સરદાર@150 : પટેલને બદલે નહેરુ વડા પ્રધાન બન્યા તેમાં ગાંધીજીની ઇચ્છા હતી કે કૃપલાણીની ‘દખલ’?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, વરિષ્ઠ પત્રકાર

‘લોખંડી પુરુષ’, ‘ભારતના બિસ્માર્ક’, ‘ભારતની એકતાના શિલ્પી’, ‘વિશ્વનું સૌથી ઊંચું પૂતળું જેમનું બન્યું છે તે નેતા’—આવી અનેક પ્રચલિત ઓળખો સરદાર વલ્લભભાઈ પટેલનો સાચો પરિચય મેળવવા માટે સાવ અપૂરતી ગણાય.
તેમના જીવનનાં મહત્ત્વનાં પાસાંનો અંતરંગ અને આધારભૂત પરિચય આપવાના આશયથી, સરદારના જન્મના 150મા વર્ષના આરંભથી અંત સુધી આ શ્રેણી અંતર્ગત દર મહિને એક લેખ પ્રગટ થશે.

કૉંગ્રેસની 15માંથી 12 પ્રાંતિક સમિતિઓએ 1946માં કૉંગ્રેસના પ્રમુખપદ માટે સરદાર પટેલનું નામ સૂચવ્યું હતું. પરંતુ ગાંધીજીના કહેવાથી સરદાર પટેલ ખસી ગયા, નહેરુ પ્રમુખ બન્યા—અને એ રૂએ ભારતના પહેલા વડા પ્રધાન બન્યા, એ જાણીતી હકીકત છે.
અલબત્ત, તેની સાથે પ્રચલિત બનેલી બીજી વાત એ છે કે કૉંગ્રેસની બેઠકમાં આચાર્ય કૃપલાણીએ નહેરુના નામનો પ્રસ્તાવ મૂક્યો અને એ જ વખતે, ગાંધીજીના ઇશારાથી સરદારે પોતાનું નામ પાછું ખેંચી લેવાના કાગળ પર સહી કરી દીધી.
રાજમોહન ગાંધીએ લખેલું સરદારનું અભ્યાસપૂર્ણ જીવનચરિત્ર ‘Patel: A Life’ હોય કે સરદારના જીવન પર બનેલી ફિલ્મ, તેમાં નહેરુનું નામ મુકાવાની અને સરદારનું નામ પાછું ખેંચી લેવાની ઘટના તત્કાળ, એક જ મિટિંગમાં બની ગઈ હોય એવું દર્શાવાયું છે.
આખી ઘટના સરદાર માટે અણધારી હતી, પણ સરદાર તે આંચકો પચાવી ગયા અને તેમણે સહી કરી દીધી, એવી છાપ એ આલેખનમાંથી ઊભી થાય છે, પરંતુ તે સમયના અખબારી અહેવાલો, કેટલાંક પુસ્તકો અને મણિબહેનની ડાયરીમાંથી ઉપસતું ચિત્ર સાવ જુદું છે.

આચાર્ય કૃપલાણીની ‘દખલ’

ઇમેજ સ્રોત, Getty Images
1942ની ‘હિંદ છોડો’ ચળવળના પગલે જેલમાં ગયેલા કૉંગ્રેસના નેતાઓ 1945માં છૂટ્યા. ત્યાર પછીનું સઘળું ધ્યાન અંગ્રેજ સરકાર સાથે સત્તપલટાની વાતચીત પર કેન્દ્રિત હતું. 1940માં કૉંગ્રેસના પ્રમુખ બનેલા મૌલાના આઝાદ, વચ્ચેના સમયગાળામાં ઊભા થયેલા સંજોગોને કારણે, 1946 સુધી કૉંગ્રેસપ્રમુખ હતા અને હજુ પણ તે પ્રમુખપદે ચાલુ રહેવા ઉત્સુક હતા.
મૌલાનાને સમજાવી જોયા પછી ગાંધીજીએ તેમને 20 એપ્રિલ, 1946ના રોજ એક પત્ર લખ્યો. તેમાં તેમણે લખ્યું કે હાલના સંજોગોમાં તેમની (ગાંધીજીની) સલાહ માગવામાં આવે તો તે જવાહરલાલને પસંદ (prefer) કરે. તેમણે એમ પણ લખ્યું હતું કે તેમની પાસે તે માટેનાં ઘણાં કારણ છે, પણ અત્યારે તેમાં શા માટે જવું?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પત્રમાં ગાંધીજીએ પ્રમુખ તરીકે મૌલાનાને બદલે નહેરુની પસંદગી દર્શાવી હતી. તેનો કૉંગ્રેસના મહામંત્રી (જનરલ સેક્રેટરી) આચાર્ય કૃપલાણીએ એવો અર્થ કાઢ્યો કે ગાંધીજી પ્રમુખ તરીકે નહેરુને ઇચ્છે છે. પ્રમુખપદ માટે નામની દરખાસ્ત મૂકવા માટેની છેલ્લી તારીખ 29 એપ્રિલ 1946 હતી.
25 એપ્રિલ, 1946ના રોજ દિલ્હીમાં કૉંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી ત્યાં સુધીમાં એકેય પ્રાંતની સમિતિએ નહેરુનું નામ સૂચવ્યું ન હતું. એટલે, કૃપલાણીએ ‘ગાંધીજીની ઇચ્છા અનુસાર’ નહેરુનું નામ સૂચવ્યું.
કોઈ સભ્યનું પ્રમુખપદે નામ સૂચવવા માટે 15 સભ્યોની સહી પૂરતી હતી. તેમાં જેનું નામ સૂચવાયું હોય તેની સંમતિની પણ જરૂર ન હતી. કૃપલાણીએ તેમની આત્મકથામાં નોંધ્યા પ્રમાણે, નહેરુનું નામ સૂચવતાં પહેલાં નહેરુને પૂછવામાં આવ્યું ન હતું.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નહેરુની જાણબહાર તેમનું નામ પ્રમુખ તરીકે સૂચવાયું હતું. એટલું જ નહીં, તે નામ માટે જરૂરી 15 સહી મેળવવા માટેનો કાગળ કૃપલાણીએ વર્કિંગ કમિટીના સભ્યો અને સ્થાનિક પ્રતિનિધિઓમાં ફેરવ્યો. તેનું રાજમોહન ગાંધીએ એવું અર્થઘટન કર્યું છે કે વર્કિંગ કમિટીના સભ્ય તરીકે સરદારે પણ નહેરુના નામની દરખાસ્ત પર સહી કરી હશે.
કૃપલાણીએ આત્મકથામાં લખ્યું હતું, ''પાછળથી મને જાણવા મળ્યું કે હું વચમાં પડ્યો તે સરદારને ગમ્યું નહોતું...કૉંગ્રેસપ્રમુખ તરીકે જવાહરલાલનું નામ સૂચવવાની પહેલ કરતી વખતે મેં એમ નહોતું ધાર્યું કે સત્તાની ફેરબદલી આટલી જલદી થશે અને પ્રમુખને વચગાળાની સરકારની અને પાછળથી સ્વતંત્ર ભારતની સરકારની આગેવાની લેવાનું કહેવામાં આવશે.''
''તેમ છતાં, મને જ્યારે આ બાબતમાં સરદારની લાગણીની ખબર પડી ત્યારે મને લાગ્યું કે મહામંત્રી તરીકે મારી પાસે સૂચવાયેલાં નામોની માહિતી હતી [એટલે કે 12 પ્રાંતોએ સરદારનું નામ મોકલ્યું તેની જાણ હતી] ત્યારે... મારે તેમાં વચ્ચે પડવા જેવું ન હતું.''
અલબત્ત, નહેરુનું નામ સૂચવાયું અને સરદારે નામ પાછું ખેંચ્યું તે ઘટના એક જ મિટિંગમાં બની હતી કે કેમ એ વિશે કૃપલાણીએ આત્મકથામાં સ્પષ્ટતા કરી નથી.
મણિબહેનની ડાયરી શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
સરદારના પડછાયા જેવાં તેમનાં પુત્રી મણિબહેન પટેલ ડાયરી લખતાં હતાં. તેમાં સરદારે નામ પાછું ખેંચ્યાનાં લગભગ અઢી વર્ષ પછી, બીજા સંદર્ભે તેમણે આખા પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે.
ગાંધીજીના કેટલાક નિકટનાં સાથીદારો દ્વારા લખાતી ચોક્સાઈભરી, વિગતસભર અને સંતુલિત રોજનીશી કરતાં મણિબહેનની ડાયરી અલગ છે. છતાં, તેમાં 16 સપ્ટેમ્બર 1948ની તારીખમાં બીજી વાતો ઉપરાંત આટલી નોંધ મળે છે. (નોંધઃ મણિબહેન સરદારને ‘બાપુ’ અને ગાંધીજીને ‘બાપુજી’ કહેતાં હતાં.)
“...આ પરથી મને સીમલામાં બાપુજીએ [ગાંધીજીએ] બોલાવી કહેલું તે આખો પ્રસંગ યાદ આવ્યો કે-એક પણ પ્રાંતે તેમનું [નહેરુનું] નામ મોકલ્યું નથી. માત્ર W.C. [વર્કિંગ કમિટી] તરફથી નામ છે. છતાં પોતે [નહેરુ] કંઈ બોલ્યા નહિ. બાપુજીએ [ગાંધીજીએ] એમ પણ કહ્યું કે પ્રાંત ન ઇચ્છે એક પણ તો I don’t want to make you my prop. પણ કંઈ બોલ્યા નહિ.
કીરપલાનીએ પોતાનું નામ પાછું ખેંચી લીધું.અને કીરપલાની પોતે લખી લાવી બાપુની [સરદારની] સહી કરાવી. જઈ નામ પાછું ખેંચાવ્યું. કેવી રીતે W.C. વાળા પાસે પણ છેવટને દિવસે દીલ્હીમાં નામ જવાહરલાલજીનું મુકાવ્યું એ બધું આંખ આગળ ખડું થયું...” (આખી નોંધ મૂળ પ્રમાણે, કૌંસની વિગત લેખકે સ્પષ્ટતા ખાતર ઉમેરેલી)
આશ્ચર્યની વાત એ છે કે રાજમોહન ગાંધીએ તેમના પુસ્તકમાં ડાયરી નોંધનો ઉપયોગ કર્યો છે, પરંતુ તેમાં મણિબહેનને ટાંકેલી ગાંધીજીની અત્યંત મહત્ત્વની વાત-- ‘બાપુજીએ એમ પણ કહ્યું કે પ્રાંત ન ઇચ્છે એક પણ તો I don’t want to make you my prop.’ નો ઉલ્લેખ જોવા મળતો નથી. પ્રભા ચોપડાએ કરેલા મણિબહેનની ડાયરીના અંગ્રેજી અનુવાદ Inside Story of Sardar Patel: The Diary of Maniben Patel માં આ ફકરાનું અર્થઘટન જ ખોટું થયું છે.
મણિબહેનની નોંધનો અર્થ એવો થાય કે ગાંધીજી નહેરુને પ્રાંતોની ઇચ્છાની ઉપરવટ જઈને, પોતાના માણસ તરીકે મૂકવા માગતા ન હતા અને આ વાત તેમણે નહેરુને પણ કહી હતી. અલબત્ત, તે મિટિંગમાં કહી હોય એવું જરૂરી નથી. મણિબહેનની ડાયરીમાં એક લસરકામાં આલેખાયેલી વિગતોમાંથી પણ, આ બધું એક જ મિટિંગમાં થયું હતું કે અલગ અલગ દિવસે, તે સ્પષ્ટ થતું નથી. એ ઘટનાક્રમ પરથી પડદો ઉંચકે છે તે સમયના અખબારી અહેવાલ.
ચાલુ વર્તમાનકાળમાં લખાયેલા ઇતિહાસની જુબાની

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસપ્રમુખની ચૂંટણી વિશેના પહેલા સમાચાર 27 એપ્રિલ 1946ના અખબારમાં જોવા મળે છે. 26 એપ્રિલે મૌલાનાએ જાહેર નિવેદન આપીને પ્રમુખ તરીકે નહેરુની તરફેણ કરી. સ્વાભાવિક રીતે જ તેમણે એવું ન કહ્યું કે ગાંધીજીએ વાર્યા પછી—અને 25મીની મિટિંગમાં નહેરુનું નામ મુકાઈ ગયા પછી—તે આ વાત કરતા હતા.
તેમણે કહ્યું કે નહેરુની પસંદગી એ તેમનો અંગત અભિપ્રાય છે, પણ મિત્રો અને સહકાર્યકરો સાથેની અનૌપચારિક વાતચીતમાં તે પણ તેમના (મૌલાનાના) અભિપ્રાય સાથે સંમત જણાયા છે તે આનંદની વાત છે. અલબત્ત, પ્રમુખની છેવટની પસંદગી તો ડેલીગેટ્સે કરવાની છે અને તે પોતાની સ્વતંત્ર ઇચ્છાનો હક ભોગવી શકે છે. (ટાઇમ્સ ઑફ ઇન્ડિયા, 27 એપ્રિલ 1946, પૃ. 5)
તે વખતે એક કુપ્રચાર એવો પણ ચાલતો હતો કે કૉંગ્રેસના પ્રમુખ તરીકે એક મુસ્લિમ-મૌલાના આઝાદ—હોય તેનાથી ઝીણા બહુ નારાજ હતા અને તેમને શાંત પાડવા માટે મૌલાનાને પ્રમુખપદેથી ખસેડવાના હતા. મુખ્યત્વે તે ગેરમાન્યતાનું ખંડન માટે નહેરુએ 27 એપ્રિલના રોજ એક નિવેદન આપ્યું.
તેમાં તેમણે એમ પણ કહ્યું કે પ્રમુખ બનવા અંગે તેમણે કશો વિચાર કર્યો નથી. કારણ કે અત્યાર લગી તેમણે ધારી લીધું હતું કે બીજું કોઈ જ પ્રમુખ બનશે. એટલે, તેમણે વિચારવાનો સમય માગ્યો અને દરમિયાન, તેમનું નામ સૂચવવા બદલ સાથીદારોનો આભાર પણ માન્યો. (સિલેક્ટેડ વર્ક્સ ઑફ જવાહરલાલ નહેરુ, ખંડ-15)

ઇમેજ સ્રોત, Getty Images
28 એપ્રિલના ‘હિંદુસ્તાન ટાઇમ્સ’માં કૉંગ્રેસની વર્કિંગ કમિટીના સભ્ય ડૉ. પટ્ટાભિ સીતારામૈયાનું નિવેદન પ્રગટ થયું. તેમણે કહ્યું હતું કે નહેરુ જો બિનહરીફ રહે તો તે 1 મેના રોજ પણ હોદ્દો ધારણ કરી શકે. (પૃ. 4) બે દિવસ પછી 30 એપ્રિલના રોજ કૉંગ્રેસના મહામંત્રી કૃપલાણીના સત્તાવાર નિવેદનથી સ્થિતિ વધારે સ્પષ્ટ બની.
તેમણે જણાવ્યું કે કૉંગ્રેસ ઓફિસ સમક્ષ પ્રમુખપદ માટે ત્રણ નામ આવ્યાં છેઃ શ્રી જવાહરલાલ નહેરુ, શ્રી વલ્લભભાઈ પટેલ અને શ્રી જે.બી. કૃપલાણી. બીજાં બે નામો પણ મળ્યાં છેઃ સુભાષચંદ્ર બોઝ અને જયપ્રકાશ નારાયણ. પરંતુ કૉંગ્રેસના બંધારણને ધ્યાનમાં રાખતાં તે નામો સ્વીકાર્ય બનતાં નથી. (હિંદુસ્તાન ટાઇમ્સ, પૃ.1)
તેનો અર્થ એ થયો કે 25 એપ્રિલની મિટિંગમાં નહેરુનું નામ સૂચવાયા પછી 30 એપ્રિલ સુધી સરદારતો ઠીક, કૃપલાણી પણ પ્રમુખપદના ઉમેદવાર તરીકે મોજૂદ હતા. નામ પાછું ખેંચવાની છેલ્લી તારીખ 10 મે હતી.
તેના ત્રણ દિવસ પહેલાં, 7 મેના અખબારમાં કૃપલાણીએ તેમનું નામ પાછું ખેંચ્યાના સમાચાર આવ્યા. (હિંદુસ્તાન ટાઇમ્સ, પૃ.6) મતલબ, ત્યાં સુધીમાં સરદાર પટેલે તેમનું નામ પાછું ખેંચી લીધું હોત તો, કૃપલાણીની વિદાય સાથે જ નહેરુ બિનહરીફ પ્રમુખ જાહેર થઈ જાત. પણ એવું બન્યું નહીં.
આખરે 10 મેના અખબારમાં કશી નાટ્યાત્મકતા વગર સમાચાર આવ્યા કે સરદાર પટેલ અને આચાર્ય કૃપલાણીએ તેમનાં નામ પાછાં ખેંચી લેતાં જવાહરલાલ નહેરુ કૉંગ્રેસના પ્રમુખ તરીકે બિનહરીફ વરાયા છે. (હિંદુસ્તાન ટાઇમ્સ, પૃ. 1).
માન્યતાને પડકારતી નક્કર સંભાવના

ઇમેજ સ્રોત, Getty Images
આખો ઘટનાક્રમ ધ્યાનમાં લેતાં, એક અનુમાન એવું કરી શકાય કે 25 એપ્રિલની મિટિંગમાં જ બધું નક્કી થઈ ગયું હશે, પણ છાપાંમાં તે વિગતો સમય આવે તેમ જાહેર કરવામાં આવી.
પરંતુ વધારે તાર્કિક અને અહેવાલોના આધારે વધારે નક્કર ગણી શકાય એવી સંભાવના એ છે કે 25મીએ નહેરુનું નામ સૂચવાયું ત્યારે ગાંધીજીને ખ્યાલ આવ્યો હશે કે સરદારનું નામ 12 પ્રાંતિક સમિતિઓએ સૂચવ્યું છે. એટલે તેમણે સરદારને વિશ્વાસમાં લીધા હોય, તેમને કહ્યું હોય કે નહેરુને હું નામ પાછું ખેંચી લેવા માટે વાત કરી જોઈશ.
તે કેવળ મારા માણસ તરીકે ઉપરથી ગોઠવાઈ જાય એવું હું નથી ઇચ્છતો—એમ પણ તેમને કહીશ, છતાં તે ન માને, તમારે ખસી જવું. કારણ કે, પ્રમુખપદ માટે કૉંગ્રેસને ચૂંટણી યોજવાનું હાલના સંજોગોમાં કૉંગ્રેસને પરવડે તેમ નથી. (તે વખતે કૉંગ્રેસની આખી નેતાગીરી અને બીજા પક્ષના નેતાઓ કૅબિનેટ મિશન સાથે વાટાઘાટો માટે શિમલામાં હતા. સમાચારોમાં પણ કૅબિનેટ મિશન જ છવાયેલું હતું.)
સંભવ છે કે 6 મે 1946ના રોજ કૃપલાણીએ નામ પાછું ખેંચ્યું, ત્યાર પછીના બે દિવસમાં, નહેરુને સમજાવવાના ગાંધીજીના પ્રયાસ નિષ્ફળ ગયા પછી, તેમની સાથે નક્કી થયા પ્રમાણે સરદારે પોતાનું નામ પાછું ખેંચી લીધું હોય.
ગાંધીજી અને સરદાર વચ્ચે શું વાત થઈ કે શું નક્કી થયું, તેનું ઉપર કરેલું આલેખન અટકળ છે, પણ એક વાત ચોક્કસ સ્પષ્ટ થાય છે કે પ્રમુખપદની ઉમેદવારીમાંથી સરદારનું ‘રાજીનામું’ ઓચિંતુ, અચાનક, તેમને વિશ્વાસમાં લીધા વિના અને નહેરુનું નામ સૂચવાયું તે જ બેઠકમાં લઈ લેવાયું ન હતું.
આ બાબતનો સીધો ઉલ્લેખ યશવંત દોશીએ લખેલા સરદાર પટેલના બે ભાગના ચરિત્રમાં પણ મળે છે. તેમણે સરદારના સચિવ શંકરને ટાંકીને લખ્યું છે કે આ બાબતે ગાંધીજી અને સરદાર વચ્ચે વાતચીત થઈ હતી. ત્યાર પછી ગાંધીજીએ તેમની રીત પ્રમાણે, નામ પાછું ખેંચવા માટેનો તૈયાર કરેલો ડ્રાફ્ટ જનરલ સેક્રેટરી કૃપલાણી સાથે મોકલાવી આપ્યો હતો.
અફસોસની વાત એ છે કે તે સમયના કોઈ નેતાએ 1946ની પ્રમુખપદની ચૂંટણી વિશે વિગતે લખ્યું નહીં. તેના કારણે નહેરુ-સરદારને આમનેસામને મૂકીને અને ગાંધીજી માટેનાં જૂઠાણાં ફેલાવીને રાજકીય રોટલા શેકનારા લોકોને મોકળું મેદાન મળી ગયું.
અલબત્ત, એ વાતનું આશ્વાસન પણ લઈ શકાય કે તે સમયના કોઈ નેતાએ આ ઘટનાને ઝીણવટથી નોંધવા જેટલી મહત્ત્વની ગણી નહીં અને તેમનાં સમજ અને ક્ષમતા પ્રમાણે દેશકાર્યમાં પરોવાયેલા રહ્યા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












