સરદાર@150 : જ્યારે સૈન્ય કાર્યવાહી બાદ હૈદરાબાદ ભારતમાં ભળ્યું અને સરદારની 'મુસ્લિમોના હત્યાકાંડ' માટે ટીકા થઈ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સરદાર પટેલ, સરદાર @150, ઇતિહાસ, સરદાર વલ્લભભાઈ પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, વરિષ્ઠ પત્રકાર
બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સરદાર પટેલ, સરદાર @150, ઇતિહાસ, સરદાર વલ્લભભાઈ પટેલ

'લોખંડી પુરુષ', 'ભારતના બિસ્માર્ક', 'ભારતની એકતાના શિલ્પી', 'વિશ્વનું સૌથી ઊંચું પૂતળું જેમનું બન્યું છે તે નેતા'—આવી અનેક પ્રચલિત ઓળખો સરદાર વલ્લભભાઈ પટેલનો સાચો પરિચય મેળવવા માટે સાવ અપૂરતી ગણાય.

તેમના જીવનનાં મહત્ત્વનાં પાસાંનો અંતરંગ અને આધારભૂત પરિચય આપવાના આશયથી, સરદારના જન્મના 150મા વર્ષના આરંભથી અંત સુધી આ શ્રેણી અંતર્ગત દર મહિને એક લેખ પ્રગટ થશે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સરદાર પટેલ, સરદાર @150, ઇતિહાસ, સરદાર વલ્લભભાઈ પટેલ

સરદાર પટેલનાં સૌથી મહત્ત્વનાં જીવનકાર્યોમાંનું એક અને યાદ રખાયેલું એકમાત્ર કામ એટલે દેશી રજવાડાંનું વિલીનીકરણ.

વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન અને ભારતીય અફસર વી. પી. મેનન સાથે મળીને સરદારે 550થી પણ વધારે રજવાડાં પહેલાં મર્યાદિત રીતે અને પછી સંપૂર્ણપણે ભારતના નકશામાં ભેળવ્યાં.

તેમાં ત્રણ સૌથી વધુ અઘરાં નીવડ્યાઃ જૂનાગઢ, કાશ્મીર અને હૈદરાબાદ.

આ ત્રણેમાં ભારતના નકશાની વચ્ચોવચ પથરાયેલા હૈદરાબાદે ભારતીય નેતાઓની તેમ જ સ્થાનિક લોકોની આકરી કસોટી લીધી.

હૈદરાબાદ : સાંસ્કૃતિક કેન્દ્રમાંથી 'આંતરડાનું ચાંદું'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સરદાર પટેલ, સરદાર @150, ઇતિહાસ, સરદાર વલ્લભભાઈ પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હૈદરાબાદના નિઝામ, મીર ઉસ્માન અલી ખાન સિદ્દિકી જેમણે 1911થી 1948 સુધી હૈદરાબાદ પર શાસન કર્યું હતું.

હિંદુઓની ભારે બહુમતી અને મુસ્લિમ શાસક ધરાવતું હૈદરાબાદ અત્યંત સમૃદ્ધ અને વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટું દેશી રાજ્ય હતું.

તેના શાસક નિઝામ તેમની અઢળક સંપત્તિ અને કંજૂસાઈ માટે જાણીતા હતા. પોતાની આર્થિક અને ભૌગોલિક તાકાતના જોરે નિઝામ સ્વતંત્ર રાજ્ય સ્થાપવા ઇચ્છતા હતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

15 ઑગસ્ટ 1947ના રોજ ભારત અને પાકિસ્તાન કાગળ પર સાંસ્થાનિક દરજ્જો ધરાવતા, પણ વ્યવહારમાં સ્વતંત્ર દેશ બન્યા. ત્યારે બીજાં રજવાડાંની જેમ હૈદરાબાદના નિઝામ ભારત સાથે જોડાયા નહીં.

માઉન્ટબેટને પણ અપવાદરૂપ કિસ્સા તરીકે નિઝામને વધુ ત્રણ મહિનાનો સમય આપ્યો. અલગ રાજ્ય ઇચ્છતા નિઝામે પાકિસ્તાન સાથે દરિયાઈ માર્ગે વ્યવહાર સ્થાપી શકાય તે માટે પોર્ટુગીઝો પાસેથી ગોવા ખરીદી લેવાનો પ્રયાસ કર્યો હતો, તે શક્ય બન્યું નહીં.

ભારત સાથે જોડાવાની નિઝામની અનિચ્છામાં કાસિમ રઝવીનું દબાણ પણ ભળેલું હતું. રઝવી હૈદરાબાદમાં 'ઇત્તિહાદ-ઉલ-મુસલમિન' નામના સંગઠનના વડા હતા. તેની લશ્કરી પાંખના 'રઝાકાર' તરીકે ઓળખાતા લોકો તેમની આક્રમકતા અને કટ્ટરતા માટે નામીચા હતા.

નિઝામનું રાજ્ય હતું ત્યારે રઝાકારોને છૂટો દોર હતો. તેમની 'ગુંડાગીરી' બેરોકટોક ચાલતી હતી. પરંતુ હૈદરાબાદ ભારતમાં ભેળવી દેવાનું થાય તો નિઝામ ઉપરાંત રઝવીના મનસ્વીપણે ચાલતા રજવાડાનો પણ અંત આવે. અલબત્ત, રઝવી અને તેમના જેવા લોકો પ્રચાર એવો કરતા હતા કે હૈદરાબાદ ભારતને સોંપાઈ જાય તો ત્યાં 'હિંદુ' રાજ્ય સ્થપાશે અને 'મુસલમાનો'ની હાલત ખરાબ થશે.

નવેમ્બર 1947માં હૈદરાબાદે ભારત સાથે યથાસ્થિતિ કરાર (સ્ટેન્ડસ્ટીલ ઍગ્રીમેન્ટ) કર્યા, તેના પગલે સરદારના વિશ્વાસુ કનૈયાલાલ મુનશી હૈદરાબાદના પોલિટિકલ એજન્ટ તરીકે નીમાયા, પણ પરિસ્થિતિમાં કશો ફરક પડ્યો નહીં.

દિલ્હીમાં સરદાર પટેલ સાથે મુલાકાત થઈ ત્યારે પણ રીઝવીએ ધાકધમકીની ભાષામાં વાત કરી અને કહ્યું હતું કે હૈદરાબાદ લેતાં પહેલાં એક-એક રઝાકાર મરી ફીટશે. સભાઓમાં તે એવી ધમકી ઉચ્ચારતા હતા કે ભારત બળજબરીથી હૈદરાબાદ લેવાનો પ્રયાસ કરશે તો ત્યાં રહેતા 'દોઢ કરોડ હિંદુઓ જીવતા નહીં રહે.' આમ, વીતતા સમય સાથે ભારતના નકશામાં પેટના સ્થાને રહેલું હૈદરાબાદ 'આંતરડાનું ચાંદું' બન્યું.

ધીરજની કસોટી કરતો વિલંબ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સરદાર પટેલ, સરદાર @150, ઇતિહાસ, સરદાર વલ્લભભાઈ પટેલ

ઇમેજ સ્રોત, FACEBOOK

ઇમેજ કૅપ્શન, હૈદરાબાદના નિઝામ મીર ઉસ્માન અલી ખાન અને સરદાર પટેલ

નિઝામનાં લક્ષણો ભારત સાથે શત્રુવટભર્યા અસહકારનાં હતાં. તેમના સલાહકારોમાં પાકિસ્તાન તરફી લાયકઅલી અને અંગ્રેજ સલાહકાર વૉલ્ટર મૉકન્ક્ટનનો સમાવેશ થતો હતો. મૉન્ક્ટન અને મેનન વચ્ચે વાટાઘાટો થતી હતી, પણ તેમાં કશું પરિણામ નીપજતું ન હતું.

નિઝામ ભારતસંઘ સાથે જોડાવા તૈયાર ન હતા અને હૈદરાબાદમાં પ્રજાકીય પ્રતિનિધિત્વ ધરાવતું જવાબદાર રાજ્યતંત્ર સ્થાપવા પણ રાજી ન હતા. બીજી તરફ, ભારતના પહેલા ગવર્નર જનરલ તરીકે નીમાયેલા માઉન્ટબેટન બ્રિટન પાછા જતાં પહેલાં હૈદરાબાદનો મામલો ઉકેલવા આતુર હતા.

માઉન્ટબેટન અને મૉન્ક્ટનના પ્રયાસોથી એક તક ઊભી થઈ હતી, જ્યારે બંને પક્ષો વચલા રસ્તા માટે તૈયાર થયા. સૂચિત સમજૂતિમાં રખાયેલી (અને નિઝામે મંજૂર કરેલી) કેટલીક શરતો હતીઃ નિઝામ પાસે કેટલાક કાયદા ઘડવાની સત્તા રહે, તેમણે રઝાકાર સંગઠનને વિખેરી નાખવાનું, પણ મર્યાદિત સંખ્યામાં સૈન્ય રાખી શકે, બંધારણ સભા સ્થાપે, નવી સરકાર રચે, તેમાં ઓછામાં ઓછા પચાસ ટકા બિનમુસ્લિમ રાખે, ભારત સાથે હૈદરાબાદના જોડાણ અંગે લોકમત લે.

માઉન્ટબેટનને કે મેનનને લાગતું ન હતું કે સરદાર આ સમજૂતી પર સહી કરશે. પરંતુ માઉન્ટબેટને લખ્યું છે કે ભારત છોડતાં પહેલાની છેલ્લી મુલાકાતના ભાવસભર વાતાવરણમાં તેમના આગ્રહથી સરદારે સમજૂતી પર સહી કરી. ત્યારે લાગ્યું કે હૈદરાબાદની ગૂંચ ઉકેલાઈ ગઈ અને તેનો જશ માઉન્ટબેટનને મળશે. પરંતુ રઝવી જેવાં પરિબળોને નિઝામ અને હૈદરાબાદ પરની પકડ ઢીલી થાય તે મંજૂર ન હતું.

જૂન 1948ની મધ્યમાં સરદારની સહીવાળો દસ્તાવેજ લઈને લાયકઅલી હૈદરાબાદ પહોંચ્યા, ત્યારે નિઝામ અને તેમના પ્રધાનમંડળે વળી નવા ફણગા ફોડ્યા. સરદારના ચરિત્રકાર રાજમોહન ગાંધીએ નોંધ્યું છે કે નિઝામ આ સમજૂતી કબૂલ નહીં કરે એવી સરદારને પાકી આશંકા હતી. તે સાચી પડી.

હૈદરાબાદમાં લશ્કરી પગલાં

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સરદાર પટેલ, સરદાર @150, ઇતિહાસ, સરદાર વલ્લભભાઈ પટેલ

ઇમેજ સ્રોત, HULTON ARCHIVES/PHOTO DIVISION

વડા પ્રધાન નહેરુ લશ્કરી પગલાં ઇચ્છતા ન હતા. તેમણે માઉન્ટબેટનને પણ ખાતરી આપી હતી કે તે એવા કોઈ પગલાં માટે તે હુકમ નહીં આપે.

બીજી તરફ, સરદારને લાગતું હતું કે હૈદરાબાદ અંગેની અવઢવનો અંત આવવો જોઈએ. માઉન્ટબેટન ભારતમાં હતા ત્યાં સુધી થયેલા સમજૂતીના તમામ પ્રયાસ નિષ્ફળ નીવડ્યા. તેમણે 21 જૂને ભારતમાંથી વિદાય લીધી. તેનાં બે-એક અઠવાડિયાં પછી સરદાર પણ બિમારીને કારણે આરામ કરીને દિલ્હી પાછા ફર્યા અને તેમણે સત્તાવાર રીતે આર્થિક નાકાબંધીની જાહેરાત કરી. તેની અનૌપચારિક શરૂઆત થોડા સમયથી થઈ ચૂકી હતી.

બીજી તરફ, નિઝામ અને રઝવીની ગતિવિધિ પણ તેજ થઈ. 'હિંદુ'ઓ પરના હુમલાની ફરિયાદો અને તેમની લૂંટફાટની ફરિયાદો વધવા લાગી.

રાજમોહન ગાંધીએ નોંધ્યું છે કે નિઝામે હૈદરાબાદના મુદ્દે આંતરરાષ્ટ્રીય દબાણ લાવવા માટે અમેરિકાના પ્રમુખનો સંપર્ક કર્યો હતો, પણ તેમણે વચ્ચે પડવાનો ઇન્કાર કર્યો. નિઝામે આખો મુદ્દો (કાશ્મીરની જેમ) સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો)માં લઈ જવાનો ઇરાદો જાહેર કર્યો હતો.

હૈદરાબાદ સામે બળપ્રયોગ કરવો કે નહીં, તે મુદ્દે સરદાર અને નહેરુ વચ્ચે તીવ્ર મતભેદ થયા. પ્રધાનમંડળના સાથીદારો સરદારના પક્ષે હતા અને માઉન્ટબેટનના ગયા પછી ગવર્નર જનરલ બનેલા રાજગોપાલાચારી મધ્યમમાર્ગી.

આખરે નહેરુએ નમતું જોખવું પડ્યું. નિઝામને આખરી ચેતવણી તરીકે એક પત્ર મોકલવામાં આવ્યો, પણ નિઝામે જરાય બાંધછોડની તૈયારી બતાવી નહીં. ત્યાર પછી ગવર્નર જનરલની હાજરીમાં થયેલી બેઠકમાં હૈદરાબાદ કબજે કરવાનો નિર્ણય લેવાયો.

આંતરિક મતભેદ ઉકેલીને આખરી પગલું લેવાની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે 11 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાનના ગવર્નર જનરલ મહંમદઅલી ઝીણાનું અવસાન થયું. તેના બે દિવસ પછી હૈદરાબાદ સામેની લશ્કરી કાર્યવાહીની શરૂઆત થઈ.

હૈદરાબાદમાં 'ઑપરેશન પોલો' અને અમાનુષી હિંસાચાર

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, સરદાર પટેલ, સરદાર @150, ઇતિહાસ, સરદાર વલ્લભભાઈ પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય સૈન્યની ટુકડીઓએ 13 સપ્ટેમ્બરના મેજર જનરલ ચૌધરીની આગેવાની હેઠળ કૂચ કરી. 'ઑપરેશન પોલો' નામ ધરાવતી એ કાર્યવાહી લશ્કરી આક્રમણ જ હતી, પરંતુ સરકાર તરફથી તેને 'પોલીસ પગલાં' (પોલીસ ઍક્શન) જેવું નિર્દોષ નામ આપવામાં આવ્યું.

17 સપ્ટેમ્બર સુધીમાં તો કાર્યવાહી પૂરી થઈ અને હૈદરાબાદના નિઝામના સૈન્યે શરણાગતિ સ્વીકારી. રઝાકારો હાર્યા અને મરાયા.

લશ્કરી પગલાંમાં જેટલો વિલંબ થશે, એટલી હૈદરાબાદના સ્થાનિક હિંદુઓ પર રઝાકારોના અત્યાચારની માત્રા વધશે અને સામુહિક હત્યાકાંડ પણ થઈ શકે છે, એવી ભીતિ નહેરુ-સરદાર સહિતના નેતાઓને હતી. એટલે 'ઑપરેશન પોલો' બને એટલી ઝડપથી આટોપી લેવાની સૂચના સરદારે આપી હતી. એવું કંઈ થયું નહીં એટલે નહેરુ-સરદારે હાશ અનુભવી. અલબત્ત, 'ઑપરેશન પોલો'ના પગલે ધાર્યા કરતાં સાવ જુદા પ્રકારનો હત્યાકાંડ થયો, જેની ખાસ ચર્ચા ન થઈ.

ભારતીય સૈન્યે હૈદરાબાદ કબજે કર્યા પછીના સમયગાળામાં, ખાસ કરીને ઓસ્માનાબાદ, ગુલબર્ગા, બિડર અને નાંદેર જિલ્લામાં 'મુસ્લિમોની મોટા પાયે હત્યા' કરવામાં આવી. તે હત્યાકાંડો આચરવામાં 'સ્થાનિક કે પાડોશી રાજ્યનાં હિંદુ સંગઠનો ઉપરાંત કેટલાક સ્થાનિક કોંગ્રેસી નેતાઓ અને અમુક ઠેકાણે લશ્કરી જવાનો' પણ સામેલ થયા હતા.

પંડિત સુંદરલાલની આગેવાની હેઠળના ચાર સભ્યોના પ્રતિનિધિ મંડળે નવેમ્બર-ડિસેમ્બર 1948માં હૈદરાબાદના વિભિન્ન વિસ્તારોની મુલાકાત લીધી. તેમનો હેતુ ભારત સરકારના પ્રતિનિધિ તરીકે સદભાવ પ્રસારવાનો અને કોમી એખલાસનો સંદેશો આપવાનો હતો, પરંતુ આઠ જિલ્લાની મુલાકાત લીધી પછી, સમિતિએ આપેલી ખાનગી નોંધમાં હિંસાનો ભોગ બનેલા મુસ્લિમોનો આંકડો 23 હજારથી 36 હજાર જેટલો આપવામાં આવ્યો હતો.

આ અહેવાલ સરદાર પટેલના ગૃહવિભાગમાં સુપ્રત કરાયા પછી સરદારે સૌ પહેલાં તો સરકારી રાહે આવું કોઈ મંડળ મોકલ્યું હોવાની પોતાને જાણ નથી એવું કહ્યું, એખલાસના સંદેશ સાથે ગયેલા મંડળની તેના કાર્યક્ષેત્રની બહાર જવા બદલ ટીકા કરી અને તેમણે આપેલા હત્યાકાંડના આંકડાનો અસ્વીકાર કરીને તેમને સચ્ચાઈથી દૂર ગણાવ્યા. દાયકાઓ પછી આ અહેવાલ પ્રકાશમાં આવ્યો ત્યારથી, આ મુદ્દે સરદારની ટીકા થતી રહી છે.

રઝાકારોએ 'નિર્દોષ હિંદુઓ પર કરેલા જુલમનો બદલો નિર્દોષ મુસલમાનોના હત્યાકાંડ'થી વાળી શકાય નહીં અને તેને ગમે તેટલી ચોટદાર દલીલોથી વાજબી ઠરાવી શકાય નહીં, એ તો સ્પષ્ટ છે. આ અહેવાલોની સચ્ચાઈ અને તેમાં સરદારની ચોક્કસ ભૂમિકા નક્કી કરવાનું ઇતિહાસકારો પર છોડીને અથવા કેટલાક ઇતિહાસકારોએ કરેલી આકરી ટીકા સ્વીકારીને પણ એટલું માનવું પડે કે સરદારે હૈદરાબાદમાં નિઝામ અને તેમની રઝાકાર મંડળી સામે મક્કમતાથી કામ ન લીધું હોત તો, નવા આઝાદ થયેલા દેશે તેનાં ગંભીર પરિણામ ભોગવવાનાં આવત.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન