સરદાર@150 : સરદાર પટેલ ભારતના ભાગલાને સ્વીકારનાર 'સૌપ્રથમ' નેતા હતા?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સરદાર પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલ, ઇતિહાસ

ઇમેજ સ્રોત, PATEL A LIFE

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
બીબીસી ગુજરાતી, ગુજરાત, સરદાર પટેલ, સરદાર@150, ભારત, ઇતિહાસ, ઇન્ડિયા

'લોખંડી પુરુષ', 'ભારતના બિસ્માર્ક', 'ભારતની એકતાના શિલ્પી', 'વિશ્વનું સૌથી ઊંચું પૂતળું જેમનું બન્યું છે તે નેતા'—આવી અનેક પ્રચલિત ઓળખો સરદાર વલ્લભભાઈ પટેલનો સાચો પરિચય મેળવવા માટે સાવ અપૂરતી ગણાય.

તેમના જીવનનાં મહત્ત્વનાં પાસાંનો અંતરંગ અને આધારભૂત પરિચય આપવાના આશયથી, સરદારના જન્મના 150મા વર્ષના આરંભથી અંત સુધી આ શ્રેણી અંતર્ગત દર મહિને એક લેખ પ્રગટ થશે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, સરદાર પટેલ, સરદાર@150, ભારત, ઇતિહાસ, ઇન્ડિયા

ભારતના ભાગલાની વાત નીકળે ત્યારે સામાન્ય ચલણ અને વલણ ગાંધીજીને દોષ દેવાનું છે. તેમાં વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુની ભૂમિકા વિશે બહુ વાત થતી નથી. પરંતુ ઐતિહાસિક તથ્યો સૂચવે છે કે ભારતના ભાગલાના સૌથી મોટા વિરોધી ગાંધીજી હતા અને ભારતના ભાગલાનો સૌથી પહેલાં સ્વીકાર કરનારા વલ્લભભાઈ પટેલ.

આમ કહેતી વખતે તરત ઉમેરવું જોઈએ કે ભાગલાના સ્વીકાર માટે મન બનાવવું એક વાત છે અને તેના માટે જવાબદાર હોવું તે બીજી વાત.

સરદારનો જેલવાસ, ભાગલાની પૂર્વભૂમિકા

બીબીસી ગુજરાતી, ગુજરાત, સરદાર પટેલ, સરદાર@150, ભારત, ઇતિહાસ, ઇન્ડિયા

ઇમેજ સ્રોત, Getty Images

ઑગસ્ટ 1942માં 'હિંદ છોડો' આંદોલન શરૂ થતાંની સાથે જ મોટા પાયે ધરપકડો કરવામાં આવી. તેમાં કૉંગ્રેસના બધા ટોચના નેતાઓનો નંબર લાગી ગયો.

ગાંધીજીને પૂના આગાખાન જેલમાં રાખવામાં આવ્યા, જ્યારે નહેરુ-સરદાર સહિત બીજા ઘણા ટોચના નેતાઓને અહમદનગર જેલમાં. ત્યાર પહેલાં મુસ્લિમ લીગના 1940ના લાહોર અધિવેશનમાં અલગ પાકિસ્તાનની માગણીનો ઠરાવ પસાર થઈ ચૂક્યો હતો.

વર્ષ 1945માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું. કૉંગ્રેસી નેતાઓને પણ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. 75 વર્ષના ગાંધીજીને તે પહેલાં 1944માં આરોગ્યનાં કારણોસર વહેલા છોડવામાં આવ્યા હતા.

દરમિયાન, કૉંગ્રેસી નેતાઓની લાંબી ગેરહાજરીમાં મુસ્લિમ લીગના પ્રભુત્વમાં ઘણો વધારો થયો હતો. અંગ્રેજ સરકારે પણ કૉંગ્રેસને અંકુશમાં રાખવા માટે મુસ્લિમ લીગને અપ્રમાણસરનું મહત્ત્વ આપવાનું શરૂ કર્યું હતું.

એટલે, વહેલા બહાર આવેલા ગાંધીજીનો ઝીણા સાથે વાતચીતથી ઉકેલ આણવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો.

ગાંધીજી ઇચ્છતા હતા કે કૉંગ્રેસ-લીગ વચ્ચે સત્તાની સમજૂતી અંગ્રેજોની હાજરીમાં નહીં, પણ તેમના ગયા પછી થાય.

કૉંગ્રેસ પ્રત્યે ભારોભાર અવિશ્વાસ ધરાવતા ઝીણાને તે નામંજૂર હતું. સરદાર પટેલને ગાંધીજી ઝીણા સાથે વાટાઘાટો કરે તે પસંદ ન હતું, પણ જેલમાં રહીને તે કંઈ કરી શકે તેમ ન હતા.

સરદાર-નહેરુ સહિતના નેતાઓની મુક્તિ પછી વાઇસરૉય લૉર્ડ વેવેલે બધા પક્ષના નેતાઓને શિમલામાં મળવાનું ગોઠવ્યું, પણ તેનું કશું પરિણામ આવ્યું નહીં. કેમ કે, મુસ્લિમ પ્રતિનિધિ ફક્ત મુસ્લિમ લીગ જ મોકલી શકે, એવો ઝીણાનો દુરાગ્રહ હતો અને સમગ્ર દેશના પ્રતિનિધિત્વનો દાવો કરતી કૉંગ્રેસને તે નામંજૂર હતો.

કૉંગ્રેસ-લીગ વચ્ચે અવિશ્વાસના વાતાવરણમાં, બ્રિટનમાં બીજા વિશ્વયુદ્ધ પછી ચૂંટણી થઈ. તેમાં ચર્ચિલના રૂઢિચુસ્ત પક્ષની હાર થઈ અને લેબર પાર્ટીના ક્લેમેન્ટ એટલી વડા પ્રધાન બન્યા. એટલે સત્તાંતરણની ગતિવિધિ તેજ બની.

અંગ્રેજ સરકારની અટપટી યોજનાઓ

બીબીસી ગુજરાતી, ગુજરાત, સરદાર પટેલ, સરદાર@150, ભારત, ઇતિહાસ, ઇન્ડિયા

ઇમેજ સ્રોત, PHOTO DIVISION

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વર્ષ 1946-47નો સમયગાળો ભારતના ઇતિહાસ માટે નિર્ણાયક હતો. તે સમયે અંગ્રેજ સરકાર આંટીઘૂંટીથી ભરપૂર દરખાસ્તો મોકલતી હતી. તેની સાથે પનારો પાડવામાં સરદારની કુનેહ, દૂરંદેશી અને વાસ્તવની સમજ બહુ કામ લાગ્યાં.

1946 પહેલાં અંગ્રેજ સરકાર સાથે થતી વાતચીતમાં સરદાર પટેલને ભાગ લેવાનું બનતું ન હતું.

ગાંધીજી ઉપરાંત કૉંગ્રેસપ્રમુખ (તત્કાલીન પ્રમુખ મૌલાના આઝાદ) સાથે વાટાઘાટો ચાલતી હતી. વર્ષ 1946માં પહેલી વાર વાઇસરૉય વેવેલ સરદારને મળ્યા અને સરદારની તેમની પર ઊંડી છાપ પડી. ગાંધીજીની ભાષા બોલતાં સરદારે વેવેલને કહી દીધું કે ભારતમાં જ્યાં સુધી અંગ્રેજો છે ત્યાં લગી હિંદુ-મુસલમાન વિખવાદનો કશો નીવેડો આવવાનો નથી. એટલે અંગ્રેજોએ વેળાસર ચાલ્યા જવું જોઈએ. આ મુલાકાત પછી વેવેલને એટલી ખાતરી થઈ કે નિર્ણાયક પરિણામ મેળવવું હોય તો કૉંગ્રેસમાં સરદાર પટેલ સાથે વાત કરવી પડશે.

માર્ચ 1946માં બ્રિટનની અંગ્રેજ સરકારે ભારતમાં વચગાળાની સરકાર રચવાની યોજનાઓ સાથે ત્રણ સભ્યોનું બનેલું કેબિનેટ મિશન મોકલ્યું. આ મિશને પહેલાં 'મે 16 પ્લાન' અને તેના અસ્વીકાર પછી 'જૂન 16 પ્લાન' તરીકે ઓળખાતી દરખાસ્ત મૂકી. પહેલી નજરે આ બંને દરખાસ્તોમાં ભારતના ભાગલા અટકી જતા હતા. પરંતુ તેના આધારે જે ભારત બનવાનું હતું, તે પ્રાંતો અને રજવાડાંના થાગડથીગડ જોડાણવાળું હતું.

'મે 16 પ્લાન'માં દેશના બધા પ્રાંતોને ત્રણ જૂથમાં વહેંચવાની વાત હતી. એ ત્રણે જૂથની ઉપર એક કેન્દ્ર હોય. આમ પ્રાંત, જૂથ અને કેન્દ્ર—એવાં ત્રણ સ્તરની રચના થાય. તેમાં બે જૂથ મુસલમાન બહુમતીવાળા પ્રાંતોનાં અને ત્રીજું મોટું જૂથ હિંદુ બહુમતીવાળા પ્રાંતોનું થાય. આવી રીતે જોડાયેલા પ્રાંતો પછીથી અલગ થઈ શકે એવી જોગવાઈ હતી. એ સિવાય પણ તેમાં ઇરાદાપૂર્વક ઘણા ગુચવાડા રખાયા હતા. એટલે, ગાંધીજીને અને સરદારને પણ આ યોજના અલગ પાકિસ્તાનની પૂર્વતૈયારી જેવી લાગી.

આ મુદ્દે કૉંગ્રેસ-લીગ-અંગ્રેજ સરકાર વચ્ચે મડાગાંઠ સર્જાતા વાઇસરૉયે 16 જૂનના રોજ નવી યોજના જાહેર કરી.

તેનો સંબંધ મુખ્યત્વે વચગાળાની સરકાર રચવા પૂરતો હતો. આ યોજના નિમિત્તે ઝીણાએ અસાધારણ માગણીઓ મૂકીઃ કૉંગ્રેસ કોઈ મુસ્લિમને તેના પ્રતિનિધિ તરીકે મૂકી શકે નહીં, તેના નવમાંથી ત્રણ બિનહિંદુ પ્રતિનિધિ મૂકતી વખતે લીગને પૂછવામાં આવશે અને મહત્ત્વની કોમી બાબતમાં લીગને ના પાડવાની આખરી સત્તા (લગભગ વીટો પાવર જેવી સત્તા) મળશે.

તેમની બધી માગણીઓ વાઇસરૉયે સ્વીકારી પણ લીધી. સરદારે સ્વાભાવિક રીતે જ તેનો અસ્વીકાર કર્યો.

સરદારના વાસ્તવવાદી નિર્ણયો

બીબીસી ગુજરાતી, ગુજરાત, સરદાર પટેલ, સરદાર@150, ભારત, ઇતિહાસ, ઇન્ડિયા

ઇમેજ સ્રોત, Getty Images

વાઇસરૉયે એવી પણ જાહેરાત કરી હતી કે બંને યોજનાઓમાંથી કોઈ પણ એક યોજનાનો કૉંગ્રેસે અને લીગે સ્વીકાર કરવો પડશે.

જો કોઈ એક પક્ષ બંને યોજનાનો અસ્વીકાર કરશે, તો પણ વચગાળાની સરકાર રચાશે.

સરદાર પરિસ્થિતિની ગંભીરતા બરાબર સમજતા હતા અને બંને યોજનાઓ તેમને મન અકારી હતી.

છતાં, બંનેનો અસ્વીકાર કરવાથી કૉંગ્રેસને વચગાળાની સરકારમાંથી સદંતર બહાર રહેવું પડે.

તેમાં ભારે નુકસાન થાય. એટલે કૉંગ્રેસ જૂન 16ને બદલે મે 16ની યોજના સ્વીકારે છે, એવો નિર્ણય સરદારે લીધો.

કૉંગ્રેસપ્રમુખ બન્યા પછી નહેરુએ જાહેરાત કરી કે કૉંગ્રેસ મે 16ની યોજના સ્વીકારવા માટે બંધાયેલી નથી. તેનાથી ઝીણા ઉશ્કેરાયા. થોડા સમય પછી તેમણે અલગ પાકિસ્તાનની માગણી સાથે 16 ઑગસ્ટ 1946ના રોજ 'સીધાં પગલાં દિવસ' (ડાયરેક્ટ એક્શન ડે)ની જાહેરાત કરી.

તે નિમિત્તે કલકત્તામાં ભારે રમખાણો થયાં. ઝીણાએ એકેય યોજના સ્વીકારી ન હતી. છતાં વાઇસરૉય વેવેલે મુસ્લિમ લીગને ધરાર સામેલ કરી.

ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ઝીણા

ઇમેજ સ્રોત, Getty Images

લીગને ગૃહ ખાતું જોઈતું હતું, પરંતુ સરદાર તે આપવા બિલકુલ તૈયાર ન હતા અને એ મુદ્દે તેમણે રાજીનામાની પણ ચીમકી આપી. નહેરુ તેમના સંપૂર્ણ સમર્થનમાં હતા. છેવટે લીગને નાણાં ખાતું મળ્યું.

વચગાળાની સરકારમાં મંત્રીઓ ભારતીય, પણ બધી સત્તા વાઇસરૉયના હાથમાં હતી. તે કારણથી નહેરુ તેમાં જોડાવા તૈયાર ન હતા. પણ સરદાર તે તક જવા દેવા માગતા ન હતા.

તેમના આગ્રહથી નહેરુ મંત્રીમંડળમાં જોડાયા અને તેના વડા બન્યા. વચગાળાની સરકારમાં મુસ્લિમ લીગના મંત્રીઓ સાથે કામ કરવાનો અનુભવ સરદાર માટે નિર્ણાયક સાબિત થયો.

અગાઉ કૅબિનેટ મિશનની બંને યોજનાઓમાં ભારતના ભાગલાની સંભાવના હોવાને કારણે, તેમને એ યોજનાઓ મંજૂર ન હતી. પરંતુ કોમી હિંસાના જુવાળ વચ્ચે, મુસ્લિમ લીગ સાથે સરકાર ચલાવ્યા પછી તેમને દૃઢતાપૂર્વક લાગ્યું કે લાંબા ગાળાની શાંતિ માટે દેશના ભાગલાનો પીડાદાયક નિર્ણય સ્વીકાર્યા વિના છૂટકો નથી.

સરદાર સાથે નિકટસંપર્ક ધરાવતા અને અંગ્રેજ સરકાર માટે કામ કરતા વી.પી. મેનને ભાગલાના સ્વીકારની યોજના બનાવી હતી.

માઉન્ટબેટન વાઇસરૉય તરીકે આવ્યા, ત્યારે છેવટે તે યોજના સ્વીકારાઈ. અલબત્ત, ઝીણાને બંગાળ અને પંજાબ આખેઆખાં જોઈતાં હતાં, પરંતુ કૉંગ્રેસે તે પ્રાંતોના વિભાજનનો આગ્રહ રાખ્યો. એટલે, ઝીણાને પાકિસ્તાન તો મળ્યું, પણ તેને તેમણે 'ઊધઈએ કોરી ખાધેલું' ગણાવ્યું હતું.

ગાંધીજી ભાગલાના સંપૂર્ણ વિરોધમાં હતા, જ્યારે નહેરુ અને સરદાર આ બાબતે એકમત હતા. ભાગલાને ગાંધીજી સમર્થન આપે એવી કોઈ સંભાવના ન હતી, પરંતુ તેમને ભાગલાનો વિરોધ ન કરવા સમજાવવાની જવાબદારી નહેરુએ સરદારને સોંપી.

કોમી હિંસાના વાતાવરણમાં ગાંધીજીને લાગતું હતું કે તેમને પહેલાં જેવું લોકસમર્થન મળતું નથી અને 78 વર્ષની ઉંમરે ભાગલાના વિરોધમાં આંદોલન ઊભું કરવાની શક્તિ તેમનામાં નથી.

એટલે, તેમના શિષ્યો સરદાર અને નહેરુએ અનિવાર્ય ગણેલા ભાગલા ગાંધીજીએ પણ કમને સ્વીકાર્યા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન