સરદાર@150: સરદાર અને સુભાષબાબુ વચ્ચે ખટરાગ પેદા કરનારો વસિયતનો વિવાદ શું હતો, બોઝને કેમ ગુજરાતમાં ઓછા મત મળ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, બીબીસી ગુજરાતી માટે
સરદાર પટેલ અને સુભાષચંદ્ર બોઝ લગભગ બેએક દાયકા સુધી કૉંગ્રેસમાં સાથે રહ્યા, પણ સરદારને તેમનાથી 22 વર્ષ નાના સુભાષબાબુ સાથે બીજા નેતાઓની સરખામણીએ ઓછા પ્રસંગ પડ્યા. તેમની વચ્ચેના સંબંધમાં ચઢાવઉતાર ઘણા રહ્યા. છતાં, તેમના સંબંધોની વિલક્ષણ રંગછટાઓ બંનેનાં ચરિત્ર ઉપરાંત સ્વતંત્રતા સંગ્રામની તવારીખનો અભિન્ન હિસ્સો છે.
અપરિચયથી આભારવશતા

ઇમેજ સ્રોત, Rühe/ullstein bild via Getty Images
ઉંમરમાં એક પેઢીનો તફાવત હોવા છતાં, બંને નેતાઓના સ્વરાજ આંદોલનમાં પ્રવેશ વચ્ચે ફક્ત ત્રણ વર્ષનું અંતર હતું. વલ્લભભાઈ 1918ના ખેડા સત્યાગ્રહથી ગાંધીજીના સિપાહી તરીકે સક્રિય બન્યા, જ્યારે સુભાષબાબુ 1921માં 'દેશબંધુ' ચિત્તરંજન દાસની આગેવાની હેઠળ અસહકાર આંદોલનમાં જોડાયા.
વલ્લભભાઈને પહેલી વાર 1930માં જેલવાસ વેઠવાનો થયો, જ્યારે સુભાષબાબુને 1921માં જ જેલયોગ આવી ગયો. સુભાષચંદ્ર બોઝ ઝડપથી કૉંગ્રેસની યુવા નેતાગીરીની ટોચે ઊભર્યા અને તેમનાથી સાતેક વર્ષ મોટા જવાહરલાલ નહેરુના વખતોવખત સાથી તેમ જ ટીકાકાર પણ રહ્યા.
બારડોલી સત્યાગ્રહ (1928)ની આગેવાનીથી વલ્લભભાઈ 'સરદાર' તરીકે ઓળખાયા. સુભાષબાબુએ તેમની નેતાગીરીની પ્રશંસા કરી, પરંતુ 1928ના કલકત્તા અધિવેશનમાં સરદાર અને સુભાષબાબુ વચ્ચે કશી ઉષ્માપૂર્ણ આપલે થઈ હોય એવું જાણવા મળતું નથી. સુભાષચંદ્ર બોઝને લાગણીના સંબંધો બંધાયા સરદારના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ સાથે.
બંને ગાંધીજી પ્રત્યે પ્રશંસા અને અસંમતિની મિશ્ર લાગણી ધરાવતા હતા. ગાંધીજીની નેતાગીરી નિષ્ફળ નીવડી છે એવું તે 1930ના દાયકાના આરંભે માનતા હતા અને એવું જાહેર નિવેદન પણ તેમણે બહાર પાડ્યું હતું, જ્યારે સરદાર ગાંધીજી સાથે એકરૂપ હોય એવા સાથી હતા.
વિઠ્ઠલભાઈ અને સુભાષબાબુ વચ્ચે લાગણીના સંબંધો વિદેશની ધરતી પર વિકસ્યા. બીમાર વિઠ્ઠલભાઈની સુભાષબાબુએ, તેમની તબિયત પૂરેપૂરી સારી ન હોવા છતાં, બહુ કાળજીથી સેવાચાકરી કરી. સ્વિત્ઝર્લેન્ડના જીનીવામાં સારવાર લેતા વિઠ્ઠલભાઈનું 1933માં અવસાન થયું ત્યારે સુભાષબાબુ તેમની સાથે હતા અને સરદાર ભારતમાં, નાશિકની જેલમાં.
ત્યાંથી તેમણે સુભાષબાબુ પ્રત્યે આભાર વ્યક્ત કરતા અત્યંત લાગણીસભર પત્ર લખ્યા હતા.
એક પત્રમાં તેમણે લખ્યું હતું,'હું તમારો આભાર માનું એટલો ઓછો છે....છેલ્લા દિવસોમાં તમે જ તેમના ખરા ભાઈ બની રહો એ નિયતિ હશે...તમારી નબળી તબિયતને કેટલું ભારે કષ્ટ પડ્યું હશે એ હું ધારી શકું છું અને આશા રાખું છું કે તમારી અસલની તાકાત સાથે તમે ફરી અમારી સાથે પાછા આવી જાવ.' (નાશિક જેલ, 28-10-1933)
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વસિયતનામાનો વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજકીય રીતે વિઠ્ઠલભાઈ-વલ્લભભાઈના રસ્તા ઘણાખરા જુદા રહ્યા, પણ બંને વચ્ચે લાગણીના સંબંધ હતા. વિઠ્ઠલભાઈનો મૃતદેહ ભારત આવ્યો ત્યારે અંતિમ વિધિ માટે સરદારે જેલમાંથી શરતી મુક્તિનો ઇન્કાર કર્યો. પછી પ્રશ્ન આવ્યો વિઠ્ઠલભાઈના વસિયતનામાનો. તેમણે તેમની સંપત્તિનો ઘણો મોટો હિસ્સો 'ભારતની ઉન્નતિ માટે અને બને ત્યાં સુધી, ભારતની આઝાદી અંગે વિદેશોમાં પ્રચાર કરવા માટે' સુભાષચંદ્ર બોઝને સોંપ્યો હતો. વસિયતનામાના બે અમલકર્તાઓમાંથી એકનું મૃત્યુ થતાં, બીજા અમલકર્તા (વિઠ્ઠલભાઈના ચરિત્રકાર તરીકે જાણીતા બનેલા) ગોરધભાઈન પટેલ સરદારને નાશિક જેલમાં મળવા ગયા.
ગોરધનભાઈ પાસે રહેલી વસિયતનામાની નકલમાં સરદારને ઘણા સવાલ થયા.
બીજા અનેક મુદ્દા ઉપરાંત વિઠ્ઠલભાઈની સહી સાચી હોવા અંગે પણ તેમને શંકા પડી. તેનું એક કારણ એ હતું કે સહી મૃત્યુના દિવસે જ થઈ હતી. ખુદ વકીલ એવા ગોરધનભાઈએ એવું પણ કહ્યું કે સુભાષબાબુ વસિયતથી તેમને મળનારી રકમ તેમની મરજી પ્રમાણે વાપરવા ઇચ્છે છે. ત્યાર પછી લાંબા સમય સુધી આખો મુદ્દો લટકતો રહ્યો. સુભાષબાબુના વકીલે નાણાં મોકલી આપવા કહ્યું, પણ ગોરધનભાઈ વસિયતનામા સાથે સંકળાયેલા સહીના અને અર્થઘટનના મુદ્દાને લઈને તે ટાળતા રહ્યા.
વર્ષ 1938માં બારડોલી તાલુકાના હરિપુરા ગામે કૉંગ્રેસનું વાર્ષિક અધિવેશન યોજાયું. તેના પ્રમુખ તરીકે સુભાષચંદ્ર બોઝનું ભવ્ય સ્વાગત થયું. વિઠ્ઠલભાઈની સ્મૃતિ પણ ત્યાં તાજી કરવામાં આવી હતી. આ આખા જંગી આયોજનના મુખ્ય વ્યવસ્થાપક તરીકે સરદારે કશી કચાશ છોડી નહીં અને સુભાષબાબુ પ્રત્યે કશો દુર્ભાવ દર્શાવ્યો નહીં, ઊલટું, આ અધિવેશન નિમિત્તે તેમાં સમાધાનની સંભાવના સર્જાઈ.
સરદારે વસિયતની રકમ કૉંગ્રેસની સમિતિને સોંપવા સૂચવ્યું. સુભાષબાબુ તેમાં સંમત પણ થયા. છતાં, તે સમિતિના સભ્યો કોણ હોય, એ મુદ્દે મતભેદ ચાલુ રહ્યો. છેવટે, વસિયતની તકરારને ગોરધનભાઈ પટેલ મુંબઈ હાઇકોર્ટમાં લઈ ગયા.
ત્યાં સુધીમાં વિઠ્ઠલભાઈની રકમમાંથી કોઈ પરિવારજનને કશું ખપતું નથી અને જો રકમ આવે તો તેનું ટ્રસ્ટ કરવામાં આવશે, એવી સ્પષ્ટતા સરદારે બધા કુટુંબીજનો પાસેથી મેળવી લીધી હતી. ગોરધનભાઈ માનતા હતા કે સુભાષચંદ્ર બોઝ વિઠ્ઠલભાઈની રકમના સુવાંગ માલિક નહીં, ફક્ત ટ્રસ્ટી છે.
સુભાષબાબુ તે અર્થઘટન સાથે સંમત ન હતા, પરંતુ મુંબઈ હાઇકોર્ટે ગોરધનભાઈનું અર્થઘટન માન્ય રાખ્યું. તેની સામે સુભાષબાબુએ કરેલી અપીલમાં પણ ગોરધનભાઈ જ જીત્યા. આ મામલામાં સરદાર સીધા પક્ષકાર ન હતા. છતાં, સ્વાભાવિક રીતે જ તેમના અને સુભાષબાબુ વચ્ચેના સંબંધ તંગ થયા. તેમને વધારે વણસાવતો ઘટનાક્રમ પણ સમાંતરે શરૂ થઈ ચૂક્યો હતો.
પક્ષીય મતભેદોની ચરમસીમા

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 1938માં સુભાષબાબુએ કૉંગ્રેસના પ્રમુખપદની બીજી મુદત માટે ઉમેદવારી જાહેર કરી, ત્યારે ગાંધીજી અને સરદાર સહિતના નેતાઓને તે માન્ય ન હતું.
એક તો, સુભાષબાબુની દેશભક્તિ નિર્વિવાદ હોવા છતાં, તેમનાં વિચારવલણો ગાંધીજીની આગેવાની હેઠળની કૉંગ્રેસ સાથે મેળ ખાતાં ન હતાં.
કૉંગ્રેસપ્રમુખની સત્તા અંગે પણ વર્કિંગ કમિટી અને સુભાષબાબુ વચ્ચે પાયાનો મતભેદ હતો. સુભાષબાબુ માનતા હતા કે કૉંગ્રેસપ્રમુખ સર્વસત્તાધીશ છે (એટલે કે, તેમની સત્તા અત્યારના વડા પ્રધાન જેવી છે), જ્યારે સરદાર સહિતના કારોબારીના સભ્યો માનતા હતા કે પ્રમુખ વડા ખરા, પણ છેવટની સત્તા વર્કિંગ કમિટી પાસે છે.
કૉંગ્રેસના માળખામાં સરદારનું સ્થાન અને તેમનો પ્રભાવ અત્યંત મજબૂત હતા.
એટલે, પક્ષના સંગઠન વતી કડવો નિર્ણય લેવાનો થાય અને તેમાં નહેરુ સહિતના બીજા સાથીદારો સામેલ હોય તો પણ સૌથી વધારે ટીકા સરદારની થતી હતી. એવું જ, સુભાષબાબુની ફેરચૂંટણીના મામલામાં પણ થયું.
ગાંધીજીએ અને નહેરુએ તેમને ફરી ઉમેદવારી ન કરવા સમજાવી જોયા. કારણ કે, તે સમય નાજુક હતો. બીજું વિશ્વયુદ્ધ તોળાઈ રહ્યું હતું. સુભાષબાબુ હિટલર સાથે હાથ મિલાવીને અંગ્રેજોને ભીંસમાં લેવા ઇચ્છે છે, એવી પણ વાત હતી, જે ગાંધીજીની કૉંગ્રેસને અનૂરૂપ ન હતી.
છતાં, સુભાષબાબુએ કહ્યું કે તેમને કેટલીક પ્રાંતિક સમિતિઓનું સમર્થન છે. એટલું જ નહીં, તેમને એવી બીક છે કે કૉંગ્રેસની (સરદારનો પ્રભાવ ધરાવતી) વર્કિંગ કમિટી અંગ્રેજ સરકારની સમવાયતંત્રની યોજના સ્વીકારી લેશે. એવું ન થાય અને (સંપૂર્ણ આઝાદી ન આપતી) એ યોજના ફગાવી દેવાય, એ માટે પણ તેમનું પ્રમુખ બનવું જરૂરી છે, એવું તેમણે જાહેર નિવેદનમાં કહ્યું.
તેમણે એમ પણ કહ્યું કે કૉંગ્રેસનું જાહેર વલણ આ યોજનાના વિરોધનું હોવા છતાં, અંદરથી તેના નેતાઓ રાજી છે. એટલું જ નહીં, પ્રધાનમંડળનાં ખાતાં પણ વહેંચાઈ ચૂક્યાં છે, એવી વાત છે.
તેમની કક્ષાના નેતા તદ્દન કહાસુનીના અંદાજમાં સરદાર સહિતના નેતાઓ પર સત્તાલાલસાનો જાહેર આરોપ મૂકે, તે ખેદજનક હતું. બીજી તરફ, પ્રાંતિક સમિતિ તરફથી સૂચવાયેલાં નામોમાંથી સરદાર પોતાનું નામ પહેલાં પાછું ખેંચી ચૂક્યા હતા અને મૌલાના આઝાદ હા-ના કર્યા પછી, છેવટે પાણીમાં બેસી ગયા.
એટલે છેલ્લી ઘડીના ઉમેદવાર તરીકે પટ્ટાભિ સીતારામૈયાને ઊભા કરવામાં આવ્યા. તેમને સરદાર સહિતની કારોબારીનો ટેકો હોવા છતાં, તેમનો 1375 મત મળ્યા, જ્યારે સુભાષચંદ્ર બોઝ 1580 મત સાથે જીતી ગયા. સરદારના ગુજરાતમાં સુભાષબાબુને 105માંથી 5 મત મળ્યા હતા, જ્યારે બંગાળમાં તેમને 483માંથી 404 મત મળ્યા.
આઝાદ હિંદ ફોજ અને આઝાદી પછી

ઇમેજ સ્રોત, Getty Images
આ રીતની જીત પછી સરદાર સહિતના નેતાઓએ કારોબારીમાંથી રાજીનામાં આપ્યાં, 1939ના ત્રિપુરી કૉંગ્રેસ અધિવેશનમાં સુભાષબાબુ બીમાર હોવા છતાં ઉપસ્થિત રહ્યા, પરંતુ મતભેદો ઘટવાને બદલે વધ્યા. સુભાષબાબુને મત આપનારા પણ ગાંધીજીને સાવ તડકે મૂકીને આગળ વધવા તૈયાર ન હતા.
છેવટે સુભાષબાબુએ પ્રમુખપદેથી રાજીનામું આપવું પડ્યું, પણ તેમના મનમાં સૌથી વધારે નારાજગી સરદાર વિશે રહી હશે. કેમ કે, થોડાં વર્ષ પછી તેમણે વિદેશની ધરતી પર 'આઝાદ હિંદ ફોજ'નું સુકાન સંભાળ્યું, ત્યારે તેની જુદી જુદી ટુકડીઓને તેમણે ગાંધી, નહેરુ, મૌલાના જેવા નેતાઓનાં નામ આપ્યાં, પણ એકેય ટુકડીને સરદારનું નામ આપ્યું ન હતું.
આઝાદ હિંદ ફોજના સુભાષબાબુના સાથીદારો અને સુભાષબાબુના ભાઈ સરતચંદ્ર સાથે સરદારે, સૈદ્ધાંતિક મતભેદ છતાં, દ્વેષ રાખ્યો નહીં. સુભાષબાબુના અકાળ અવસાન પછી આઝાદ હિંદ ફોજના ભંડોળનો વહીવટ કૉંગ્રેસે સ્થાપેલી અને સરદારની આગેવાની હેઠળની સમિતિ પાસે હતો. તેને લગતો અસંતોષ સુભાષબાબુનાં સાથી, આઝાદ હિંદ ફોજની રાણી ઝાંસી રેજિમેન્ટનાં વડાં કૅપ્ટન લક્ષ્મીએ મારી સાથેની મુલાકાતમાં વ્યક્ત કર્યો હતો. તેમને લાગતું હતું કે નાણાં આઝાદ હિંદ ફોજનાં હોવા છતાં, તે મેળવવા માટે તેમના સાથીદારોએ સરદાર સમક્ષ રજૂઆતો કરવી પડે છે.
ઇતિહાસનાં પાત્રોનાં વલણો અને તેમના આંતરસંબંધો કોઈ એક રંગમાં ઢાળી શકાય એવાં હોતાં નથી. તેમાં રહેલી ખૂબીઓ અને મર્યાદાઓની કરચલીઓ તે સંબંધોના આલેખનને વધારે માનવસહજ, વાસ્તવિક અને વિશ્વસનીય બનાવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












