પાકિસ્તાનથી ભૂલથી પકડેલી ટ્રેનને કારણે શરૂ થઈ એક દર્દભરી પ્રેમકથા

સિરાજ અને સાજિદા
ઇમેજ કૅપ્શન, સિરાજ અને સાજિદા
    • લેેખક, શુમાઇલા જાફરી
    • પદ, બીબીસી સંવાદદાતા, શારકૂલ, પાકિસ્તાન

મુંબઈના એન્ટાફિલ વિસ્તારની સાંકડી ગલીઓમાં, નાનકડું ઘર છે જ્યાં સિરાજ અને સાજિદા પોતાનાં ત્રણ બાળકો સાથે જીવન પસાર કરતાં હતાં. સિરાજ રસોઇયા તરીકે કામ કરતો હતો અને સાજિદા ગૃહિણી હતાં.

પણ એકાદ મહિના પહેલાં સાજિદા અને સિરાજના હસતાં-ખીલતાં જીવનને જાણે કે ગ્રહણ લાગ્યું, ભારતીય સત્તાવાળાઓએ ગેરકાયદે સરહદ પાર કરવા બદલ સિરાજને આરોપી ગણી તેમને તેમના જન્મસ્થળ પાકિસ્તાન પરત મોકલી દેવાયા.

સિરાજના જીવનમાં આ પ્રકરણની શરૂઆત 24 વર્ષ પહેલાં થઈ હતી, જ્યારે સિરાજ 10 વર્ષના હતા.

પરીક્ષાનું પરિણામ ખરાબ આવતાં સિરાજનો તેમના પરિવાર સાથે ઝઘડો થયો.

સિરાજે પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલા સુંદર નાના ગામ 'શારકૂલ' અને પોતાના પરિવારને જાણે છેલ્લી સલામ કરી અને કરાંચી જવા માટે બધુ છોડીને ભાગી નીકળ્યા.

જોકે, લાહોર રેલ્વે સ્ટેશનથી સિરાજ જે ટ્રેનમાં બેઠા તે તેમના જીવનની ખોટી ટ્રેન હતી. આ ટ્રેન તેને પાકિસ્તાનથી ભારત લઈ આવી.

શારકૂલના ઘર બહાર ખાટલા પર બેઠેલા સિરાજે કહ્યું, "પહેલાં થોડાં દિવસો સુધી મને એવું જ લાગતું હતું કે હું કરાંચીમાં જ છું, પણ પછી મને ખ્યાલ આવ્યો કે આ કરાંચી નહીં પણ ભારત હતું."

સિરાજ

સિરાજ તેમની પાછળ દેખાતા પર્વતો જેવા શાંત દેખાતા હતા, પણ વાસ્તવમાં તે ઘણા ઉદાસ અને ગંભીર હતા.

જે તેમના શબ્દોમાં વર્તાતું હતું, "મેં મારા જીવનનાં ત્રણ વર્ષ અમદાવાદની બાળકોની જેલમાં પસાર કર્યાં, હું જેલમાંથી છૂટ્યો ત્યારે મારું નસીબ મને મુંબઈ લઈ ગયું. જ્યાં ધીમે-ધીમે મારી નવી જિંદગીની શરૂઆત થઈ."

શરૂઆતનાં વર્ષોમાં મોટાભાગે સિરાજ ફૂટપાથ પર ભૂખ્યા ઊંઘી રહેતા, પણ સમય જતાં રસોઇયા તરીકે કામ કરવા લાગ્યા.

પોતાની જરૂરિયાત જેટલું તેઓ કમાઈ લેતા હતા. 2005માં પડોશીઓની મદદથી તેઓ સાજિદાને મળ્યા અને સિરાજે તેમની સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.

તમે આ વાંચ્યું કે નહીં?

રડતાં-રડતાં સાજિદાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "એ લોકોએ અમારું જીવન તહસનહસ કરી નાખ્યું, મારા બાળકો તેમના પિતાને જોવા માટે આતુર છે."

"ભારતમાં એક વ્યક્તિને રાખી શકાય એટલી પણ જગ્યા નથી?, હવે હું અહીંની સરકારને વિનંતીઓ કરું છું કે મને અને મારા બાળકોને પાસપોર્ટ બનાવી આપે, જેથી અમે સિરાજ પાસે પાકિસ્તાનમાં જઈ શકીએ."

2009માં સિરાજે ભારત સરકાર સમક્ષ પાકિસ્તાની તરીકે શરણાગતિ સ્વીકારવાનો નિર્ણય કર્યો, જેનાથી તે પોતાના વતન પાછો જઈને પોતાના માતાપિતાને મળી શકે.

જે માતાપિતા સિરાજને શોધવા માટે વર્ષોથી પોસ્ટરો લગાવતાં હતાં. પણ, તેના આ નિર્ણયથી જ સમસ્યા શરૂ થઈ હતી.

સિરાજ અને સાજિદા

સિરાજે કહ્યું, "2006માં જ્યારે મારા પહેલા બાળકનો જન્મ થયો, ત્યારે હું મારા માતાપિતાને યાદ કરતો હતો, મને સમજાઈ ગયું કે મારા સારા માટે જ એ લોકો મારા પર ગુસ્સે થતાં હતાં."

સિરાજના કહેવા પ્રમાણે મુંબઈની સીઆઈડી બ્રાંચે તેમના કેસમાં તપાસ શરૂ કરી હતી, તેમને પાકિસ્તાનમાં સિરાજનો પરિવાર મળ્યો, પણ તેમને પરત પાકિસ્તાન જવાની પરવાનગી આપવાના બદલે ફૉરેનર એક્ટ હેઠળ તેમની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવાયા.

સિરાજ પાંચ વર્ષ સુધી કાયદાકીય લડત લડ્યા, પણ હારી ગયા અને સિરાજને દેશનિકાલ કરીને પાકિસ્તાન મોકલી દેવાયા.

સાજિદાએ રોષ ઠાલવતા કહ્યું, "સરકાર તરફથી મદદ કરવા માટે હજુ સુધી કોઈ જ નથી આવ્યું, કેમ?, અમે મુસ્લિમ છીએ એટલે જ?"

"મેં એ લોકો પાસે ભીખ માગી કે મારા બાળકો પર દયા કરો અને અમને પાસપોર્ટ મેળવવામાં મદદ કરો."

સાજિદાને પાસપોર્ટ કઢાવવા માટે મકાન માલિક તરફથી એનઓસી જોઈએ છે, પણ તેમના કહેવા પ્રમાણે મકાન માલિક મદદ કરવા તૈયાર નથી.

બીજી તરફ સિરાજે પાકિસ્તાનના નાગરિક તરીકે ઓળખપત્ર માટે પ્રક્રિયા શરૂ કરી છે, પણ કામગીરીમાં થઈ રહેલા વિલંબના કારણે તે હવે હતાશ થઈ ગયા છે.

સિરાજ અને સાજિદા બન્ને કાયદાકીય ઔપચારિકતાઓમાં ફસાઈ ગયા છે અને બન્ને સરહદના કારણે અલગ થઈ ગયાં છે.

સાજિદા

સિરાજ એવી સ્થિતિનો અનુભવ કરી રહ્યા છે કે જાણે ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે.

તેઓ કહે છે, "25 વર્ષ પહેલાં હું મારા માતાપિતાથી અલગ થઈ ગયો હતો અને હવે હું મારા બાળકોથી અલગ થઈ ગયો છું."

"હું નથી ઇચ્છતો કે મારા બાળકો પણ એ જ પીડાદાયક સમયમાંથી પસાર થાય કે જેમાંથી હું બે દાયકા પહેલાં પસાર થયો હતો."

સિરાજને મન ભારત અને પાકિસ્તાન એક સમાન છે. તેઓ એક દેશમાં જન્મ્યા અને બીજા દેશમાં તેમણે પોતાના જીવનનાં મહત્ત્વનાં વર્ષો પસાર કર્યાં. પણ તે પોતાના પરિવાર માટે તરસી રહ્યા છે.

સિરાજને તેમના રૂઢિચુસ્ત ગામમાં પોતાની પશ્તુન સંસ્કૃતિ અપનાવવામાં તકલીફ પડી રહી છે, કારણકે, તરુણ વયે જ તે આ બધું છોડીને ચાલ્યો ગયો હતો.

સિરાજ અને તેનાં બાળકો

સાજિદાની સ્થિતિ જાણે અગ્નિ પરીક્ષા જેવી છે. સિરાજના ગયા પછી સાજિદાએ પોતાનું અને બાળકોનું ગુજરાન ચલાવવા સાજિદની જેમ જ રસોઇયણ તરીકે કામ શરૂ કર્યું અને ઘરે આર્ટિફિશલ જ્વેલરી બનાવવાનું કામ પણ કર્યું

સાજિદાએ રડતાં-રડતાં કહ્યું. "એ મહત્ત્વનું નથી કે હું મારા બાળકોની જરૂરિયાત પૂરી કરી શકું છું કે નહીં અને એ પણ મહત્ત્વનું નથી કે, હું મારા બાળકોને આરામની જિંદગી આપી શકું છું કે નહીં.

"હું તેમના પિતાને બદલી શકવાની નથી. એ લોકો(દેશના સત્તાવાળાઓ)એ મારા બાળકોને તેમના પિતાના પ્રેમ અને હૂંફથી વંચિત કરી દીધાં છે."

સાજિદાએ વિદેશ મંત્રી સુષમા સ્વરાજની પણ મદદ માંગી હતી. વિદેશ મંત્રી સરહદ પાર પણ લોકોની સમસ્યા હલ કરવા માટે જાણીતાં છે.

સાજિદાએ કહ્યું, "હું પણ ભારતીય છું, આ મારી જ જન્મભૂમિ છે, દયા કરીને મને મારા પતિને મળવામાં મદદ કરો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો