કોણ છે સોનમ કપૂરના હાથમાં મહેંદી લગાવનાર ગુજરાતી આર્ટિસ્ટ?

ઇમેજ સ્રોત, INSTAGRAM/SONAKISHADI/BBC
બોલીવુડની બબલી ગર્લ સોનમ કપૂરનાં લગ્ન આજે છે. સોનમ તેમના ગાઢ દોસ્ત આનંદ આહુજાને પરણવાનાં છે.
બાંદ્રાની એક મોટી હોટેલમાં સવારે 11 વાગ્યે શરૂ થયેલો લગ્ન સમારંભ રાતે સાડાબાર વાગ્યા સુધી ચાલશે.
સોમવારે સોનમની મહેંદી સેરેમની હતી, જેમાં બોલીવૂડના અનેક સ્ટાર્સ સામેલ થયા હતા.
મહેંદી સેરેમનીના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવ્યા હતા.
રિયા કપૂરે પણ તેમની બહેન સોનમને મહેંદી લગાડવામાં આવતી હોય એવો ફોટોગ્રાફ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

લગ્નમાં કોને આમંત્રણ અપાયું?

ઇમેજ સ્રોત, INSTAGRAM/RHEAKAPOOR/BBC
લગ્નમાં પહેરવાનાં વસ્ત્રો હોય કે જ્વેલરી, સોનમનાં લગ્ન માટે ઇન્ડસ્ટ્રીના ઉત્તમ પ્રોફેશનલ્સને બોલાવવામાં આવ્યા છે.
સોનમને મહેંદી મૂકવા માટે પણ વિખ્યાત મહેંદી આર્ટિસ્ટને બોલાવવામાં આવ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ આર્ટિસ્ટને બોલીવૂડનાં 'મહેંદી ક્વીન' તરીકે ઓળખવામાં આવે છે.
એ આર્ટિસ્ટ બોલીવૂડની લગભગ તમામ મોટી અભિનેત્રીઓના હાથમાં મહેંદી લગાવી ચૂક્યાં છે.
એ આર્ટિસ્ટે અભિનેત્રીઓનાં અંગત જીવનમાં જ નહીં, તેમની ફિલ્મોમાં પણ મહેંદી લગાવી આપી છે.
એ આર્ટિસ્ટ 'કભી ખુશી, કભી ગમ', 'કલ હો ન હો', 'મેરે યારકી શાદી હૈ', 'ગોડ તુસ્સી ગ્રેટ હો', 'પટિયાલા હાઉસ', 'યે જવાની હૈ દિવાની' અને અન્ય અનેક ફિલ્મોમાં કલાકારોને મહેંદી લગાવવાનું કામ કરી ચૂક્યાં છે.

કોણ છે આ 'મહેંદી ક્વીન?'

ઇમેજ સ્રોત, INSTAGRAM/VEENANAGDA/BBC
એ આર્ટિસ્ટનું નામ છે વીણા નાગડા. વીણા નાગડાને બાળપણથી જ મહેંદી મૂકવાનો શોખ હતો. તેમણે તેમના શોખને લગભગ 30 વર્ષ પહેલાં વ્યવસાય તરીકે અપનાવી લીધો હતો.
બોલીવૂડના સ્ટાર્સ જ વીણા નાગડાના ક્લાયન્ટ્સ નથી. દેશના વિખ્યાત બિઝનેસ પરિવારો પણ વીણા નાગડાની મહેંદી ડિઝાઇનના પ્રેમી છે.
અંબાણી, ટાટા-બિરલા અને રેમન્ડ ઉપરાંત દેશના મોટા રાજકીય નેતાઓના પરિવારો પણ વિશેષ પ્રસંગે વીણા નાગડાને તેમને ત્યાં બોલાવી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
વીણા નાગડાની વેબસાઇટ પરની માહિતી મુજબ, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રફુલ્લ પટેલનાં પુત્રી અંજલિ તેમનાં ક્લાયન્ટ છે.
કેટરિના કૈફ, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, ઝરીન ખાન, માધુરી દીક્ષિત, રેખા, શ્રીદેવી, અમૃતા સિંહ, દિયા મિર્ઝા, તબુ, પૂનમ ઢિલ્લન, નેહા ધૂપિયા, લતા મંગેશકર અને હેમા માલિનીને વીણા નાગડા જાતે મહેંદી લગાવી ચૂક્યાં છે.
વીણા નાગડાના દાવા મુજબ, તેમનું નામ વિશ્વમાં સૌથી ઝડપથી મહેંદી લગાવી આપતા લોકોમાં સામેલ છે.
તેમની લોકપ્રિયતા મુંબઈ પૂરતી મર્યાદિત નથી. તેઓ ગુજરાત, દિલ્હી, જયપુર, ઉદયપુર, કોલકાતા, પૂણે ઉપરાંત બેંગકોક, હોંગકોંગ, મલેશિયા, બેલ્જિયમ, ગ્રીસ, લંડન, પેરિસ, અમેરિકા અને અન્ય વિદેશી શહેરોમાં મહેંદી લગાવવા જઈ ચૂક્યાં છે.

કેવીહોય છે મહેંદીની ડિઝાઈન?

ઇમેજ સ્રોત, INSTAGRAM/VEENANAGDA/BBC
વીણા નાગડાને બ્રાઇડલ મહેંદીના નિષ્ણાત માનવામાં આવે છે.
તેઓ નેઇલ પોલીશ, શેડેડ, હીરા-મોતી, અરબી અને બ્લેક મહેંદી જેવી ડિઝાઇન માટે પણ વિખ્યાત છે.
વીણા નાગડાનો જન્મ એક રૂઢીચુસ્ત જૈન પરિવારમાં થયો હતો. તેથી તેમને દસમા ધોરણથી આગળનો અભ્યાસ કરવા દેવામાં આવ્યો ન હતો.
વીણા નાગડાએ તેમની કારકિર્દીની શરૂઆત સાડી એમ્બ્રોયડરીથી કરી હતી, પણ મહેંદીમાં વધારે રુચિ હોવાને કારણે તેઓ ધીમે-ધીમે આ ક્ષેત્રમાં આગળ વધ્યાં હતાં.
વીણા નાગડાના ઉત્તમ કામને ધ્યાનમાં લઈને વિખ્યાત નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરે તેમને 'બોલીવૂડ મહેંદી ક્વીન'નો ખિતાબ પણ આપી દીધો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















