. વર્ષ 2001માં આ પુસ્તક પ્રકાશિત થતાં, મણિબહેનની ડાયરીમાં નોંધાયેલી વિગતો પહેલી વાર ઉપલબ્ધ બની. તેમાં વર્ષ 1936થી 1950 સુધીનો સમયગાળો આવરી લેવાયો હોવાથી, સરદારના જીવનનાં છેલ્લાં થોડાં વર્ષો અને ભારતની આઝાદીની આસપાસનાં વર્ષોનો તે મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ ગણાયો.

નવાઈ લાગે એવી વાત એ હતી કે ડાયરીનો અનુવાદ કરનાર ગુજરાત ગૅઝેટિયર્સના ભૂતપૂર્વ ડેપ્યુટી ચીફ ઍડિટર યુ.એમ. ચોક્સીનો ઉલ્લેખ માંડ પુસ્તકમાં ફક્ત એકાદ લીટીમાં કરવામાં આવ્યો હતો. પુસ્તકના મુખપૃષ્ઠ કે ઉઘડતા પાને પણ ક્યાંય તેમનું નામ ન હતું.

અગાઉ આચાર્ય કૃપલાણીની આત્મકથાના મામલે આનાથી સાવ ઉલટું બન્યું હતું.

તે મૂળ અંગ્રેજીમાં લખાઈ હોવા છતાં, તેનો ગુજરાતી અનુવાદ પહેલો પ્રકાશિત થયો હતો. અલબત્ત, તે અનુવાદ નગીનદાસ પારેખે કર્યો હોવાથી ઉત્તમ અને મૂળ લખાણની હારોહાર સ્થાન પામે એવો હતો., જ્યારે મણિબહેનની ડાયરીના અનુવાદમાં સ્થિતિ અલગ હતી. પણ તેની ખબર ત્યારે પડી, જ્યારે ગયા વર્ષે મૂળ ગુજરાતીના કેટલાક અંશ પુસ્તકસ્વરૂપે આવ્યા.

અનુવાદમાં ત્રુટિઓ

મણિબહેનની ડાયરી, સરદાર પટેલ, નહેરુ, ઇતિહાસ, ભાજપ, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મૂળ ગુજરાતીમાં 'મણિબહેનની ડાયરી' જેને CA આર.એસ. પટેલે સંપાદિત કરી છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

'સમર્પિત પડછાયો સરદારનો--પૂ. મણિબહેનની રોજનીશી-પ્રેરિત' એ પુસ્તક અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ સોસાયટી દ્વારા ગયા વર્ષે પ્રગટ થયું. તેના સંપાદક સીએ આર.એસ. પટેલ ('આરેશ') તે સંસ્થાના સેક્રેટરી છે. આ પુસ્તકની વિગતોને ડાયરીના અંગ્રેજી અનુવાદ સાથે સરખાવતાં કેટલીક ગંભીર વિસંગતિઓ જોવા મળી.

લેખના આરંભે જેનો ઉલ્લેખ છે તે, અમિત માલવિયે ટાંકેલો અંગ્રેજી અનુવાદ આ પ્રમાણે હતોઃ 'Nehru also raised the question of Babri Masjid but Sardar made it clear that the government could not spend any money for building a mosque.' (પૃ. 24, અનુવાદઃ નહેરુએ બાબરી મસ્જિદનો પણ સવાલ ઉઠાવ્યો, પરંતુ સરદારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સરકાર મસ્જિદ બાંધવામાં રૂપિયા ખર્ચી શકે નહીં.)

આ વાક્ય પુસ્તકના પ્રવેશકમાં લખાયું હોવાથી તે સંપાદકનું અર્થઘટન હતું. પુસ્તકમાં તારીખવાર ડાયરીની નોંંધોમાં સંબંધિત અંશનો અંગ્રેજી અનુવાદ આ પ્રમાણે હતો, 'When reference about Babri Masjid erupted … Bapu said government cannot give money for building a mosque?' (તા. 20.9.1950ની નોંધ, પૃ.415, અનુવાદઃ બાબરી મસ્જિદની વાત ઉખળતાં...બાપુએ કહ્યું કે સરકાર મસ્જિદ બાંધવા માટે રૂપિયા ન આપી શકે?)

પરંતુ મણિબહેનના મૂળ ગુજરાતી લખાણમાં આ શબ્દો હતાઃ 'બાબરી મસ્જિદ વિશે વાત નીકળતાં...બાપુ કહે મસ્જિદ બાંધને કે લીયે તો સરકાર પૈસા દે સકતી હૈ...' (પૃ.212, સમર્પિત પડછાયો સરદારનો)

મણિબહેનની ડાયરી, સરદાર પટેલ, નહેરુ, ઇતિહાસ, ભાજપ, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AmitMalviya/X

ઇમેજ કૅપ્શન, ભાજપના નેતા અમિત માલવિયે આ પુસ્તકના અંગ્રેજી અનુવાદનું મુકેલું પાનું અને એ સંદર્ભે તેમણે કરેલો દાવો

એવી રીતે, જવાહરલાલ નહેરુ 1946માં કયા સંજોગોમાં કૉંગ્રેસના પ્રમુખ બન્યા, તેના અંગ્રેજી અનુવાદમાં પણ ભૂલો અને અસ્પષ્ટતા છે. મણિબહેનનું મૂળ ગુજરાતી લખાણ આ પ્રમાણે છેઃ

'આ પરથી મને શિમલામાં બાપુજીએ બોલાવી કહેલું તે આખો પ્રસંગ યાદ આવ્યો કે-એક પણ પ્રાંતે તેમનું નામ મોકલ્યું નથી. માત્ર W.C. તરફથી નામ છે. છતાં પોતે કંઈ બોલ્યા નહિ. બાપુજીએ એમ પણ કહ્યું કે પ્રાંત ન ઇચ્છે એક પણ તો I don't want to make you my prop. પણ કંઈ બોલ્યા નહિ. ક્રિપલાનીએ પોતાનું નામ પાછું ખેંચી લીધું.અને ક્રિપલાની પોતે લખી લાવી બાપુની સહી કરાવી જઈ નામ પાછું ખેંચાવ્યું. કેવી રીતે W.C. વાળા પાસે પણ છેવટને દિવસે દિલ્હીમાં નામ જવાહરલાલજીનું મુકાવ્યું એ બધું આંખ આગળ ખડું થયું.' (પૃ. 79)

અહીં સ્પષ્ટતા ખાતર એટલું નોંધીએ કે મણિબહેન સરદારનો ઉલ્લેખ 'બાપુ' તરીકે અને ગાંધીજીનો 'બાપુજી' તરીકે કરતાં હતાં.

આ મહત્ત્વના ઘટનાક્રમનો અંગ્રેજી અનુવાદ હતો. 'At this juncture I could recall the whole episode which Bapuji told me. None of the province had recommended his (Jawaharlalji's) name Yet Bapu maintained silence. Bapuji categorically told him (Bapu) that even if not a single province desired him, I don't want to make you my prop–yet he did not say anything. Kripalani also withdraws his candidature, and Kripalani himself proposed Bapu's name and asked Bapu to authenticate it (sign). But he got his name withdrawn.'

આ અનુવાદ ફક્ત ભૂલભરેલો જ નહીં, ગુંચવાડા અને ગેરસમજણ પ્રેરનારો છે.

તેમાં ગાંધીજીએ નહેરુને જે કહ્યું હતું તે, તેમણે સરદારને કહ્યું હોય એ રીતે મુકાયું છે. તેમાંથી એવો પણ ખોટો અર્થ નીકળે છે કે કૃપાલાણીએ સરદારનું નામ સૂચવ્યું અને સરદારને જ તે સૂચનને મંજૂર કરવા કહ્યું, પણ સરદારે પોતાનું નામ પાછું ખેંચી લીધું.

આવી બીજી પણ ઘણી ભૂલો છે.

અંગ્રેજી અનુવાદ આખો કે અધૂરો?

મણિબહેનની ડાયરી, સરદાર પટેલ, નહેરુ, ઇતિહાસ, ભાજપ, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ડાયરીના અંગ્રેજી અનુવાદમાં પ્રવેશક અને શરૂઆતનાં નિવેદનો વાંચીને એવું લાગે કે તે મણિબહેનની ડાયરીનો સંપૂર્ણ અંગ્રેજી અનુવાદ છે.

તેમાં ક્યાંય કશી કાટછાંટ કરવામાં આવી નથી. સામાન્ય રીતે ઇતિહાસવિષયક લખાણોમાં, એક ફકરામાંથી અમુક લીટી કે એક લેખમાંથી અમુક ફકરા બાદ કરાયા હોય તો તે ત્રણ ટપકાં (. . .)થી સૂચવવામાં આવે છે, જેથી વાંચનારને ખ્યાલ આવે કે આ લખાણ સંપૂર્ણ નથી. ડાયરીના અનુવાદના પુસ્તકમાં ક્યાંય આવાં ટપકાં જોવા મળતાં નથી. તેના કારણે એવી છાપ પડે છે કે તે ડાયરીનો સંપૂર્ણ અનુવાદ છે.

પરંતુ મૂળ ગુજરાતી ડાયરીના અંશોનું પુસ્તક જોયા પછી જણાય છે કે અંગ્રેજી અનુવાદમાં આખેઆખા ફકરાથી માંડીને કોઈ તારીખની આખેઆખી એન્ટ્રી જ ગાયબ છે-અને એવું પણ નથી કે તે બિનમહત્ત્વની હોય.

જેમ કે, અંગ્રેજીમાં તા. 21.6.1949ની એન્ટ્રી જ નથી. 20મી પછી સીધી 22મી આવી જાય છે, જ્યારે ગુજરાતી પુસ્તકમાં એ તારીખમાં લગભગ બે પાનાં જેટલું લાંબું લખાણ છે (પૃ. 107-108) અને તે પાકિસ્તાન સાથેના રૂ. 55 કરોડના વિવાદને લગતું છે.

તા. 23.6.49ના ગુજરાતી લખાણના બે ફકરા અંગ્રેજી અનુવાદમાં જોવા મળતા નથી.

તા. 29.6.49માં અંગ્રેજી અનુવાદમાં ફક્ત એક ફકરો છે, જ્યારે ગુજરાતી ડાયરીમાં તે લખાણ આશરે બે પાનાંનું છે. એટલું નોંધવું જોઈએ કે અનુવાદમાં ઊડી ગયેલાં જણાતાં લખાણો પાછળ કશો રાજકીય કે વૈચારિક હેતુ હોય એવું લાગતું નથી.

ડાયરીના ગુજરાતી સંકલનમાં સંપાદકે સ્પષ્ટતા કરી છે કે મણિબહેનની કુલ 25 ડાયરીમાંથી 'મને (સંપાદકને) યોગ્ય લાગી તેવી મહત્ત્વની માહિતી . . . પ્રસ્તુત કરી છે.' પરંતુ 'મને યોગ્ય લાગી તેવી' -- એ માપદંડ અંગત છે. પહેલી વાર પ્રકાશમાં આવતી આટલી મહત્ત્વની સામગ્રી વિશે વધારે પારદર્શકતા, સ્પષ્ટતા અને શાસ્ત્રીયતાની અપેક્ષા રહે.

આગળપાછળ છોડી દેવાયેલી સામગ્રી માટે ત્રણ ટપકાંનો ઉપયોગ આ પુસ્તકમાં પણ નથી. પ્રૂફની અને તેના કારણે ગેરસમજ સર્જે એવી ભૂલોની સંખ્યા પણ ઠીક-ઠીક પ્રમાણમાં છે. ઉપરાંત, જેમનાં ઉલ્લેખ આવે છે એ પાત્રો કોણ છે તેની કશી વિગત કે પૂરક માહિતી આપવામાં આવી નથી, જેની આ પ્રકારના પુસ્તકમાં અપેક્ષા હોય.

મૂળની કેટલીક મર્યાદાઓ

મણિબહેનની ડાયરી, સરદાર પટેલ, નહેરુ, ઇતિહાસ, ભાજપ, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, રાજનાથસિંહે નહેરુ વિશેનો આ દાવો ત્યારબાદ એક ભાષણમાં કર્યો અને પછી કૉંગ્રેસ નેતા જયરામ રમેશે તેમને સંસદની બહાર ગુજરાતીમાં લખાયેલી 'મણિબહેનની ડાયરી'ની કૉપી આપી એ સમયની તસવીર

સરદારના પડછાયા તરીકે મણિબહેન જેનાં સાક્ષી બન્યાં હોય-તેમણે જે કંઈ નોંધ્યું તેનું મહત્ત્વ શબ્દોમાં આલેખી ન શકાય એટલું મોટું હોય. પરંતુ મણિબહેનનું ડાયરીલેખન ગાંધીપરંપરાના ડાયરીલેખન કરતાં જુદું પડે છે. તેમાં ચોક્સાઈનો અભાવ, અધૂરા-લટકતા ઉલ્લેખ, ગેરસમજ પ્રેરતું ટૂંકાણ જેવી લાક્ષણિકતાઓ ઠેર-ઠેર જોવા મળે છે. ગમે તેટલા સાચા હોય તો પણ ગરીમાપૂર્ણ ન લાગે એવા અપમાનજનક ઉલ્લેખો મૂળ લખાણની મોટી મર્યાદા બની રહે છે.

અસ્પષ્ટ આલેખનનું ઉત્તમ ઉદાહરણ 1946માં નહેરુ કૉંગ્રેસ પ્રમુખ બન્યા તે વિશેનું લખાણ છે. તેમણે વર્ણવેલો આખો ઘટનાક્રમ બે-ત્રણ અઠવાડિયાના અંતરાલમાં બન્યો હતો, પરંતુ તેમના લખાણથી આ બધું એક જ મિટિંગમાં બન્યું હોય, એવી છાપ ઉભી થાય છે, જેનાથી રાજમોહન ગાંધીથી માંડીને વિજય તેંડુલકર સહિતના ઘણા અભ્યાસીઓ ગેરરસ્તે દોરાયા હોવાની સંભાવના છે.

મણિબહેનની ડાયરીના વિવેકપૂર્ણ અને શાસ્ત્રીય સંપાદનનું કામ આટલા દાયકા પછી પણ હજુ ઊભું છે. ડાયરીના ગુજરાતી અંશોનું પ્રકાશન તે હકીકત પ્રત્યે ધ્યાન દોરે છે અને ઢંઢોળે પણ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન