સરદાર@150 : સ્વરાજના સિપાહી બન્યા પહેલાંના વલ્લભભાઈ પટેલ

ઇમેજ સ્રોત, Photo DIVISION
- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, બીબીસી ગુજરાતી માટે

‘લોખંડી પુરુષ’, ‘ભારતના બિસ્માર્ક’, ‘ભારતની એકતાના શિલ્પી’, ‘વિશ્વનું સૌથી ઊંચું પૂતળું જેમનું બન્યું છે તે નેતા’—આવી અનેક પ્રચલિત ઓળખો સરદાર વલ્લભભાઈ પટેલનો સાચો પરિચય મેળવવા માટે સાવ અપૂરતી ગણાય.
તેમના જીવનનાં મહત્ત્વનાં પાસાંનો અંતરંગ અને આધારભૂત પરિચય આપવાના આશયથી, સરદારના જન્મના 150મા વર્ષના આરંભથી અંત સુધી આ શ્રેણી અંતર્ગત દર મહિને એક લેખ પ્રગટ થશે.

વિચારતાં નવાઈ લાગે એવી વાત છે કે ગાંધીજીના જીવનમાં કૉલેજકાળથી જ મંથનની શરૂઆત થઈ હતી, જવાહરલાલ નહેરુ યુવાનીમાં ગાંધીજી સાથે જોડાતાં પહેલાં ત્યારના રાજકારણના ઘણા પ્રવાહોથી ઓછેવત્તે અંશે ભીંજાયા હતા, પણ વલ્લભભાઈ પટેલના જીવનના પહેલા ચાર દાયકા એ બાબતમાં સાવ કોરાકટ ગયા.
ગુજરાતી અને અંગ્રેજી શાળામાં અભ્યાસ પછી વકીલ તરીકે કારકિર્દી શરૂ કરનાર વલ્લભભાઈનાં સપનાં મોટાં હતાં, પણ તેને સાકાર કરવા માટે નાણાં ક્યાંથી કાઢવાં?
તેમના જીવનનું ત્યારે એક જ ધ્યેય હતુઃ રૂપિયા કમાવા, જેથી ઇંગ્લૅન્ડ જઈને બૅરિસ્ટર બની શકાય અને વધુ રૂપિયા કમાઈ શકાય.
કોટ-પાટલૂન પહેરીને બૅરિસ્ટરી કરવી, હુક્કો પીવો, (પત્તાં) બ્રિજની રમત રમવી અને મિત્રો જોડે વાતોના તડાકા મારવા—આ તેમનો ઉજ્જવળ ભવિષ્યનો ખ્યાલ હશે, એવું ત્યારના તેમના વલણ પરથી લાગે.
સ્કૂલ સ્કૂલનાં પાણી

ઇમેજ સ્રોત, Getty Images
સત્તાવાર રીતે સરદારની જન્મતારીખ ભલે 31 ઑક્ટોબર, 1875 ગણાતી હોય, તેમણે પોતે જ એક પત્રમાં લખ્યું હતું,‘મારી માને પેટ પાંચ પથ્થર પડેલા. તે પથરા કેવા નીકળશે અને શા કામમાં આવશે, એનો કશો ખ્યાલ ન હોવાથી કોઈએ દિવસની કે વરસની કશી નોંધ કે યાદી રાખી જ નથી.’
માતા લાડબા નડિયાદમાં રહેતા ભાઈ ડુંગરભાઈ દેસાઈને ત્યાં પ્રસૂતિ માટે આવ્યાં હતાં. વલ્લભભાઈનો જન્મ નડિયાદમાં થયો—અને આગળ જતાં, એક અર્થમાં તેમનો ‘પુનર્જન્મ’ પણ નડિયાદમાં જ થવાનો હતો. કારણ કે ખેડા સત્યાગ્રહ નિમિત્તે ગાંધીજી સાથે પહેલી વાર જોડાયા ત્યારે નડિયાદનો હિન્દુ અનાથ આશ્રમ તેમની લડતનું મુખ્ય થાણું બન્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કરમસદમાં રહેતા પિતા ઝવેરભાઈને પાંચ પુત્રો અને એક પુત્રી ડાહીબહેન. વલ્લભભાઈ નાના હતા ત્યારે તેમના પિતા સવારના પહોરમાં તેમને ખેતરે લઈ જતા હતા—કામ કરવા નહીં, પણ જતાંઆવતાં રસ્તે આંક અને પલાખાં બોલાવવા માટે.
વલ્લભભાઈ થોડા મોટા થયા ત્યાં સુધીમાં ઝવેરભાઈ ગૃહસ્થીને બદલે સ્વામિનારાયણ સંપ્રદાય તરફ વધારે ઢળ્યા અને મંદિરમાં જ મોટા ભાગનો સમય વીતાવવા લાગ્યા. વલ્લભભાઈ જોકે પહેલાં કે પછી કોઈ સંસ્થાકીય ધર્મ પ્રત્યે ઢળ્યા નહીં અને ધર્મોના નામે ચાલતા ગોરખધંધાથી તેમને ચીડ રહી.
વલ્લભભાઈના ‘સરદારપણા’નાં મૂળ તેમનાં માતાપિતા, જ્ઞાતિ કે ભૂમિ (ચરોતર)માંથી શોધવાં જ હોય તો મળે ખરાં, પણ એમ તો એ બધી બાબતો પાંચેય ભાઈઓ માટે સરખી ન હતી?
તેમ છતાં, વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈમાં તે જે રીતે પ્રગટ થઈ, તે બીજા કોઈ ભાઈમાં ન થઈ. જાહેર જીવનમાં નામ કાઢનારા તે બંને ભાઈઓની પ્રકૃતિમાં પણ સ્વાભાવિક રીતે જ ઘણો ફરક હતો.
સામાજિક દરજ્જામાં ઊંચા (છ ગામના લેઉવા પાટીદાર), પણ આર્થિક રીતે સામાન્ય સ્થિતિ ધરાવતા ઘરમાં વિઠ્ઠલભાઈ ભણ્યાગણ્યા અને પ્લીડર બન્યા. તેમનાથી માંડ બેએક વર્ષ નાના વલ્લભભાઈએ અભ્યાસની શરૂઆત કરમસદમાં કરી.
મહાદેવભાઈ દેસાઈને તેમણે કહ્યા પ્રમાણે, કરમસદના શિક્ષક બધા વિદ્યાર્થીઓને માસ્તર બનાવવા ઉત્સુક હતા, પણ વલ્લભભાઈની મહેચ્છા શિક્ષક થવાની ન હતી. સાત ચોપડી ગુજરાતી કરમસદમાં, ત્રણ ચોપડી અંગ્રેજી પણ નવી શરૂ થયેલી કરમસદની સ્કૂલમાં, ચોથી-પાંચમી અંગ્રેજી પેટલાદમાં અને મેટ્રિક સુધી નડિયાદમાં ભણ્યા.
વચ્ચે અંગ્રેજીના વધુ સારા શિક્ષણની આશાએ વડોદરા જઈ આવ્યા, પણ ત્યાં ફાવ્યું નહીં. એટલે પાછા નડિયાદ આવી ગયા. મેટ્રિક થયા ત્યારે વલ્લભભાઈની ઉંમર ખાસ્સી 22 વર્ષની હતી. દરમિયાન, 17મા વર્ષે ગાણા ગામનાં ઝવેરબા સાથે લગ્ન થઈ ચૂક્યું હતું.
તોફાન, તરંગો અને તરફડાટ

ઇમેજ સ્રોત, PATEL A LIFE
લાંબી વિદ્યાર્થી અવસ્થામાં વલ્લભભાઈના નામે તોફાનોના અને હાજરજવાબીના ઘણા પ્રસંગ બોલે છે. પાછલી અસરથી જોતાં તે પ્રસંગોમાં ‘સરદારગીરી’નાં દર્શન કરવાં હોય તો કરી શકાય, પણ એવી ત્રિરાશીનું સ્વસ્થ વિશ્લેષણમાં કેટલું મૂલ્ય ગણાય તે સવાલ.
કારણ કે, આ બધાં તોફાનો પછી પણ તેમને ગાંધીજી ન મળ્યા હોત તો તે જે પ્રકારના સરદાર થયા, તે થયા હોત?
ગાંધીજીને મળ્યા પછી તેમની કેટલીક લાક્ષણિકતાઓ યથાવત્ રહી, પણ તેમના વ્યક્તિત્વમાં અને પ્રકૃતિમાં એવો ઘણો ઉમેરો થયો જે અન્યથા કદાચ શક્ય બન્યો ન હોત.
આક્રમકતા વલ્લભભાઈના હાડમાં હતી અને જીભ પાટીદારશાઈ. અંગ્રેજી સારું હતું. અંગ્રેજીમાં બોલી પણ શકતા હતા અને મનમાં પરદેશ જવાની ઇચ્છા ઉછાળા મારતી હતી--સ્થાયી થવા નહીં, ‘જે લોકો પરદેશથી સાત હજાર માઇલ દૂરથી રાજ્ય કરવા આવે છે તેમનો દેશ કેવો હશે તે જોવા અને જાણવા.’
પણ ઘરની સ્થિતિ સામાન્ય, ઓછી જમીન, વસ્તારી પરિવાર અને પિતાજીની પાછલી અવસ્થા મંદિરમાં વીતી. એવામાં એક મિત્રે તુક્કો સુઝાડ્યો કે પરદેશ જવા માટે ઇડરના દરબાર પાસેથી રૂપિયા વ્યાજે મળે એમ છે.
એટલે વલ્લભભાઈ મિત્ર સાથે ઇડર ગયા અને ‘શેખચલ્લીના વિચારો કરી ગામની પ્રદક્ષિણા કરી પાછા આવ્યા.’ ત્યાર પછી તેમને વિચાર આવ્યો કે ઝડપથી રૂપિયા કમાવા માટે વકીલ થવું,
પચીસ વર્ષની વયે તેમણે નડિયાદમાં રહીને વકીલાતની પરીક્ષા આપી અને બોરસદમાં પ્રૅક્ટિસ કરતા વિઠ્ઠલભાઈથી અલગ, ગોધરામાં ડિસ્ટ્રીક્ટ પ્લીડર તરીકે કામ શરૂ કર્યું. વિઠ્ઠલભાઈ પણ પહેલાં ગોધરા પ્રૅક્ટિસ કરી ચૂક્યા હતા.
ત્યાં વ્યાવસાયિક કારકિર્દીની સાથોસાથ વલ્લભભાઈએ નડિયાદના ગુજરી બજારમાંથી સામાન ખરીદીને, પિયર રહેતાં ઝવેરબાને બોલાવીને સંસાર પણ માંડ્યો. તે દાહોદમાં રહેતા હોવાનું પણ રાજમોહન ગાંધીએ નોંધ્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images
ત્રણેક વર્ષ પછી વલ્લભભાઈ બોરસદ આવી ગયા, ઝડપથી રૂપિયા રળી આપતા ફોજદારી કેસ લેવાનું શરૂ કર્યું અને માણસને ઓળખવાની તેમની શક્તિ તથા આક્રમકતાના કારણે ધડાધડ કેસ જીતવા લાગ્યા.
પ્રતાપી પટેલ બંધુઓના અસીલોને લગભગ નિયમ લેખે નિર્દોષ છૂટી જતા જોઈને અંગ્રેજ સરકારે બોરસદના રેસિડેન્ટ મૅજિસ્ટ્રેટની કચેરી આણંદ ખસેડી દીધી. થોડા વખતમાં વલ્લભભાઈ કરમસદ રહેવા આવી ગયા અને આણંદ પ્રૅક્ટિસ કરવા લાગ્યા.
એટલે વરસમાં કચેરીને પાછી બોરસદ લઈ જવામાં આવી. આ સમયગાળામાં વલ્લભભાઈના ગમે તેવા વકીલ બૅરિસ્ટર કે જજથી ગાંજ્યા નહીં જવાના અને કંઈક ગ્રામ્ય લાગે એવી ટીખળવૃત્તિના ઘણા કિસ્સા નોંધાયા છે.
વકીલાતમાંથી રૂપિયા ભેગા થયા પછી પહેલી વાર વિદેશપ્રવાસ માટે તેમના નામનાં કાગળીયાં આવ્યાં, ત્યારે વી. જે. પટેલ નામધારી વિઠ્ઠલભાઈ મોટા ભાઈ તરીકેનો હક કરીને બૅરિસ્ટર થવા ઉપડી ગયા.
મોટા ભાઈ ઊભા હોય તો પોતે બેસે નહીં ને મોટા થયા પછી પણ, મોટા ભાઈના બૂટની દોરી બાંધી આપે એવી રૂઢિગત આમન્યા રાખતા વલ્લભભાઈએ પાંચ વર્ષ રાહ જોઈ, બે સંતાનો—મણિબહેન અને ડાહ્યાભાઈ—ના પિતા બન્યા, એક બીમારીમાં પત્ની ગુમાવીને 33 વર્ષે વિધુર થયા. છેવટે, 1910માં તેમણે વર્ષોથી સેવેલું સ્વપ્ન સાકાર થયું અને તે બૅરિસ્ટર થવા ઇંગ્લૅન્ડ ઉપડ્યા.
ઇંગ્લૅન્ડમાં અઢી વર્ષનું એકનિષ્ઠ વિદ્યાતપ

ઇમેજ સ્રોત, Getty Images
ગાંધીજી 19 વર્ષની વયે અને જવાહરલાલ નહેરુ 16 વર્ષની વયે અભ્યાસ માટે ઇંગ્લૅન્ડ ગયા હતા, જ્યારે વલ્લભભાઈ ઇંગ્લૅન્ડ ગયા ત્યારે તે માતા વગરનાં બંને બાળકોને મુંબઈમાં અંગ્રેજ ગવર્નેસને સોંપીને નીકળેલા 34 વર્ષના વિધુર પિતા હતા.
ઇંગ્લૅન્ડમાં મિડલ ટૅમ્પલ નામની કાનૂની શિક્ષણ આપતી સંસ્થામાં તે દાખલ થયા. રાજમોહન ગાંધીએ નોંધ્યું છે કે 1910માં વલ્લભભાઈ મિડલ ટૅમ્પલમાં દાખલ થયા, ત્યારે તેમનાથી 14 વર્ષ નાના જવાહરલાલ નહેરુ એવી જ બીજી સંસ્થા ઇનર ટૅમ્પલમાં દાખલ થયા હતા, પણ બંનેની દુનિયા અલગ હતી. એટલે તેમની વચ્ચે ત્યાં મુલાકાત થઈ હોય એવું જણાતું નથી.
ગાંધીજી ત્રણ વર્ષમાં બૅરિસ્ટર થઈને અને નહેરુ સાત વર્ષ ઇંગ્લૅન્ડમાં રહીને વિવિધ અભ્યાસના અંતે બૅરિસ્ટર થઈને ભારત પાછા ફર્યા. તેમની ઉંમરે તે બંનેને ઇંગ્લૅન્ડનો થોડો રંગ લાગ્યો હતો, જ્યારે વલ્લભભાઈ પાસે ઇંગ્લૅન્ડનું જીવન માણવાનો સમય કે એટલી સમૃદ્ધિ ન હતાં.
તેમનો એ સમયગાળો સવારથી સાંજ સુધી અભ્યાસ કરીને, નિશ્ચિત ધ્યેય પ્રાપ્ત કરીને, વહેલામાં વહેલા ઘરે પાછા ફરવાના દૃઢ નિશ્ચયના સ્થિર પ્રતિબિંબ જેવો હતો. રહેઠાણથી કૉલેજ અને લાઇબ્રેરી સુધીનું લાંબું અંતર તે રોજ ચાલીને કાપતા અને સવારથી સાંજ સુધી વાંચ્યા કરતા.
બગલમાં થયેલું ગુમડું સળીયાથી ફોડી નાખવા માત્રથી માણસને ‘લોખંડી પુરુષ’ ગણવામાં આવે, તો ચરોતરમાંથી જ એવા ઘણા મળી આવે. (જાણીતા દાખલામાં વિદ્યાનગરના સર્જક ભાઈકાકાએ પણ એવું કર્યું હતું.) શારીરિક પીડા પર વલ્લભભાઈના મનના આશ્ચર્યજનક કાબૂનો અસાધારણ પરિચય ઇંગ્લૅન્ડના નિવાસ વખતે પણ થયો.
ત્યાં તેમના પગે વાળા નીકળ્યા અને એકથી વધુ ઑપરેશન કરાવવાનો વારો આવ્યો ત્યારે તેમણે ધરાર એનેસ્થેસિયા લેવાનો ઇન્કાર કર્યો અને ડૉક્ટરોની તાજુબી વચ્ચે ચૂપચાપ પીડા સહી ગયા.
કાયદાના અભ્યાસમાં તે પણ, વિઠ્ઠલભાઈ પટેલની જેમ જ, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યા અને 50 પાઉન્ડનું ઇનામ મેળવ્યું. એ રકમની મહત્તા સમજવા એટલું નોંધવું જોઈએ કે લંડનમાં અઢી વર્ષ રહેવાનો તેમનો કુલ ખર્ચ આશરે 450 પાઉન્ડ હોવાનું રાજમોહન ગાંધીએ લખ્યું છે.
વકીલમાંથી બૅરિસ્ટર, ચરોતરથી અમદાવાદ

ઇમેજ સ્રોત, Getty Images
બૅરિસ્ટર થઈને 1913માં વલ્લભભાઈ ભારત પાછા આવ્યા અને મુંબઈમાં ચીફ જસ્ટિસ સર બેસિલ સ્કૉટને મળ્યા. સ્કૉટના પિતરાઈ સાથે તેમને ઇંગ્લૅન્ડમાં પરિચય થયો હતો અને તેમણે વલ્લભભાઈને ભલામણપત્ર લખી આપ્યો હતો.
સ્કૉટે તેમની સમક્ષ ન્યાયાધીશ થવાનો કે મુંબઈમાં વકીલાત કરવાની સાથોસાથ કાયદાની સરકારી કૉલેજમાં અધ્યાપક થવાનો વૈકલ્પિક પ્રસ્તાવ મૂક્યો, પણ વલ્લભભાઈને શિક્ષક બનવું ન હતું અને ન્યાયાધીશ પણ નહીં. કેમકે, તેમાં વકીલાત જેટલા રૂપિયા ન મળે. તેમણે નક્કી કરી લીધું હતું કે બૅરિસ્ટર તરીકે તે અમદાવાદમાં પોતાની પ્રૅક્ટિસ જમાવશે.
અમદાવાદમાં તેમનો સિક્કો જામતાં વાર લાગી નહીં. ભાઈઓ વચ્ચેની સમજૂતી એવી હતી કે મુંબઈ રહેતા વિઠ્ઠલભાઈ જાહેર સેવાનું કામ કરે અને વલ્લભભાઈ વકીલાત કરીને કમાય.
અમદાવાદમાં બૅરિસ્ટર તરીકે તે એટલું કમાતા પણ ખરા કે પોતે ઍશથી રહે અને વિઠ્ઠલભાઈની આર્થિક જવાબદારી ઉપાડી શકે. અમદાવાદના વકીલોમાં તેમની ફી સૌથી વધારે હતી, ઑફિસનું ફર્નિચર તેમણે મુંબઈથી મંગાવ્યું હતું અને તે જોઈને કસ્તુરભાઈ લાલભાઈએ કહ્યું હતું કે એવું ફર્નિચર તેમણે અમદાવાદમાં બીજે ક્યાંય જોયું નથી.
અમદાવાદના ભદ્ર નામના વિસ્તારમાં તે રહેતા હતા, નજીકમાં આવેલી અદાલતમાં પ્રૅક્ટિસ કરતા અને સામે આવેલી ગુજરાત ક્લબમાં બ્રિજ રમતા-મિત્રો સાથે વાતોના તડાકા મારતા આનંદથી સમય પસાર કરતા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત સભા નામની એક સંસ્થાના તે સભ્ય થયા, પણ દેશના રાજકારણમાં તેમને કશો રસ ન હતો. તેમને લાગતું હતું કે રાજકારણમાં નકરી વાતો થાય છે ને નક્કર કામ કશું થતું નથી.
વલ્લભભાઈ ઇંગ્લૅન્ડથી પાછા આવ્યા, તેનાં બે જ વર્ષ પછી દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી ભારત પાછા આવ્યા અને યોગાનુયોગે અમદાવાદમાં જ આશ્રમ શરૂ કર્યો.
તે વખતના વલ્લભભાઈને ગાંધીજીના સિદ્ધાંતો હાસ્યાસ્પદ લાગ્યા, પણ ગાંધીજીએ 1917માં ચંપારણમાં ઉપાડેલા સત્યાગ્રહ વિશે જાણ્યા પછી તેમના વિચાર બદલાયા. તેમને થયું કે આ માણસ જુદી માટીનો લાગે છે.
એ જ અરસામાં, અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ચૂંટાયેલા ભારતીય સભ્યોની ઉપર મ્યુનિસિપલ કમિશનર તરીકે જોન શીલાડી નામના અધિકારીને મૂકવામાં આવ્યો. તેની 'ઉદ્ધતાઈ અને આપખુદશાહી'થી ત્રાસેલા સભાસદો શીલાડીને પાઠ શીખવવા માટે આક્રમક વલ્લભભાઈને મ્યુનિસિપાલિટીના રાજકારણમાં ખેંચી લાવ્યા.
અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય તરીકે શરૂ થયેલા વલ્લભભાઈના જાહેર જીવને 1918માં ખેડા સત્યાગ્રહમાં ગાંધીજીના સાથીદાર તરીકેનો હનુમાનકૂદકો ભર્યો. તે ફક્ત વલ્લભભાઈના જીવનનો જ નહીં, ભારતના રાજકીય ઇતિહાસનો એક નિર્ણાયક વળાંક બની રહ્યો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












