બારડોલી સત્યાગ્રહ : ગાંધીજી અને સરદાર પટેલનું એ ખેડૂત આંદોલન જેણે અંગ્રેજ સરકારને ઝૂકાવી દીધી

સરદાર પટેલ અને ગાંધીજી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ત્રણ કૃષિકાયદાના વિરોધમાં સડકો પર ઊતરેલા ખેડૂતોના આંદોલનથી ઘણાનાં મનમાં આઝાદી પહેલાં ગુજરાતમાં થયેલા ખેડૂત સત્યાગ્રહોની યાદ તાજી થઈ છે—બંનેનાં સંજોગો, કારણો અને પરિવેશ ભલે સાવ જુદાં હોય.

આઝાદીની લડાઈને વેગ આપવા માટે ગાંધીજીએ 1917માં ચંપારણમાં પહેલી વાર ખેડૂતોના સત્યાગ્રહનો પરચો અંગ્રેજ સરકારને બતાવ્યો.

સત્ય, અહિંસા, સ્વમાન જાળવવાની તત્પરતા, ભોગ આપવાની તૈયારી અને મનમાંથી દૂર થયેલો સરકાર અને પોલીસનો ડર આ બાબતોને કારણે ચંપારણમાં લડતનું એક નવું જ વ્યાકરણ ગાંધીજીએ સર્જ્યું. તેનાથી પ્રભાવિત થયેલા લોકોમાં અમદાવાદના સફળ,સમૃદ્ધ બૅરિસ્ટર વલ્લભભાઈ પટેલ પણ હતા.

વલ્લભભાઈ સામાન્ય રીતે તો રાજકારણ અને રાજનેતાઓને હાંસીની નજરે જોનારા હતા. પણ ગાંધીજીમાં તેમને એવા નેતાના દર્શન થયાં જેમની દેશને ખરેખર જરૂર હતી.

એટલે ચંપારણ સત્યાગ્રહના બીજા વર્ષે, 1918માં ખેડા જિલ્લામાં ગાંધીજીએ ખેડૂતોનો સત્યાગ્રહ આદર્યો, ત્યારે વલ્લભભાઈ તેમના સાથીદાર બન્યા.

પહેલી મુલાકાતમાં તો ગાંધીજીને તેઓ અક્કડ લાગ્યા હતા, પણ ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીએ વલ્લભભાઈનું હીર પારખ્યું અને વલ્લભભાઈએ ગાંધીજીના પ્રતાપનો જાતે અનુભવ કર્યો. ત્યારથી તેમણે ગાંધીજી સાથે-ગાંધીજીની પાછળ પોતાનું જીવન જોડી દીધું.

ગાંધીજીના વ્યક્તિત્વનાં અસંખ્ય પાસાં હતાં. તેમાંથી વલ્લભભાઈએ સાદગી, સત્તાલાલસા વિનાની નિઃસ્વાર્થ દેશસેવા, હિંસા વિનાની વીરતા અને દેશ માટે ભોગ આપવાની તૈયારી જેવા ગુણો અપનાવી લીધા. સમૃદ્ધિને બદલે સાદગી અને ધંધાને બદલે દેશસેવા તેમનાં જીવનમૂ્લ્ય બન્યાં.

ગાંધીજી પાસેથી શીખવાના પાઠ એકાદ દાયકામાં વલ્લભભાઈએ એટલા પાકા કરી લીધા હતા કે 1928માં બારડોલી સત્યાગ્રહની નોબત આવી, ત્યારે બારડોલી સત્યાગ્રહની સંપૂર્ણ જવાબદારી વલ્લભભાઈએ ઉપાડી.

ગાંધીજીએ તેમને કહી રાખ્યું હતું કે “મારી હાજરી તમારા ખિસ્સામાં સમજજો.” પણ એની જરૂર પડી નહીં.

line

બારડોલી :ચૂકાયેલીપહેલીતકપછીનો મોકો

બાજીપુરામાં નર્મદાશંકરનું ગ્રુપ

ઇમેજ સ્રોત, Sardar Patel National Musuem Bardoli

ઇમેજ કૅપ્શન, બાજીપુરામાં નર્મદાશંકરનું ગ્રુપ

1928માં મહેસૂલ વધારાના વિરોધમાં બારડોલી સત્યાગ્રહ શરૂ થયો, તે ખરું જોતાં બારડોલી માટે બીજી વારની તક હતી.

1922માં સવિનય કાનૂનભંગના કાર્યક્રમ માટે ગાંધીજીએ બારડોલી તાલુકો પસંદ કર્યો હતો. બારડોલીમાં લાંબી લડતની સંભાવના ધારીને સ્વરાજ આશ્રમની સ્થાપના પણ કરવામાં આવી હતી. પરંતુ દેશભરમાંથી આવતા હિંસાના છૂટાછવાયા સમાચારથી ગાંધીજી વ્યગ્ર બનતા જતા હતા.

તેમાં ઉત્તર પ્રદેશના ગોરખપુર તાલુકાના ચૌરીચૌરા ગામે રોષે ભરાયેલા ટોળાએ પોલીસો સહિત પોલીસચોકી સળગાવી દીધી, ત્યારે ગાંધીજીની સહનશક્તિની હદ આવી.

તેમણે દેશભરમાં જામેલા અસહકારના વાતાવરણની પરવા કર્યા વિના, આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી દીધી. એટલે સત્યાગ્રહના ઇતિહાસમાં અમર બનવાની બારડોલીની તક સરી ગઈ.

પરંતુ એ તક 1928માં ફરી ટકોરા મારતી આવી અને આ વખતની લડતથી બારડોલીનું નામ દેશભરમાં ગાજ્યું અને ગુંજ્યું.

line

સત્યાગ્રહશામાટે?

સરદાર પટેલ

ઇમેજ સ્રોત, Sardar Patel National Musuem Bardoli

બારડોલી તાલુકામાં વિવાદના કેન્દ્રસ્થાને હતો નવો મહેસૂલ વધારો. અંગ્રેજોના રાજમાં દર 30 વર્ષે મહેસૂલના નવા દર નક્કી થતા હતા. એ પ્રમાણે, 1927માં બારડોલી તાલુકાનાં ગામો માટે 22 ટકા વધારો જાહેર થયો. તેની સામે મોરચો માંડતાં પહેલાં વલ્લભભાઈએ લડતનું વાજબીપણું તપાસ્યું.

લડત દરમિયાન પણ તેમણે કહ્યું હતું, “આપણે સરકાર જોડે કજિયો બાંધવા ખાતર આ લડત માંડી નથી. તેનું વાજબી લહેણું આપણે દૂધે ધોઈને ચૂકવી આપવું છે.” પણ 22 ટકા વધારો બારડોલીના લોકોને ‘વાજબી’ લાગતો ન હતો.

વલ્લભભાઈએ લોકોની ફરિયાદની ખરાઈ માટે ‘ડુંગળીચોર’નું માનભર્યું બિરુદ પામેલા મોહનલાલ પંડ્યા અને રવિશંકર મહારાજ જેવા પોતાના વિશ્વાસુ સાથીદારોને બારડોલી મોકલ્યા. ત્યારપછી ગાંધીજીના આશીર્વાદથી તથા બારડોલીના લોકોની મરજીથી સત્યાગ્રહ આરંભાયો.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

line

નાટ્યાત્મકયોગાનુયોગ

સરદાર પટેલની રૂવા ગામમાં સભા

ઇમેજ સ્રોત, Sardar Patel National Musuem Bardoli

ઇમેજ કૅપ્શન, સરદાર પટેલની રૂવા ગામમાં સભા

વલ્લભભાઈ 1928 સુધીમાં ખેડા સત્યાગ્રહમાં સામેલગીરી, બોરસદ સત્યાગ્રહ અને નાગપુર ઝંડા સત્યાગ્રહની આગેવાની અને અમદાવાદ મ્યુનિસિપાલિટીનું પ્રમુખપદું દીપાવી ચૂક્યા હતા.

જાહેર જીવનમાં તેમની પાસે પૂરતો અનુભવ હતો. છતાં, તેમનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે ખેડા-અમદાવાદ પૂરતું હતું. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં તેઓ પ્રમુખ હતા. પરંતુ ચીફ ઑફિસરની નિમણૂંક માટે તેમને બીજા કેટલાક સભ્યો સાથે મતભેદ હતા.

એ મુદ્દે વલ્લભભાઈ પાસે બહુમતી ન હોવાથી, તેમની ઇચ્છા વિરુદ્ધ ચીફ ઑફિસર તરીકે ઇશ્વરલાલ ભગત ચૂંટાઈ આવ્યા. વલ્લભભાઈનો ટેકા ધરાવતા ઉમેદવારની હાર થઈ. એટલે વલ્લભભાઈએ પ્રમુખપદેથી રાજીનામું આપ્યું.

પરંતુ આ રાજીનામું તેમના કાર્યક્ષેત્રને મર્યાદિત નહીં, વિસ્તૃત કરનાર બન્યું. અમદાવાદ છોડીને તરત તેઓ બારડોલી ઊપડી ગયા, જ્યાં એક અનોખું લોકઆંદોલન તેમના જેવા સમર્થ લોકનેતાની રાહ જોતું હતું.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

line

સત્યાગ્રહનોઆરંભ

ઈસરોલીમાં સભા

ઇમેજ સ્રોત, Sardar Patel National Musuem Bardoli

ઇમેજ કૅપ્શન, ઈસરોલીમાં સભા

ફેબ્રુઆરી 4, 1928થી વલ્લભભાઈ બારડોલી પહોંચી ગયા અને આસપાસનાં ગામોમાં ફરીને લોકોના મિજાજનો તેમ જ ખુવાર થવાની તૈયારીનો તાગ મેળવ્યો.

ગામના લોકો પાસે મહેસૂલ નહીં આપવાના પ્રતિજ્ઞાપત્રો ભરાવવામાં આવ્યા. પછી ગાંધીચીંધ્યા સત્યાગ્રહના નિયમ પ્રમાણે, ગવર્નરને અન્યાયી મહેસૂલ વધારા અંગે પત્ર લખ્યો અને જણાવ્યું કે તેની તપાસ માટે નિષ્પક્ષ પંચ નહીં નીમાય તો લોકો મહેસૂલ નહીં ભરે અને તેનાં પરિણામો સ્વરૂપે શાંતિપૂર્વક સત્યાગ્રહ કરાશે.

પરંતુ એ પત્રનો યોગ્ય પ્રતિસાદ ન મળતા, ફેબ્રુઆરી 12, 1928ના રોજ એક જાહેર સભા યોજાઈ. તેમાં એક ખેડૂતે નિષ્પક્ષ કમિશન નીમાય નહીં ત્યાં સુધી મહેસૂલ નહીં ભરવાનો ઠરાવ રજૂ કર્યો, જેને વારાફરતી સૌએ ટેકો આપ્યો.

ત્યાં પહેલાં વલ્લભભાઈએ ભાષણમાં સાફ વાત કરી. તેમણે કહ્યું, “આ કંઈ લાખ-સવા લાખના વધારાનો કે 30 વરસના સાડતીસ લાખનો સવાલ નથી, પણ સત્ય-અસત્યનો સવાલ છે, સ્વમાનનો સવાલ છે. રાજ્ય આખાની મદાર ખેડૂત પર છે. રાજ્યતંત્ર બધું ખેડૂત પર ચાલે છે. છતાં તેનું કોઈ સાંભળતું જ નથી, તેને કોઈ દાદ દેતું નથી."

"તમે કહો તે બધું ખોટું જ. આ સ્થિતિ સામે થવું એ તમારો ધર્મ છે, અને તે એવી રીતે સામા થવું કે જેથી ઈશ્વરને ત્યાં જવાબ દેવો પડે તે દિવસે તમને ભારે ન પડે.”

તેમણે ચેતવણી પણ આપી, “જપ્તી અમલદારો આવશે, તમને ખૂબ સતાવશે, ઉશ્કેરણીનાં કારણો આપશે, ગમે તેવી ભાષા વાપરશે, તમારી સતાવણી કરશે. છતાં મુખ્ય વસ્તુ ઉપરથી તમે ન ડગશો. શાંતિથી ને સંયમથી દૃઢ રહેજો કે અમારે હાથે કરીને સરકારને પાઈ પણ નથી આપવી."

"જોઈએ તો જપ્તીઓ કરો, ખાલસા કરો, ખેતર પર જાઓ, હરાજીઓ બોલાવો, જે કંઈ કરવું હોય તે જબરદસ્તીથી કરો, મરજિયાત કંઈ નહીં કરાવી શકો. અમારે હાથે તમને કશું નહીં મળે. એ જ આ લડતનો પાયો છે.”

સત્યાગ્રહની ગાંધીરીતિ પ્રમાણે ‘શૂર સંગ્રામ કો દેખ ભાગે નહિ’ ભજન ગવાયું, કુરાનનો પાઠ થયો, રામધૂન થઈ અને સત્યાગ્રહની શરૂઆત થઈ.

line

સક્ષમસાથીદારો, શિસ્તબદ્ધઆયોજન

સરદાર પટેલ અને ગાંધીજી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સરદાર પટેલ અને ગાંધીજી

બારડોલી સત્યાગ્રહ વલ્લભભાઈની સંગઠનશક્તિ અને આયોજનશક્તિનો ઉત્તમ નમૂનો બની રહ્યો. ત્યાં તેમના સાથીદાર તરીકે ગુજરાતના જાહેર જીવનનાં રતન કહેવાય એવાં નામ સંકળાયેલાં હતાં, એટલું જ નહીં, તે વલ્લભભાઈની સરદારી નીચે શિસ્તબદ્ધ રીતે કામ કરી રહ્યા હતા.

રવિશંકર મહારાજ, મોહનલાલ પંડ્યા અને દરબાર ગોપાળદાસ ઉપરાંત વડોદરાના ગાયકવાડના અંગત ડૉક્ટર તરીકે સેવા આપી ચુકેલા ડૉ. સુમંત મહેતા અને ગાયકવાડી રાજના ભૂતપૂર્વ ન્યાયાધીશ- વયોવૃદ્ધ અબ્બાસ તૈયબજી તાલુકાની જુદી જુદી છાવણીઓમાં થાણેદાર બન્યા.

સત્યાગ્રહને લગતી પત્રિકાઓ તથા અન્ય સાહિત્ય તૈયાર કરવાનું કામ ગુજરાતીમાં જુગતરામ દવેએ ઉપાડ્યું. એ જ કામ અંગ્રેજીમાં (છેલ્લાં વર્ષોમાં ગાંધીજીના સચિવ બનેલા) પ્યારેલાલ નાયરે સંભાળ્યું.

લડત માટે ગીતો-કવિતાઓ તૈયાર કરવાનું કામ ફુલચંદ શાહ અને રામનારાયણ નાગરદાસ પાઠક કરતા હતા. વલ્લભભાઈનાં પુત્રી મણિબહેન, મીઠુબહેન પીટીટ, ગુજરાતનાં પહેલાં બે સ્નાતક બહેનોમાંનાં શારદાબહેન મહેતા, લડત ખાતર ઢસાનું રાજપાટ છોડનાર દરબાર ગોપાળદાસનાં પત્ની ભક્તિબા આવી બહેનો પણ લડતમાં સક્રિય બની.

ઉપરાંત, બારડોલી તાલુકામાં પણ બહનોની સામેલગીરી પર તેમને તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો. ‘ચાર કક્કા’ તરીકે ઓળખાતા સ્થાનિક આગેવાનો કુંવરજી, કલ્યાણજી, ખુશાલજી અને કેશવજી તો સાથે હતા જ.

વલ્લભભાઈના સહાયક-મદદનીશ તરીકે (આગળ જતાં ગુજરાતી ભાષાના ગદ્યસ્વામી તરીકે ઓળખાયેલા) સ્વામી આનંદ જોડાયા.

ભગવા ફગાવીને દેશસેવામાં ગાંધીજી સાથે જોતરાયેલા સ્વામીના આગ્રહથી ગાંધીજીએ તેમની આત્મકથા લખી હતી. સ્વામી આનંદ જેવા મદદનીશની ભાષા અને તેમાં વલ્લભભાઈની હાસ્યવ્યંગ ભરપૂર, શૂરાતન ચઢાવનારી છતાં સચ્ચાઈમાં ઝબોળાયેલી અભિવ્યક્તિ ભળે, પછી શું થાય?

line

વલ્લભભાઈનીવીરવાણી

સરદાર પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સરદાર પટેલની સભા

બારડોલી સત્યાગ્રહ દરમિયાન વલ્લભભાઈની વાણીનું વર્ણન કરવાને બદલે, તેમનાં ભાષણોમાંથી કેટલાક અંશ.

  • હવે રામબાણ છૂટી ગયું છે. આપણે ભાંગશું તો આખા હિંદુસ્તાનને ભાંગશું અને ટકશું તો તરશું ને હિંદુસ્તાનને પદાર્થપાઠ આપીશું.
  • કેટલાકને જમીનો ખાલસા થવાનો ડર છે. ખાલસા એટલે શું? શું તમારી જમીનો ઉખાડીને સુરત કે વિલાયત લઈ જશે? જે દિવસે તમારી જમીનો ખાલસા કરાવવા તમે તૈયાર થશો તે દિવસે તો તમારી પાછળ આખું ગુજરાત ઊભું છે એમ ખચીત (અવશ્ય) માનજો. ખાલસાની બીક હોય, એવી નામર્દાઈ હોય તો લડત લડાય જ નહીં.
  • આ પંદર દિવસમાં લડતનું રૂપ સમજાતા લોકોની ભડક ભાંગી ગઈ છે. હજુ બે આની-ચાર આની રહી ગઈ હોય તો તે કાઢી નાખજો ને ડર કૂવામાં ફેંકી દેજો. ડરવાનું તમારે નથી, સરકારને છે. કોઈ સુધરેલી સરકાર પ્રજાની સંમતિ સિવાય રાજ કરી શકે નહીં. અત્યારે તો તે તમારી આંખે પાટા બાંધીને રાજ કરવા માગે છે.
  • ગાંડો હાથી માને છે કે જેણે વાઘ-સિંહોને માર્યાં એવા મને મગતરાનો શો હિસાબ? પણ હું મગતરાને સમજાવું છું કે એ હાથીને ઘૂમવું હોય એટલું ઘૂમી લેવા દે અને પછી લાગ જોઈને કાનમાં પેસી જા. કારણ કે એટલી શક્તિવાળો હાથી પણ જો મગતરું કાનમાં પેસી જાય તો તરફડિયાં મારી, સૂંઢ પછાડી જમીન પર આળોટે છે.
  • ગુજરાતની પ્રજાને હું તેજસ્વી જોવા ઇચ્છું છું. કોઈ એમ ન કહી શકે કે કંગાળ કે ખોટી વણિકવૃત્તિનો ગુજરાતી શું કરી શકે? બીજા કોઈપણ જેટલા બહાદુર થઈ શકે, તેટલો ગુજરાતી પણ થઈ શકે. માત્ર તેણે પોતાના માન ખાતર મરતા શીખવું જોઈએ. હું ગુજરાતીઓને કહું છું કે શરીરે તમે ભલે દૂબળા હો, પણ કાળજું વાઘસિંહનું રાખો, સ્વમાન ખાતર મરવાની તાકાત હૃદયમાં રાખો, કોઈ તમને અંદર અંદર લડાવી ન શકે એટલી સમજણ રાખો.
  • મારા સાંભળવામાં આવ્યું છે કે તમારા ગામમાં આજે એક ખ્રિસ્તી જપ્તી અમલદાર નિમાયા છે તેને ગામમાંથી સીધો સામાન મળતો નથી. મારી સલાહ છે કે એમ ન કરશો. અમલદાર કંઈ આપણા દુશ્મન નથી. એ બિચારો હુકમનો તાબેદાર થઈને આવ્યો છે. હુકમનો અનાદર કરી નોકરી છોડવાની તેની હિંમત નથી. તેના ઉપર આપણને દ્વેષ ન હોય.
  • તમારો જપ્તીદાર બ્રાહ્મણ છે. ચાર વાગ્યે ઊઠીને પ્રભુસ્મરણ કરવા કે પ્રભાતિયાં બોલવાને બદલે આજકાલ ભેંસોનું સ્મરણ કરે છે. આ જપ્તીદારથી કોણ ડરે અને એને કોણ ગણકારે? વાલોડના થાણામાં એક જણ ભેંસનું પૂછડું પકડી રહ્યો છે, ને બીજો દોહે છે. સરકારની નોકરી કરવા જતા ગોવાળિયા અને ખાટકી થવાનું! બળ્યા એ અવતાર!
  • આ વખતે સરકારનો પિત્તો ઉછળ્યો છે. છો ને લોઢું ગરમ થાય, પણ હથોડાને તો ઠંડુ જ રહેવું પડે. હથોડો ગરમ થાય તો પોતાનો જ હાથો બાળે. કોઈપણ રાજ્ય પ્રજા ઉપર ગમે તેટલું ગરમ થાય તો તેને છેવટે ઠંડું પડ્યા વિના છૂટકો જ નથી. પ્રજાની પૂરતી તૈયારી હોવી જોઈએ.
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

line

સરકારનોઅત્યાચાર, લોકોનોઅહિંસકપ્રતિકાર

જપ્તીનો સમય

ઇમેજ સ્રોત, Sardar Patel National Musuem Bardoli

જેમનાં નામ ઇતિહાસના ચોપડે કદી ચઢ્યાં નથી, એવા બારડોલીનાં અસંખ્ય સ્ત્રીપુરુષોએ ભારે ધીરજ અને હિંમતનો પરચો આપ્યો. ખેડૂત માટે સ્વજનથી પણ વધીને ગણાય એવાં ઢોર સરકારી અધિકારીઓએ મહેસૂલની વસૂલી માટે જપ્ત કર્યાં, જીવતરના આધાર જેવી તેમની જમીનો વસૂલી લીધી.

લડત દરમિયાન ખેડૂતોએ તો વેઠ્યું જ, સાથોસાથ સરકારી નોકર એવા તલાટીઓ અને મુખીઓએ પણ સત્યાગ્રહના પ્રવાહમાં રાજીનામાં આપ્યાં. લોકોનો ઉત્સાહ મોળો ન પડતા ધરપકડોનો દોર ચાલ્યો.

32 વર્ષ પછી, 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના પ્રસંગે આશીર્વચન આપનાર રવિશંકર મહારાજ બારડોલી સત્યાગ્રહના પહેલા કેદી બન્યા.

હિંદુ-મુસલમાન એકતામાં તિરાડ પડાવવા માટે અંગ્રેજ સરકારે જપ્તી માટે પઠાણો મૂક્યા. પરંતુ વલ્લભભાઈ કે તેમની આગેવાની હેઠળ લડત ચલાવતા લોકો એટલા મજબૂત નીકળ્યા કે તેમણે સરકારની એ ચાલ પણ ફળવા દીધી નહીં.

બીજી તરફ સરકારે વલ્લભભાઈને બારડોલી માટે ‘બહારના માણસ’ ગણાવીને, તેમની આગેવાની સામે સવાલ ઊભા કર્યા. ત્યારે વલ્લભભાઈએ મુંબઈ સરકારના અંગ્રેજ મંત્રીને પત્રમાં રોકડું પરખાવ્યું કે તમારી તો આખેઆખી સરકાર બહારના માણસોની છે અને તે બારડોલીના લોકોના બોલાવ્યે આવ્યા છે. તે લોકો ઇચ્છે ત્યારે તેમની (વલ્લભભાઈની) સેવા માટે ના પાડી શકે છે.

બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

line

રાષ્ટ્રવ્યાપીપડઘા

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

મુંબઈ પ્રાંતના એક તાલુકા બારડોલીમાં શરૂ થયેલી અન્યાયી મહેસૂલ સામેની લડતે આખા દેશનું ધ્યાન ખેંચ્યું. સત્યાગ્રહના ટેકામાં મુંબઈ પ્રાંતની ધારાસભામાં ચૂંટાયેલા કનૈયાલાલ મુનશી સહિતના કેટલાક આગેવાનોએ રાજીનામાં આપ્યાં.

વલ્લભભાઈ કરતાં જુદા રાજકીય રસ્તે ચાલનાર તેમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ દિલ્હીમાં કેન્દ્રીય ધારાસભાના પહેલા ભારતીય પ્રમુખ હતા.તેમણે સત્યાગ્રહની લડત માટે (પોતાના પગારમાંથી) દર મહિને રૂ. એક હજાર મોકલવાનું જાહેર કર્યું.

ફેબ્રુઆરીમાં લડત શરૂ થયાના ત્રણ મહિના પછી ગાંધીજીના તંત્રીપદે નીકળતા સાપ્તાહિક ‘નવજીવન’માં વલ્લભભાઈએ લડતના આર્થિક પાસાનો ખ્યાલ આપ્યો અને સરકારની સખતાઈને પહોંચી વળવા માટે ખર્ચ વધશે, એમ જણાવીને મદદ માટે ટહેલ નાખી. તેના પગલે કાર્યકરો અને નેતાઓના પ્રયાસોથી બારડોલી સત્યાગ્રહ માટે જોતજોતાંમાં રૂ. બે લાખ જેટલી રકમ એકઠી થઈ.

ભારતની દરેક બાબતનો મહિમા કરવા માટે તેને કોઈ પરદેશી ચીજ સાથે સરખામણી કરવાના ભારતીય રિવાજ મુજબ, બારડોલીની લડતની સરખામણી થર્મોપીલીની લડાઈ સાથે કરવામાં આવી.

અલબત્ત, થર્મોપીલીની લડાઈ હિંસક હતી. તેમાં સરખામણીનો મુદ્દો માત્ર એટલો હતો કે ગ્રીસના થોડા સૈનિકોએ પર્શિયન ફોજને થર્મોપીલી (કે થર્મોપીલાઇ)ના સાંકડા વિસ્તારમાં જોરદાર ટક્કર આપી હતી.

line

સત્યાગ્રહનોઅંત

રામપરામાં સભા

ઇમેજ સ્રોત, Sardar Patel National Musuem Bardoli

ઇમેજ કૅપ્શન, રામપરામાં સભા

લગભગ છ મહિનાની લડત પછી, ઑગસ્ટ 9, 1928ના રોજ બારડોલી સત્યાગ્રહનો અંત આવ્યો.

મહેસૂલ વધારાની સમીક્ષા માટે તપાસસમિતિ નીમવાની માગણી ઉપરાંત, સત્યાગ્રહી કેદીઓને છોડી મૂકવાની, જપ્ત કરેલી મિલકતો પાછી આપવાની અને સત્યાગ્રહના ટેકામાં રાજીનામાં આપનાર મુખી-તલાટીઓને નોકરી પર પાછા લેવાની શરતો પણ સરકારે મંજૂર રાખી.

આમ, અંગ્રેજ સરકારને લોકશક્તિ સામે નમતું જોખવું પડ્યું. સરકારે નીમેલી બ્રૂમફિલ્ડ-મૅક્સવેલ સમિતિએ તેના અહેવાલમાં સરકારે કરેલો 22 ટકાનો મહેસૂલવધારો ગેરવાજબી ઠરાવ્યો.

સરકારી મહેસૂલવધારા પ્રમાણે બારડોલી અને તેની બાજુના 84 ગામના તાલુકાના કુલ મહેસૂલમાં આગામી ત્રીસ વર્ષ સુધી દર વર્ષે રૂ.1,87,492નો વધારો થવાનો હતો. તેને બદલે વાર્ષિક મહેસૂલવધારાની નવી રકમ રૂ. 48,648 ઠરાવવામાં આવી. એટલે વર્ષનો મહેસૂલવધારો 22 ટકાને બદલે 5.7 ટકા જેટલો રહ્યો.

અલબત્ત, સરકારી વાજિંત્રોએ બારડોલી સત્યાગ્રહનું એવું મૂલ્યાંકન કર્યું કે “બારડોલીના ખેડૂતોએ નવી આકારણી પ્રમાણે જમીન મહેસૂલ ભરવાની ના પાડી અને કેટલાક રાજનેતાઓની ઉશ્કેરણથી તે બંધારણીય રાજસત્તાની સામે થયા, પણ સરકારે તેમને અલ્ટિમેટમ આપી એટલે તે વેળાસર ઝૂકી ગયા.”

line

સરદારનોજયજયકાર

સુરતમાં સરદારનો જયજયકાર

ઇમેજ સ્રોત, Sardar Patel National Musuem Bardoli

ઇમેજ કૅપ્શન, સુરતમાં સરદારનો જયજયકાર

એ બહુ જાણીતું છે કે બારડોલીના સત્યાગ્રહથી વલ્લભભાઈ ‘સરદાર’ તરીકે ઓળખાયા. આ બિરુદ પહેલવહેલું તેમના માટે ક્યારે વપરાયું તે જાણવા મળતું નથી.

રાજમોહન ગાંધીએ તેમના વિસ્તૃત સરદારચરિત્રમાં નોંધ્યું છે કે “1928ના એપ્રિલ મહિનામાં કોઈએ વલ્લભભાઈને ખેડૂતોના સરદાર ઠરાવી દીધા અને એ નામ તેમની સાથે જોડાઈ ગયું.”

ગાંધીજીને મહાત્માનું કે વલ્લભભાઈને સરદારનું બિરુદ પહેલીવાર કોણે આપ્યું, તેની ચર્ચાનું મર્યાદિત મહત્ત્વ છે. પણ તેની પર વધુ પડતો ભાર મૂકવા જેવો નથી. ખરું મહત્ત્વ એ બિરુદ ચલણી બન્યું અને લોકસ્વીકૃતિ પામીને લોકજીભે વસી ગયું તેનું છે.

બારડોલી સત્યાગ્રહની જીત પછી સરદારના ઘણાં સન્માન થયાં. ગાંધીઆશ્રમમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

સન્માનની આગલી રાતે આશ્રમના ભજનગાયક અને શાસ્ત્રીય સંગીતના વિદ્વાન પંડિત નારાયણ ખરે ‘શૂર સંગ્રામ કો’ના સૂરની એક પંક્તિ લઈને મહાદેવભાઈ દેસાઈ પાસે પહોંચ્યા અને એ ઢાળ પરથી વલ્લભભાઈના સ્વાગત માટે એક વિજયગીત બનાવી આપવા કહ્યું.

મહાદેવભાઈએ રાતોરાત એવું ગીત બનાવી દીધું, જે બીજા દિવસે સરદારના સ્વાગતમાં ગવાયું. તેના શબ્દો હતાઃ

શુભદિન, શુભઘડી, વીરવધામણી

ચકિતવિસ્મિતબની, દેશપરદેશની

દૃષ્ટિદોડીહી, બારડોલીભણી...શુભ...

ત્રાસઅન્યાયનાઅમલઉતરીગયા

અભયથીફૂલતીછાતીખેડુતણી

સત્યનેશાંતિનાવિજયવાગીરહ્યા

હરખથીગાતુંસૌ, કીર્તિવલ્લભતણી...શુભ...

નિબિડનૈરાશ્યનાંતિમિરતોટળીગયાં

આશથીઝળકતીઆંખભારતતણી...શુભ...

અલબત્ત, પ્રસારમાધ્યમોની મર્યાદિત પહોંચને કારણે ‘સરદાર’ બનેલા વલ્લભભાઈની ખ્યાતિ ભારતભરમાં થતા થોડો સમય ગયો.

બારડોલી સત્યાગ્રહ પછી કલકત્તામાં ભરાયેલા કૉંગ્રેસના અધિવેશનમાં ‘સરદાર વલ્લભભાઈ’ને અભિનંદન આપતો ઠરાવ મુકાયો, ત્યારે તેમાં રહેલા લોકબિરુદ ‘સરદાર’ વિશે ગેરસમજ થઈ.

સુભાષચંદ્ર બોઝ, પંડિત નહેરુ જેવા યુવાનેતાઓને તેનાથી અંગ્રેજી સરકાર દ્વારા અપાતા ઇલકાબ જેવી લાગણી થઈ. એટલે અભિનંદનનો ઠરાવ ‘સરદાર વલ્લભભાઈ’ને બદલે ‘શ્રી વલ્લભભાઈ’ના નામથી પસાર થયો.

આ અધિવેશનમાં એકવાર સરદાર તેમનો પ્રવેશપાસ ઉતારે ભૂલી ગયા હતા. ત્યારે સ્વયંસેવકે તેમને દાખલ થતા અટકાવ્યા.

આચાર્ય કૃપાલાનીએ તેને સરદારની ઓળખ આપી, પણ એ સ્વયંસેવકે સરદારનું નામ સાંભળ્યું ન હતું. આ વાતને આબરૂ કે માનનો પ્રશ્ન બનાવવાને બદલે સરદાર ચૂપચાપ ઉતારે પાછા જતા રહ્યા.

line

સન્માનઅંગેસરદારનોપ્રતિભાવ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સરદારના પોતાના અમદાવાદ શહેરે તેમને માનપત્ર આપ્યું તેનો સરદારે આપેલો જવાબ ગાંધીજી પ્રત્યેના તેમના આદર, સ્પષ્ટ વિચારસરણી અને સાચી દિશાનો ખ્યાલ આપનારો છે. તેના કેટલાક અંશઃ

  • તમે મને ગાંધીજીના પટ્ટશિષ્ય તરીકે વર્ણવેલો છે. હું ઇશ્વર પાસે માગું છું કે મારામાં એ યોગ્યતા આવે, પણ હું જાણું છું, મને બરાબર ખબર છે કે મારામાં એ નથી.
  • કેટલાક લોકો કહે છે કે ગાંધીજી ચાલ્યા જશે ત્યારે શું થશે? હું એ વિશે નિર્ભય છું. એમણે પોતે કરવાનું હતું તે કરી લીધું છે, હવે જે બાકી રહેલું છે તે તમારે ને મારે કરવાનું છે.
  • બારડોલી માટે મને માન આપો છો તે મને ઘટતું નથી. કોઈ અસાધ્ય રોગથી પીડાતો દર્દી પથારીવશ હોય તેને કોઈ સંન્યાસી મળે, તે જડીબુટ્ટી આપે અને એ માત્ર ઘસીને પાવાથી દર્દીના પ્રાણ સ્વસ્થ થાય એવી દશા હિંદુસ્તાનના ખેડૂતોની છે. હું તો માત્ર જડીબુટ્ટી ઘસીને પાનાર છું.
  • માન જો ઘટતું હોય તો તે જડીબુટ્ટી આપનારને છે. કંઈક માન પેલા ચરી પાળનાર દર્દીને ઘટે છે. બીજા કોઈને માન ઘટતું હોય તો મારા સાથીઓને છે, જેમણે ચકિત બનાવે એવી તાલીમ બતાવી છે. એવા સાથીઓ મને મળ્યા છે, એ પણ મારું કામ નથી. આવા સાથી પાક્યા છે, જેમને સારુ ગુજરાત મગરૂર છે, તે એમનું કામ છે.
  • આમ જો માનપત્રમાંનાં વખાણ વહેંચી આપવામાં આવે તો બધાં વખાણ બીજાને ભાગ જાય અને મારે ભાગે આ કોરો કાગળ જ રહે એમ છે.
  • ખેડૂતને માટે મેં કામ કર્યું તેને માટે મને માનપત્ર શું? હું ખેડૂત છું. મારી નસેનસમાં ખેડૂતનું લોહી વહે છે. જ્યાં જ્યાં ખેડૂતોને દુઃખ પડે છે ત્યાં ત્યાં મારું દિલ દુભાય છે.
  • દેશનું કલ્યાણ નથી મારા હાથમાં કે નથી ગાંધીજીના હાથમાં. (એ) તમારા યુવાનોના હાથમાં છે. આ માનપત્રનો અર્થ એ છે કે એ કામ તમને પસંદ છે, તમારું દિલ પલળેલું છે. મારી ઉમીદ છે કે બાકીનું જે મહાભારત કામ રહેલું છે તે આપણે સાથે મળીને કરીએ.
line

બારડોલીસત્યાગ્રહઅનેમુન્શીપ્રેમચંદ

સરભોણ છાવણી જૂથ

ઇમેજ સ્રોત, Sardar Patel National Musuem Bardoli

ઇમેજ કૅપ્શન, સરભોણ છાવણી જૂથ

બારડોલીની લડતનાં બે વર્ષ પછી મુન્શી પ્રેમચંદે તેમના માસિક ‘હંસ’ના નવેમ્બર, 1930ના અંકમાં ‘વીરભૂમિ બારદોલી’ મથાળા હેઠળ લેખ લખ્યો. તેમાં તેમણે બારડોલીના લોકોની ખુવારી છતાં ખુમારીની ખાસ નોંધ લીધી.

તેમણે લખ્યું હતું, “સશસ્ત્ર સંગ્રામમાં ચિત્તોડે ક્યારેક જે જશ પ્રાપ્ત કર્યો હતો અને ભારતનો ચહેરો જે રીતે ઉજાળ્યો હતો, એવો જ જશ નિઃશસ્ત્ર સંગ્રામમાં બારડોલીએ મેળવ્યો છે."

"સિદ્ધાંત ખાતર પોતાનું સર્વસ્વ કુરબાન કરવાના આવા દાખલા ઇતિહાસમાં મુશ્કેલીથી મળશે. વ્યક્તિગત રીતે લોકોએ પ્રચંડ ત્યાગ કર્યા છે અને પોતાની આત્માના રક્ષણ માટે તેમણે મોટાંમોટાં બલિદાન આપ્યાં છે. પરંતુ આદર્શને ખાતર આખેઆખો પ્રાંત પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે તેવા દાખલા મળતા નથી.”

ખેડૂતો ગરીબ ન હોય, એટલા માત્રથી તેમના આંદોલનનું મહત્ત્વ ઘટી જતું નથી, એ બરાબર સમજતા મુન્શી પ્રેમચંદે સત્યાગ્રહ વિશે લખ્યું હતું, “આજે બારડોલી ઉજ્જડ છે. (ત્યાં) ચોતરફ ધૂળ-રાખ ઊડે છે. આદર્શ ખાતર જાન કુરબાન કરનારા ત્યાંના લોકો બધું છોડીને આજુબાજુનાં રજવાડાંમાં વસ્યા છે."

"એમ ન માનશો કે તેમની દશા ઉત્તર ભારતના ગરીબ ખેડૂતો જેવી છે. એ લોકો નાના જમીનદારો છે. ઘણા લોકો વર્ષે હજારો રૂપિયા કમાય છે. છતાં સિદ્ધાંત ખાતર તેમણે બધું હોમી દીધું છે.”

લેખનો અંત તેમણે આ રીતે કર્યો હતો, “ધન્ય છે તમને બારડોલીના વીરો. આ સૃષ્ટિનો સર્જક જો ક્યાંક હશે તો તમારો ત્યાગ એળે નહીં જાય. તમે સ્વરાજ્યને તમારા ધર્મનો હિસ્સો બનાવી દીધું છે અને ધર્મની અવશ્ય જીત થશે.’ (પ્રેમચંદકા અપ્રાપ્ય સાહિત્ય, ભાગ-૨, સં. કમલકિશોર ગોયનકા, પૃ.664)

line

સરદારનીછેલ્લીબારડોલીમુલાકાત

બદલો YouTube કન્ટેન્ટ, 5
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5

આઝાદીના ચારેક મહિના પહેલાં, વચગાળાની સરકારના મંત્રીપદે રહેલા સરદાર બારડોલી આવ્યા હતા અને એપ્રિલ 17-18, 1947ના રોજ કેટલીક સભાઓમાં વાત કરી હતી. આ સંભવતઃ બારડોલીની તેમની છેલ્લી મુલાકાત હતી.

એ વખતે તેમણે બારડોલીના સ્વરાજ આશ્રમમાં મળેલી સભામાં કહ્યું હતું, “ઘણા લાંબા વખત પછી હું તમને બધાને મળવા આવેલો છું. આવું કે ન આવું, મારું દિલ અહીં પડેલું છે. આપણે મળીએ ત્યારે એક કુટુંબના હોઈએ એમ દિલ ભરાઈ આવે છે."

"આપણે કઠણ કાળમાંથી પસાર થઈ રહ્યા છીએ. બારડોલી તાલુકાના લોકો દુઃખ આવે અને રડી ઊઠે તો આપણને શોભે નહીં. જે બહાદુરીથી સરકાર સામે લડ્યા હતા,એ જ બહાદુરીથી દુઃખનો સામનો કરીએ.”

આ પ્રવચનના અંતે તેમણે કહ્યું હતું, “આપણે સરકાર સાથે લડાઈ લડ્યા ત્યારે એક વસ્તુ શીખ્યા કે એક બાપની પ્રજાની જેમ અઢારે વર્ણ રહીશું, તો આપણામાં કોઈ ફાટફૂટ નહીં કરી શકે. તે વખતે આપણામાં સંપ હતો તો જ આપણે લડી શક્યા. આપણે સંપીને કામ કરવું હોય તો ખેડૂત અને મજૂરમાં વિક્ષેપ નહીં આવવો જોઈએ. નહીં તો દુઃખ આવવાનું છે.” (એપ્રિલ 17,1947, સ્વરાજ આશ્રમ, બારડોલી)

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 6
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 6

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો