સરદાર@150 : નહેરુ અને સરદાર પટેલ વચ્ચે ખરેખર કેવા સંબંધ હતા, બંને વચ્ચે કેવો તાલમેળ હતો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, બીબીસી ગુજરાતી માટે

'લોખંડી પુરુષ', 'ભારતના બિસ્માર્ક', 'ભારતની એકતાના શિલ્પી', 'વિશ્વનું સૌથી ઊંચું પૂતળું જેમનું બન્યું છે તે નેતા'—આવી અનેક પ્રચલિત ઓળખો સરદાર વલ્લભભાઈ પટેલનો સાચો પરિચય મેળવવા માટે સાવ અપૂરતી ગણાય.
તેમના જીવનનાં મહત્ત્વનાં પાસાંનો અંતરંગ અને આધારભૂત પરિચય આપવાના આશયથી, સરદારના જન્મના 150મા વર્ષના આરંભથી અંત સુધી આ શ્રેણી અંતર્ગત દર મહિને એક લેખ પ્રગટ થશે.

સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ વચ્ચે કેવા સંબંધ હતા? આ સવાલનો જવાબ છેલ્લા અઢી દાયકામાં ભારતમાં જન્મેલી કોઈ પણ વ્યક્તિને, એટલે કે ભારતની 40 ટકાથી પણ વધુ વસ્તીને, પૂછવામાં આવે તો?
વૉટ્સઍપના યુગમાં સમજણી (કે ગેરસમજણી) થયેલી પેઢીના ઘણાખરા લોકો એવું જ માનતા હશે કે સરદાર અને નહેરુ એકબીજાના વિરોધી કે દુશ્મન કે ઓછામાં ઓછું, હરીફ હતા.
વાંક જોકે ફક્ત યુવા પેઢીનો પણ શી રીતે કઢાય? કેમ કે, આગળની પેઢીમાંથી પણ આ ગેરમાન્યતા ધરાવનારા ઓછા નથી.
ભારતના સ્વરાજરથનાં આ બંને ચક્રો વચ્ચેના મતભેદને ચગાવતી વખતે, એ સહેલાઈથી ભૂલાવી દેવામાં આવે છે કે બંને ચક્રો વચ્ચે તાલમેળ ન હોત તો આઝાદી મળ્યા પછી ટૂંક સમયમાં રથ ખડી પડ્યો હોત. એવું ન થયું અને સ્થિર, લોકશાહી ભારત સ્થપાયું તે સૌથી સીધી ને સાદી હકીકત.
બાકી, સ્વતંત્ર પ્રતિભા ધરાવતા આગેવાનો વચ્ચે મતભેદ માનવસહજ ગણાય. સાથોસાથ, એ પણ યાદ રહે કે સરદાર અને નહેરુ નકરા રાજનેતા નહીં, દાયકાઓ સુધી ગાંધીજીના છત્ર નીચે સ્વરાજની લડતમાં સાથીદાર હતા.
તેમની વચ્ચેના સંબંધોને જાડા હિસાબથી ત્રણ ખંડમાં વહેંચી શકાય...
- રાજકારણમાં પ્રવેશથી 1945 સુધીના લગભગ ત્રણ દાયકા
- ત્યાર પછી 1945થી 1947 સુધી સત્તાના હસ્તાંતરણનો તબક્કો
- છેલ્લે આઝાદીથી 1950માં થયેલા સરદારના અવસાન સુધી
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ત્રણ દાયકા, બે પેઢી, એક લક્ષ્ય

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુના સંબંધ વિશેની વાતમાં સૌથી પહેલાં તેમની ઉંમરનો તફાવત ધ્યાનમાં લેવો પડે. સરદાર નહેરુ કરતાં 14 વર્ષ મોટા હતા—લગભગ એક પેઢીનું અંતર. (ગાંધીજી સરદાર કરતાં 6 વર્ષ મોટા.)
બંનેનો ઉછેર જુદો. પારિવારિક વાતાવરણ જુદું. નહેરુ જુવાનીથી આંદોલનમાં આવી ગયા, જ્યારે વલ્લભભાઈ આઝાદીની લડતમાં સંકળાયા, ત્યારે તે ચાળીસીમાં પ્રવેશી ચૂક્યા હતા અને સંસારજીવનમાંથી પરવારી ગયા હતા.
વલ્લભભાઈ 1928ના બારડોલી સત્યાગ્રહથી સરદાર બન્યા, ત્યાર પહેલાં કૉંગ્રેસના રાષ્ટ્રીય રાજકારણમાં ગાંધીજીના વિશ્વાસુ સાથીદાર તરીકેની તેમની ભૂમિકા શરૂ થઈ ચૂકી હતી, પણ બારડોલી પછી તે રાષ્ટ્રીય નેતા અને 1931માં (પહેલી અને એક માત્ર વાર) કૉંગ્રેસના પ્રમુખ બન્યા.
નહેરુ સાથે તેમની કામગીરીના અને મતભેદના પ્રસંગ 1920ના દાયકામાં શરૂ થઈ ચૂક્યા હતા, પરંતુ તેને 'સરદાર વિરુદ્ધ નહેરુ' તરીકે ન જોઈ શકાય. કેમ કે, કેટલીક બાબતો અંગેના મતભેદના બંને છેડે એકથી વધુ નેતાઓ સામેલ હતા.
તે સમયની કૉંગ્રેસ દેશના ડાબેરી-જમણેરી-મધ્યમમાર્ગી-રૂઢિચુસ્ત-ઉદારમતવાદી-આક્રમક-મવાળ એમ તમામ પ્રકારના નેતાઓનું ઠેકાણું હતી. તેમાં વલ્લભભાઈ, રાજેન્દ્રપ્રસાદ સહિતના નેતાઓ જમણી તરફ અને જવાહરલાલ નહેરુ ડાબી તરફ ઝુકાવ ધરાવતા હતા.
સમાજવાદનો આદર્શ નહેરુને ઘણો આકર્ષતો હતો, જ્યારે સરદારને તે આદર્શ જમીની વાસ્તવિકતાથી દૂર, ગુલાબી સપના જેવો લાગતો હતો. સમાજવાદીઓની સામેલગીરીના મુદ્દે કૉંગ્રેસમાં 1936માં મતભેદ થયા ત્યારે સરદાર-રાજેન્દ્રપ્રસાદ-રાજગોપાલાચારીએ કૉંગ્રેસની કારોબારીમાંથી રાજીનામાં આપી દીધાં.
સામે નહેરુએ પણ તેમનું રાજીનામું ધરી દીધું. છેવટે ગાંધીજીએ બંને પક્ષોને, નહેરુને સવિશેષ, ઠપકો આપીને રાજીનામાં પાછાં ખેંચાવ્યાં મતભેદના આવા પ્રસંગો છતાં, 1937માં થયેલી પ્રાંતોની ચૂંટણી વખતે સરદાર અને નહેરુએ સંયુક્તપણે કૉંગ્રેસનું સુકાન સંભાળીને, તેને ભવ્ય વિજય અપાવ્યો હતો.
જેલમાં અને જેલબહારઃ સહકેદી, આધારરૂપ સાથી

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 1942માં 'હિંદ છોડો' આંદોલન છેડાતાં અંગ્રેજ સરકારે કૉંગ્રેસની ટોચની નેતાગીરીની સાગમટે ધરપકડ કરી.
આચાર્ય કૃપાલાની, રાજેન્દ્રપ્રસાદ, મૌલાના આઝાદ, સરદાર અને નહેરુ જેવા ટોચના નેતાઓને અહમદનગરના કિલ્લામાં કેદ કરવામાં આવ્યા.
ત્યાં તેમને લગભગ પોણા ત્રણ વર્ષ સુધી સાથે રહેવાનું થયું. સરદારને અગાઉ ગાંધીજી સાથે યરવડા જેલમાં રહેવાનો અનુભવ હતો, જેલવાસ દરમિયાન બંનેને, ખાસ કરીને ગાંધીજીને સરદારના વ્યક્તિત્વના લાગણીસભર પાસાંનાં દર્શન થયાં હતાં, પણ ગાંધીજીનું તેમના મનમાં જુદું સ્થાન હતું.
આ જેલવાસ દરમિયાન અને જેલવાસને કારણે નહેરુ કે બીજા કોઈ સાથીદારો સાથે સરદારના સંબંધોની ઘનિષ્ઠતા વધી (કે ઘટી) હોય, એવું જાણવા મળતું નથી.
આગાખાન જેલમાં કેદ ગાંધીજી 1944માં અને સરદાર-નહેરુ સહિતના નેતાઓ 1945માં છૂટ્યા ત્યારથી ઑગસ્ટ 1947 સુધીનો સમયગાળો જુદા પ્રકારની ગતિવિધિથી ઉભરાતો હતો.
બીજા વિશ્વયુદ્ધમાં જીતવા છતાં ખોખરા થઈ ગયેલા બ્રિટને ભારતમાંથી ઉચાળા ભરવાનું નક્કી કર્યું હતું, પણ ક્યારે અને કેવી રીતે, તેની યોજનાઓ અને દરખાસ્તોનો ગૂંચવાડાભર્યો અને રાજકીય દાવપેચથી ભરપૂર ઘટનાક્રમ ચાલ્યો.
કૉંગ્રેસી નેતાઓના લાંબા જેલવાસ દરમિયાન બહાર બિનહરીફ થયેલા મુસ્લિમ લીગના મહંમદઅલી ઝીણાનું વજન અંગ્રેજ સરકારની કૃપાથી ઘણું વધી ગયું હતું. સરદાર-નહેરુ બંને તેનાથી ચિંતિત હતા, પરંતુ ઝીણાને અનુકૂળ ન હોય એવી કોઈ પણ દરખાસ્ત મંજૂર ન થાય, એવી સ્થિતિ સર્જાઈ ચૂકી હતી.
વર્ષ 1946માં યોજાયેલી ચૂંટણીમાં મુસ્લિમ બેઠકો ધરાવતા પ્રાંતોમાં કૉંગ્રેસના ભોગે મુસ્લિમ લીગનો વિજય થયો. તે કૉંગ્રેસની, એટલે કે સરદાર-નહેરુની સહિયારી, નિષ્ફળતા લેખાઈ હતી.
ત્યાર પછી રચાયેલી કૉંગ્રેસ-લીગની સંયુક્ત સરકારની કામગીરીમાં સરદારે ગૃહખાતું તેમની પાસે રહે એવો આગ્રહ રાખ્યો, ત્યારે નહેરુ તેમની પડખે રહ્યા.
સહિયારી સરકાર ચલાવવાના કઠણ અનુભવે સરદારને દેશના ભાગલા દુઃખદ, પણ અનિવાર્ય લાગ્યા, ત્યારે નહેરુ તેમની સાથે પૂરેપૂરા સંમત હતા. જૂઠા પ્રચારમાં ભૂલાવી દેવાયેલી હકીકત એ છે કે 1945થી 1947 સુધીના સમયગાળામાં નહેરુ અને સરદાર, વૈચારિક રીતે ગાંધીજીથી અલગ પડ્યા ત્યારે પણ, એકબીજાના સાથમાં અને સહકારમાં રહ્યા.
ભાગલા માટે ગાંધીજીને મનાવી લેવાની અથવા કમ સે કમ, તે ભાગલાનો ખુલીને વિરોધ ન કરે એટલું જોવાની કપરી જવાબદારી નહેરુએ સરદારને સોંપી અને તેમણે તે પાર પણ પાડી.
સ્વતંત્ર રાષ્ટ્રના જન્મટાણે, 14 ઑગસ્ટ 1947ની રાત્રે અને બીજા દિવસના કાર્યક્રમોમાં નહેરુ અને સરદાર સાથે ને સાથે જ હતા.
સમજણભેદ અને પ્રકૃતિભેદ વચ્ચે સાથીપણું

ઇમેજ સ્રોત, Getty Images
આઝાદી મહાનમાં મહાન નેતાને હંફાવે એવા પડકારો સાથે આવી હતી. તેમનો સામનો નહેરુ અને સરદારે પોતપોતાની શૈલીમાં, છતાં સંયુક્ત રીતે કર્યો.
કોમવાદી પરિબળો સામે પનારો પાડવાની બાબતમાં નહેરુ અને સરદાર અલગ હતા. નહેરુ હિંદુ કોમવાદી પરિબળો પ્રત્યે વધુ આકરા હતા, જ્યારે સરદાર મુસલમાન કોમવાદી પરિબળો પ્રત્યે.
બંનેમાંથી કોઈએ એકેય તરફના કોમવાદનો બચાવ કર્યો ન હતો. છતાં, ઉશ્કેરાટથી સળગતા વાતાવરણમાં તેમની વચ્ચેનો આ ભેદ બહુ ગવાયો અને ચગાવાયો.
સરકારમાં બંને વચ્ચેનો મુખ્ય ભેદ વડા પ્રધાનની ભૂમિકા વિશેનો હતો. નહેરુ માનતા હતા કે વડા પ્રધાન એટલે બધા પ્રધાનોના વડા, જ્યારે સરદાર માનતા હતા કે વડા પ્રધાન એટલે 'ફર્સ્ટ એમોન્ગ ઇક્વલ્સ.' એટલે કે, બધા પ્રધાન સરખા, પણ તેમાં વડા પ્રધાનનો ક્રમ અવ્વલ.
એમ તો, સરદાર નાયબ વડા પ્રધાન હતા અને દેશી રજવાડાંનું ખાતું, ગૃહ ખાતું અને માહિતી ખાતું સંભાળતા હતા. છતાં તે સિવાયનાં લગભગ બધાં જ ખાતાં તેમની સલાહ લેતા હતા-તેમને પૂછતાં હતાં, એવું તે સમયનો પત્રવ્યવહાર જોતાં સમજાય છે.
કાશ્મીરનો મુદ્દો યુનોમાં લઈ જવાની વાત હોય કે કોમી તોફાનોની તપાસનો મુદ્દો—નહેરુની ઉત્સાહી, જોશભરી પ્રકૃતિ સામે સરદારની ઠરેલ, નિર્ણયાત્મક, મક્કમ પ્રકૃતિનો ટકરાવ ઘણી વાર અનિવાર્ય બની જતો હતો.
સિત્તેર વટાવી ચૂકેલા સરદાર નહેરુની કાર્યપદ્ધતિ વિશેની તેમની નારાજગી ગાંધીજી સમક્ષ એકથી વધુ વાર પ્રગટ કરીને રાજીનામું આપવાની વાત કરી ચૂક્યા હતા. પરંતુ પહેલાં ગાંધીજીની સમજાવટથી અને પછી ગાંધીજીની હત્યાએ બંને સાથીઓને કદી વિખૂટા પડવા ન દીધા. મૃત્યુપર્યંત સરદાર નહેરુના વફાદાર સાથી બની રહ્યા.
કૉંગ્રેસ પક્ષના માળખા પર સંપૂર્ણ વર્ચસ્વ હોવા છતાં, તેમણે નહેરુને તેમનું સ્થાન બતાવવા માટે કે નીચા પાડવા માટે કદી પોતાના પ્રભાવનો ઉપયોગ ન કર્યો.
સરદારને કાર્યકારી વડા પ્રધાનપદું સોંપીને, નિશ્ચિંત જીવે નહેરુ વિદેશપ્રવાસ કરી શક્યા. સરદારે જાહેરમાં તો ઠીક, ખાનગીમાં પણ નહેરુના વિરોધને કે તેમની સામેના અસંતોષને હવા ન આપી.
નહેરુએ સરદારના જીવતેજીવ વલ્લભ વિદ્યાનગરનું ખાતમૂહુર્ત કર્યું, ગોધરામાં સરદારની પ્રતિમા ખુલ્લી મુકી અને તેમને ભવ્ય શબ્દોમાં અંજલિ આપી હતી.
બંને વચ્ચેના મતભેદોને બઢાવીચઢાવીને રજૂ કરવાના કુપ્રચારમાં સ્વાભાવિક રીતે જ બંને વચ્ચેના સહકાર અને સહકાર્યની સદંતર બાદબાકી થઈ જાય છે અને બંને વ્યક્તિત્વોને અન્યાય થાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












