સરદાર@150: શું સરદાર પટેલ આરએસએસ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, વરિષ્ઠ પત્રકાર

'લોખંડી પુરુષ', 'ભારતના બિસ્માર્ક', 'ભારતની એકતાના શિલ્પી', 'વિશ્વનું સૌથી ઊંચું પૂતળું જેમનું બન્યું છે તે નેતા'—આવી અનેક પ્રચલિત ઓળખો સરદાર વલ્લભભાઈ પટેલનો સાચો પરિચય મેળવવા માટે સાવ અપૂરતી ગણાય.
તેમના જીવનનાં મહત્ત્વનાં પાસાંનો અંતરંગ અને આધારભૂત પરિચય આપવાના આશયથી, સરદારના જન્મના 150મા વર્ષના આરંભથી અંત સુધી આ શ્રેણી અંતર્ગત દર મહિને એક લેખ પ્રગટ થશે.

સરદાર પટેલ વિશે ક્યારેક આરોપ, તો ક્યારેક પ્રશંસાના સૂરમાં થતી એક વાત એવી છે કે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા. તેનાથી આગળ વધીને સરદારે સંઘની પ્રશંસામાં કહેલી એકાદ વાત, જેવી કે તેમને કૉંગ્રેસમાં જોડાઈ જવા માટે કરેલું તેમનું સૂચન પણ ક્યારેક ટાંકવામાં આવે છે.
કેટલાક લોકો સરદારના વલણને સંઘની લાઇનવાળું ગણાવે છે. આ બધા દાવા વચ્ચે હકીકત શી છે?
ગાંધીજી સાથે કોઈ મુસ્લિમદ્વેષી વ્યક્તિ આટલો લાંબો સમય રહી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
સૌથી પહેલાં એ યાદ રાખવું જરૂરી છે કે સરદાર પટેલનો રાજકીય ઉછેર ગાંધીજીની નિશ્રામાં થયો અને છેવટ સુધી તે ગાંધીજીની સાથે રહ્યા.
હાડે મુસ્લિમદ્વેષી હોય એવી કોઈ પણ વ્યક્તિ ગાંધીજી સાથે આટલો લાંબો સમય રહી શકે, એ શક્ય નથી. અલબત્ત, હિંદુ-મુસલમાન ઓળખ અને સંબંધો વિશે બંનેની વિચારવાની રીત જુદી હતી.
સરદાર પોતાની જાતને હિંદુ ગણતા હતા, પણ હિંદુની તેમની વ્યાખ્યા મહાસભા અને સંઘ દ્વારા પ્રચારિત હિંદુની વ્યાખ્યા કરતાં અલગ હતી. તેમાં મુસલમાનો સામે દ્વેષ અને ઉશ્કેરણી ફેલાવવાનો સમાવેશ થતો ન હતો.
ઉપરાંત, હિંદુ ધર્મના નામે ચાલતા દંભ, છેતરપીંડી અને અંધશ્રદ્ધાના સરદાર કડક વિરોધી હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગાંધીજીની જેમ તેમનો હિંદુ ધર્મ પણ કોઈ એક દેવતા, મૂર્તિ, ધર્મસ્થાન, કર્મકાંડ કે આત્યંતિકતાઓમાં સમાયેલો ન હતો.
બ્રાહ્મણોની બોલબાલા ધરાવતા સંઘ પરિવારથી વિપરીત, સરદારને બ્રાહ્મણવાદી સર્વોપરિતાના અર્થમાં બ્રાહ્મણો પ્રત્યે કોઈ વિશેષ આદર ન હતો. એ બાબતમાં તે ગાંધીજીના પાકા શિષ્ય હતા.
મુસલમાનો માટે તેમના મનમાં, ચરોતર કે મધ્ય ગુજરાતમાં સહજ એવી, દ્વેષ વગરના અલગાવની ભાવના હતી, એવું તેમના વિશે વાંચતાં લાગે.
ગાંધીજી કે જવાહરલાલ નહેરુની જેમ તે મુસ્લિમોને વિશેષ પ્રયાસ કરીને સાથે રાખવા જોઈએ એવું વલણ ધરાવતા ન હતા.
તેમના પત્રો અને પ્રસંગો પરથી એવું લાગે કે હિંદુ-મુસલમાન વિખવાદ વિશેનો તેમનો અભિગમ મહદ્ અંશે 'નૉ નૉન-સૅન્સ' વહીવટકાર તરીકેનો હતો.
ગૃહ પ્રધાન તરીકે તે મુસ્લિમવિરોધી આક્ષેપો પહેલી તકે માની લેતા ન હતા. તેમના સાથીદારો એવું કરે તો તેમને અટકાવતા હતા.
ભારતમાં મુસ્લિમોનું સ્થાન ઉતરતા દરજ્જાના નાગરિકોનું છે, એવું તેમણે કદી સૂચવ્યું ન હતું—ભારતના ભાગલા પડ્યા પછી પણ નહીં.
સાથોસાથ, મુસ્લિમ લીગની અલગાવવાદી પ્રવૃત્તિઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા કે તે સિવાયના મુસ્લિમોને પણ જીતી લેવાની ઉત્સુકતા તેમનામાં ન હતી.

કોમી એકતા વિશે સરદારના વિચારો કેવા હતા?

ઇમેજ સ્રોત, UNIVERSAL HISTORY ARCHIVE
'હિંદ છોડો' ચળવળ નિમિત્તે 1942માં જેલમાં ગયા ત્યાં સુધીના, લગભગ અઢી દાયકાના જાહેર જીવન દરમિયાન સરદારની વાતોમાં હિંદુ મહાસભા કે રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘનો ભાગ્યે જ ક્યાંક ઉલ્લેખ આવતો હશે. તેની સરખામણીમાં 'કોમી એકતા'ની વાત આરંભિક વર્ષોથી જ મળે છે.
ભરૂચમાં 1921માં ભરાયેલી પાંચમી ગુજરાત રાજકીય પરિષદમાં તેમણે હિંદુમુસલમાન એકતાને 'કુમળું વૃક્ષ' ગણાવીને કહ્યું હતું કે 'દરેક બાબતમાં એકબીજાનો અણવિશ્વાસ રાખવાની આપણને આદત પડી ગઈ છે, તે જતી નથી.'
ખિલાફત આંદોલનના એ સમયમાં તેમણે હિંદુઓને મુસલમાનોના ધર્મનું રક્ષણ કરવાની અને તેમની ખાનદાની પર વિશ્વાસ રાખવાની અપીલ કરી હતી.
આઠ વર્ષ પછી, 1929માં સાતમી મહારાષ્ટ્ર પ્રાંતિક પરિષદમાં તેમણે કોમી રમખાણોનો ઉલ્લેખ કરીને કહ્યું હતું,'મારી ખાતરી છે કે મોડાવહેલા પણ વેર અને બદલાના હિમાયતીઓ પોતાની આત્મઘાતી નીતિની વિફલતા કે મૂર્ખામી જોયા વિના રહેશે નહીં.'
આ પ્રકારના હિમાયતીઓમાં હિંદુ-મુસ્લિમ બંનેનો સમાવેશ થતો હતો.
સરદાર તેમની પ્રાથમિક ઓળખ ખેડૂત તરીકે આપતા હતા. એ ભૂમિકાએથી સંયુક્ત પ્રાંત (હાલના ઉત્તર પ્રદેશ)ની કિસાનસભામાં બોલતાં તેમણે 1936માં કહ્યું હતું:
'બધા કિસાનોની દુર્દશા સરખી જ છે. આપણે સૌ પોતપોતાના ધર્મ કે સંપ્રદાયને વળગી રહી, ભેદભાવો છોડી, કોમી ઝઘડા મિટાવી દઈને, એકસાથે આર્થિક, સામાજિક અને રાજકીય ઉન્નતિના કામમાં લાગી જઈશું ત્યારે જ આપણો ઉદ્ધાર થશે.'
ભાવનગરમાં તેમની પર કેટલાક મુસ્લિમોએ ખૂની હુમલો કર્યો, ત્યારે તેમણે ગાંધીજી જેવી ઉદારતાથી અજાણ્યા હુમલાખોરોને માફ કર્યા ન હતા.
તેમણે એમ પણ કહ્યું હતું કે હુમલાખોરો અને તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવાનારા એકસરખા ખતરનાક છે.
સરદારના તે સમયના ભાષણને ચોક્કસ હેતુપૂર્વક અને અમુક ટુકડા ટાંકીને, મુસ્લિમવિરોધી તરીકે ખપાવી શકાય.
બાકી, એ યાદ રાખવું જોઈએ કે સરદારે જે કંઈ કહ્યું તે મુસ્લિમોની વિરુદ્ધ નહીં, પણ ગુંડા અને ગુંડાગીરીના વિરોધમાં હતું.
તેમણે નિર્દોષ મુસ્લિમો વિરુદ્ધ ટોળાંની ઉશ્કેરણી કરી ન હતી કે કદી એવા કૃત્યને વાજબી પણ ઠરાવ્યું ન હતું.
સરદારના આટલા વિચારનમૂના પરથી કહી શકાય કે હિંદુ મહાસભા-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હાથ ધરાયેલા 'હિંદુ હિત'ના એજન્ડા સાથે સરદારને કોઈ વાતે મેળ બેસે તેમ ન હતો.
સંઘ-મહાસભા વિશેનો ભાવ

ઇમેજ સ્રોત, BETTMANN
ભાવનગરમાં તેમની પર ખૂની હુમલો થયો ત્યાર પછી સરદારે કહ્યું હતું કે તે કાયરપણાના કટ્ટર દુશ્મન છે. સ્વરક્ષણ માટે સજ્જ થવાનો તેમનો આગ્રહ હતો.
તેમને એવું લાગતું હતું કે જેમનામાં અહિંસક સ્વબચાવ કરવાની તાકાત ન હોય, તેમણે હથિયાર ઉપાડીને પણ પોતાનો અને પોતાના કુટુંબપરિવારનો બચાવ કરવો જોઈએ.
ભાગી છૂટવું એ અહિંસા નથી. હિંસા-અહિંસાની ચર્ચામાં ગાંધીજીએ પણ આ મતલબની લાગણી ઘણી વાર વ્યક્ત કરી હતી.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટેના સામાન્ય ભાવ માટે પણ એ લાગણી જવાબદાર હતી. સંઘની એક શાખામાં જઈને ગાંધીજીએ તેની શિસ્તનાં વખાણ કર્યાં હતાં, પણ મુસ્લિમવિરોધી પ્રવૃત્તિઓ જો થતી હોય તો તેની ટીકા કરી હતી.
સરદારને પણ લાગતું હતું કે સંઘની શાખામાં સ્વરક્ષણ અને શિસ્ત શીખવાતી હોય તો તેની જરૂર છે. અલબત્ત, હિંદુ રાષ્ટ્રનું સપનું સરદારને મૂર્ખામીભર્યું લાગતું હતું.
આઝાદી પછી તેમણે હિંદુ મહાસભા અને સંઘને કૉંગ્રેસમાં જોડાઈને રાષ્ટ્રીય સરકારના હાથ મજબૂત કરવા કહ્યું હતું. તે સંઘના લોકોને દેશભક્ત, પણ ખોટા માર્ગે ચાલનાર ગણતા હતા.
તેમણે કહ્યું હતું, 'એ લોકો પોતાની જાતને હિંદુ ધર્મના ઠેકેદાર ગણતા હોય તો એમની ભૂલ છે. હિંદુત્વ જીવનના વિશાળ દૃષ્ટિકોણનો ઉપદેશ આપે છે.'
હિંદુ જમણેરીઓની ગાંધીજી વિશેની ટીકા અંગે સરદારે કહ્યું હતું, 'આ લોકોને હું હિંદુ ગણતો જ નથી. દુનિયામાં ભારતનું નામ રોશન કરનાર ગાંધીજી છે.'
'તેમના જેટલી ચિત્તશુદ્ધિ અને નિર્મળતા આપણે કેળવી શક્યા નથી. તેમ છતાં, એ લોકો (કેટલાક હિંદુ નેતાઓ) માને છે કે દેશભક્તિ, તર્ક અને સામાન્ય બુદ્ધિ પર તેમનો ઇજારો છે.'
અલબત્ત, સંઘ અને મહાસભા વિશે જવાહરલાલ નહેરુનું જે મૂલ્યાંકન હતું, તે સરદારનું ન હતું.
નહેરુ આ સંસ્થાઓને ફાસીવાદી વલણ ધરાવતી ગણતા હતા—અને બહુ ઓછા કિસ્સામાં બન્યું છે તેમ, આ બાબતમાં સરદારના મૂલ્યાંકન કરતાં નહેરુનું મૂલ્યાંકન સચ્ચાઈની વધારે નજીક હતું.
ગાંધીહત્યા અને સંઘ પર પ્રતિબંધ

ઇમેજ સ્રોત, PHOTO DIVISION
ગાંધીજીની હત્યા પછી જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર તરત પ્રતિબંધ મુકવા ઇચ્છતા હતા, પણ ગૃહપ્રધાન સરદારે થોડી તપાસ પછી અને તેમની શંકા પાકી થયા પછી સંઘ પર પ્રતિબંધ મુક્યો.
સરદારે મુકેલો પ્રતિબંધ ઐતિહાસિક સચ્ચાઈ હોવા છતાં, તેને બને ત્યાં સુધી છુપાવવાના અને પછી તો તેના સાફ ઇન્કારના પ્રયાસ પણ થતા રહ્યા છે.
સરદારે 6 મે, 1948ના રોજ શ્યામાપ્રસાદ મુખર્જીને લખેલા એક પત્રમાં, બીજી બાબતો ઉપરાંત હિંદુ મહાસભા અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘે ઉભા કરેલા આક્રમક કોમવાદના વાતાવરણની કડક ટીકા કરી હતી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ લશ્કરી કે અર્ધ-લશ્કરી રીતે અને ગુપ્ત રીતે ચાલે છે તે માટે વિશેષ ચિંતા વ્યક્ત કરી હતી.
બે મહિના પછી મુખર્જીને લખેલા વધુ એક પત્રમાં સરદારે ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે આરએસએસનાં વર્તુળો સમય વીતે એમ વધારે ઉદ્દંડ બની રહ્યાં છે અને તે સરકાર તથા રાષ્ટ્ર માટે ખતરારૂપ છે.
હિંદુ મહાસભા ગાંધીહત્યાના આરોપી સાવરકરના બચાવ માટે ભંડોળ ઉઘરાવી રહી છે એવી જાણ થતાં, તે અંગે પણ સરદારે શ્યામાપ્રસાદ મુખર્જીને ટપાર્યા હતા.
સંઘનેતા 'ભાઈ શ્રી ગોળવલકર'ને એક પત્રમાં સરદારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હિંદુઓનું સંગઠન કરવું ને તેમને મદદ કરવી, એ બધું બરાબર છે અને એનો કોઈ વિરોધ ન હોઈ શકે, પણ તેમણે જે વેઠવું પડ્યું તેનો બદલો નિર્દોષો અને અસહાય સ્ત્રી-પુરુષો-બાળકો પર લેવો, એ સાવ જુદી વાત છે.
11મી સપ્ટેમ્બર, 1948ના રોજ લખેલા અન્ય એક પત્રમાં તેમણે ગોળવલકરને સંઘની નીતિરીતિ બદલવા પણ કહ્યું હતું.
ગોડસેને ફાંસીની સજા માફ કરવાની અપીલ ગાંધીજીના બે પુત્રોએ કરી, ત્યારે સરદારે કડક વલણ ધારણ કરીને એ મતલબનું લખ્યું હતું કે દેશમાં ફાંસીની સજા નાબૂદ ન થઈ હોય ત્યાં સુધી, ફાંસીની સજા માટે આનાથી વધારે 'લાયક' બીજો કોઈ ગુનો હોઈ શકે નહીં.
જ્યારે સંઘ પરનો પ્રતિબંધ સરદારે હટાવી લીધો

ઇમેજ સ્રોત, PATEL A LIFE
જુલાઈ 1949માં સંઘ પરનો પ્રતિબંધ હટાવાયો ત્યારે સરદારે કેટલીક શરતો મુકી હતી. તેમાં ગુપ્તતા તજવાની શરત હોવા છતાં, સંઘે ત્યારે કે પછી કદી ગુપ્તતા તજી નહીં. એટલે, કોઈ વ્યક્તિ સંઘની સભ્ય છે કે નહીં, તે ખાતરીપૂર્વક કદી નક્કી થઈ શકે નહીં.
સંઘના વર્તનમાં નોંધપાત્ર ફરક ન પડ્યો હોવા છતાં, નવેનવા આઝાદ થયેલા દેશમાં રાષ્ટ્રનિર્માણ માટે બધાને સાથે લઈને ચાલવાની ભાવનાથી પ્રેરાઈને સરદારે સંઘ પ્રત્યે ફરી કડક વલણ અખત્યાર કર્યું નહીં. એવો અને એટલો સમય પણ ન હતો.
જીવનના બાકી રહેલા સવા-દોઢ વર્ષમાં, ભાંગેલી તબિયત સાથે અનેક જવાબદારીઓનો બોજ સરદારે ઉપાડ્યો.
તેમના અવસાન પછી હિંદુત્વની જમણેરી વિચારધારા ધરાવતા લોકોને સરદાર કદી તેમના લાગ્યા ન હતા. પણ પછી જવાહરલાલ નહેરુને નીચા પાડવા માટે સરદાર તેમને હાથવગા બન્યા.
કૉંગ્રેસ તેમની સ્મૃતિને રેઢી મુકી દીધી હતી એ પણ હકીકત છે. તેના કારણે જમણેરી હિંદુત્વવાદીઓએ સરદાર વિશે સગવડીયો દાવો કરવાનું શરૂ કર્યું અને સરદાર સંઘ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા, એવો વ્યવસ્થિત પ્રચાર સ્થાયી બન્યો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન















