સરદાર@150: સરદાર પટેલ ગાંધીજીના કેટલા સમર્થક, કેટલા વિરોધી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, વરિષ્ઠ પત્રકાર
'લોખંડી પુરુષ', 'ભારતના બિસ્માર્ક', 'ભારતની એકતાના શિલ્પી', 'વિશ્વનું સૌથી ઊંચું પૂતળું જેમનું બન્યું છે તે નેતા'—આવી અનેક પ્રચલિત ઓળખો સરદાર વલ્લભભાઈ પટેલનો સાચો પરિચય મેળવવા માટે સાવ અપૂરતી ગણાય.
તેમના જીવનનાં મહત્ત્વનાં પાસાંનો અંતરંગ અને આધારભૂત પરિચય આપવાના આશયથી, સરદારના જન્મના 150મા વર્ષના આરંભથી અંત સુધી આ શ્રેણી અંતર્ગત દર મહિને એક લેખ પ્રગટ થશે.

સરદાર પટેલ અને ગાંધીજી વચ્ચેનો સંબંધ ભારતના સ્વતંત્રતા સંગ્રામનું મહત્ત્વનું પ્રકરણ છે. તેનાં વિચારધારાકીય અર્થઘટનો વિવાદાસ્પદ રહ્યાં છે. સામ્યવાદી-સમાજવાદી વિચાર પરંપરામાંથી આવનારા માને છે કે સરદારનું આખેઆખું રાજકીય અસ્તિત્વ ગાંધીજીની કૃપા પર આધારિત હતું.
સ્વરાજની લડતના અને આઝાદી પછી મંત્રીમંડળના સાથી મૌલાના આઝાદે તેમની આત્મકથામાં એ મતલબની લાગણી વ્યક્ત પણ કરી છે કે ગાંધીજી વિના સરદાર કંઈ જ ન હોત. સામે પક્ષે, જમણેરી વિચારધારા ધરાવતા લોકો માને છે કે સરદાર ન હોત તો ગાંધીજીને આટલી સફળતા ન મળી હોત.
બંને નેતાઓની હયાતીમાં એક વર્ગ સરદારને ગાંધીજીના અંધ અનુયાયી ગણતો હતો અને બીજો વર્ગ માનતો હતો કે સરદાર ગાંધીજીના અનુયાયી જ નથી.
એટલે કે, સાદા શબ્દોમાં કહીએ તો, સરદાર ગાંધીજીના કહ્યામાં નથી અને એ તો તેમને જે કરવું હોય તે જ કરે છે.
વાસ્તવમાં, જાહેર જીવનમાં ગાંધીજી-સરદારનો લગભગ 30 વર્ષનો સંબંધ આવા તમામ આત્યંતિક અભિપ્રાયોને ખોટા પાડે, એટલી અને એવી રંગછટાઓ ધરાવે છે.

'અક્કડ પુરુષ' બન્યા અડીખમ સાથી

ઇમેજ સ્રોત, Sardar Patel National Musuem Bardoli
ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી 1915માં ભારત આવ્યા અને અમદાવાદમાં સ્થાયી થયા ત્યારે 40 વર્ષના બૅરિસ્ટર વલ્લભભાઈ અમદાવાદમાં સફળ ફોજદારી વકીલ તરીકે સુખસમૃદ્ધિનું જીવન ગાળતા હતા. ભાષણબાજી અને શબ્દાળુ અરજીઓના રાજકારણમાં તેમને કશો રસ પડતો ન હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગાંધીજીનાં વિચારો અને વાતો શરૂઆતમાં તેમના માટે રમૂજની સામગ્રી હતાં. પરંતુ ચંપારણ સત્યાગ્રહમાં ગાંધીજીએ દાખવેલી નૈતિક હિંમત અને નિર્ભયતા સાથેની કાર્યપદ્ધતિનો બૅરિસ્ટર વલ્લભભાઈ પર ઘણો પ્રભાવ પડ્યો.
તેમને થયું કે આ માણસ જુદો છે. તેને વાતોમાં નહીં કામમાં રસ છે અને પોતાના સિદ્ધાંત માટે ફના થવાની તાકાત ધરાવે છે.
થોડાં વર્ષ પછી કૉંગ્રેસની ગુજરાત પ્રાંતની સમિતિમાં ફેરવાઈ જનારી 'ગુજરાત સભા'માં ગાંધીજી અને વલ્લભભાઈ સંકળાયા હતા. એવામાં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે પાક ધોવાઈ ગયો અને સરકારે મહેસૂલ માફ કરવાની ના પાડી.

ઇમેજ સ્રોત, Sardar Patel National Musuem Bardoli
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પરિસ્થિતિની ઊંડી તપાસ થયા પછી ગાંધીજીએ ભારતમાં પહેલી વાર અન્યાયી મહેસૂલની સામે લડત નિમિત્તે સત્યાગ્રહનો વિચાર કર્યો. ત્યારે વકીલાતનો ધંધો ને બધું કામકાજ છોડીને ગાંધીજીની સાથે નડિયાદમાં બેસી જવા વલ્લભભાઈ તૈયાર થઈ ગયા.
તેમને લાગતું હતું કે બીજા બધા વાતો કરે છે, જ્યારે આઝાદી અપાવી શકે એવો માણસ આ એક જ છે. અલબત્ત, ગાંધીજીના નિકટ સંપર્કમાં આવ્યા પછી તે ગાંધીજીના વિચાર અને વ્યક્તિત્વથી સમગ્રપણે પ્રભાવિત થયા.
વલ્લભભાઈ વિશે ગાંધીજીનો બહુ જાણીતો બનેલો અભિપ્રાય ખેડા સત્યાગ્રહની પૂર્ણાહુતિના પ્રસંગે ઉચ્ચારાયો હતો.
ગાંધીજીએ કહ્યું હતું, '...મેં ભાઈ વલ્લભભાઈની પહેલી મુલાકાત લીધી ત્યારે મને એમ થયેલું કે આ અક્કડ પુરુષ કોણ હશે? એ શું કરશે? પણ જ્યારે હું તેમના પ્રસંગમાં આવ્યો ત્યારે મને લાગ્યું કે મારે વલ્લભભાઈ તો જોઈએ જ ... વલ્લભભાઈ મને ન મળ્યા હોત તો જે કામ થયું છે તે ન જ થાત., એટલો શુભ અનુભવ મને એ ભાઈથી થયો છે.'
વલ્લભભાઈની મહત્તા દર્શાવવા ગાંધીજીનો આ અભિપ્રાય ઘણી વાર ટાંકવામાં આવે છે. ત્યારે એટલું યાદ રહેવું જોઈએ કે તે 1918માં અને એક ચોક્કસ લડત સંદર્ભે અપાયો હતો.
પછી બંનેનો સંબંધ વધુ ને વધુ ગાઢ બન્યો. પરંતુ આ અભિપ્રાયનો દુરુપપયોગ ગાંધીજીના એકંદર જીવનકાર્યમાં વલ્લભભાઈની(તેમણે પણ ન ધારી હોય એવી) મહત્તા ઉપસાવવા ન કરી શકાય.
સત્યાગ્રહના સરદાર, ગાંધીજીના સૈનિક
1920નો દાયકો સત્યાગ્રહોનો રહ્યો. તેમાં પણ બોરસદ અને બારડોલીના સત્યાગ્રહો વલ્લભભાઈએ ગાંધીજીની રીત પ્રમાણે, તેમના સિદ્ધાંતોને અનુસરીને સફળતાપૂર્વક પાર પાડ્યા. બારડોલી સત્યાગ્રહે વલ્લભભાઈને 'સરદાર' બનાવ્યા.
ગાંધીજીની જેમ જ, વલ્લભભાઈ સાથીદારો પાસેથી ઉત્તમ કામ લઈ શકતા હતા તે ગાંધીજી વિના, વલ્લભભાઈએ ચલાવેલા બોરસદ અને બારડોલીના સત્યાગ્રહોમાં દેખાઈ આવ્યું.
ગાંધીજીને મળતાં પહેલાંના વલ્લભભાઈને હિંસા-અહિંસા, સત્ય-અસત્યનો કશો બાધ ન હતો. કોઈ પણ ભોગે કામ પાર પાડવું, રૂઆબ જમાવવો ને મોજથી રહેવું એ જ તેમનું જીવન હતું. ગાંધીજીને મળ્યા પછી પણ વલ્લભભાઈ એકદમ બદલાઈ ન ગયા.
ખેડા સત્યાગ્રહ વખતે ચૂપચાપ વકીલાત છોડી, અંગ્રેજી પોશાક છોડ્યો અને સાદગી અપનાવી લીધી. ગાંધીજી સાથે જોડાતાં પહેલાં તેમની અને ગાંધીજીના સાથી બન્યા પછી ગાંધીવાદને નામે ચાલતી જડતાની ઠેકડી ઉડાડવામાં વલ્લભભાઈને કદી છોછ નડતો ન હતો. ગાંધીજી સાથે પણ તે ખુલીને રમૂજ કરતા હતા.

ગાંધીજીના નિકટતમ અનુયાયીઓમાં હોવા છતાં ગાંધી ટોપી પહેરેલા વલ્લભભાઈની એક પણ તસવીર જોવા મળતી નથી. સરદારના પુત્ર ડાહ્યાભાઈનું લગ્ન અમદાવાદના ગાંધી આશ્રમમાં થયું અને મણિબહેનનું ધ્યાન પણ ગાંધીજી રાખતા હતા. છતાં, વલ્લભભાઈ કદી આશ્રમવાસી ન બન્યા.
દાંડીકૂચ પહેલાં 1930માં તેમની ધરપકડ થઈ ત્યાં સુધી તે સિગરેટ પીતા હોવાનું નોંધાયું છે, પણ ગાંધીજીનાં સાદગી, બહાદુરી અને સમર્પણની બાબતમાં વલ્લભભાઈ તેમના પાકા શિષ્ય હતા.
1940ના દાયકા પહેલાં ગાંધીજી અને સરદાર વચ્ચે મતભેદ તો થતા, પણ તે સમયે સરદાર ગાંધીજીનું દૃષ્ટિબિંદુ કબૂલ રાખતા હતા.
ગાંધીજીએ પોતે 1931માં સરદાર વિશે અંગ્રેજ પત્રકાર પૅટ્રિક લૅસીને કહ્યું હતું, 'વલ્લભભાઈ પટેલ સૈનિક છે...એ પોતાની જાતને ભૂંસી નાખવામાં માને છે...એમ નથી કે એમને પોતાના વિચારો નથી, પણ એ માને છે કે મૂળભૂત બાબતોમાં જ્યારે સંપૂર્ણપણે સંમતિ છે ત્યારે વિગતોના પ્રશ્નો ઊઠાવવાનો કોઈ અર્થ નથી... (સિદ્ધાન્તોની બાબતમાં કદી અથડામણ ઊભી થઈ) હોત તો અમે છૂટા પડ્યા હોત.'
તેમનું સૈનિકપદું વલ્લભભાઈએ એકથી વધુ વાર ગાંધીજીના ઇશારે કૉંગ્રેસનું પ્રમુખપદું જતું કરીને દર્શાવી આપ્યું હતું.
રાજકારણના તકાદા, વહીવટકેન્દ્રી નિર્ણયો

ઇમેજ સ્રોત, કૉપીરાઇટ-4
બીજા વિશ્વયુદ્ધ વખતે કૉંગ્રેસ સમક્ષ મૂંઝવણ ઊભી થઈ. ગાંધીજી અહિંસાને વરેલા હતા, જ્યારે સરદાર સહિતના કૉંગ્રેસના નેતાઓને લાગતું હતું કે દેશના રક્ષણ માટે જરૂર પડ્યે હિંસાનો પ્રયોગ કરવો પડે તો કરવો.
તે બાબતે ગાંધીજીએ કહ્યું કે મારી વાત તમારી બુદ્ધિ કબૂલ કરતી હોય તો જ તમે મને અનુસરો. બાકી, જરૂર પડ્યે હિંસાપ્રયોગના ઠરાવને ટેકો આપો.
સરદારે કહ્યું કે ગાંધીજીએ હુકમ આપ્યો હોત તો તેનું રાજીખુશીથી પાલન કરત, પણ તેમણે જાતે વિચારવા કહ્યું છે તો આપણે તેમને છેતરવા ન જોઈએ. અલબત્ત, આ મુદ્દે ગાંધીજીથી ખુલ્લેઆમ જુદા પડવાના પ્રસંગથી સરદારનો જીવ કચવાતો હતો.
તેમનો સંકોચ હળવો કરવા ગાંધીજીએ તેમને લખ્યું હતું,'મૂંઝાઓ છો શાના? તમે જે કરો તે વાજબી જ ગણું. કેમ કેમ છેવટે માણસ પોતાની પ્રેરણા અથવા શક્તિ પ્રમાણે જ ચાલી શકે. ભૂલ થતી હોય તો પણ તે કરવાથી જ સુધારાય ના?'
સ્વરક્ષણનો પ્રસંગ ન આવ્યો, એટલે તે ઠરાવનો અર્થ ન રહ્યો. છતાં, 1917થી જેમના પગલે ચાલ્યા હતા તે ગાંધીજીના રસ્તાથી, ભલે કેટલાક મુદ્દે, સરદારને અલગ ચાલવાનું થયું.
'હિંદ છોડો' ચળવળ અને તેના પગલે થયેલા જેલવાસ પછી, ગાંધીજી 1944માં અને સરદાર 1945માં જેલમાંથી છૂટ્યા. ત્યાર પછી અંગ્રેજ સરકારના પ્રતિનિધિઓ સાથે ચાલેલી સત્તાના હસ્તાંતરણને લગતી વાટાઘાટોમાં સરદાર અને જવાહરલાલ નહેરુ એકમત હતા, જ્યારે ગાંધીજી તે બંનેથી અલગ પડતા હતા.
1937માં પહેલી વાર પ્રાંતોમાં ચૂંટણી થઈ ત્યારે તે સંપૂર્ણપણે ગાંધીજીના ચીંધેલા રસ્તે લડાઈ ન હતી. કૉંગ્રેસમાં હાઇકમાન્ડ તરીકે સરદારની ભૂમિકા અને ચૂંટણીમાં તેમની ઉમેદવાર-પસંદગી તથા ભંડોળ એકઠું કરવાની કાબેલિયત પક્ષને બહુ ઉપયોગી નીવડી.
1937ની ચૂંટણીમાં કૉંગ્રેસનો ભવ્ય વિજય થયો હતો, પરંતુ 1946ની ચૂંટણી વખતે કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે જોરદાર ટક્કર થઈ.
પરિણામે બંનેની સંયુક્ત સરકાર રચાઈ. લીગ સાથે સંયુક્ત સરકારના કડવા અને કપરા અનુભવ પછી સરદારને પ્રતીતિ થઈ કે ભાગલાનો અળખામણો નિર્ણય લીધા વિના છૂટકો નથી. તે નિર્ણયમાં નહેરુ સરદારની સાથે હતા.
હિંદુ-મુસલમાન મુદ્દે વલણભેદ

ઇમેજ સ્રોત, Getty Images
સમસ્યાઓનો વહીવટી ઢબે ઉકેલ શોધવાનું વલણ અને તે પ્રમાણેની કુનેહ ધરાવતા સરદાર અને પોતાના સિદ્ધાંતો પર અડગ ગાંધીજી વચ્ચે છેલ્લાં વર્ષોમાં કેટલીક બાબતોમાં અંતર વધ્યું. છતાં, બંને વચ્ચેનાં પ્રેમાદરનાં મૂળિયાં એટલાં ઊંડાં હતાં કે તેને ઇતિહાસના ભોગે જ અવગણી શકાય.
દેશમાં વ્યાપેલી ભયંકર કોમી હિંસાથી વ્યથિત ગાંધીજી તે આગ ઠારવાના કામમાં પડ્યા. તેમનો અભિગમ એક સંતનો હતો, જે ગમે તેવા ભયંકરમાં ભયંકર હત્યારાના પણ હૃદયપરિવર્તન માટે પ્રયાસ ન છોડે.
સરદાર માટે હિંદુ-મુસલમાન સંઘર્ષ મહદ્ અંશે કાયદો-વ્યવસ્થાનો મામલો હતો. જવાહરલાલ નહેરુ અને ગાંધીજીની જેમ, મુસલમાનોને આશ્વસ્ત કરવા અને તેમનો વિશ્વાસ જીતવા માટે વિશેષ ધ્યાન રાખવાનું વલણ સરદારનું ન હતું. એ દિવસોમાં સરદાર મુસ્લિમવિરોધી છે એવી ફરિયાદો ગાંધીજી સમક્ષ ઘણી વાર સતત થતી હતી.
ગાંધીજી કેટલીક વાર સરદારને ખુલાસો પૂછાવતા હતા, પણ સરદારને એ વાતે બહુ ખરાબ લાગતું હતું કે વારે ઘડીએ ગાંધીજીએ તેમનો (સરદારનો) બચાવ કરવો પડે છે. છેલ્લા થોડા મહિનાને બાદ કરતાં ગાંધીજી દિલ્હીથી દૂર, કલકત્તા, નોઆખલી અને બિહારમાં હતા.
એ વખતે અને ત્યાર પછી પણ સરદારને મહાદેવભાઈ દેસાઈની ખોટ બહુ સાલતી હતી. તે માનતા હતા કે મહાદેવભાઈ જીવતા હોત તો તેમની અને ગાંધીજી વચ્ચે એટલું અંતર પણ ન પડ્યું હોત.

ઇમેજ સ્રોત, MAHATAMAGANDHI.ORG
પ્રાર્થનાસભામાં બૉમ્બ ફેંકીને ગાંધીજીની હત્યા કરવાનો નિષ્ફળ પ્રયાસ થયા પછી ગૃહમંત્રી સરદાર સુરક્ષા વધારવા ઇચ્છતા હતા, પણ તે ગાંધીજીને મંજૂર ન હતું. તેમ છતાં, સાદાં કપડાંમાં પોલીસની સંખ્યા વધારવામાં આવી હતી.
આખરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા સાથે સંકળાયેલા નથુરામ ગોડસેએ સુઆયોજિત કાવતરા અંતર્ગત 30 જાન્યુઆરીના રોજ ગાંધીજીની હત્યા કરી. ત્યાર પછીના દિવસોમાં, યુવા સમાજવાદી નેતા જયપ્રકાશ નારાયણ સહિત સરદારના કેટલાક ટીકાકારોએ ગાંધીહત્યા માટે સરદારને—ગૃહમંત્રી તરીકેની તેમની નિષ્ફળતાને—જવાબદાર ઠેરવી.
અલબત્ત, ગાંધીહત્યા પછી લગભગ ત્રણ દાયકા જીવનારા જયપ્રકાશે તેમનાં પછીનાં વર્ષોમાં સરદારને સમજવામા થયેલી ભૂલનો એકરાર કર્યો અને તેમની પર કરેલા આરોપો વિશે પશ્ચાતાપ કર્યો હતો.
ગાંધીજી સાથે કેટલીક બાબતોના મતભેદ છતાં, તેમના પ્રત્યે અખૂટ આદર ધરાવનાર સરદારને તે આરોપ બહુ વસમો લાગ્યો હતો.
ગાંધીહત્યાના થોડા સમય પછી તેમને હાર્ટઍટેક આવ્યો. ત્યારે બેહોશીમાંથી ભાનમાં આવેલા સરદારે સૌથી પહેલાં ફરિયાદ કરી કે તેમને પાછા શું કરવા બોલાવ્યા. તેમને બાપુની પાસે જવાનું હતું.
યરવડા જેલમાં ગાંધીજી અને મહાદેવભાઈ સાથે લાંબો સમય વીતાવનાર અને તે દરમિયાન ગાંધીજીના જ શબ્દોમાં, માતાની જેમ તેમની કાળજી લેનાર સરદાર જમણેરીઓ કુપ્રચાર કરે છે એવા ગાંધીવિરોધી ન હતા. અને સામ્યવાદીઓ કહે છે એવા ગાંધીજીવી પણ ન હતા.
ગાંધીજીને મળ્યા પછી વલલભભાઈ તેમનું સ્વંતત્ર વ્યક્તિત્વ ગુમાવ્યા વિના, જીવનમાં આમૂલ પલટો આણીને, કેટલીક બાબતોમાં ગાંધીજીના ઉત્તમ શિષ્યોમાંના એક બની રહ્યા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













