મેઘાલય હનિમૂન મર્ડર કેસ: પત્ની સોનમ રઘુવંશીની ધરપકડ, પોલીસે રાજા રઘુવંશીની હત્યાના આરોપીઓની ઓળખ જાહેર કરી

ઇમેજ સ્રોત, Sameer Khan/BBC Hindi
મેઘાલયમાં હનીમૂન માણવા ગયેલું ઇંદોરનું એક દંપતી લાપતા થયા પછી મેઘાલયના મુખ્ય મંત્રી કૉનરાડ સંગમાએ નવી માહિતી આપી છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઉપર લખ્યું, "માત્ર સાત દિવસની અંદર મેઘાલય પોલીસે રાજા હત્યાકાંડમાં મોટી સફળતા મેળવી છે."
"મધ્ય પ્રદેશના રહેવાસી ત્રણ હુમલાખોરોને પકડી લેવામાં આવ્યા છે. એક મહિલાએ આત્મસમપર્ણ કર્યું છે અને હજુ એક હુમલાખોરને પકડવા માટે અભિયાન ચાલુ છે."
ઇંદોરના રાજા રઘુવંશી અને તેમનાં પત્ની સોનમ હનીમૂન માટે મેઘાલય ગયાં હતાં અને 23મેથી તેમનો પતો મળતો ન હતો. ત્યાર પછી એક ખીણમાંથી રાજાનો મૃતદેહ મળી આવ્યો હતો, પરંતુ સોનમ હજુ સુધી લાપતાં હતાં.
મેઘાલય પોલીસના ડીજીપી (ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ) ઇદાશીશા નોગ્રાંગે મીડિયા સાથે વાત કરતા કહ્યું, "પત્ની સોનમની ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાંથી ધરપકડ કરવામાં આવી છે, જ્યાં તેમણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું હતું."
તેમણે કહ્યું કે આખી રાત ચાલેલા દરોડા દરમિયાન ત્રણ અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ડીજીપીએ કહ્યું કે, એક વ્યક્તિને ઉત્તર પ્રદેશથી પકડવામાં આવી છે, બીજા બે આરોપીને એસઆઈટીએ (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ઇન્દોરથી પકડ્યા છે. સોનમે નંદગંજ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરી દીધું, ત્યાર પછી તેમની ધરપકડ કરવામાં આવી છે.
આખો મામલો શું છે?
ઇંદોરના સાકાર નગરનાં રહેવાસી દંપતી 29 વર્ષીય રાજા રઘુવંશી અને 27 વર્ષીય સોનમ હનીમૂન માણવા મેઘાલય ગયાં હતાં. 23 મેથી તેમનો સંપર્ક કપાઈ ગયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
11 દિવસ પછી બીજી જૂને ઇસ્ટ ખાસી હિલ્સના વેઇસાડોંગ ધોધ પાસે લગભગ 150 ફૂટ ઊંડી ખીણમાંથી રાજાનો મૃતદેહ મળી આવ્યો, પરંતુ સોનમનો કોઈ પતો ન હતો.
રાજા રઘુવંશીનો મૃતદેહ ચોથી જૂનની સાંજે મેઘાલયથી તેમના ઘરે પહોંચાડવામાં આવ્યો હતો.
દંપતી 23મેએ લાપતા થયું તેનાથી એક દિવસ અગાઉ જ મેઘાલયના નોંગ્રિયાટ પહોંચ્યું હતું. છેલ્લે શિપારા હોમસ્ટેમાંથી ચેક-આઉટ કરતી વખતે તેઓ એકસાથે જોવાં મળ્યાં હતાં.
પોલીસ સ્થાનિક લોકો અને ટુરિસ્ટ ગાઇડની પૂછપરછ કરીને મામલાની તપાસ કરી હતી, પરંતુ કોઈ કડી મળી ન હતી.
રાજા રઘુવંશી કેસમાં આરોપીઓની ઓળખ જાહેર

ઇમેજ સ્રોત, ANI
ઇંદોર પોલીસના ઍડિશનલ ડીસીપી (ક્રાઇમ) રાજેશ ડિડોતિયાએ રાજા રઘુવંશીની હત્યાના મામલે આરોપીઓની ઓળખ જાહેર કરી છે.
તેમણે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે ત્રણ આરોપીઓ પકડાયા છે અને એકની શોધખોળ ચાલુ છે.
એડીસીપી રાજેશ ડિડોતિયાએ કહ્યું, "શિલૉંગ પોલીસે ઇંદોર પોલીસ સાથે મળીને ત્રણ શકમંદોને પકડ્યા છે. તેમના નામ રાજ કુશવાહા, વિશાલ ચૌહાણ અને આકાશ રાજપૂત છે. બે આરોપી ઇંદોરમાંથી પકડાયા છે અને એક આરોપી નજીકના ક્ષેત્રમાં પકડાયા છે. શિલૉંગ પોલીસ ત્રણેયની પૂછપરછ કરી રહી છે."
ઍડિશનલ ડીસીપીએ જણાવ્યું કે અન્ય એક શકમંદનું નામ બહાર આવ્યું છે અને તેની શોધખોળ ચાલુ છે.
યુપી પોલીસે સોનમ વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Sameer Khan/BBC Hindi
સોનમ રઘુવંશીના મામલે ઉત્તર પ્રદેશ પોલીસના અધિક ડાયરેક્ટર અમિતાભ યશે સમાચાર એજન્સી એએનઆઈને નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું કે "સોનમ રઘુવંશીએ સવારે લગભગ ત્રણ વાગ્યે પોતાના પરિવારજનોને ફોન કર્યો અને જણાવ્યું કે તેઓ બનારસ-ગાઝીપુર મુખ્ય માર્ગ પર આવેલા ઢાબા પર ઊભાં છે. સોનમ રઘુવંશીના પરિવારજનોએ ઇંદોર પોલીસને માહિતી આપી અને ઇન્દોર પોલીસે યુપી પોલીસનો સંપર્ક કર્યો."
"આ માહિતીના આધારે ગાઝીપુર પોલીસે સોનમનો કબજો લીધો અને તેને હૉસ્પિટલે લઈ જવાયાં, જ્યાં તેમની મેડિકલ તપાસ કરવામાં આવી. ત્યાર પછી સોનમને વન સ્ટૉપ સેન્ટર મોકલવામાં આવ્યા છે."
યુપી પોલીસના અમિતાભ યશે જણાવ્યું કે, "મેઘાલય પોલીસની ટીમ ઇંદોરથી ગાઝીપુર આવવા માટે રવાના થઈ છે. તે ગાઝીપુર પહોંચે તે સાથે જ સોનમ તેમને સોંપી દેવાશે."
તેમણે કહ્યું કે "યુપી પોલીસે સોનમ રઘુવંશીની કોઈ પૂછપરછ નથી કરી કારણ કે આ કામ મેઘાલય પોલીસનું છે."
સોનમ રઘુવંશીના પિતાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
સોનમ રઘુવંશીના પિતા દેવી સિંહે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે તેમની દીકરી સોનમ રઘુવંશી નિર્દોષ છે. તેમને પોતાની પુત્રી પર સંપૂર્ણ ભરોસો છે કે તેઓ આવું કૃત્ય કરી શકે નહીં.
દેવી સિંહે કહ્યું, "બંને પરિવારો અને સંતાનોની સહમતિથી લગ્ન થયાં હતાં. પહેલા દિવસથી જ ત્યાંની સરકાર (મેઘાલય સરકાર) ખોટું બોલે છે. ત્યાંની સરકારે જણાવવું જોઈએ કે કોની-કોની ધરપકડ કરવામાં આવી છે. ગાઝીપુર જઈને દીકરીએ ધાબા પરથી જાતે ફોન લગાવ્યો હતો. પોલીસ ધાબે પહોંચી હતી અને ત્યાંથી લઈને આવી છે. સોનમ સાથે મારી વાત નથી થઈ."
તેમણે કહ્યું કે, "દીકરી (હત્યા) શા માટે કરાવે? જો આવું હોય તો તેઓ ફરવા કેમ ગયા હોત? મારી અમિત શાહજીને વિનંતી છે કે આની સીબીઆઈ તપાસ કરવામાં આવે. મેઘાલય પોલીસે વાત ઉપજાવી કાઢી છે."
પોલીસનું શું કહેવું હતું?

ઇમેજ સ્રોત, Sameer Khan/BBC Hindi
ઇસ્ટ ખાસી હિલ્સ જિલ્લાના એસપી (સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ) વિવેક સ્યેંમે બીબીસી હિંદીને જણાવ્યું, "આ એક હત્યા હતી એ વાતમાં કોઈ શંકા નથી. અમે ઘટનાસ્થળેથી એક 'દાઓ' (લાંબુ ધારદાર હથિયાર) કબજે કર્યું છે. જોકે, વધુ જાણકારી માટે અમે પોસ્ટમૉર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ."
તેમણે કહ્યું કે પોલીસે હત્યાનો કેસ નોંધ્યો છે અને હાલમાં તેની પ્રાથમિકતા સોનમને શોધવાની છે.
અગાઉ પોલીસે મંગળવારે કહ્યું હતું કે હનીમૂન માટે આવેલા ઇંદોરના વતની રાજા રઘુવંશીની ધારદાર હથિયારથી હત્યા કરવામાં આવી છે.
પરિવારે સીબીઆઈ તપાસની માંગ કરી હતી

ઇમેજ સ્રોત, Sameer Khan/BBC Hindi
પોલીસના કહેવા મુજબ રાજા અને સોનમે એક સ્કૂટી ભાડે કરી હતી. તેમના જીપીએસ (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) ડેટામાં બહાર આવ્યું હતું કે તેઓ તા. 23 જૂને તેઓ થોડો સમય માવક્કા ગામે રોકાયાં હતાં. રાજાનો મૃતદેહ મળ્યો, ત્યાંથી આ જગ્યા લગભગ 20 કિમી દૂર છે.
ઇંદોરમાં રાજાના સ્વજનોએ પોલીસ પર તપાસમાં ઢીલ રાખવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું કે રાજાનું પર્સ, ઘરેણાં અને અન્ય સામાન ગુમ થઈ ગયો છે.
રાજાના મોટા ભાઈ સચીન રઘુવંશીએ અપહરણ અને હત્યાની શંકા વ્યક્ત કરીને સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) તપાસની માંગણી કરી હતી. તેમણે આ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી હસ્તક્ષેપ કરે તેવી માંગણી પણ કરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












